ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શિવદાસ-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શિવદાસ-૩ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : આખ્યાનકાર. ખંભાતના નાગર બ્રાહ્મણ. ગુરુ ભૂધર વ્યાસ. તેમના ‘ડાંગવાખ્યાન’ એ ‘દ્રૌપદી સ્વંયવર’ની રચના વિજાપુરમાં થયેલી એટલે તેઓ કેટલોક વખત વિજાપુરમાં જઈને રહ્યા હતા એમ લાગે છે. તેમણે મહાભારત, ભાગવતાદિ પુરાણોની પ્રસિદ્ધ કથાઓને વિષય તરીકે લઈ સારી એવી સંખ્યામાં કડવાંબદ્ધ આખ્યાનો રચ્યાં છે. આકર્ષક કથાકથન એમનાં આખ્યાનોની ધ્યાનપાત્ર લાક્ષણિકતા છે. એમની રચનાઓમાં મહાભારતનાં પર્વો પર આધારિત ૧૨ કડવાંનું ‘પરશુરામ-આખ્યાન’ (ર.ઈ.૧૬૧૧/સં.૧૬૬૭, મહા સુદ ૭, રવિવાર; મુ.), શૃંગાર ને વીરરસવાળાં વર્ણનોથી ઓપતાં ૧૪ કડવાંનું ‘ડાંગવાખ્યાન’ (ર.ઈ.૧૬૧૬/સં.૧૬૭૨, વૈશાખ સુદ ૧૨, મંગળવાર; મુ.)ને ૨૬ કડવાંનું ‘દ્રૌપદી-સ્વયંવર/મછવેધ’ (ર.ઈ.૧૬૧૭/સં.૧૬૭૩, મકરસંક્રાન્તિ; મુ.), ભાગવતના દશમસ્કંધના કૃષ્ણચરિત્રને સંક્ષેપમાં આલેખતું ૨૩ કડવાંનું ‘બાલચરિત્ર/બાળલીલા’ (ર.ઈ.૧૬૧૧/સં.૧૬૬૭, મહા સુદ ૧૫)ને ૧૨મા સ્કંધની કથા પર આધારિત ૧૦ કડવાંનું ‘મુસલપર્વ’/મૌશલપર્વ’(મુ.), પદ્મપુરાણને વિષ્ણુપુરાણની કથા પર આધારિત જાલંધર ને નરકાસુરની કથા કહેતું વીરરસવાળું ૧૫ કડવાનું ‘જાલંધર-આખ્યાન’(મુ.) ને આ આખ્યાનનાં છેલ્લાં ૭ કડવાંની નરકાસુરની કથાને વિસ્તારી રચાયેલું ૧૮ કડવાંનું ‘નરકાસુરનું આખ્યાન’ (ર.ઈ.૧૬૨૦/સં.૧૬૭૬,-વદ ૮, રવિવાર); સ્કંદપુરાણની કથા પર આધારિત ૮ કડવાંનું ‘એકાદશી-માહાત્મ્ય’ (ર.ઈ.૧૬૧૪/સં.૧૬૭૦, માગશર સુદ ૧૫, ગુરુવાર/રવિવાર; મુ.), માર્કંડેયપુરાણની કથા પર આધારિત અંબિકાએ મહિષાસુર ને અન્ય રાક્ષસોના કરેલા વધની કથાને આલેખતું ૨૧ કડવાંનું ‘ચંડીઆખ્યાન/સ્વસ્તિપાઠની કથા’ (ર.ઈ.૧૬૨૧/સં.૧૬૭૭, આસો સુદ ૮-; મુ.)નો સમાવેશ થાય છે. વિષ્ણુદાસની નામછાપ ધરાવતું ને વિષ્ણુદાસને નામે મુદ્રિત ૨૦ કડવાંનું ‘સભાપર્વ’ આ શિવદાસનું હોય એવી સંભાવના ‘કવિચરિત : ૧-૨’માં વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ એ વિશે નિશ્ચિત રીતે કંઈ કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧ (શિવદાસકૃત) ચંડીઆખ્યાન, પ્ર. હરજીવન હરગોવનદાસ બુકસેલર, ઈ.૧૮૭૫; ૨. જાલંધર આખ્યાન, સં. રામલાલ ચુ. મોદી, ઈ.૧૯૩૨;  ૩. બૃકાદોહન : ૪; ૪. મહાભારત : ૭; ૫. સભાપર્વ, નળાખ્યાન, કુંવરબાઈનું મોસાળું, હૂંડી, સં. ભાનુસુખરામ મહેતા, ઈ.૧૯૨૧;  ૬. પ્રાકાત્રૈમાસિક, ઈ.૧૮૮૭, અં. ૪-‘દ્રૌપદીસ્વયંવર અને એકાદશીમહિમા’ અને ઈ.૧૮૯૧ અં. ૪-‘પરશુરામઆખ્યાન અને ડાંગવાખ્યાન’. સંદર્ભ : ૧. કવિચરતિ : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. કામાવતીની કથાનો વિકાસ અને કવિ શિવદાસકૃત કામાવતીની વાર્તા : ખંડ ૧ અને ૨, પ્રવિણ અ. શાહ, ઈ.૧૯૭૬; ૪. ગુમાસ્તંભો; ૫. ગુસારસ્વતો; ૬. મહાભારત : ૧;  ૭. ગૂહાયાદી; ૮. ડિકૅટલૉગબીજે; ૯. ડિકૅટલૉગભાવિ; ૧૦. ફાહનામાવલિ : ૨; ૧૧. ફૉહનામાવલિ. [પ્ર.શા.]