ગૃહપ્રવેશ/વાતાયન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વાતાયન

સુરેશ જોષી

એણે બારીની બહાર નજર કરી. વરસાદના ભેજથી ધૂંધળા બનેલા કાચમાંથી જોતાં દુનિયા જાણે માયાવી સ્વરૂપ ધારણ કરતી હોય એવું એને લાગ્યું. સામેની રેલવે લાઇન પર એક એન્જિન સ્ટેશન છોડવાના સમયની રાહ જોતું વરાળ કાઢી રહ્યું હતું. ભીનાશના ધૂસર પટ ઉપર વરાળની રેખાઓ સુન્દર ભાત ઉપસાવીને આખરે એ ભીનાશમાં ભુંસાઈ જતી હતી. ત્યાં એકાએક એન્જિનમાં ગતિનો સંચાર થયો. એનાં મોટાં મોટાં પૈંડાં એકસાથે પાંચછ આંટા ફરીને પાછાં સ્થિર થઈ ગયાં. ગતિ જાણે જકડાઈ ગઈ હતી. ફરી એ જ રીતે એ ચક્રો ધણધણી ઊઠ્યાં ને જડતાના સકંજામાંથી મુક્ત થયાં, આગળ વધ્યાં. સ્ટેશન પર વિદાય આપવાને આવેલી બે આંખોની અશ્રુધૂસર દૃષ્ટિ આગળ ધૂંધળી દૂરતાનો પટ વિસ્તરતો ગયો. એક પછી એક ક્ષણ એ દૂરતાની લંબાતી જતી માળાનો મણકો બનતી ગઈ. પેલી બે આંખો શૂન્ય અવકાશમાં તરી રહી. અદૃશ્ય થઈ ગયેલા આકારનું આલમ્બન છૂટી ગયું…

સામેના મકાનના દાદર આગળ બે વર્ષનું બાળક… દાદરનાં પંદર પગથિયાં પર નજર નાંખતું બેઠું હતું. એકાએક એ ઊભું થઈ ગયું. આ ઊભા થવાની આકસ્મિકતાની જ જાણે કે ઠોકર ખાઈને એ પડ્યું. પછીથી તરત જ હાથને ટેકે ઊભું થયું ને એક પછી એક પગથિયાં ચઢવા માંડ્યું. બાળકના આરોહણને એ ઊંચે શ્વાસે જોઈ રહ્યો. એ સાતમે પગથિયે હતું ત્યાં નીચેથી છોકરાંઓની રમતનો અવાજ આવતાં એણે કુતૂહલથી નજર વાળીને નીચે જોવાનો પ્રયત્ન કર્યો. એમ કરવા જતાં એનો પગ છેક પગથિયાંની ધાર સુધી આવ્યો.’હમણાં પડશે કે શું’ એવી આશંકાથી એ ઊંચે શ્વાસે એ બાળકને જોઈ રહ્યો. લગભગ પડવાની અણી ઉપર આવીને ફરી બાળકે સમતોલપણું જાળવીને આગળ વધવા માંડ્યું. જેમ જેમ એ આગળ વધતું ગયું તેમ તેમ એનું હૃદય ભયથી વધુ ને વધુ ફફડવા લાગ્યું. દશમે પગથિયે ક્યાંકથી ઊડતા ઊડતા આવી ચઢેલા પતંગિયાને એ પકડવા ગયું… એનો પગ ખસ્યો… એણે બાળક તરફથી નજર વાળી લઈને આંખ આડે હાથ ધરી દીધા. પણ એનાથી રહેવાયું નહીં. એણે ફરી આંખો ખોલી. બાળકે સહેજ સરી જઈને વળી કોણ જાણે કેવી રીતે પોતાની જાત પર કાબૂ મેળવી લીધો હતો ને એ આગળ વધી રહ્યું હતું. હવે જો એ પડે તો?… ના, એ વિચારને એણે બળપૂર્વક બહાર ધકેલી દીધો. એની આ ગડમથલ દરમિયાન બાળક આગળ વધ્યે ગયું… તેરમું પગથિયું. ચૌદમું… પડશે? કોણ જાણે શાથી એ બાળક જો હવે નહીં પડે તો? – એવો પ્રશ્ન મનમાં થયો ને આખરે બાળકને એણે પંદરમું પગથિયું સહીસલામત ચઢતાં જોયું ત્યારે એના મનમાં એક પ્રકારની નિરાશા વ્યાપી જતી એણે અનુભવી. બાળકે છેક ઉપર પહોંચીને જાણે કે એની જ સામે આંખો માંડીને લુચ્ચાઈભર્યું હાસ્ય કર્યું. હસતાં હસતાં જાણે એને કહેતું ન હોય: જુઓ, એમ છે ત્યારે! ચઢી શકાયું ને મારાથી?…

