ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો/છિન્નપત્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩. છિન્નપત્ર– પ્રેમનું મૅટાફિઝિક્સ
સુરેશ જોષી

‘સૌ કોઈ પોતાનામાં થોડું થોડું રહસ્ય ઘૂંટતું હોય છે. એની એંધાણી મળે છે કોઈની આંખોમાં, તો કોઈના સ્પર્શમાં. કોઈવાર બે વ્યક્તિનાં રહસ્ય એક જ કેન્દ્રમાંથી વિસ્તરતાં વર્તુળ જેવાં જણાય છે. ત્યારે એ બે વ્યક્તિ વચ્ચે એક ઊંડા સમ્બન્ધની ભૂમિકા સર્જાય છે. હું કહું છું ઊંડો સમ્બન્ધ, કારણ કે સપાટી પર તો બીજા અનેક સમ્બન્ધોની જટાજાળ ફેલાતી જ જતી હોય છે. એ બધાથી નીચે સરી જઈને હૃદય પેલા રહસ્યની ત્રિજ્યાઓ લંબાવ્યા કરે છે. કેટલીક વાર એ રહસ્ય કશીક વેદનામાંથી પોષણ મેળવે છે. એ વેદનાને કશી અતૃપ્તિ સાથે, કશા વિરહ સાથે, કશી વિષમતા સાથે સમ્બન્ધ હોતો નથી. એ વેદના તો વાતાવરણ જેવી હોય છે. એનો શ્વાસ લઈને જ જીવી શકાય છે. કદાચ ‘વેદના' એ સંજ્ઞાથી એનું સાચું વર્ણન થઈ નહિ શકે. એ હૃદયને વિહ્વળ રાખે છે, આંખમાં થોડા તેજ સાથે થોડો ભેજ રાખે છે, અવાજમાં, કોઈને તો સ્પષ્ટપણે વરતાય નહીં. એવો, આછો કમ્પ રાખે છે. શબ્દોમાં એને કારણે નવું આન્દોલન જન્મે છે. ઘણી વેદના અભાવની દ્યોતક હોય છે. આ વેદના એવી નથી હોતી.’[1] માનુષ્યિક પ્રેમ અહીં સર્વ કાંઈ પાર્થિવ અને વૈયક્તિક પરિમાણોની સંકુલતાસમેત આલેખાયો છે; અજય-માલા, અને લીલા વગેરેની વૈયક્તિક સંવેદનપટુ ભૂમિકાઓ પર ઊઠતાં એનાં વિધવિધ -અન્યોન્યપૂરક અને પરસ્પરછેદક- વલયોની શબ્દમાં રચાયેલી સૃષ્ટિને ધરી રહેતી આ ‘છિન્નપત્ર’, અંતે તો, અજય જેવા નાયકના સંદર્ભમાં વેદનાનો જ પર્યાય બની રહેતા, મર્મસભર એવા, માનવીય પ્રેમનું મૅટાફિઝિક્સ છે. આ પ્રેમ તે કોઈ પરિણામ નથી કે નથી એ કશાક ભૌતિકની પ્રાપ્તિ. એ તો છે એક જાગ્રત, સભાનતાવાળી, પળે પળે સંવેદાતી-વેદાતી પ્રક્રિયા- જે મૃત્યુ સુધી, ને પછી તેનીયે પાર કદાચ, વિસ્તરે જ છે. ચેતના જેને અહર્નિશ, એની સર્વ સંકુલતાઓ ને એના સર્વ વિકારો સહિત અનુભવે છે એવી એ એક અનંત અવસ્થા છે. અજય સમી વ્યક્તિનો સંદર્ભ પામતાં એ અંદાજે ‘વેદના’ જેવી સંજ્ઞાથી ઓળખાતા પણ વાસ્તવમાં શબ્દાતીત તે ભાવસંકુલનું રૂપ પકડે છે. ઉપરના, અજયના શબ્દોમાં ‘રહસ્ય’, ‘સમ્બન્ધ’, ‘વેદના', અને આખી કૃતિમાં ‘પ્રેમ’ સંજ્ઞાથી ઓળખાતા એક સદાના સાહિત્યિક વિષયની ગંભીર ક્ષમતાનાં લેખકે, ઘણાં મૌલિક લખી શકાય તેવાં અનેક અર્થસ્તરો મૂર્ત કરી બતાવ્યાં છે. શબ્દનાં અને કલ્પનપ્રતીકનાં સંદર્ભો અને સંયોજનો રચીને લાઘવથી પ્રેમતત્ત્વની કેટલી ઊંડી વાત આકારિત કરી શકાય તેનો ‘છિન્નપત્ર’ એક બળવાન નમૂનો છે. ચન્દ્રકાન્ત બક્ષીને એ ન સમજાય તે સમજી શકાય એવું છે એમનું તે ‘છિન્નપત્ર'નું નિકૃષ્ટમાં નિકૃષ્ટ અવલોકન છે.