ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/ઉપોદ્‌ઘાત

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ગૂજરાતી ભાષા અને સાહિત્ય

૧ (ઉપોદ્‌ઘાત)

મેં આ વ્યાખ્યાનમાળા માટે “ગૂજરાતી ભાષા અને સાહિત્ય” એ વિષય પસંદ કર્યો છે. ‘સાહિત્ય’ સાથે ‘ભાષા’ જોડવાનાં કારણ સ્પષ્ટ છેઃ વિચાર અને વાણી એક બીજાથી કદી છૂટાં ન પાડી શકાય એવી રીતે ગૂંથાએલાં છે. રઘુવંશના મંગલાચરણમાં કાલિદાસ “વાગર્થાવિવ સંપૃક્તૌ” એમ પાર્વતી અને શિવના સંબન્ધનો ઉલ્લેખ કરે છે –એ જ ઝીણું સત્ય, એને મળતા પણ કાંઇક જુદા રૂપમાં, “ભાષા અને સાહિત્ય”ના સંબંધમાં પણ રહેલું છે. વાક્‌ અને અર્થ જેટલા અવિશ્લેષ્ય સંબન્ધથી નહિ, તથાપિ બહુ જ નિકટ સંબંન્ધથી ‘ભાષા’ અને ‘સાહિત્ય’ જોડાએલાં છે. એવી ભાષા હોઈ શકે ખરી કે જેમાં સાહિત્ય ન હોયઃ ઉદાહરણ તરીકે,–કચ્છી, કોંકણી[1], અને જંગલી જાતિઓની ભાષા જેવી કે ભીલી. એમાં ખરા અર્થમાં સાહિત્ય નથી. દન્તકથાઓ હોય છે જે મૂળ પરંપરાથી ઊતર્યા કરે છે, પણ તે “સાહિત્ય’ ન કહેવાય. સાહિત્ય માટે વિશિષ્ટ પ્રકારની સંસ્કૃતિની જરૂર છે. ભાષા અને સાહિત્યનો ભેદ સ્થિર કરવા માટે, તેમ જ કેવી સ્થિતિમાં ભાષામાંથી સાહિત્ય ઉપજે છે એ નિર્ણીત કરવા માટે, કયાં કયાં તત્ત્વોમાંથી સાહિત્ય બને છે એનો આપણે વિચાર કરીએ. ભાષા વિચાર અને લાગણી સાથે જોડાએલી છે–જેમ આકૃતિ યા દેહ આત્મા સાથે જોડાએલો છે તેમ આમ કહેવામાં હું પશુ પંખીઓની અવ્યક્ત વાણી છોડી માત્ર મનુષ્યની વ્યક્ત વાણી વિષે જ બોલું છું. પશુ પંખીઓ અમુક અમુક નાદથી એમના ભાવ પ્રકટ કરે છે, પરંતુ મનુષ્યવાણીમાં બુદ્ધિ વડે વસ્તુનું પૃથક્કરણ કરી જે અધ્યવસાય કરેલો હોય છે તે પશુ પંખીના નાદમાં હોતો નથી. ભાષાની ઉત્પત્તિના ચર્ચાગ્રસ્ત પ્રશ્નમાં જેમકે ભાષા અન્તરના ઊછાળાથી પ્રકટી આવે છે કે કૃત્રિમ સંકેતજન્ય છે–એમાં આપણે નહિ ઊતરીએ, કારણકે આપણે તે ભાષામાંથી સાહિત્ય કેવી રીતે પ્રકટે છે એ જ વિચાર કરવાનો છે. અને તે માટે, ભાષામાં વિચારના વિકાસ વિષે જ આપણે જોવાનું છે. બાળક બોલવા માંડે છે, ત્યારે તે નામથી શરૂઆત કરે છે : ‘ગાય,’ ‘ઘોડે,’ ‘બિલાડી,’ ‘કૂતરો’ આ શબ્દો બાળક વાણીના આરંભકાળમાં જ પકડી લેછે. કારણકે પ્રાણીઓ અને દ્રવ્યો, એમની સાદાઇ સ્થૂળતા અને પરિચિતતાના કારણથી, બાળકની બુદ્ધિમાં સહુથી પ્હેલાં ઊતરે છે. તે પછી વિશેષણ અને, ક્રિયાપદ, અને પછી ભાવવાચક અને સંબન્ધવાચક શબ્દો આવે છે. બાળકની બુદ્ધિનો આ વિકાસ એક અત્યન્ત ગૂઢ ક્રિયા છે. એક ત્રણ વર્ષનું બાળક કહે છે કે ‘ત્હમારે દૂધ જેઈએ?’ એમાં કેટલી વિચારની ગૂંથણી ભરેલી છે એ જોયું? પ્રથમ તો ‘જોઇએ’ પદમાં જ કેટલો સંકુલ અર્થ સમાએલો છે એ જુવો : ‘જોઇયે’ એટલે અમુક ન્યૂનતા અને તે ન્યૂનતા પૂરવાની ઇચ્છા : બાળકની બુદ્ધિમાં આ ભાવ કેવી રીતે ઊતરે છે એ મનુષ્યની કલ્પનાની બહારની–અદ્‌ભુત–વસ્તુ છે. તે જ પ્રમાણે બાળકને પૂછીએ કે ‘કૉણે રોટલી આપી?’ તો બાળક ઉત્તર દે છે કે “મા રોટલી આપી.’ અને આગળ જતાં શુદ્ધ બોલતાં શીખે છે–કાંઈક બરાબર અનુકરણ કરીને અને કાંઇક શીખવવાથી–ત્યારે કહે છે કે ‘માએ રોટલી આપી.’ આ બધામાં પ્રત્યય લગાડવા વગેરેની જે માનસિક ક્રિયા રહેલી છે તે સંક્ષિપ્ત અનુમાનરૂપ હોઇ બુદ્ધિનો વ્યાપાર છે—એવી જાતની બુદ્ધિનો કે જે મનુષ્યને ઇતર પ્રાણીઓથી જુદો પાડે છે. ઉપર જણાવેલી બે ભૂમિકાની પાર એક ત્રીજી ભૂમિકા છે : ભાષા પહેલી બે ભૂમિકા સુધી જઈ અટકે છે. ત્રીજી ભૂમિકાથી સાહિત્ય શરૂ થાય છે. એ ભૂમિકા ભાવનાની છે, અને ભાવના સામાજિક, રાજકીય, અને ધાર્મિક સંસ્કૃતિ માગી લે છે. આ સંસ્કૃતિરૂપી નિયતપૂર્વવર્તી સ્થિતિ વિના સાહિત્ય શક્ય જ નથી. સાહિત્ય, અવલોકન, રસશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, કલા–સર્વ સંસ્કૃતિનાં,–બુદ્ધિ, નીતિ અને આત્માની સંસ્કૃતિનાં–બાળકો છે. કારણ કે એ સર્વ પ્રજાના સંસ્કારી જીવનમાંથી ઉદ્‌ભવે છે. આ પ્રમાણે સાહિત્યનું ઉત્પત્તિકારણ લોકના સંસ્કારી જીવનમાંથી ઉદ્‌ભવતી ભાવના હોઈ પ્રશ્ન ઊઠે છે કે—ગૂજરાતીમાં સાહિત્ય છે? એનો ઉત્તર કે “હા, અને ના; પણ વિશેષતઃ હા.” આ વિરોધગર્ભ ઉત્તરનો અર્થ સ્પષ્ટ કરૂં : કચ્છી, કોંકણી જેવીની સાથે સરખાવતાં સ્પષ્ટ રીતે ગૂજરાતી ભાષામાં એવું સાહિત્ય છે જ કે જે માટે કોઈપણ પ્રજા અભિમાન રાખી