ઉપરના માળની સામેની બારી ખૂલી. ચન્દ્રાએ બહાર ડોકિયું કર્યું. ભેજના ધૂંધળા આવરણની પાછળ લપાઈને એ ચન્દ્રને જોઈ રહ્યો. છટાથી ચન્દ્રાએ માથું હલાવીને આગળ ધસી આવેલી લટને ખભા પાછળ ખસેડી દીધી, એની આંખોની તરલ દૃષ્ટિ અહીંથી તહીં પતંગિયાની જેમ ઊડવા લાગી. એ બારી આગળથી ખસીને અંદર ગઈ. એણે ગુંજવા માંડેલા ગીતનો અસ્પષ્ટ ગુંજારવ હવાની ભીનાશમાં થરથરતો પ્રસરવા લાગ્યો. બાકીની અડધી ખુલ્લી રહેલી બારીને એણે બંધ કરી. એ રીતે પેલા થરથરતા ધ્વનિની અસ્થિર વિહ્વળતાથી જાણે કે પોતાની જાતને એણે સુરક્ષિત બનાવી દીધી. ફરીથી થોડી વાર રહીને ચન્દ્રા બારીએ આવી. એ નીચે કોઈ જોડે વાત કરતી હતી. એના હોઠ હાલતા હતા, એની આંખ નાચતી હતી ને એ તરત જ દોડી. એણે એને ધડધડ દાદર ઊતરતી જોઈ. એ દાદર ઊતરવાનો દ્રુત લય જાણે કે હવાને સિતારની જેમ બજાવી ગયો. એ સૂરને સાંભળવા કે પછી ચન્દ્રાનું લક્ષ્ય કોણ છે તે જોવા એણે સહેજ બારી ખોલીને ચોરની નજરે સહેજ જોઈ લીધું. ચન્દ્રા … ને એની સાથે બીજું કોઈક, એને એ ઓળખી ન શક્યો; કારણ કે બંને એની તરફ પીઠ કરીને ચાલતાં હતાં. પણ એમનાં ચાર ચરણોની ચતુષ્પદીના છન્દને એ સાંભળતો હતો. એ છન્દ બધી યતિઓને તોડીને નિર્બન્ધ વહી રહ્યો હતો. હવાની ભીનાશને ઠેલીને કશીક ઉષ્મા એની તરફ વહી આવતી હોય એવું એને લાગ્યું. એના લોહીમાં એ ઉષ્માના થતા પદસંચારને જાણે એણે સાંભળ્યોય ખરો ને એ સહેજ ચોંક્યો. એ ભયની એક ક્ષણમાં એની આંખ આગળથી અનેક દૃશ્યો પસાર થઈ ગયાં: હિમાલયનું એવરેસ્ટ શિખર, ગોળ ગોળ ફરતું ચકડોળ, બાગમાં લસરતાં બાળકો, બરફના ડુંગરો પરથી સ્કિઇંગ કરતાં સ્ત્રીપુરુષો, ઝડપથી દોડતી મોટર, તળાવમાં તરતી હંસી, પવનમાં ડોલતું કમળ, આછા પવનથી ઝૂમતું તૃણાંકુર ને એ જ આછા પવનથી ફરફરતો ચન્દ્રાનો વસ્ત્રાંચલ – એ અટક્યો. એણે બારી પરની ફૂલદાનીનો આશ્રય લીધો, એકાએક એના પર બધું વજન આવતાં ફૂલદાની તૂટી ગઈ. એણે ભીંતનો આધાર લીધો…

