ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યમાં તથ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાહિત્યમાં તથ્ય : સાહિત્ય કેવી રીતે રચાય છે? કઈ સામગ્રી તે ઉપયોગમાં લે છે? વધુ આગળ જઈને પ્રશ્ન કરીએ તો – સામગ્રીનો કઈ રીતે તે ઉપયોગ કરે છે? એવી સામગ્રીનું કેવું અને કેટલું મૂલ્ય છે? આ અને આવા અન્ય પ્રશ્નો સાહિત્ય સંદર્ભે દરેક જમાનામાં થયા છે અને થતા પણ રહેવાના. જ્યાં આવા પ્રશ્નો જાગે છે ત્યાં સૌપ્રથમ તથ્ય(Fact)નો મુદ્દો તરત નજર સામે આવી રહે છે. સાહિત્યકારની નજર પોતાની સામે કે આજુબાજુ બનતી ઘટનાઓ ઉપર બરાબરની રહેતી હોય છે. જ્ઞાત-અજ્ઞાતપણે તેનું ચિત્ત એવા પ્રસંગો-વસ્તુઓ-તથ્યોની નોંધણી કરતું રહે છે અને જરૂરિયાત મુજબ યથાવકાશે તે તેનો ઉપયોગ કરે છે. સાહિત્યનો એ રીતે તથ્ય સાથે નિકટનો સંબંધ છે, વાસ્તવ આમ એની સામગ્રી બનતું રહે છે. પણ તથ્ય એ સાહિત્ય નથી, તથ્ય એનું સર્વેસર્વા નથી. તથ્ય સાથેનો તેનો આ નાતો જરાતરા છે, સાહિત્યકારના ચિત્તને સંકોરવા પૂરતી તેની અગત્ય છે. તથ્ય આધાર જરૂર બને છે પણ તે તેની બુનિયાદ નથી. તમસા તીરે સ્નાન કરવા ગયેલા વાલ્મીકિ કામમોહિત ક્રૌંચમિથુનને જુએ છે અને એ જ યુગલને બીજી પળે પારધીના બાણથી ખંડિત થતું નિહાળે છે. આ કવિ માટે એક ‘તથ્ય’ છે. વ્યથિત કવિ પારધીને શાપ આપે છે. શોક શ્લોકત્વ ધારણ કરે છે પણ ત્યાં એ વેદના પછી અટકતી નથી; ‘રામાયણ’ જેવું મહાકાવ્ય લખ્યા પછી જ હળવી બને છે. તથ્ય લેખે ઘટના નાની હતી. કવિચિત્તને સંકોરીને તથ્ય આઘું જતું રહે છે પણ કવિની મનોભૂમિ ખૂટતી કડીઓ શોધી લે છે. કવિ રામ વિશે જે કંઈ જાણતા હતા તે અલ્પ હતું. એના કરતાં જે નહોતા જાણતા તે ઘણું અનલ્પ હતું. મહત્ત્વ આ અનલ્પનું હોય છે. અલ્પ ‘તથ્ય’ ત્યાં લોપાઈ જાય છે અને કવિચિત્તમાંથી અનલ્પ જન્મે છે. એવું અનલ્પ જ ‘રામાયણ’ રચે, રામ કે સીતાના રામપણા કે સીતા-પણાને પ્રત્યક્ષ કરી આપે. સાહિત્ય વીગતોને, તથ્યને અતિક્રમી જાય છે. સાહિત્યકારની કલ્પનાશીલતા, અનુમાનશક્તિ તથ્યની પોષણનાળને છેવટે એમ ખેરવી નાખે છે. મર્યાદિત, સીમાબદ્ધ, વ્યક્તિનિષ્ઠ કે વર્ગનિષ્ઠ તથ્યને સાહિત્યકાર નિ :સીમ, અમર્યાદ કે સર્વજનીન બનાવી મૂકે છે, એને સત્યમાં પલટી નાખે છે. તથ્ય એ રીતે કાચી સામગ્રી છે. સાહિત્યકારની પાસે