ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાવક


ભાવક (Connoisseur) : સાહિત્યકલા તથા સૌન્દર્યસામગ્રીનો મર્મ પામી શકનાર, એનાં પરીક્ષણ અને મૂલ્યાંકનનો અધિકારી. સંસ્કૃતમાં ભાવક ઉપરાંત ‘સહૃદય’ અને નાટ્યક્ષેત્રે ‘સામાજિક’ કે ‘પ્રેક્ષક’ જેવી સંજ્ઞાઓ પણ પ્રચલિત છે. ભાવક પોતાની ભાવયિત્રી પ્રતિભાથી સાહિત્યના વૈશિષ્ટયને ઉદ્ઘાટિત કરી એની મહત્તાને સિદ્ધ કરે છે. રાજશેખરે ભાવકના ચાર પ્રકાર ઉલ્લેખ્યા છે. ઉત્કૃષ્ટ કૃતિથી પણ ન રીઝતો અરોચકી; સારીનરસી બધી જ કૃતિઓની પ્રશંસા કરતો સતૃણાભ્યવહારી; ઈર્ષ્યાથી કોઈ રચનાને નાપસંદ કરતો મત્સરી અને રચનાની ગુણદોષ-પરીક્ષા કરી તટસ્થ રીતે અભિપ્રાય પ્રગટ કરતો તત્ત્વાભિનિવેશી. તત્ત્વાભિનિવેશી ભાવક શ્રેષ્ઠ ગણાયો છે. આ ઉપરાંત ભાવકના હૃદયભાવક, વાક્ભાવક તથા ગૂઢભાવક એવા પ્રકારો પણ પાડવામાં આવ્યા છે. કૃતિનું આસ્વાદન મનમાં કરે અને વ્યક્ત ન કરે તે હૃદયભાવક, કાવ્યના ગુણદોષને શબ્દમાં મૂકે તે વાક્ભાવક અને કાવ્યગુણને સાત્ત્વિક કે આંગિક અનુભવોથી વ્યક્ત કરે તે ગૂઢભાવક. ટૂંકમાં, સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં આસ્વાદક્ષેત્રે સ્વચ્છ અને પરિષ્કૃત ચિત્તવાળા સમસંવેદક સહૃદયનો મહિમા થયો છે. ચં.ટો.