ગુજરાતી બાળવાર્તા સંપદા/શાણો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
શાણો

મહેશ ‘સ્પર્શ’

એક હતો ચોખાનો દાણો. નામ હતું તેનું શાણો. તે ખૂબ જ રૂપાળો ને હોંશિયાર હતો. તેણે માથા પર રાતા રંગની ઢીંચકુડી ટોપી પહેરી હતી. લાલ રંગના તેના નાના નાના બૂટ પણ મસ્ત લાગતા હતા. એને રમવાનું ને ગાવાનું બહુ ગમતું. છેને, એ તો આખો દિવસ બસ રમ્યા કરે ને ગાતો રહે.

‘ઝીંચૂક દાણો, ઢીંચૂક દાણો,
હું છું શાણો, હું છું શાણો,
રાતી રાતી ટોપીવાળો,
હું છું શાણો, હું છું શાણો.’

શાણાને એના રૂપનું બહુ અભિમાન હતું. એના ભાઈબંધો સાથે એ ભળતો જ નહીં. ‘તું ગમ્મે એટલો સુંદર કેમ ના હોય ! તો પણ એક દિવસ તારે ગરમ પાણીમાં બફાવાનું છે. તારો ભાત બનવાનો છે.’ એક વાર તેના એક દોસ્તે તેને સંભળાવી દીધું. ‘ના રે ના... હું કાંઈ ગરમ પાણીમાં બફાવાનો નથી. મારે ભાતબાત નથી થવું. મને તો આઝાદી જ ગમે. હું તો આખી જિંદગી રમીશ અને ગાઈશ.’ શાણાએ છાતી કાઢીને કહ્યું. પછી ગાવા લાગ્યો.

‘ઝીંચૂક દાણો, ઢીંચૂક દાણો,
હું છું શાણો, હું છું શાણો,
રાતી રાતી ટોપીવાળો,
હું છું શાણો, હું છું શાણો.’

