ગુજરાતી બાળવાર્તા સંપદા/ઝાડની જીવાદોરી : જીવાદાદા !

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ઝાડની જીવાદોરી : જીવાદાદા !

કિશોર વ્યાસ

‘દાદાજી, દાદાજી વારતા કરો ને !’ ‘બેટા ચિંતન ! શેની વારતા કરું ?’ ‘દાદાજી, દાદાજી આજે કાંઈક નવી અજીબોગરીબ વારતા કરોને...’ ‘ચાલ ! ત્યારે હું તને આજે નવા પ્રકારની અને વિસ્મય પમાડે તેવી વારતા કરું છું.’ એમ કહીને દાદાએ વારતા માંડી... ‘બેટા ચિંતન ! ઘણા ઘણા વર્ષો પૂર્વેની આ વાત છે. પૃથ્વી નવી નવી જન્મી હતી. એના ઉપર પહાડી સિવાય કશું જ ન હતું. ફળ-ફૂલ ઝાડ વગેરેનું અસ્તિત્વ જ ન હતું.’ ‘પછી ! દાદાજી !’ ‘પછી તો ધીરે ધીરે નાની નાની વનસ્પતિ અને જીવ-જંતુઓનો જન્મ અને વિકાસ થતો ગયો. પૃથ્વીના ચહેરા ઉપર લીલાશ છવાઈ ગઈ. નાનું નાનું ઘાસ, ફૂલ છોડની જગ્યાએ મોટા ફૂલ છોડ અને મોટા ફૂલ છોડની જગ્યાએ નાના મોટા ઝાડ અસ્તિત્વમાં આવતા ગયા.’ દાદાજી ઉધરસ ખાવા સહેજ અટક્યા. ‘બહુ મજા પડે છે દાદાજી ! પછી ?’ ‘બેટા, ચિંતન પછી તો નાનાં જીવ-જંતુઓનો જન્મ અને વિકાસ થવાં લાગ્યો. શરૂઆતમાં નાનાં પશુ-પંખી-પ્રાણી અને ધીરે ધીરે મોટાં પશુ-પંખી-પ્રાણી અસ્તિત્વમાં આવતાં ગયાં.’ ‘વાહ, દાદાજી ! વાહ !’ ‘બેટા, એમ કરતાં કરતાં આ પૃથ્વી પર આદિમાનવ અસ્તિત્વમાં આવ્યો અને કાળક્રમે માનવજાત વિકસવા લાગી.’ ‘જલ્દી દાદાજી !’ ‘પછી તો માનવ ખોરાક-પાણીની શોધમાં આમ-તેમ ફરતો થયો. શિકાર કરવા ઝાડની ડાળીઓના હથિયાર તરીકે ઉપયોગ કરતો ગયો.’ ‘પછી દાદાજી ! ચિંતન ઉત્સુકતામાં ઉભડક થઈ ગયો.’ દાદાજીએ ચિંતનને ખોળામાં ખેંચી વહાલ વરસાવતા-વરસાવતા વાત આગળ ચલાવી. ‘એ વેળાની વાત છે. બેટા ! એક જંગલી શિકારી પ્રાણી માનવની સામે અચાનક જ ધસી આવ્યું. ગભરાઈ ગયેલા માનવે બચવા માટે બાજુમાં ઉભેલા વૃક્ષની ડાળીને જોરથી ખેંચી. ડાળી ચિરાઈ ગઈ. ડાળી ચીરાવાના અવાજથી પેલું પ્રાણી જાય ભાગ્યું. પ્રાણી તો નાસી ગયું. પણ આ શું ? ડાળી ચિરાવાના અવાજથી પેલા માનવને નવાઈ લાગી. વૃક્ષના ચીરાયેલા ભાગમાંથી રસ ટપકવા લાગ્યો. જાણે વૃક્ષ રડતું ન હોય !’ ‘બાપરે ! દાદાજી !’ ‘હા, બેટા !’ ‘માનવ ચોંક્યો, એણે વૃક્ષ સામે જોયું. પેલા વૃક્ષને જાણે કે વાચા ફૂટી !’ એ બોલ્યું, ‘હે માનવ ! મારી ડાળી ચીરીને તે તારો જીવ બચાવ્યો. સારું થયું કે હું તારા કામમાં આવી શક્યું. પણ એમ મુશ્કેલીમાં હોઈએ ત્યારે તું અમારી મદદ કરજે. મારું અંગ ચીરાઈ જવાથી મને ખૂબ વેદના થાય છે. તેમ છતાં તારો જીવ બચ્યો એનો મને આનંદ છે. અને હા, આપણે એકબીજાના કામમાં આવીશું અને એકબીજાનું ધ્યાન રાખીશું તો જ આ ધરતીમાતા ટકી શકશે, તો જ આપણે ટકી શકીશું.’ ‘બેટા ચિંતન ! પેલા માનવે પછી વૃક્ષો સાથે ભાઈબંધી કરી લીધી. બંને એકબીજાના દુઃખમાં દુઃખી અને સુખમાં સુખી.’ ‘પણ, દાદાજી પેલા માનવનું નામ શું હતું ?’ ‘હા, બેટા ! એનું નામ તો કાંઈ નહોતું પણ આજે આપણે એનું નામ જીવાદાદા રાખીએ.’ ‘દાદાજી, આગળ હવે શું આવશે ?’ ‘પછી તો બેટા સમય સમયનું કામ કરવા લાગ્યો. વૃક્ષો અને જીવાદાદા સુંદર જીવન જીવવાં લાગ્યાં. વૃક્ષો દાદાજીને ફળ-ફૂલ, ઔષધ અને બળતણ તથા ઈમારતનું લાકડું પ્રેમથી આપવા લાગ્યાં.’ જીવાદાદા રોજ નવા ઝાડ વાવે પાણી પાઈ અને ઉછેરે. ‘સમય જતાં કેટલાંક વૃક્ષો સુકાઈ ગયાં. કેટલાક ખૂબ જ ફાલ્યાં. કેટલાંક વાવાઝોડામાં પડી ગયાં તો કેટલાક નુકશાનગ્રસ્ત થયાં. અનેક વૃક્ષો જીવાદાદાની મહેનતથી નવા ઊગ્યા. પવનમાં ફસાઈ જતી ડાળીઓને દાદાજી પ્રેમથી ઝાડ સાથે ચોંટે એ રીતે ભેગી બાંધી પાટા-પીંડી કરતાં. ઝાડ સાથે પક્ષીઓ કલરવ કરતાં, માળા બાંધતા.’ ‘આમ કરતાં કરતાં સમય વીતતો ચાલ્યો. જીવાદાદા ઘરડા થયા.’ ‘દાદાજી, તમારી જેટલા ઘરડાં થયા કે વધુ’ ‘મારી જેટલાં અને પછી તો મારાથી પણ વધુ ઘરડાં થયાં. જીવાદાદાનું શરીર ધીમે ધીમે સાવ નંખાઈ ગયું. હાલવા-ચાલવા અને બોલવામાં બિમાર દાદાજીને તકલીફ થવા લાગી. વૃક્ષો આ જોઈને દુઃખી દુઃખી થઈ ગયાં. આખા વિસ્તારમાં વાત ફેલાઈ ગઈ. વૃક્ષો ઓશિયાળા થવા લાગ્યાં. એના પાન દુઃખના કારણે ખરવાં લાગ્યાં. વૃક્ષો પાંખા થવાં લાગ્યાં. એમ કરતા દોઢ-બે મહિના વીતી ગયા. અને એક દિવસ...’ ‘અને એક દિવસ શું દાદાજી ?’ ‘અને એક દિવસ જીવાદાદા ગુજરી ગયા. વાતાવરણ ગમગીન થઈ ગયું. બધાં જ વૃક્ષોએ પોતાના બધા પર્ણો ખેરવી નાખ્યાં. બધું જ ઉજ્જડ અને વેરાન થઈ ગયું.’ ‘આલ્લે લે ! પછી શું થયું દાદાજી ! બધું જ ખતમ !’ ‘ના, બેટા ! પછી તો વૃક્ષો દિવસે અને રાત્રે જીવાદાદાના શોકમાં રડતાં હતાં. એટલે જીવાદાદાએ વૃક્ષોને સપનામાં આવી પાણી પીવડાવ્યું અને ફરી લીલા-લીલાં થઈ જવા વચન લીધું.’ ‘બેટા, ચિંતન ! બીજે દિવસે સવાર થતાં વૃક્ષોને પર્ણો ફૂટ્યાં. થોડા દિવસોમાં તો આખો વિસ્તાર ફરી લીલો છમ્મ અને નંદનવન બની ગયો.’ ‘વાહ ! દાદાજી વાહ ! બધું લીલું લીલું થઈ ગયું. મજા પડી ગઈ.’ ‘અરે બેટા ચિંતન ! પણ, ત્યારથી વૃક્ષોએ ભેગા મળી એવું નક્કી કર્યું છે કે જીવાદાદા જે દિવસથી બીમાર પડ્યા એ દિવસથી પાન ખેરવવાનું શરૂ કરવું અને જે દિવસે જીવાદાદા ગુજરી ગયા એ દિવસે બધા જ પાન ખેરવી અને શોક મનાવવો.’ ‘બેટા પછી તો દર વર્ષે આવું થાય. પછી માણસજાતે આ ઘટનાક્રમને પાનખર ઋતુનું નામ આપી દીધું.’ ‘અને દાદાજી ! જે દિવસે જીવાદાદા વૃક્ષોના સપનામાં આવી પાણી પાઈ ગયા અને પાન ફૂટવા વચન લઈ ગયા એને આપણે વસંતઋતુ એવું નામ આપી દીધું. ખરું ને દાદાજી ?’ ‘બેટા ચિંતન ! સાવ સાચી વાત’ એમ કહીને દાદાજીએ વાર્તા પૂરી કરી. ચિંતનને પણ વાર્તામાં ખૂબ જ મજા પડી. એ દાદાજીના ખોળામાં સૂઈ ગયો.