શકે; પણ ઇંગ્લિશ, ફ્રેંચ, જર્મન વગેરે સાહિત્યની સાથે મૂકતાં, ગૂજરાતી સાહિત્ય બહુ ગૌણ સ્થાન લે છે. પણ આથી નિરાશ થવાનું કારણ નથી. જે કારણોથી સાહિત્યની વૃદ્ધિ થાય છે, અર્થાત પ્રજાનું જીવન વિકસતું જાય છે, તે કારણો હવે પ્રવર્તી રહ્યાં છે અને એનું ફળ ઉત્પન્ન થયા વગર રહેશે નહિ. અંગ્રેજી સાહિત્યને વર્તમાન સ્થિતિએ પહોંચતાં સેંકડો વર્ષ લાગ્યાં છે. આપણા ગૂજરાતી ભાઈઓનું સંસારિક જીવન એના સાહિત્યની વૃદ્ધિ માટે આવશ્યક છે, અને એ આપણામાં છે. આપણે ઊંચી ભાવનાઓથી ભરેલી એવી એક પ્રાચીન સંસ્કૃતિના વારસો છીએ–જે ભાવનાઓએ આપણને જગત્‌નાં મહાન સાહિત્યમાં સ્થાન લઇ શકે એવું એક સાહિત્ય–સંસ્કૃત, પ્રાકૃત, પાલી સાહિત્ય–આપ્યું છે. જો આ વારસો આપીને પણ આપણે હજી કાંઇ કરી શક્યા નથી તો દોષ આપણો પોતાનો–આપણે જે એ સાહિત્યની અવગણના કરીએ છીએ તેનો–છે. છેલ્લાં પચીસ વર્ષમાં સંસ્કૃત સાહિત્યનો જે અભ્યાસ શરૂ થયો છે તેથી આપણા ભવિષ્યના ઉચ્ચ સાહિત્યનું બીજ વવાયું છે. અને તેને અંગ્રેજી અને અંગ્રેજી ભાષાન્તરદ્વારા પરિચિત થએલાં અન્ય પાશ્ચાત્ય સાહિત્યો પાણી સીંચે છે. આ ઉપમાને બદલીને એક બીજી ઉપમા લઇએ : પાંચ વર્ષ ઉપર ‘ટૉઇમ્સ ઑફ ઇન્ડિયા’માં એક લેખકે લખ્યું હતું કે ગૂજરાતી સાહિત્ય હજી એક બાળક છે–જે એના શૈશવકાળમાં એક અંગ્રેજ ધાત્રીના હાથમાં ઊછરી રહ્યું છે–તે ઉપર મેં ટીકા કરી હતી કે વધારે યથાર્થ ઉપમા લઈને બોલીએ તો ખરી વાત એ છે કે “સંસ્કૃત સાહિત્ય, એ ભૂમિ છે, અને અંગ્રેજી સાહિત્ય એ ખાતર છે–જે મળીને આપણું વર્તમાન ગૂજરાતી સાહિત્ય ઉત્પન્ન થયું છે.” અહીં મેં સંસ્કૃત અને અંગ્રેજી બંને સાહિત્યની ઉપયોગિતા ઉપર ભાર મૂક્યો છે. કારણકે, મેં પાંચ વર્ષ ઉપર કહ્યું હતું તે ફરી કહું તો, આ દ્વિવિધ [સંસ્કૃત અને અંગ્રેજી] અસરને લીધે આપણું ગૂજરાતી સાહિત્યમાં–ખાસ કરીને સંસ્કાર પામેલા લેખકોને હાથે લખાએલા સાહિત્યમાં–એક વિશિષ્ટ પ્રકારની અપૂર્વતા આવેલી છે. આ દ્વિવિધ અસર ધ્યાનમાં લેતાં જણાશે કે અંગ્રેજી કવિતા અને નવલકથાનું અનુકરણ કરવાનો આરોપ વર્તમાન લેખકો ઉપર મૂકાય છે એ ખોટો છે. આ ટીકાકારો બે અગત્યની વસ્તુ ભૂલી જાય છે, જે ભૂલવાથી એમના મનમાં આ ભ્રાન્તિ ઉત્પન્ન થાય છે : એક તો એ કે વર્તમાન ગુજરાતી સાહિત્યના બંધારણમાં સંસ્કૃતનો મ્હોટો ભાગ છે. આ વસ્તુસ્થિતિને લઇ કેટલાક ટીકાકારો આ સાહિત્ય ઉપર વળી એક આરોપ મૂકે છે કે એની ભાષા આડમ્બરી અને કૃત્રિમ છે. થોડાક અપવાદરૂપ લેખકો માટે આ આરોપ સાચો હશે, પણ ઘણાખરા પ્રતિષ્ઠિત લેખકો માટે એ ખરો નથી. આ ટીકાકારો ભૂલી જાય છે કે ગૂજરાતી એક વિકસતી જતી ભાષા છે, જેની સાથે સાથે લોક સંસ્કૃતિ પણ વિકસતી જાય છે. આ માટે જ્યારે કેટલાક નવા વિચારો અને નવી ભાવનાઓ યોગ્ય શબ્દોમાં પ્રકટ કરવાનો પ્રસંગ આવે છે ત્યારે સંસ્કૃતના શબ્દકોષનો ઉપયોગ કરવાની જરૂર પડે છે. આ કારણથી, યુનિવર્સિટિમાં સંસ્કૃત કાઢી એને ઠેકાણે વિકલ્પે ચાલુ ભાષા–ગૂજરાતી વગેરે–દાખલ કરવાનો જે યત્ન થાય છે એની વિરુદ્ધ મ્હારો મત છે. આ વિષયમાં રા. રા. મોહનલાલ પાર્વતીશંકર દવેએ વડનગરા નાગર મંડળના ૧૯મા વાર્ષિક સંમેલન વખતે બહુ ટૂંકા પણ સચોટ વાક્યમાં જે વિચાર દર્શાવ્યો હતો એમાં હું મળું છું. એમને પૂછવામાં આવ્યું કે તમે સંસ્કૃતના પક્ષમાં છો કે ગુજરાતીના?—ત્યારે એમણે ઉત્તર દીધો કે “હું ગૂજરાતીના પક્ષનો છું અને તેથી જ સંસ્કૃતના પક્ષનો છું.” તાત્પર્ય કે સંસ્કૃતથી જ ગૂજરાતી ભાષાની ઉન્નતિ શક્ય છે. પરંતુ આ જરા વિષયાન્તર થયું. હવે, જે બીજું તત્ત્વ ટીકાકારો અવગણે છે તે ઉપર આવું. એ ટીકાકારો હાલના ગૂજરાતી સાહિત્યમાં માત્ર અનુકરણ જ જુવે છે. પરંતુ તેઓ એક વસ્તુ ભૂલી જાય છે : અને તે તે સાહિત્યનું “સગપણ” (Kinship). આ સગપણ બે તરેહનું છે. (૧) એક તે માનવ કુટુમ્બની એકતાના કારણથી ઉપજતું સગપણ અને (૨) બીજું સંસ્કૃતિનું સગપણ. માનવબન્ધુતાને લીધે, વિચાર અને વાણીની કોઇક અદ્‌ભુત એકતા, જેનો બાહ્ય સંબન્ધમાં ખુલાસો ન થઈ શકે એવી. (“વ્યતિપજતિ પદાર્થાન આન્તર કોડપિ હેતુઃ’ એ ન્યાયે; પણ આ આન્તર હેતુ તે માનવ બન્ધુતા એટલું આપણે જાણીએ છીએ એટલા ફેરફાર સાથે –એક ઉદાહરણ આપું. “નહિ સંહરતે જ્યોત્સ્નાં ચંદ્રશ્ચાણ્ડાલવેશ્મનિ” આ સાથે સરખાવો પરભાષામાં એજ અર્થના શબ્દોમાં પ્રકટ થતો એ જ ભાવ :