તથ્યો તો ઢગલાબંધ હોય છે, ચિત્તે સંખ્યાતીત તથ્યોની નોંધ કરી હોય છે પણ એમાંથી તે અમુકને, ખાસ અંશને જ પસંદ કરે છે. એવા તથ્યને ચિત્તની તાવણીમાં બરાબરનું તવાવા દે છે, સ્થૂળાંશને ઓગાળી નાખે છે. કહો કે મૂળની રજોટીને ઉરાડી દે છે, ને પોતાનું જ કહી શકાય તેવું આગવું તથ્ય કે વાસ્તવ નિપજાવી લે છે. અપૂર્ણ અને વેરવિખેર તથ્ય પૂર્ણ અને એકપિંડ સત્યરૂપે સામે આવે છે. સ્થૂળ તથ્ય પરિવર્તન પામતાં પામતાં એમ ભાવનું, સૌન્દર્યનું જનક બની રહે છે. તથ્યોના ખડકલામાંથી કયું તથ્ય લેવું એ બાબત તો સાહિત્યકાર માટે વિકટ બની જ રહે છે પણ કયું તથ્ય ન લેવું – એ તો તેના માટે નરી અગ્નિપરીક્ષા પુરવાર થાય છે. તથ્યોનો હારડો લઈને આવતું, તથ્યને રૂપાંતરિત ન કરી શકતું અથવા તથ્યમાંથી કશા સૌન્દર્યવિશેષને જન્માવી ન શકતું સાહિત્ય રસપર્યવસાયી બની શકતું નથી. સાહિત્યમાં નહિ, ઇતરવર્ગમાં જ એને મૂકવું પડે. વળી, આવા તથ્યને અમુક ક્ષણ કે સમયના અમુક ખંડ સાથે સંબંધ રહેતો હોય છે એના પૂર્વાપરની ભાળ ઘણીબધી વાર નથી હોતી. જેમકે એક માણસ ગૃહત્યાગ કરે છે એટલી વીગતો આપણી પાસે છે. એ ઉપરથી એ વ્યક્તિને મૂલવીએ છીએ. પણ ગૃહત્યાગ કયા સંજોગોમાં કર્યો, તે માટે કયો તકાજો હતો એ પીઠિકા ત્યાં સ્પષ્ટ થતી નથી. સર્જકની પાસે આવું ત્રુટિત-ખંડિત તથ્ય હોય છે. વાસ્તવ જગત કે સમાજ માટે એનો અર્થ કંઈક જુદો હોય છે. સર્જકના સર્જનમાં એવું તથ્ય ઉદ્દીપક જેવું કામ કરે છે. જે કંઈ ખૂટતું હતું, એકાંગી હતું તે શુદ્ધિ-વૃદ્ધિ પામી અખંડાવયવ બની રહે છે. મૂળનો પૂર્વાપર અહીં બદલાય છે. તથ્યપરક અર્થ પણ બદલાય છે સમાજને અભિપ્રેત અર્થ કરતાં સાવ પૃથક્ અર્થ અહીં નીકળી રહે છે. બધું સર્વસ્પર્શી અને જ્યોતિર્મય બની રહે છે. સાહિત્યમાં આમ ‘તથ્ય’ પ્રવેશે છે પણ તે પછી તરત જ સર્જનની ક્રિયા-પ્રક્રિયા તેની ઉપર ચાલુ થાય છે અને તેને સમૂળ બદલી નાખે છે. શકુન્તલાને વિદાય આપતા કણ્વનું પિતૃમંથન તેથી જ ત્યાં તથ્ય રૂપે અટકી જતું નથી. કાલિદાસની સર્જકતા તેને વિશ્વના કોઈપણ પિતાની વ્યથામાં ફેરવી નાખે છે. સમાજને માટે તથ્યો બદલાતાં રહે છે. સામાજિક પરિવર્તનની સાથે તેવા તથ્યોના અર્થ બદલાય છે. સાહિત્યકાર માટે ‘તથ્ય’ ગમે તે હોય, તથ્યના સમાજગત અર્થને બાજુએ મૂકીને એને સત્ય સુધી લઈ જાય છે. પ્ર.દ.