ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/ઑસ્લોનાં આ ઉપવન-શિલ્પો

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૪૪
કિશોરસિંહ સોલંકી

ઑસ્લોનાં આ ઉપવન શિલ્પો





ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા • ઑસ્લોનાં આ ઉપવન-શિલ્પો - કિશોરસિંહ સોલંકી • ઑડિયો પઠન: કિરણ પટેલ



અમે હેલસિન્કી (ફિનલૅન્ડ), સ્ટૉકહોમ (સ્વિડન), કૉપનહેગન (ડેન્માર્ક) થઈને છેલ્લે બપોરે ૩ઃ૩૦ કલાકે ક્રૂઝમાં ઑસ્લો (નોર્વે) જવા રવાના થયાં. ક્રૂઝ તો ક્રૂઝ હોય છે. જાણે, કોઈ અતિઆધુનિક આખું નગર પાણી ઉપર તરી રહ્યું હોય એવું લાગે, પણ એની વાત તો ક્યારેક કરીશું. આ સ્કેન્ડિનેવિયન યુરોપના વાયવ્ય ભાગમાં આવેલા દ્વીપકલ્પ, જટલૅન્ડ અને એમને અડીને આવેલા અન્ય ટાપુઓ દ્વારા રચાતો ભૂમિપ્રદેશ છે. સામાન્ય રીતે એમાં નોર્વે, સ્વિડન અને ડેન્માર્કનો સમાવેશ થાય છે. નોર્વેના કિનારાના ભાગો સમુદ્રની સપાટીથી ૨૨૮૬થી ૨૪૩૮ મી. જેટલા ઊંચાઈવાળા છે. જ્યાં પોચી પૃષ્ઠભૂમિ હતી ત્યાં નદીઓએ ઊંડી ખીણો બનાવી. યુગોથી હિમનદીઓ દ્વારા ઘસારો થતાં તેમાં ઊંડી ‘યુ’ (U) આકારની ખીણોની રચના થઈ. તેથી ફિયૉર્ડ (Fjord) પ્રકારના કિનારા બનતા ગયા. તેની ફિયૉર્ડ સહિતની સમુદ્રતટરેખા ૨૧૩૪૦ કિ.મી. જેટલી છે. એનો ૧/૩ ભાગ ઉત્તર ધ્રુવની ઉત્તરમાં આવેલો છે. તેથી તે ‘મધ્યરાત્રિના સૂર્યનો દેશ’ એ નામે ઓળખાય છે. એના મોટા ભાગના વિસ્તારો પહાડી છે. ઉચ્ચ પ્રદેશનો દક્ષિણ ભાગ ‘ફેલ્ડ’ (Fjeld) તરીકે ઓળખાય છે. જે બારે માસ હિમાચ્છાદિત રહે છે. આ દેશનો કિનારો ફિયૉર્ડ સ્વરૂપનો એટલે કે અત્યંત ખાંચાખૂંચીવાળો છે. એવો આ નોર્વે દેશ. એનું સૌથી મોટું શહેર, અગત્યનું બંદર, પાટનગર તથા આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય પ્રવૃત્તિઓના કેન્દ્ર સમાન ઑસ્લોમાં તા. ૧૬મી ઓગસ્ટ, ૨૦૧૧ના રોજ સવારે ૯ઃ૩૦ કલાકે અમારું આગમન થયું. ૦ અમને ડ્રાઇવરે બપોરના બાર વાગ્યા પછી ઑસ્લોના પશ્ચિમ છેડે આવેલા ઐતિહાસિક હેરિટેજ ફ્રોગ્નર પાર્કની સામે ઉતાર્યાં. મારા મનમાં તો પાર્ક એટલે કોઈ બગીચો હશે, એવી ધારણા હતી. હા, બગીચો જ હતો. જ્યાં ચિનારનાં વૃક્ષો શિસ્તમાં ઊભાં રહીને