ચંદ્રહાસ આખ્યાન/કડવું ૪
[હવે પ્રધાન મારાઓને આ બાળકને દૂર જંગલમાં લઈ જઈ મોતને ઘાટ ઉતારી માર્યાની કઈ નિશાની લાવવાનું કહે છે. મારાઓ બાળકને ફોસલાવી દૂર ઘનઘોર જંગલમાં લઈ જઈ તેને મારી નાખવાની તૈયારી કરે છે.]
રાગ : વેરાડી
ધૃષ્ટબુદ્ધે તેડાવ્યા ચાંડાળ, હણવા સુધાર્મિકનો બાળ;
કહે : ‘પેલો દાસીનો તન, ચાંડાળ, તમે તેને કરો નિધન. ૧
એણી પેરે મારવો, ન થાયે જાણ, માર્યાનું કાંઈ લાવજો એંધાણ
આપીશ ધન ઉંચકાશે જેટલું, જો કારજ કરશો એટલું. ૨
આનંદ પામી અંત્યજ પળ્યા, હરિભક્તને વાટે જઈ મળ્યા.
વાહીને તેડ્યો બાળક વન, દીધી આશા : જમે છે મુનિજન.’ ૩
બાળકને છે હરિનું ધ્યાન, તેડી ચાલ્યા ચારે અજ્ઞાન,
અઘોરવનતણી જંખજાળ[1], આરડે વણિયર,[2] ફુંફવે વ્યાળ[3]. ૪
ખડુ ખાબડાં[4] પર્વત ખોહ, ગુફામાં ઘૂઘવે બહુ ઘોહ[5];
ભૂંડ ભૈરવ તણી પેર માંઝાર, દીસે પશુ વનમાં અપાર. ૫
ઉઝરડાયે અંગ! અતિ પામે ખેદ, શરીરથી ચાલ્યો પ્રસ્વેદ.
એક ઊંડુ સ્થાનક, જ્યાં ન મળે જંત, ત્યાં બાળક લઈ ગયા એકાંત. ૬
માંહે માંહે સામું જોઈ હસે, પાપી પહાણશું પાળી[6] ઘસે;
તે દેખી બાળકને થયો વિચાર : ‘મુને મારી લેશે નિર્ધાર.’ ૭
પામ્યો દુઃખ જળનયણે ભરે, મુખે ‘રામકૃષ્ણ’ વાણી ઊચરે. ૮
વલણ
મુખે ‘રામકૃષ્ણ’ વાણી ઊચરે, સમર્યા શ્રીગોપાળ રે.
ભટ પ્રેમાનંદ કહે કથા, કેમ ઊગરિયો બાળ રે. ૯