ગુજરાતી નારીસંપદા : કવિતા/જાગે માણસ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
જાગે માણસ

મંજરી ભારતન

અડધોપડઘો જાગે માણસ,
રઘવાયો થૈ ભાગે માણસ.

સૂરજનાં અજવાળાં છાંડી,
અંધારાંને તાગે માણસ.

ઝુરાપાની જર્જર શાખે,
શમણાં લીલાં ટાંગે માણસ.

જાતે પડતો ને આખડતો,
બીજાને પણ વાગે માણસ.

સોનાના અંબારે બેસી,
રેતીના કણ માંગે માણસ.

જ્યારે લૂછે કોઈનાં આંસુ,
તદ્દન સાચો લાગે માણસ.

***