પ્રવાસીઓને આવકારતાં હતાં. નોર્વેના સૌથી મોટા ગુલાબના આ બગીચામાં દોઢસોથી વધારે પ્રકારનાં ફૂલ હવામાં ડોલી રહ્યાં હતાં. લીલી હરિયાળી, જાણે નાહીને તાજીમાજી થઈને હસતી હસતી સામે લેવા આવતી ન હોય! અમારી ગાઇડ આજના ઊઘડેલા હવામાનની પ્રશંસા કરતી હતી. આકાશ સ્વચ્છ હતું, સૂરજ આનંદમાં. આ ફ્રોગ્નર પાર્ક ૧૧૦ એકરમાં ફેલાયેલો છે. એની મધ્યમાં ૮૦ એકરમાં વિશ્વનો સૌથી મોટો વિગેલેન્ડ સ્કલ્પ્ચર પાર્ક (Vigeland Sculp- ture Park) આવેલો છે. એને જોયા પછી થયું કે, આ કોઈ સામાન્ય નહિ પણ વિશિષ્ટ પાર્ક છે. અહીં માત્ર વૃક્ષ-વનરાજિ કે ફૂલછોડનો બગીચો નથી પણ એથીય કંઈક વિશેષ છે, એ દૂરથી અંદરની શિલ્પકૃતિઓ જોતાં લાગ્યું. એ શિલ્પો – માનવ આકૃતિઓ અમને લલચાવી રહી હતી. અમારી ગાઇડે કહ્યું કે, આ પાર્ક નોર્વેનું ગૌરવ છે. જેમાં ૨૧૨ બ્રોન્ઝ અને ગ્રેનાઇટનાં શિલ્યો છે. આપણે જાણીએ છીએ કે, દરેક પથ્થરમાં મૂર્તિ બનવાની ક્ષમતા છે. પ્રશ્ન એટલો જ છે કે, એ પથ્થર કોના હાથમાં આવે છે. જેવો હાથ એવો એનો ઉપયોગ. જો એને કોઈ શિલ્પીનો હાથ મળી જાય તો એ મૂર્તિ બની જાય છે. આ વખતે મને માઇકલએન્જેલો યાદ આવે છે. એમને કોઈએ પૂછ્યું કે, ‘તમે આવી સુંદર શિલ્પકૃતિઓ કેવી રીતે બનાવો છો?’ એમણે ઉત્તર આપ્યો : ‘કોઈ પણ પથ્થર હું જોઉં છું તો એમાં મને કોઈ ચોક્કસ આકાર દેખાય છે. એ સિવાયનો વધારાનો જે નકામો ભાગ હોય તે હું કાઢી નાખું છું.’ કોઈ પણ શિલ્પી ટાંકણું કેવી રીતે પકડે છે એના પરથી એની કુશળતાનો ખ્યાલ આવે છે. અહીં જોયા પછી મને પણ થાય છે કે, આ કોના હાથ હશે જેણે આવાં અદ્ભુુત શિલ્પોનું સર્જન કર્યું છે? એ છે તો નોર્વેના મહાન શિલ્પકાર ગુસ્તાવ વિગેલેન્ડ (જ. ૧૧મી એપ્રિલ ૧૮૬૯ – અ. ૧૨મી માર્ચ, ૧૯૪૩). જેની કલાની એક જાદુઈ દુનિયાના દરવાજે આવીને અમે ઊભાં હતાં. અમે અંદર પ્રવેશ્યાં. ચોમેર મેળા જેવાં દૃશ્યો હતાં. કોઈ પણ પ્રકારના હોબાળા કે કોલાહલ નહિ. ચૂપચાપ ચોંટેલી આંખો અને ફટાફટ દબાતી કૅમેરાની ચાંપો. હા, નાના નાનાં ભૂલકાં એનો અનહદ આનંદ માણી રહ્યાં હતો. કોઈ નાનાં બાળકો શિલ્પની નકલ કરતાં હતાં, કોઈ શિલ્પોના પગ નીચેની જગ્યામાં ભરાતાં હતાં, કોઈ સવારી કરતાં હતાં, તો કોઈ દોડાદોડી કરતાં હતાં. આ બાળકોની મજાક-મસ્તી આ પાર્કને જીવંત બનાવતી હતી. અરે! કેટલાંક યુવાન-યુવતીઓ પણ શિલ્પોને બાથમાં લઈને તથા એની અડખેપડખે ઊભા રહીને ફોટા પડાવતાં હતાં. એક રંગીલો માહોલ સર્જાયો હતો. મુખ્ય દરવાજાથી ૩૨૮ ફૂટ લાંબો અને ૪૦ ફૂટ પહોળો કલાત્મક પુલ બનાવ્યો છે. તે ૫૮ શિલ્પોથી સજ્જ છે. એમાં સૌથી પ્રખ્યાત અને દરેક પ્રવાસીઓનું પ્રિય પાત્ર છે એક ગુસ્સાવાળો છોકરો! બ્રોન્ઝમાં બનાવેલા આ શિલ્પની વિશિષ્ટતા એ છે કે, એને એટલો બધો ગુસ્સો છે કે, એના બે હાથની મુઠ્ઠીઓ વળી ગઈ છે અને એક પગ અધ્ધર થઈ ગયો છે. આ બાળકના શિલ્પમાં દરેક મા-બાપને પોતાના બાળકની પ્રતિકૃતિ દેખાય છે. કારણ કે ક્યારેક પોતાનું બાળક પણ આવું ગુસ્સે થયું જ હશે. શિલ્પકારે જે રીતે એના ભાવ ઉપસાવ્યા છે તે કાબિલે દાદ છે. મારા બે જોડિયા પૌત્રો તનવ અને તનયે એની પાસે ઊભા રહીને એવો ગુસ્સો કરવાનો પ્રયત્ન કર્યો પણ તે સફળ થયા નહિ! પુલના છેડે બાળકોને રમવાનું મેદાન છે. એમાં બ્રોન્ઝનાં આઠ બાળકો રમતાં બતાવ્યાં છે. એક બાબત ખાસ નોંધવી જોઈએ કે, અહીં આપણું બાળપણ પાછું મળે છે. એમની મસ્તી-આનંદ આપણને પણ સ્પર્શી જાય છે. એના બીજા છેડે એક અદ્ભુત ફુવારો બનાવ્યો છે. જે પુરુષો ઊંચકીને ઊભા છે. એમાં ઉપરથી ચારેબાજુ પાણી રેલાય છે, જે જીવનનો પ્રવાહ દર્શાવે છે. બીજાં વીસ જેટલાં બ્રોન્ઝનાં વૃક્ષો છે. જેનાં થડ પકડીને પુરુષો ઊભા છે, બાળકો ઉપર ચડ્યાં છે. એ વૃક્ષોને બાથ ભરીને પર્યાવરણનો સંદેશો આપતાં હોય એવું જણાય છે. કેટલાંક શિલ્પો બાળકોને રમાડી રહ્યાં છે. હવામાં ઉછાળતાં દર્શાવ્યાં છે. પુલની નીચેથી વહેતું પાણી સામેના તળાવમાં જાય છે. બગીચામાં પણ જડાયેલાં શિલ્પોની એક અલગ છાપ ઊપસે છે. સ્ત્રી-પુરુષનું સંવનન, એકબીજાના ઝઘડા અને સ્ત્રી-પુરુષ વીંટળાઈને – એકબીજાને પકડીને બનાવેલું વર્તુળ, એની મથામણ આપણને કોઈ સંદેશો આપે છે. ફુવારાની આજુબાજુ બનાવેલાં વૃક્ષો માટે જે ચોરસ બનાવ્યું છે, એની દીવાલે પણ શિલ્પો કોતર્યાં છે. શરૂઆત બાળકોનાં શિલ્પથી કરી છે અને છેલ્લે છે તે માણસનાં હાડપિંજર દર્શાવ્યાં છે. આ આખું જે ગ્રૂપ છે તે જીવનચક્ર છે. બાળકો, દામ્પત્યજીવનનો આનંદ લેતાં