ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાટ્યસંગીત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નાટ્યસંગીત : નાટક પોતાનો પ્રભાવ ઊભો કરવા માટે અનેક કલાઓને સમન્વિત કરે છે. ચિત્રકલા, વેશભૂષા, પ્રકાશયોજના વગેરેની જેમ સંગીત દ્વારા પણ નાટક ઉચિત ભાવનું સંક્રમણ કરે છે. નાટ્યસંગીત બે રીતે પ્રવેશે છે : પ્રારંભમાં મંગલાચરણ અને અંતમાં ઉપસંહારમાં આવતાં ગીતો ઉપરાંત નાટકમાં વચ્ચે વચ્ચે આવતાં ભાવપોષકગીતોના મુખર સંગીત રૂપે કે પછી નાટકના ભાવોદ્દીપન માટે અને બદલાતાં ભાવદૃશ્યોની ધારી અસર માટે પાર્શ્વ સંગીત રૂપે. અલબત્ત કેટલીક પરિસ્થિતિમાં સંગીતનો અમુક રીતે સ્વીકાર કરી લેવાની એક શૈલી (stylised) જે તે નાટકસમાજમાં બંધાયેલી હોય છે. અલબત્ત સંગીતે અસ્વાભાવિક અને કૃત્રિમ બન્યા વગર તેમજ નાટકના કાર્યને શિથિલ કર્યા વગર કામગીરી કરવાની રહે છે. ચં.ટો.