મોજથી ગાતો ગાતો ને મોટી મોટી છલાંગો ભરતો એ બજાર બાજુ ઉપડ્યો. બજારમાં પ્રવેશતાં જ જાતજાતની ને ભાતભાતની દુકાનો ને લારી-ગલ્લાં જોવા મળ્યાં. ફળફળાદીની દુકાનમાં સફરજન, નારંગી, કેળાં, અનાનસ વગેરે ફળોની સજાવટ જોઈ શાણાને મજા પડી ગઈ. થોડે આગળ ગયો તો શાકભાજીની લારીમાં કોબીજ, ફ્લાવર, ભીંડા, દૂધી જોયા. એક ખૂણામાં કડવાં કડવાં કારેલાં હતાં એ જોઈને શાણાને કારેલાં ખાવાનું મન થયું, પણ બાજુમાં જ મીઠાઈની દુકાન નજરે પડી એટલે એનું ધ્યાન એમાં પરોવાયું. મીઠાઈની દુકાને ગુલાબજાંબુ, રસગુલ્લાં, પેંડાં, બરફી, મોહનથાળ, કાજુકતરી વગેરે મીઠાઈ જોતાં જ એના મોંમાં પાણી આવી ગયું, પણ ખિસ્સામાં તો રૂપિયોય નહોતો. કિંમત ચૂકવ્યા વગર વસ્તુ કોણ આપે ? એટલે એણ મન મનાવી આગળ ચાલતી પકડી. દસ બાર ડગલાં ચાલ્યો હશે ત્યાં જ કરિયાણાની દુકાન આવી. દુકાન આગળ ગ્રાહકોની બહુ ભીડ હતી. ભીડને લીધે શાણાને બધું બરાબર દેખાતું નહોતું. શાણાએ તો લગાવી છલાંગ. પહોંચી ગયો દુકાનની અંદર. દુકાનની અંદર કાજુ, બદામ, પિસ્તા, ગોળ, ખાંડ જોઈને એ ખાવા લલચાયો. પણ ત્યાં સુધી પહોંચતાં પહેલાં સૂંઠ, હળદર, મરચું વગેરે મસાલાંના ઢગલા પાર કરવા પડે એમ હતું. એટલું જ નહીં કાજુ, બદામની બાજુમાં જ ઘઉં, ચોખા, બાજરો, જુવાર વગેરે અનાજના ખુલ્લા ડબ્બા હતાં. એટલે બહુ સાચવીને જવું પડે એમ હતું. શાણો કૂદકા મારીને છેક કાજુ, બદામ પાસે પહોંચી તો ગયો, પણ પગ લપસ્યો ને પડ્યો સીધો જ ચોખાના ડબ્બામાં ! એ સાથે જ એ પોતાના ભાઈબંધો ભેગો ભળી ગયો. ‘કેમ શાણા, આવવું પડ્યું ને અમારી સાથે જ. હવે, તારો ભાત બન્યો જ સમજ.’ એક બરછટ ચોખાએ શાણાને ટોણો માર્યો. શાણો ગભરાઈ તો ગયો, પણ હિંમત ના હાર્યો. ‘હે ભગવાન મને બચાવી લે. મારે આટલું વહેલું ભાત નથી બનવું. મારે તો હજુ જગત આખું જોવું છે.’ એણે મનોમન ખરા દિલથી ભગવાનને પ્રાર્થના કરી. પછી સૂનમૂન થઈ એક ખૂણામાં ભરાઈ ગયો. થોડીવાર પછી એક ગ્રાહકે દુકાનદાર પાસે પાંચ કિલો ચોખા માંગ્યા. ‘ઢોલાકાકા પાંચ કિલો ચોખા પેક કરો.’ દુકાનદારે એના નોકરને કહ્યું. નોકર ચોખાના ડબ્બામાંથી ચોખા કાઢવા લાગ્યો. પછી એને વજન કાંટા પર મુકેલા તાંસળામાં ઠાલવવા માંડ્યો. એમાં શાણાનોય વારો આવી ગયો, પણ શાણાએ વધીઘટી હિંમત ભેગી કરી. તાંસળામાં પડતા પહેલાં છલાંગ લગાવી. સીધો તેલના ડબ્બા પર જઈને પડ્યો. ‘હાશ ! બચી ગયો.’ શાણાના જીવમાં જીવ આવ્યો. હવે તેની હિંમત વધી ગઈ. તેણે બીજો કૂદકો લગાવ્યો. આ વખતે તો એ દુકાનની બહાર પહોંચવામાં સફળ થયો. દુકાનની બહાર આવતાં જ દોડ્યો. ગામની ભાગોળ આવી ત્યાં સુધી દોડતો રહ્યો. પાછું વળીને જોયું પણ નહીં. દોડી દોડીને થાકી ગયો. વડલાના એક મોટા ઝાડ નીચે આરામ કરવા આંટો પડ્યો, પણ આરામ હરામ થઈ ગયો હતો. ભાત બનતા માંડ માંડ બચ્યો એ ઘટના એના મનમાંથી ખસતી નહોતી. એને રડવું આવી ગયું. રડી રડીને બેભાન થઈ ગયો. શાણાએ આંખો ખોલી ત્યારે સામે એક પરી દેખાઈ. ‘શાણા ગભરાઈશ નહીં. હું ફસલપરી છું. ખેતર, પાક, અનાજ એ બધાંની હું રખેવાળી કરું છું. તને દુઃખી જોઈ હું અહીં આવી છું.’ શાણાને તો માન્યામાં જ નહોતું આવતું. આ સપનું તો નથી ને ! ખાતરી કરવા એણે બે ચાર કૂદકા લગાવી જોયા. એ જોઈ પરીને હસવું આવી ગયું. ‘શાણા હું સાચુકલીમાં તારી સામે ઊભી છું. બોલ, તું આટલો બધો દુઃખી કેમ છે ? મને તારી તકલીફ જણાવ હું તને મદદ કરીશ.’ એમ કહી પરી જમીનથી થોડી અદ્ધર હવામાં સ્થિર થઈ. આ કોઈ સપનું નથી એની ખાતરી થતાં શાણાએ પરીને આખી આપવીતી કહી સંભળાવી. પછી કહ્યું, ‘મારે આખી દુનિયા જોવી છે. રમવું છે, ગાવું છે.’ તેની વાત સાંભળી પરીએ કહ્યું, ‘અરે એમાં દુઃખી થોડું થવાય ! હમણાં જ હું એનો ઉકેલ કરી આપું.’ એટલું કહી તેણે પોતાના જાદુઈ દંડને હળવેથી હથેળીમાં બે વાર પછાડ્યો. એ સાથે જ એક સોનેરી કવચ હાજર થઈ ગયું. ‘લે, આ કવચ પહેરી લે. પહેલાં તું ડાંગરનો દાણો હતો. પણ આ કવચ નીકળી જતાં તું ચોખાનો દાણો બની ગયો હતો. હવે આ કવચ પહેરીને ફરીથી તું ડાંગરનો દાણો થઈ જઈશ.’ એમ કહી પરીએ શાણાને કવચ આપ્યું. ‘પણ એનાથી શું ફાયદો ?’ શાણાને કશું સમજાતું નહોતું. ‘આ કવચ પહેરવાથી તું ડાંગરનો દાણો થઈ જઈશ. પછી હું તને એક ખેતરમાં મૂકી આવીશ. ત્યાં માટીમાં ભળી, હવા, પાણી, પ્રકાશ અને ખાતરની મદદથી તું ઊગી નીકળશે, પછી તું ડાંગરનો છોડ બની જશે. તારા પર ડાંગરના ઘણાં બધાં દાણાવાળી કંટી ફૂટી નીકળશે. એ કંટીના દાણા જમીનમાં વાવવાથી ફરી ઘણાંબધાં ડાંગરના છોડ ઊગશે. એ રીતે તું એકમાંથી અનેક થશે. અને આખા જગતમાં ફરવાની, ગાવાની તારી ઇચ્છા પૂરી થશે.’ ફસલપરીએ નિરાંતે બધું સમજાવ્યું. એ સાંભળી શાણો ખુશ થઈ ગયો. ફટાફટ સોનેરી કવચ પહેરી લીધું. પછી, નાચવા લાગ્યો. ગાવા લાગ્યો.

‘ઝીંચૂક દાણો, ઢીંચૂક દાણો,
હું છું શાણો, હું છું શાણો,
રાતી રાતી ટોપીવાળો,
હું છું શાણો, હું છું શાણો.’