ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાવપ્રકાશન



ભાવપ્રકાશન : સંભવત : ૧૧૭૫-૧૨૫૦ દરમ્યાન રચાયેલો શારદાતનયકૃત સંસ્કૃત અલંકારશાસ્ત્રનો ગ્રન્થ. ‘ભાવપ્રકાશ’ અથવા ‘ભાવપ્રકાશિકા’ એ નામે પણ ગ્રન્થ જાણીતો છે. ૧૦ અધિકારમાં વિભાજિત આ ગ્રન્થમાં ભાવ અને રસની ચર્ચા કેન્દ્રમાં છે. તેના પહેલા ખંડમાં ભાવ, બીજામાં રસ, ત્રીજામાં રસના પ્રકારો, ચોથામાં શૃંગારની નાયિકાનું સ્વરૂપ, પાંચમામાં નાયકના પ્રભેદો, છઠ્ઠામાં શબ્દાર્થસંબંધ, સાતમામાં નાટ્યઇતિહાસ, આઠમામાં દશરૂપકનાં લક્ષણ, નવમામાં નૃત્યભેદ અને દસમામાં નાટ્યપ્રયોગની ચર્ચા છે. શારદાતનય મુખ્યત્વે રસવાદી આચાર્ય છે. એટલે અહીં નાટક કે નૃત્યની ચર્ચા રસના સંદર્ભમાં થઈ છે. જો કે ‘કાવ્યપ્રકાશ’ અને ભોજના ‘શૃંગારપ્રકાશ’થી ઠીકઠીક પ્રભાવિત હોવા છતાં ઘણી જગ્યાએ કર્તાની મૌલિકતાનો પરિચય થાય છે. જેમકે ધ્વનિવાદીઓના રસનિષ્પત્તિ વિશેના વિચારો કરતાં ભટ્ટનાયકના ભુક્તિવાદને કર્તા સ્વીકારે છે. કરુણરસના માનસ, વાચિક અને કર્મ; શૃંગારના વાચિક, નૈપથ્યાત્મક અને ક્રિયાત્મક તથા અદ્ભુતના માનસાદ્ભુત, આંગિકાદ્ભુત અને વાચિકાદ્ભુત એવા પ્રકારો બતાવે છે. અંગીરસની અપ્રધાનતા એ રસાભાસ છે એમ પણ તેમણે કહ્યું છે. શારદાતનયના પિતાનું નામ ભટ્ટગોપાલ હતું અને નાટ્યશાસ્ત્રનું શિક્ષણ તેમણે દિવાકર પાસેથી મેળવ્યું હતું. જ.ગા.