ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રૂઢિપ્રયોગ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


રૂઢિપ્રયોગ : પ્રાથમિક-અભિધામૂલક અર્થ બાદ થયા પછી પ્રગટતો વિશિષ્ટ, વ્યંજનામૂલક અર્થબોધ કરાવતો, બે અથવા બેથી વધુ શબ્દોનો, સતત ઉપયોગમાં રહી રૂઢ થયેલો શબ્દ-પ્રયોગ અથવા વાક્યખંડ. તે જે તે ભાષાની ભાષિક પ્રજાના જીવનજન્ય અનુભવના નિચોડરૂપ દીર્ઘકાલીન સામૂહિક તથા વિશિષ્ટ ભાષાપ્રયોજનથી સિદ્ધ થાય છે. રૂઢિપ્રયોગમાં તેની પ્રયોજક પ્રજાની તત્કાલીન સામાજિક તેમજ સાંસ્કૃતિક ચેતનાનું પ્રતિબિંબ ઝિલાય છે. આમ, પ્રત્યેક ભાષાના પોતીકા, વિશિષ્ટ રૂઢિપ્રયોગ હોય છે, જેનો અન્ય ભાષામાં સીધો, શાબ્દિક અનુવાદ ખપ લાગતો નથી. રૂઢિપ્રયોગમાં બહુધા કાર્યવ્યાપારનું નિરૂપણ થતું હોય છે. જેમકે પેટે પાટા બાંધવા, રેતીમાં નાવ ચલાવવી વગેરે. પરંતુ રૂઢિ પ્રયોગ કહેવતની માફક સ્વયંપર્યાપ્ત નથી. કહેવત એક સંપૂર્ણ, અવિકારી કથન એકમ છે, જ્યારે રૂઢિપ્રયોગ વાક્યમાં વાક્યાંશ રૂપે વપરાતું અપૂર્ણ તેમજ વિકારી વાક્યઘટક છે. અને તેથી તેનાં કાળ, વચન, લિંગ પ્રયોગ-સંદર્ભ અનુસાર પરિવર્તન પામે છે. ર.ર.દ.