ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વેલિ (વેલ)

From Ekatra Wiki
Jump to navigation Jump to search



વેલિ(વેલ) : વિવાહલા કાવ્યપ્રકારની જેમ વેલિ(વેલ) સંજ્ઞા પણ વિવાહના અર્થમાં પ્રયોજાયેલી છે. ઉપલબ્ધ ‘વેલિ’ કાવ્યોમાં ઘણીખરી રચના જૈનકવિઓની છે. ‘વેલિ’માં વપરાતો ‘છંદ’ ‘વેલિયોગીત’ નામે ઓળખાય છે. વેલિનું અપરનામ વિવાહવાચી ‘મંગલ’ પણ છે. જૈનકવિ વાછાકૃત ‘ચિહુંગતિવેલિ’ (૧૫૨૦ આસપાસ) ઉપલબ્ધ પ્રાચીનતમ ‘વેલિ’ કાવ્ય છે. આ ઉપરાંત સીંહાકૃત ‘રહનેમિવેલિ’ અને ‘જંબૂસ્વામિ વેલિ’ (સોળમી સદી) લાવણ્યસમયકૃત ‘ગર્ભવેલિ’(૧૫૮૦ પૂર્વે), જયવંતસૂરિકૃત ‘સ્થૂલિભદ્રમોહનવેલિ’(૧૫૯૨) અને ‘નેમિનાથરાજુલ બારહમાસ વેલિ’(૧૫૮૪), ઋષભદાસકૃત ‘ઋષભગુણવેલિ’(૧૫૫૬ આસપાસ). ‘સમયસુંદરકૃત’ સોમજીનિર્વાણવેલિ’(૧૬૨૪), યશોવિજયકૃત ‘અમૃતવેલિ’(૧૬૧૪ આસપાસ), કાંતિવિજયકૃત ‘સુજશવેલિ’(૧૬૮૯) ચતુરવિજયકૃત ‘નેમિરાજુલવેલિ’(૧૭૨૦) મતિસુંદરકૃત ‘વિક્રમવેલિ’ (અઢારમી સદી) વીરવિજયકૃત ‘શુભવેલિ’(૧૮૦૪) અને ‘શીબવેલિ’(૧૮૦૬) ઉત્તમવિજયકૃત ‘નેમિનાથરસવેલિ’ (ઓગણીસમી સદી) ઉલ્લેખપાત્ર છે. જૈનેતર વેલિકૃતિઓમાં કેશવદાસ વૈષ્ણવકૃત ‘વલ્લભવેલ’ (સત્તરમી સદી) વાજિયાકૃત ‘સીતાવલ’, જીવનદાસ કૃત ‘શ્રુતવેલ’ અને દયારામકૃત ‘ભક્તવેલ’ નોંધપાત્ર છે. ક.શે.