[2] પ્રેમ અને નારીતત્ત્વ વિશેની એક ઊંડી ખોજ સુરેશ જોષીએ છેક ‘કથાચક્ર’થી – મોટા ફલક પર આલેખવાનું શરુ કરેલું હતું ‘છિન્નપત્ર’માં એ પુરુષાર્થ ‘નવલકથાનો મુસદ્દો’ એવા- ‘જાણે નિષ્ફળતા’ના રૂપે-વ્યક્ત થયો છે. ‘લખવા ધારેલી’ નવલ કેવી રચાઈ હોત તેની કલ્પના કરવાનું સરળ પડે યા ન પડે, તો પણ કૃતિ જે રૂપે છે તે રૂપે પૂરી આસ્વાદક્ષમ અને અભ્યાસક્ષમ બની રહે છે. ‘છિન્નપત્ર’માં સામાજિક સમ્બન્ધો અથવા કહો કે બધા જ ઉપરછલ્લા સમ્બન્ધોનું માળખું ફગાવી દેવામાં આવ્યું છે, સ્થળ-કાળનાં geographical અને chronological પરિમાણને ક્યારેક કિંચિત્ ટેકારૂપે વાપરી તિરોભૂત કરવામાં આવ્યાં છે -ટૂંકમાં, આખી સૃષ્ટિની Physicalityને ઓગળતી રાખીને લેખકે શબ્દને સહારે એક inner reality-નું વિશ્વ રચ્યું છે, જેના હવામાનમાં એક superb metaphysical taste લહેરાયા કરે છે. ‘છિન્નપત્ર'ની આ સિદ્ધિ તે એનું જીવાતુભૂત તત્ત્વ છે. એની જે કંઈ છે તે વિશેષતા છે. અજય, માલા અને લીલા કોઈ સાંસારિક સમ્બન્ધથી ઓળખાવાતાં નથી. અને છતાં સૌએ એકમેકની રહસ્યમયતાને જાણી છે અથવા કહો કે ઓળખવાની એ પ્રક્રિયા ચાલુ જ છે. વ્યક્તિનું જે કંઈ innermost જેમાં અનુભવાય તે મર્મકાયાનું મમત્વ કે બે મર્મકાયામાં જોવાતું પાર્થક્ય કે બેનું અભિન્નત્વ અહીં સમ્બન્ધનો વિષયીભૂત પદાર્થ છે. પણ પ્રેમ સમર્પણ અને સ્વાર્પણ માગે છે તે અજય માલા જેવી વ્યક્તિઓની બાબતમાં સમસ્યા અને પ્રશ્નોનું કારણકેન્દ્ર બની જાય છે. અસ્તિત્વ ભૂંસીને વ્યાપી શકાય તો માલાને માટે એ સિદ્ધિ વ્યર્થ બલ્ક તિરસ્કરણીય છે, જ્યારે અજયનો પુરુષાર્થ ‘હું’ ને વિસ્તારીને પામી શકાતી વ્યાપ્તિ માટેનો છે. લીલા માલાની સન્નિધિમાં નારીરૂપની એક બીજી જ બાજુ રજૂ કરી રહે છે, પણ અજયના પૌરુષને ત્યાં કોઈ પડકાર નથી બલ્ક લીલા પોતે જ એક પૂર્ણ રહસ્ય બનીને અગ્રાહ્ય બની જાય છે. આમ સમ્બન્ધોની આ આખી માર્મિક ઘટનાઓ સરવાળે તો એક જીવંત છતાં અનિવાર્ય રીતે ક્ષયિષ્ણુ પ્રક્રિયાનો જ પરિચય આપે છે. લીલા માલાના પાત્ર માટેની એક બળવાન પાર્શ્વભૂ પણ છે જેમાં બદલાતી-વેરાતી માલાની અનેક છબીઓ ઝૂમતી રહે છે. અજય કહે છે તેમ લીલા માટે ફૂદાનું બેસવું ને ઊડી જવું જેવી ‘એક એક નાની નાની ઘટના સાથે એક એક નાની નાની સૃષ્ટિ પૂરી થાય છે.’[3] લીલા ક્ષણોને સહજતાથી બોજ વિના માણી શકે છે. સારલ્ય એનો સ્વભાવ છે. જ્યારે માલા એક આચ્છાદન છે, ગૂઢતા છે. પોતાની મર્મકાયા માટે એને મમતા નથી. અજય, એ મમતા પ્રગટાવવા ઝંખે છે. માલાના અન્યો સાથેના સમ્બન્ધો ખરેખર તો આત્મઘાતક છે -પણ એમ થવું એમાં જ અજયનો પરાજય છે, નિષ્ફળતા છે, છતાં ઈર્ષ્યાથી એ કશું ભડકાવતો નથી- વૈફલ્યની વેદના ગાય છે. એ વજનને એ માનવસહજ લેખે છે. માલા વેદનામુક્ત થાય આંસુથી, સ્વચ્છ નિર્મમ પણ બને- પણ એની એ નિર્મમતા