“You silver beams, sleep they less sweetly.
On the cottage-thatch than on the dome of kings?”

બીજું સગપણ—સંસ્કૃતિનું. પૃથ્વીના જુદા જુદા દેશની પ્રજાઓનાં સાહિત્ય, તેઓની સંસ્કૃતિનો સંસર્ગ થતાં, એક બીજા સાથે જોડાય છે અને એક બીજા ઉપર અસર કરે છે. પહેલા અને બીજા સંબન્ધ વચ્ચે ભેદ એટલોજ છે કે પહેલો સંબન્ધ માનવ બન્ધુતાના કારણથી ઉપજેલો હોઈ સ્વાભાવિક યાને નિસર્ગસિદ્ધ છે, અને આ બીજો પ્રજા-પ્રજાની સંસ્કૃતિનો સંબન્ધ થતાં ઉત્પન્ન થાય છે, અને તેથી એ નૈમિત્તિક છે. અંગ્રેજી સાહિત્યે ગુજરાતી ઉપર આ બીજી જાતના સંબન્ધના કારણથી ભારે અસર કરી છે. એ અસર બહુ સહેલાઈથી અને અદૃશ્ય રીતે થઇ છે તેનું એક કારણ એ છે અંગ્રેજ અને ભારતવાસી પ્રજા એકજ આર્યકુળનાં સંતાન છે, અને તેથી એમની સંસ્કૃતિ વચ્ચે પણ એક રીતે જોતાં કૌટુમ્બિક સંબન્ધ છે. સંગીત જેવા વિષયમાં આપણી અને પશ્ચિમની પ્રજા વચ્ચે કેટલી એકતા છે એનું એક ઉદાહરણ જોવું હોય તો ઇટાલિ અને સ્પેઇનનું સંગીત સાંભળો. એ સાંભળતાં આપણાં રાગ-રાગણી સાથે એનું સામ્ય પરખાઈ આવશે. રાગના સૂરભેદ વગેરેનું પૃથક્કરણ બે વચ્ચે એકતા ન બતાવી શકાય, તોપણ આખા રાગની આપણા હૃદય ઉપર જે જાતની છાપ પડે છે એ બેનું સામ્ય સ્પષ્ટ રીતે બતાવે છે અને વસ્તુ અમુક રાગનું તેના ઘટક સ્વરોમાં પૃથક્કરણથી રાગલક્ષણ સંઘાત નથી, પણ સંયોગીકરણ વડે અમુક ક્રમમાં ગોઠવાયલા સ્વરોના પ્રત્યક્ષીકરણ વડે શ્રોતાના મન ઉપર જે રસિક અસર થાય તે રાગ–એમ લક્ષણ છે. અંગ્રેજી સાહિત્યની ગૂજરાતી સાહિત્ય ઉપર અસર થઇ છે એ માત્ર કાકતાલીય ન્યાય નથી, એની પાછળ પ્રભુની યોજના છે એમ કહીએ તો ચાલે, બે ભાઈઓ આર્યસંતાનો–દૂર સમયથી છૂટા પડેલા તે પાછા મળ્યા છે, અને તેઓ પરસ્પર પ્રેમથી ભેટે છે. મ્હેં એક કાવ્યમાં સરિતાનું ગાન અને કાંઠે વાગતા વાદ્યસમૂહનો સ્વર–એક પ્રકૃતિનું અને બીજું મનુજનું સંગીત–એના પરસ્પર મેળની કલ્પના કરી છે, તે યોગ્ય ફેરફાર સાથે પ્રકૃત સ્થળે લાગુ પાડી શકાશે. એ પંક્તિઓનું સ્મરણ આપું:—