સ્ત્રી-પુરુષો, હવામાં વાળ ફેલાવીને પોતાનો અનેરો આનંદ માણતી સ્ત્રી, સ્ત્રી-પુરુષની મજાક-મસ્તી – આમ, આ શિલ્પોમાં જીવનની ગતિ-પ્રગતિ-અવસ્થા અને કાળનો પ્રવાહ જોઈ શકાય છે. આ બધાં જ શિલ્પો બ્રોન્ઝમાં બનાવેલાં છે. પણ એની નજાકતા આપણા હૃદયને સ્પર્શી જાય છે. ત્યાં એક વિશિષ્ટ ઘડિયાળનું શિલ્પ છે, જે બ્રહ્માંડની સાથે કાળનું ભાન કરાવે છે. બસ, આપણને થાય કે, અહીં કલાકોના કલાકો બેસીને આ બધું જ આંખો દ્વારા પીધા જ કરીએ! આ એવો કલાકાર છે જેણે માનવભાવોને આબેહૂબ રીતે ઉજાગર કર્યા છે. વિગેલેન્ડ પાર્કનું સૌથી મુખ્ય અને અતિઆકર્ષિત ‘ધ મોનોલિથ’ (The Monolith) છે. [આ શબ્દ લેટિન ‘Monolitus’ તથા ગ્રીક ‘Monolithos’ પરથી આવ્યો છે, એવું ગાઇડે કહ્યું, એનો અર્થ ‘એક આખો નક્કર પથ્થર’ એવો થાય છે.] જે ૪૬,૩૨ ફૂટ ઊંચો છે. ૧૯૨૭માં હેલ્ડરની ખાણમાંથી આ પથ્થર લાવવામાં આવેલા, કલાકારે દસ માસ સુધી મહેનત કરીને એના સ્કેચ અને બીબાં બનાવેલાં. આ મોનોલિથનું કામ ચૌદ વર્ષ સુધી ચાલેલું. એક સળંગ પથ્થરમાંથી બનાવેલા આ મોનોલિથ (સ્તંભ) ઉપર ૧૨૧ માનવશિલ્પો કંડારેલાં છે. આપણે જાણીએ છીએ કે, માણસોની ભીડના કારણે કોઈ ગોઝારી ઘટના ઘટે તો લોકો પોતાનો જીવ બચાવવા બીજાનો વિચાર કર્યા વિના, નીચે પડી ગયેલાં લોકોને કચડતાં એમના ઉપર થઈને દોડધામ કરતાં હોય છે. એવા જ ભાવવાળાં આ માનવશિલ્પો એકબીજાની ઉપર થઈને આકાશ તરફ જવાનો સંઘર્ષ કરતાં દર્શાવાયાં છે. આ સ્મારકની આજુબાજુ પણ ૩૬ શિલ્પો કંડારેલાં છે. એમાં પણ માનવભાવોને સરસ રીતે વાચા આપી છે. એમાં પ્રેમ, વાત્સલ્ય, આશા- નિરાશા, હળવા-મળવાનો આનંદ, વગેરે આબેહૂબ કોતરાયા છે. આ પથ્થરમાં કોતરાયેલાં શિલ્પો મોટા ભાગે વાતો કરતાં, પ્રેમની લાગણી વ્યક્ત કરતાં, રિસાયેલા, એકબીજાંને વીંટળાઈને બેઠેલાં જોવા મળે છે. બાળકો એનો ભરપૂર લાભ લઈ રહ્યાં હતાં. એ શિલ્પોની પાસે, એના માથા કે પીઠ ઉપર બેસીને ફોટા પડાવતાં હતાં. કેટલાંક નવપરણિત યુગલો એનો રોમાંચ અનુભવતાં એકબીજાંને ચુંબન દ્વારા ભાવો વ્યક્ત કરતાં હતાં. આ શિલ્પોની સૌથી મોટી વિશિષ્ટતા એ છે કે એ બધાં જ નગ્નસ્વરૂપે કોતરાયાં છે. માનવજીવનની શારીરિક-માનસિક જરૂરિયાતોને વાસ્તવિક રીતે