ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લાદભારતીય વિદ્યામંદિર


લા(લભાઈ) દ(લપતભાઈ) ભારતીયવિદ્યામંદિર : સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ તથા જૂની ગુજરાતી ભાષાની પ્રાચીન હસ્તપ્રતોના સંચય અને સંગ્રહ-સુરક્ષાની ખેવનાના અનુષંગે, મુનિ પુણ્યવિજયજી તથા શ્રેષ્ઠી કસ્તૂરભાઈ લાલભાઈને ઉદ્ભવેલો સંસ્થાસ્થાપનાનો વિચાર ૧૯૫૭માં અમદાવાદમાં આ સંસ્થા સ્વરૂપે સાકાર થયો છે. બહુધા જૈન તેમજ જૈનેતર પ્રાચીન હસ્તપ્રતોની જાળવણી ઉપરાંત મહત્ત્વપૂર્ણ હસ્તપ્રતોનું સંશોધન-સંપાદન અને પ્રકાશનનું કાર્ય સંસ્થાએ વર્ષોથી એકધારી નિષ્ઠા અને ગુણવત્તા સાથે કરીને એકસોથી ય વધુ ગ્રન્થોનું પ્રકાશન કર્યું છે જેમાં હસ્તપ્રતસૂચિઓનું આગવું સ્થાન છે. ગુજરાત યુનિવર્સિટીની માન્યતા બાદ સાહિત્યિક સંશોધન કેન્દ્રનો આરંભ થતાં સંસ્થાએ સંશોધકો માટે સંશોધનસુવિધા પણ ઊભી કરી છે. કાળક્રમે જર્જરિત થવાથી નાશ પામી રહેલી હસ્તપ્રતોને માઈક્રોફિલ્મીંગ તેમજ ટ્રાન્સપરન્સિઝ રૂપે જાળવી લેવાના પ્રયાસોને પરિણામે સંસ્થા પાસે ૨,૦૦૦ માઈક્રોફિલ્મ્સ અને ૪,૮૦૦ રંગીન ટ્રાન્સ્પરન્સિઝ એકત્રિત થયેલી છે. સંસ્થાના ગ્રન્થાલયમાં ભારતીયવિદ્યા સંદર્ભે ઉપયોગી એવાં ૨૯,૦૦૦ પુસ્તકો સંગૃહિત છે. સંસ્થાના મુખપત્ર રૂપે પ્રકાશિત થતું ‘સંબોધિ’ નામનું સામયિક સંશોધન-સંપાદનવિદ્યાનું મહત્ત્વપૂર્ણ પ્રકાશન છે. ર.ર.દ.