“ઉદ્યાનમાં મધુર વાદ્યસમૂહ વાજે
તે શું ભળી સરિતગાન ગભીર ગાજે.
બે ગાન આ-પ્રકૃતિ ને મનુજે રચ્યાં જે–
ભેટી અહિં શું સહસા સુખમાં મચ્યાં એ!
બે ગાનબન્ધુ કુળ એકથી ઉપન્યાં ને
છૂટાં વિદેશ વશી વેશ વિચિત્ર ધારે;
x x x x
x x x x
ને દીર્ઘ દીર્ઘ સમયે ફરી ભેટતામાં,
સંબન્ધ પૂર્વ સ્મરી ઓળખી આવી સ્હામાં
આનન્દભેર સરી પ્રેમની બાથ ભીડી,”–ઈત્યાદિ.

ઈંગ્લંડ અને હિન્દુસ્થાની સાહિત્યના આ સગપણ વિષે રેવ. જે. ડિસૂઝાએ “અભિનવ હિન્દુ ધર્મ ઉપર અંગ્રેજી સાહિત્યની અસર” નામના એક લેખમાં બહુ સારૂં નિરૂપણ કર્યું છે. એમાંથી એક ઉતારો કરૂં:– અંગ્રેજી સાહિત્ય ઉપર ભારતવાસીનો ઉત્સાહભર્યો પ્રેમ છે. એનું મૂળ ઊડું છે–તે એ કે ભારતવાસીને અંગ્રેજના ચારિત્ર માટે ખરી છતાં અજ્ઞાત એવી સહાનુભૂતિ અને સમઝણ છે[2] અંગ્રેજ અને હિન્દીજન વચ્ચે હજારો ભેદ હોવા છતાં એમના ચારિત્ર વચ્ચે એક મૌલિક સામ્ય છે. એ પ્રજાનું કલાના વિષયમાં વલણ કવિતા તરફ છે. પ્રાણીઓ ઉપર ગામડાના જીવનનો અને પ્રકૃતિ ઉપરનો પ્રેમ, ઘરની ઝંખના, અને સ્વભાવમાંજ રહેલી એક જાતની શોકરેખા–એની અંગ્રેજી સાહિત્ય ઉપર જે છાપ પડેલી છે તે જ અહીંના સાહિત્ય ઉપર પણ જોવામાં આવે છે. એને એક વિચારની દલીલ કરતાં કાવ્યની એક સુન્દર ઉપમા વધારે અસર કરે છે.” આ પૃથક્કરણની દરેક વિગત સાથે કદાચ આપણે સહુ ન મળીએ, તો પણ આટલું તો ખરૂં જ કે હું જેને ‘સંસ્કૃતિની સગાઈ’ કહું છું એ અંગ્રેજી અને દેશી સાહિત્ય વચ્ચે એમણે બરાબર ઓળખી કાઢી છે. એક દાખલો આપું. રા. બોટાદકર અંગ્રેજી ભણ્યા નહતા. પણ એમના મિત્રોએ પાલગ્રેવની ‘ગોલ્ડન ટ્રેઝરી’માંથી કેટલીક કવિતાઓ એમને ગૂજરાતીમાં સમઝાવી ખાસ કરીને વર્ડઝવર્થની ‘The Daffodils’, ‘The Solitary Reaper’, અને ‘The Soldier’s Dream’ એનો ભાવ એમના કવિહૃદયમાં એવો ઉતરી ગયે કે એને પરિણામે એમણે એવાજ ભાવથી ભરેલાં છતાં અપૂર્વતાવાળાં ત્રણ કાવ્યો ગૂજરાતીમાં ‘આવળનાં ફૂલને,’ ‘તન્મયતા’ અને ‘સ્વપ્ન’ લખ્યાં. ‘આવળનાં ફૂલને’-માં કુસુમમાળાના ‘કરેણાં’ની છાયા છે એમ કહેવામાં આવે તો એના ઉત્તરમાં એટલું યાદ રાખવાનું છે કે રા. બોટાદકરને ‘The Daffodils’ સમઝાવવામાં આવ્યું હતું અને તેથી એની અસર હોવાનો વધારે સંભવ છે. ખરૂં જેતાં ‘કરેણાં’ અને ‘આવળનાં ફૂલને’ બંનેનું મૂળ એ અંગ્રેજી કાવ્યમાં છે. ‘આવળનાં ફૂલને’ની નીચેની પંક્તિયોઃ–

