ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/‘ચંદરાજાનો રાસ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘ચંદરાજાનો રાસ’ [ર.ઈ.૧૭૨૭/સં. ૧૭૮૩, પોષ સુદ ૫, શનિવાર] : રૂપવિજયશિષ્ય મોહનવિજયકૃત આ દુહાદેશીબદ્ધ રાસ (મુ.) ૪ ઉલ્લાસ, ૧૦૮ ઢાળ અને ૨૬૮૫ કડીમાં રચાયેલો છે. દર્શનવિજયના ‘ચંદ-ચરિત’થી વધુ વિસ્તાર બતાવતા આ રાસમાં ચંદરાજાના પિતા વીરસેન અશ્વપરીક્ષા નિમિત્તે જંગલમાં જઈ ચડતાં ચંદ્રાવતીને બચાવી તેની સાથે પરણે છે ને એને પુત્ર જન્મતાં દુ:ખદગ્ધ અપુત્ર વીરમતીને પોપટની સૂચનાથી અપ્સરાઓ પાસેથી મંત્રવિદ્યા પ્રાપ્ત થાય છે એ પૂર્વકથા કહેવાયેલી છે. વીરસેન અને ચંદ્રાવતી વય પ્રાપ્ત થતાં સંસારત્યાગ કરે છે ને વીરમતી રાજમાતા તરીકે રહે છે. કવિએ, આ ઉપરાંત, પોતાની કૃતિમાં ઘોડાઓ વગેરેનાં ઘણાં વર્ણનો - જે લક્ષણયાદી સમાં છે - ને સ્ફુટ પ્રસ્તારી ભાવલેખનની તક લીધી છે. એથી ગુણાવલી અને પ્રેમલાની ચંદરાજા પ્રત્યેની અચળ નિષ્ઠાનું નિરૂપણ થતાં શીલમહિમાના વિષયને વિશેષ ન્યાય મળ્યો છે. કવિની ભાષાપ્રૌઢિ ને તેમણે પ્રયોજેલું દેશીવૈવિધ્ય ધ્યાન ખેંચે છે.[જ.કો.]