ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કોશવિજ્ઞાન
કોશવિજ્ઞાન (Lexicography) : આ અનુપ્રયુક્ત ભાષાવિજ્ઞાનની શાખા કોશનિર્માણ સાથે એટલેકે કોશનાં લેખન અને સંપાદન સાથે સંબંધ ધરાવે છે. એને મનોભાષાવિજ્ઞાન (Psyclolinguistics), સમાજભાષાવિજ્ઞાન (Sociolinguistics) નૃકુલ ભાષાવિજ્ઞાન, (Ethno Linguistics), શબ્દસાંખ્યિકી (Lexico statistics of glottochronology) વગેરે સાથે પણ સંબંધ છે. એમાં કોશનિર્માણ સંબંધી સૈદ્ધાન્તિક તેમજ કોશરચના સંબંધી વ્યાવહારિક ભૂમિકા સંકળાયેલી છે. કોશ કોને કહેવાય, એના પ્રકાર કેવા અને કેટલા હોઈ શકે, એમાં ઉપયોગમાં લેવાનાર સામગ્રી કઈ રીતે પસંદ કરી શકાય, ક્યાંથી મેળવી શકાય, કોશગત એકરૂપતા માટે શું કરી શકાય, સામગ્રીને કઈ રીતે ક્રમબદ્ધ કરી શકાય. અર્થોનો કયો ક્રમ રાખી શકાય, કયા કયા અર્થોને ઉદાહરણોનો સંદર્ભ આપી શકાય – વગેરે અનેક પ્રશ્નોનો અભ્યાસ અહીં અપેક્ષિત છે. કોશનો વ્યવહાર અનેક ક્ષેત્રે હોવાથી પ્રત્યેક ક્ષેત્રમાં એનો પોતાનો અર્થ છે. ચરિત્રકોશ, કહેવતકોશ, લોકોક્તિકોશ, ઉદ્ધરણકોશ, વ્યુત્પત્તિકોશ, પર્યાયકોશ, તુલનાત્મકકોશ, પારિભાષિકકોશ વગેરે કોઈ વિશેષ ઉદ્દેશ્ય અને કોઈ વિશેષ ક્ષેત્રની આવશ્યકતાને પહોંચી વળવા માટે રચાતા હોય છે. અલબત્ત, વાઙ્મયક્ષેત્રે એનો વ્યાપક પ્રચાર છે. એનો મૂળ અર્થ છે શબ્દસંગ્રહ. એમાં ભાષાના શબ્દોની ઉચિત ઓળખ, એનું વર્ણન અને વર્ગીકરણ કરવામાં આવે છે. આથી શબ્દસૂચિ, ઉચ્ચાર, વૈકલ્પિક જોડણી, વ્યુત્પત્તિ, એક કરતાં વધુ અર્થો, એના વિસ્તરેલાં સાધિત રૂપો, ઐતિહાસિક સંદર્ભ વગેરેને લક્ષમાં રાખી ભાષાપરક વિશ્લેષણ મળે છે. અર્થની દૃષ્ટિએ કોશના બે પ્રકાર છે : કોઈએક ભાષાના શબ્દોનો અર્થ અને એનું વિવરણ એ જ ભાષામાં અપાય એવો એકભાષિકકોશ અને એક ભાષાના અર્થ બીજી ભાષામાં કે ભાષાઓમાં અપાય એવો દ્વિભાષિક કે બહુભાષિકકોશ. પશ્ચિમમાં ‘ગ્લોસેરિયમ’માંથી ‘વોકેબ્યુલેરિયસ’ અને એમાંથી ‘ડિક્શનેરિયસ’નો વિકાસ થયો અને અંતે જ્ઞાનકોશ તેમજ વિશ્વકોશ નિર્માણ પામ્યા. ભારતીય પરંપરામાં નિઘંટુ એ ભારતીય કોશનું પ્રાચીનતમ સ્વરૂપ છે. નિઘંટુમાં વર્તમાનમાં જેનું પ્રચલન ન હોય એવા પ્રાચીન શબ્દોનું વિવરણ થયું હોય છે. યાસ્કનું ‘નિરુક્ત’ એવા જ એક નિઘંટુ પરનું ભાષ્ય છે. પણ પછી વૈદિક નિઘંટુઓની પરંપરા લુપ્ત થતાં સંસ્કૃતકોશોની પરંપરાનો ઉદ્ભવ ધાતુપાઠ, ઉણાદિસૂત્ર, ગણપાઠ, લિંગાનુશાસનના રૂપમાં થયો. આ પછી નામપદો અને અવ્યયોના સંગ્રહો મળ્યા. સંસ્કૃતકોશ મુખ્યત્વે પદ્યબંધમાં હોય છે અને કાં તો સમાનાર્થી શબ્દોનો સંગ્રહ હોય છે, કાં તો અનેકાર્થી શબ્દોનો સંગ્રહ હોય છે. પ્રાચીનકોશોમાં અમરસિંહે રચેલો ‘અમરકોશ’ વિખ્યાત છે. કવિઓને કાવ્યનિમિર્તિમાં શબ્દચયનનું માર્ગદર્શન મળી રહે એ હેતુથી વિવિધ ક્ષેત્રોમાંથી શબ્દોનો સંગ્રહ કરીને મુરારિ, મયૂર, બાણ, શ્રીહર્ષ વગેરેએ રચેલા કોશ પણ જાણીતા છે. કોશગત અર્થોને હંમેશાં અતિક્રમી જતી કાવ્યનિર્મિતિ માટે કોશગત અર્થોની જાણકારી કવિઓ માટે અનિવાર્ય છે. ચં.ટો.