ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રાજપત્ર
રાજપત્ર (Gazette) : રાજ્યવ્યસ્થા દ્વારા પ્રયોજિત લેખક-સંપાદકમંડળ દ્વારા લિખિત-સંપાદિત તથા પ્રજાજોગ જાણકારી માટે સરકાર દ્વારા પ્રકાશિત થતો દસ્તાવેજી મહત્ત્વ ધરાવતો મુદ્રિત વાર્ષિક અહેવાલ. લોકહિતને લક્ષ્યમાં રાખીને આર્થિક, ધાર્મિક, શૈક્ષણિક, વ્યાવસાયિક, સામાજિક તેમજ સાંસ્કૃતિક જેવાં વિવિધ પ્રજાકીય ક્ષેત્રોમાં પ્રવર્તમાન પરિબળો, પ્રાન્તીય રાષ્ટ્રીય તથા વૈશ્વિક સ્તરે ઘટેલી મહત્ત્વપૂર્ણ ઘટનાઓ તેમજ પ્રકાશન સમય દરમ્યાન થયેલી વિશિષ્ટ રાજકીય ઘોષણાઓનો માહિતીપૂર્ણ છતાં સારરૂપ અને અધિકૃત અહેવાલ સમાવતા રાજપત્રના પ્રકાશન માટે સંબંધિત રાજ્યવ્યવસ્થા માહિતી સંચયન, લેખન, સંપાદન, મુદ્રણ અને વિતરણ માટે અલગ તંત્ર ઊભું કરે છે. રાજપત્રની સમસામયિક-રોજિંદી ઉપયોગિતા ઉપરાંત ઇતિહાસ-લેખન માટેના એક આધારભૂત, દસ્તાવેજી મૂલ્ય ધરાવતા સર્વાંગીણ સંદર્ભગ્રન્થ તરીકેનું તેનું આગવું અને વિશિષ્ટ મહત્ત્વ છે. ર.ર.દ.