“ત્યાં સુન્દર સમુદાય તમારે ઉર આકર્ષે,
શો વધતો વિસ્તાર હીંચતો અવિરત હર્ષે!
દૂર અતિશય દૂર સુધી પથરાઇ રહેલાં”

–માં નીચેની The Daffodils ની પંક્તિયોનું પ્રતિબિમ્બ છે, પણ તે સાથે એમાં અપૂર્વતા પણ છે; સરખાવો—

“They stretched in never-ending line
Along the margin of a bay;
Ten thousand saw I at a glance
Tossing their heads in sprightly dance.

તેજ પ્રમાણેઃ—

હીંચો વ્હાલાં બાળ! અનિલ લહરી ઉપજાવો!
મુજ અંતરને એમ નવલ કૈં નાચ કરાવો!

–માં નીચેની પંક્તિયોની છાપ છેઃ–

And then my heart with pleasure fills
And dances with the Daffodils.”

‘આવળનાં ફુલને’ માં ‘The Daffodils’ ની છાપ લગભગ પૂરેપુરી છે, પરંતુ ‘તન્મયતામાં’ અપૂર્વતા સ્પષ્ટ દેખાઈ આવે છે અને જો કે ‘The Solitary Reaper’ની નીચેની પંક્તિયોઃ—

“I listened motionless and still;
And as I mounted up the hill,
The music in my heart I bore
Long after it was heard uo more"

નો—

“થઇ સમાપ્તિ મતિ ગણતી હતી,
પણ શંકે ઉર ના દઇ સંમતિ;
હજુ મનેહર ગાન રહ્યું વહી,
શ્રવણ સ્પષ્ટ રહ્યા હજુ સાંભળી,”

–માં પડઘો છે, પણ તે દૂર દૂરનો અને આછો. આપણા આ ગુજરાતી કવિમાં જે અનુકરણ છે તે પણ સ્વતંત્ર અનુકરણ છે એ બતાવવા હું કેટલીક પંક્તિયો સવિસ્તર ઉતારૂંં છું:—

“અનિલને શીખવી ગઇ ગાન એ,
પુનિત પાઠ નિરંતર જો કરે!
વિહગના સ્વરમાં સ્વર એ મળ્યો,
તરુ તણા પ્રતિ પત્ર વિશે વશ્યો.
ઘરભણી દિન અસ્ત થતાં વળું,
વિમળ એ સવળે સ્વર સાંભળું;
રજનિ આવતી એ હૃદયે ધરી,
તિમિરમાં પણ એ જ રહ્યા તરી.
શશિસુધાસહ એ વરશી રહ્યા;
ઉડુમુખે પણ એ ચમકી રહ્યા;
વદતી એ જ વહી ગઈ શર્વરી,
અજબ આવી ઉષા સ્વર એ ગ્રહી.
નિવસતો જઇ ક્ષેત્ર વિશે ફરી,
મનુજ કોઇ પડે નજરે નહિ;
અચલ એકલ ગાન રમી રહ્યું,
ગગન ગુંબજને ગજવી રહ્યું.”