ઉજાગર કરી છે. આપણાં ખજૂરાહોનાં શિલ્પોમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષની ગતિ તરફનો નિર્દેશ છે, ઓશોએ સંભોગથી સમાધિની વાત કરી છે, એમ અહીં આ શિલ્પોમાં જે માનવનો ગોપિત અંચળો છે એને દુનિયાના ચોકમાં ખુલ્લો મૂકી દીધો છે. એમાં કશું જ અનુચિત લાગતું નથી. આ દુનિયામાં આવ્યા ત્યારે કપડાં નહોતાં અને જઈશું ત્યારે પણ નહિ હોય. આ શિલ્પો અથેતિ જોયા પછી આપણા મનના વિકારને વિરામ મળે છે, એ કલાકારની મહાન સિદ્ધિ છે. આપણી સંસ્કૃતિમાં જીવનને ચાર આશ્રમમાં વિભાજિત કર્યું છે. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ – એમ અહીં આ કલાકારે આ શિલ્પો દ્વારા જીવનના ચાર તબક્કા મૂકી આપ્યા છે : બાલ્યાવસ્થા, પુખ્તતા, માતા-પિતાપણું અને વાર્ધક્ય – એ પછીની જે ગતિ છે તે ઉપર તરફની છે. એટલે એમ કહી શકાય કે માણસની ગતિ પારણાથી શરૂ કરીને સ્મશાન સુધીની છે. વચ્ચેનો જે ગાળો છે, એમાં કેટલા બધા ધમપછાડા હોય છે તે આ શિલ્પોમાં દૃઢપણે કહેવાયું હોય એમ લાગે છે. આ મહાન શિલ્પકારે કલાની એક અદ્ભુત દુનિયા એકલા હાથે કઠિન પરિશ્રમ કરીને કંડારી છે. આ એ જ કલાકાર હતો જેણે વિશ્વના મહાન ઍવૉર્ડ નોબલ શાંતિ પુરસ્કારની પણ ડિઝાઇન બનાવી આપી હતી. કહેવાય છે કે, આ કલાકારે પોતાનું વચન નિભાવવા માટે શહેરમાં આ શિલ્પ ઉપવન બનાવ્યું હતું. વિગત એવી છે કે, ઑસ્લોની મ્યુનિસિપાલિટીએ ૧૯૨૧માં એક લાંબા વિવાદ બાદ આ મહાન કલાકારના શહેરમાં આવેલા મકાનને તોડવાનું નક્કી કરેલું. એના મકાનમાં એનો આર્ટ સ્ટુડિયો અને લાઇબ્રેરી હતાં, એણે આખરે શહેરની બહાર નવા મકાનમાં જવાનું નક્કી કર્યું. એણે શાસકોને વચન આપેલું કે એની બધી જ કલાકૃતિઓ, શિલ્પો, રેખાચિત્રો, ડ્રોઈંગ અને નકશીકલા – બધું જ દાનમાં આપી દેશે. ગુસ્તાવ વિગેલેન્ડ ૧૯૨૪માં ફ્રોગ્નર પાર્કની પાસે નવા મકાનમાં રહેવા ગયો. એણે ૨૩-૨૩ વર્ષ સુધી એક્લા હાથે કામ કરીને આ બધી જ કલાકૃતિઓ તૈયાર કરી. ‘શિલ્પ આત્મ-સંસ્કાર છે એટલે કે શિલ્પ માનવઆત્માને સંસ્કારિત કરે છે.’ (ગોપથ બ્રાહ્મણ-૨/૬/૭). એ આ કલાકારમાં જોવા મળે છે. આ શિલ્પોમાં માનવભાવોને જે રીતે કંડાર્યા છે તે અકલ્પનીય છે. એમાં કલાકારે માનવોને આબેહૂબ રીતે બ્રોન્ઝ અને પથ્થરમાં જીવતાં કર્યાં છે. આ બધાં જ શિલ્પ એકબીજાની સાથે સંલગ્ન છે. એક જમાનો હતો કે માણસો અરસપરસ મળીને પોતાનાં સુખ-દુઃખ વહેંચતાં, પોતાનો રાજીપો વ્યક્ત કરતાં. કોઈને કંઈ તકલીફ હોય તો એના પડખામાં જઈને ઊભાં રહેતાં. ભૂખ-તરસે દરેક પ્રત્યે પોતાની સહાનુભૂતિ રહેતી. દુઃખીને હૈયે લગાવીને આશ્વાસન આપતાં. માણસના સારા-માઠા પ્રસંગે હાજર રહીને મદદ કરવાની ભાવના જોવા મળતી. પોતાના દુશ્મનના ઘેર પણ દુઃખનો પ્રસંગ હોય તો મનમાંથી બધું જ ખંખેરી નાખીને એના આંગણે હાજર થઈ જતાં – આ સામાજિક નિસ્બત હતી. લાકડીઓ મારવાથી પાણી જુદાં ના થાય – એમ સમાજમાં જેનાં ઝટિયાં ભેગાં ગૂંથાયેલાં હોય તે કેવી રીતે જુદાં થાય? કંઈક આવો જ ભાવ અને સંદેશો આ શિલ્પોમાંથી પ્રગટતો હોય એમ લાગે છે. કારણ કે આ શિલ્પોમાં મૂળ થીમ Wheel of Life (જીવનચક્ર) અને Circle of Life (જિંદગીનું વર્તુળ) આધારિત છે. જો કે પ્રવાસીઓ તો આ શિલ્પોની પોતપોતાની સમજ અને દૃષ્ટિ પ્રમાણે એની મુલવણી કરતા હોય છે. મને તો આ શિલ્પોમાં માણસની આદિમવૃત્તિ અને વાસ્તવિકતા સાથે સામાજિક નિસ્બતનું દર્શન થયું છે. આ કોઈ પથ્થર-બ્રોન્ઝનાં પૂતળાં નથી પણ એક કલાકારના અંતરમાંથી ઉદ્ભવેલું મહાકાવ્ય છે. આ દરેક શિલ્પમાંથી માનવજીવનની કવિતાનું ઝરણું વહે છે. આ કલાના વિશાળ સંગ્રહનાં શિલ્પના નમૂના વિશ્વની એક ધરોહર છે. પણ તે પૂરું થાય એ પહેલાં કલાકારનું મૃત્યુ થઈ ગયું. એ પોતાનાં શિલ્પોના સંગ્રહને જોવા ન રહી શક્યો. વર્ષો સુધી આ શિલ્પો, કલાકૃતિઓ, આર્કિટેક્ચર ડિઝાઇન પડ્યાં રહ્યાં. પછી એને ભેગાં કરીને આ પાર્કમાં સ્થાપિત કરવામાં આવ્યાં. જો કે, એણે આ પાર્ક કેવી રીતે બનાવવો એનો નકશો પણ તૈયાર કરેલો હતો જ. જ્યારે આ પાર્ક ખુલ્લો મુકાયો એ વર્ષે જ એક લાખ ને એંસી હજાર પ્રવાસીઓએ એની મુલાકાત લઈને કલાકારને સાચી શ્રદ્ધાંજલિ આપેલી. અત્યારે તો દર વર્ષે દસથી વીસ લાખ પ્રવાસીઓ એનો લાભ લે છે એવાં ઑસ્લોનાં આ ઉપવન શિલ્પોની અજબગજબ દુનિયામાંથી બહાર નીકળતાં મારા મનનો કબજો મંદાક્રાન્તાએ લીધો : ‘નોર્વે દેશે મધ-રજનીએ આથમે ભાનુ જ્યારે ઑસ્લોનાં આ ઉપવન શિલ્પો ઊગશે આભ મારે.’


[અણદીઠેલી ભોમ, ૨૦૨૧]