એણે ફરી આંખો ખોલી, હાથની આંગળીઓને સહેજ પહોળી કરીને એ બે આંગળીઓ વચ્ચેથી સહીસલામત રહીને એણે જોવાનો પ્રયત્ન કર્યો. ત્વરિત ગતિએ દોડ્યે જતા ઘોડાના પગ, એક છાપરા પરથી બીજા છાપરા પર ઠેકતી બિલાડી, પવનની આંગળી ઝાલીને નાચતુંકૂદતું પાંદડું, ઝાડની ડાળ પર સ્થિર બેઠેલું પંખી – એ પંખીના પર એની નજર ઠરી. એ પંખીની આંખમાં એને વિષાદ દેખાયો. એ કદાચ ધંૂધળા ભેજનું પ્રતિબિમ્બ જ હશે! પણ પંખીની સ્થિરતા ને એની નિષ્પલક દૃષ્ટિને એ તારણાની જેમ બાઝી રહ્યો. ત્યાં બીજી બાજુથી દસપંદર પંખીઓનું ટોળું ઊડતું ઊડતું આવ્યું – ને એ પંખીઓની ગતિના આવર્તમાં આ સ્થિર બેઠેલું પંખી પણ ખેંચાઈ ગયું. એ જોઈ રહ્યો – અવકાશમાં જાણે કે એના ઉડ્ડયનની લકીરને આંકતું એ પંખી ઊંચે ને ઊંચે જઈ રહ્યું હતું. એ લકીરના તન્તુને હજુ એ બાઝી રહ્યો હતો. હવે તે તન્તુ પર ઝાઝું જોર દઈ શકાય એમ નહોતું તેની એને પળે પળે ખાતરી થતી જતી હતી. ને જો એ તન્તુને છોડી દે તો એ ક્યાં જઈને પટકાય?…

એણે મહામહેનતે આંખ ખુલ્લી રાખી પણ ઘડી ભર એને લાગ્યું કે એની આંખ જાણે જોવાની ક્રિયાને એકાએક ભૂલી ગઈ છે! બધું ધૂસર આર્દ્રતાથી લીંપાઈને એકરૂપ થઈ ગયું. ધીમે ધીમે ફરી એ આર્દ્રતાનું આવરણ આછું થયું ને એણે જોયું: રસ્તા પર એક મોટો કાળો પથ્થર સ્થિર થઈને પડ્યો હતો. એની દૃઢ સ્થિરતાના પ્રલોભનને સ્વીકારવું કે નહીં તેની દ્વિધામાં એ પડ્યો. છતાં એની દૃષ્ટિ એ પથ્થરને શેવાળની જેમ બાઝી રહી. આ એની બાઝી પડેલી દૃષ્ટિની અસહાયતાના ભારથી અકળાઈને જ જાણે એ પથ્થરે પણ નાસવા માંડ્યું હોય એવું એને લાગ્યું. એ એની નજર આગળ સ્થિર છતાં અત્યન્ત ત્વરિત ગતિએ ભાગતા એ પથ્થરને જોઈ રહ્યો; ને કદાચ ધૂસરતાના પ્રલેપના જાદુથી એ પથ્થરને અવકાશમાં તેજનો લિસોટો મૂકીને દૂરસુદૂરની તારકમંડળીમાં ખોવાઈ જતો એણે જોયો.

એણે આંખ બંધ કરી. એના હૃદયના ધબકારા અન્ધકારે રચેલી નિસ્તબ્ધતામાં સ્પષ્ટ સંભળાવા લાગ્યા. એ ધબકારામાં એણે કોઈનાં દૂર ને દૂર ચાલ્યાં જતાં પગલાંનો પડઘો સાંભળ્યો. એની આંખમાંની દૃષ્ટિ, એની નસોમાં વહેતું લોહી – એ બધાં જાણે એની સ્થિરતાની શિલા નીચે કચડાઈને સળવળી ઊઠ્યાં, એનાથી છૂટવાને તલસી રહ્યાં.

ને એણે બારી તરફથી મોઢું ફેરવી લીધું, ભીંતને ટેકે મૂકેલી લાકડાની ઘોડી લીધી અને સ્થિર હાથે બંને બગલમાં ગોઠવીને એ બારીથી દૂર ને દૂર ખસતો ગયો.

મનીષા 8/1956