આમાં કલ્પેલી વિગત મૂળ અંગ્રેજી કરતાં કેટલી વધારે છે, અને એનું સૌન્દર્ય કેવું અપૂર્વ છે એ આપ સહજ જોઇ લેશો. હું આશા રાખું છું કે અંગ્રેજી અને ગૂજરાતી સાહિત્ય વચ્ચે જે સંસ્કૃતિની સગાઇ થઈ છે, અને એને લીધે અર્વાચીન ગૂજરાતીનું જે વિશિષ્ટ સ્વરૂપ ઘડાયું છે એ કેટલું સુન્દર અને અપૂર્વ છે, કેવળ અનુકરણ નથી, એ બતાવવા માટે આટલું બસ થશે. એ બે સાહિત્યની વચ્ચે સંસ્કૃતિની સગાઇ રહેલી છે એમ મેં કહ્યું તે ઉપરથી એમ સમજવાનું નથી કે ગુણમાં અને વિસ્તારમાં બંને સાહિત્ય સરખાં છે. ઉપર કહ્યું તેમ સાહિત્યની સંસ્કૃતિ જનસમાજમાં ‘સામાજિક’ ધાર્મિક અને આધ્યાત્મિક જીવન ઉપર આધાર રાખે છે, અને આ આધારભૂત જીવનના સ્વરૂપમાં અંગ્રેજ અને આપણી વચ્ચે ઘણો ભેદ છે. આ કારણથી આપણું સાહિત્ય હજી પ્રમાણમાં સંકુચિત છે, અને વિવિધતા પણ થોડી છે. ગૂજરાતી સાહિત્યની આ ખામી એના એક પરમભક્તે પણ સ્વીકારી છે : દિ. બ. કેશવલાલ હ. ધ્રુવ કહે છેઃ ગતકાળના સાહિત્યમાં વિવિધતા અને વિશિષ્ટતા નહિં જેવીજ છે. એ વિવિધતા ખીલવવી અને એ વિશિષ્ટતા કેળવવી એ અહિં મળેલા કવિજનોનું ધ્યેય હોવું જોઈયે. હેના આદર્શ પશ્ચિમનું અત્યન્ત વિસ્તીર્ણ સાહિત્ય અને તેવુંજ વિસ્તીર્ણ વિવેચન પુરા પાડે એમ છે. હેમાં જે પ્રેરણાબળ અને કલાવિધાન છે ત્હેનો લાભ લેઇ આપણે આપણું સાહિત્ય બહલાવી શકીશું.”[3] આ ખામી હજી પણ આપણા સાહિત્યમાં છે એમ દિવાનબહાદુરનો મત છે, કારણ કે એ પશ્ચિમના વિસ્તીર્ણ સાહિત્યમાંથી પ્રેરણા લેવા આપણા સાહિત્યકારોને ઉદ્‌બોધે છે. એમ કહેવાય છે કે મનુજસંસ્કૃતિને ઈંગ્લંડનો મ્હોટોમાં મ્હોટો ઉપકાર એ એનું સાહિત્ય છે અને એ કહેવું ખરૂં છે. આમ ગુજરાતી સાહિત્યની ખામી સ્વીકારૂં છું, પણ નૈરાશ્યના ગર્તમાં ગળતો નથી, જે માર્ગે અત્યારે આપણું સાહિત્ય ચાલી રહ્યું છે તે વિચારતાં મને એના ભવિષ્યના વિસ્તાર અને વિકાસ માટે પુષ્કળ આશા પડે છે. તે માટે હવે આપણા પ્રાચીન અને અર્વાચીન ગૂજરાતી સાહિત્યની પરિસ્થિતિનો અને એનું જગત્‌ના સાહિત્યમાં સ્થાન, એ વિષે આપણે વિચાર કરવો જોઈએ. એ બીજા ભાષણમાં કરીશું. (‘વસન્ત’–ઑફિસ.)

પાદટીપ

  1. Father Thomas Stephens નું રચેલું ‘ખ્રિસ્તી પુરાણ’ અપવાદ રૂપ છે, પરંતુ તે જ ઉત્સર્ગ (સામાન્ય નિયમ)ને સિદ્ધ કરે છે. – ન. ભો. દિ. હૃદયવીણાઃ ‘અજ્ઞાત હૃદયક્ષોભ,’ પૃ ૨-૩
  2. ‘The Examiner’ Bombay (જુઓ ૧૯૨૯ ની ૧૩ મી સપ્ટેમ્બરનું ઇન્ડિયન સોશ્યલ રિફૉર્મર.)
  3. ૧૯૨૯, જૂન ૫મીએ મળેલા ‘કવિસંમેલન’માં પ્રમુખ તરીકે આપેલું ભાષણ.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.