ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સખીસંપ્રદાય


સખીસંપ્રદાય : વૈષ્ણવ પરંપરામાં આચાર્ય નિમ્બાર્કથી રાધાકૃષ્ણની ઉપાસનાનો આરંભ થયો. ઉત્તરોત્તર કૃષ્ણ કરતાં પણ રાધાભાવનું વર્ચસ્વ વધ્યું અને કૃષ્ણપ્રાપ્તિ માટે ‘રાધાભાવ’ એકમાત્ર સાધન છે – એવા સ્વીકારમાંથી ‘સખીસંપ્રદાય’નો ઉદ્ભવ થયો.‘સખીસંપ્રદાય’ના સ્થાપક સ્વામી હરિદાસનો જન્મ ૧૩૮૫માં વ્રજપ્રદેશમાં થયાનું મનાય છે. હરિદાસ વ્રજભાષાના સારા કવિ ઉપરાંત વિરક્ત સાધુ પણ હતા. તેમણે માત્ર પ્રેમલક્ષણાભક્તિની ઉત્કટતા દર્શાવતાં પદોની રચના કરી છે, કોઈ દાર્શનિક મતની સ્થાપના કરી નથી. સખીભાવથી ઉપાસના કરતો આ એક સાધનામાર્ગ છે. એની મુખ્ય વિશિષ્ટતા માધુર્યભાવમંડિત સાહિત્યસર્જનની છે. ખુદ હરિદાસ ઉપરાંત તેમના અનેક શિષ્યો વિઠ્ઠલદાસ, વિહારીદેવ, નરહરિદેવ, રસિકદેવ, ચતુરદાસ, સખીશરણ વગેરેએ વ્રજભાષાના સ્વરૂપને લલિત બનાવવાનું ઉત્તમ કામ કર્યું છે. સખીસંપ્રદાયનું કોઈ સ્થાન કે પ્રભાવ ગુજરાત કે ગુજરાતી સાહિત્ય ઉપર તુરત જોવા મળેલો નથી, પરંતુ આ સંપ્રદાયની પરંપરામાં આવેલા સખીભાવપ્રધાન પુષ્ટિમાર્ગની ઘણી વ્યાપક અસર ગુજરાતી સાહિત્ય અને ગુજરાતની સંસ્કૃતિ ઉપર વરતાય છે. ન.પ.