અજયને માટે આકર્ષણ અને શરણું બેય બને છે. આમ વજન તે માલાની વેદનાનું પણ એટલું જ સાહજિક છે. આમ સમ્બન્ધોમાં સ્પષ્ટ હળવાશ કે સારલ્ય ઊભું ન થવાની પ્રક્રિયાથી જ બધું ઊંડાતું જાય છે, શૂન્યમાં કલવાતું જાય છે. આ શૂન્યરૂપ વેદના અજયના સંદર્ભમાં ક્યારેક ઘનીભૂત મૌન બની જાય છે તો ક્યારેક કલ્પનપ્રચુર વાણીવિલાસ બની જાય છે. અજયની આ ચૈતસિક સૃષ્ટિના ઉઘાડમાં જ માલા અને લીલા તેમ જ કૃતિના અન્ય એકમો ખૂલતા રહે છે. અજય જણાવ્યા કરે છે તેમ પોતાના એ શૂન્યનો, એ વેદનાનો, ‘યોગ' એનાથી ક્યાંય સ્થાપી શકાતો નથી. એ વેદનાને વિખેરી શકાતી પણ નથી. બે શબ્દ વચ્ચે, બે ક્ષણ વચ્ચે, અજય એને જ નિત્ય અનુભવે છે. આ વિચ્છેદ એની જીવનાનુભૂતિ છે. આના અનુસન્ધાનમાં એને માટે શબ્દ અને શબ્દસંયોજન -સર્જકકર્મ-ને પણ ટકી રહેવાનો એક બોબડો છતાં સાર્થકયવાળો પુરુષાર્થ માત્ર છે. એના પરિણામરૂપે પણ માલાને અળગી કરવા અજય ઈચ્છતો નથી. એવી મુક્તિ શૂન્ય છે. અહીં મિલન પણ સ્થૂળ સ્થળવિષયક નથી, દૂરતા પણ માત્ર ભૌગોલિક નથી. ‘પ્રેમ’ પણ જાણીતું લેબલ નથી, લીલા કહે છે તેમ ‘કશુંક' છે. આમ વાસ્તવિક દુનિયાની બધી જ બાહ્ય ત્વચાઓ ઊતરડી લેવામાં આવી છે તે વ્યક્તિઓ પણ પોતાનાં મૂલ્યાંકનો અને સમજો પ્રમાણેની એકમેકની છબી લઈ ઘૂમે છે. એ છબીઓ વચ્ચેનાં ઘમસાણ અહીં આલેખાયાં છે ખૂબ સંવાદી રીતે. રઘુવીર ચૌધરીએ યોગ્ય રીતે શોધ્યું છે કે અજયનું વિશ્વ અને માલાનું વિશ્વ, અજયનો અજય’ અને માલાનો ‘અજય', માલાની ‘માલા’ અને ‘અજયની માલા’ એ સર્વનું સાયુજ્ય ‘છિન્નપત્ર’માં થયું છે. દ્વિવિધ પરિપ્રેક્ષ્યનો લાભ મળ્યો છે, ‘છિન્નપત્ર’માં નિરુપાયેલા મનુષ્યને જોતાં એની વૈચારિક પાર્શ્વભૂમિ ફિનોમિનોલૉજિકલ લાગે ‘છિન્નપત્ર’નું એમનું[4] તે એક ઉત્તમ સમજ રજૂ કરતું ઉત્કૃષ્ટ અવલોકન છે. ‘છિન્નપત્ર’માં ઓમ, અનુભૂતિમાંથી ઉત્થાન પામતી. પ્રેમવિભાવનાનું, એની મીમાંસાનું, કલારૂપ સાંપડે છે. કલ્પનો અને બીજી વાણીવ્યક્તિઓ દ્વારા –અથવા તે રૂપે- એ કલારૂપ કેવી રીતે પામે છે તે ‘છિન્નપત્ર’નો વિવેચનવિષય બનવો જોઈએ. એક physical realityને સર્જક, કેવી સહજતાથી, કેવી શબ્દક્ષમતા જન્માવીને psychic અને meta- physical realiyમાં રૂપાન્તરે છે તે શોધ ‘છિન્નપત્ર’ના સમીક્ષક સામે પડકારરૂપ બને છે. કૃતિને લેખકે ‘મુસદ્દા’ કહી છે અને એમાં કશી સાવયવ શારીરિકતા ગોચર નથી થતી છતાં, એને માત્ર કાચા દ્રવ્ય તરીકે ગણી પડતી મૂકી દઈ શકાશે નહિ. ખરેખર તો ‘છિન્નપત્ર'ના પચાસ ટુકડા અને અંતનું પરિશિષ્ટ એક આછુપાતળું માળખું ધરાવે છે, નામની વાર્તા ધરાવે છે, આછોતરો આકાર પણ ધરાવે છે. અને કલ્પનોની સૃષ્ટિઓનાં સંયોજનોની સુરેશ જોષીની સૂક્ષ્મ લાક્ષણિક ટૅકનિક એવી જ સભરતાવાળી અહીં પણ છે જ.[5] જોકે નવલકથાના સંદર્ભે સંભળાતા પ્રચરિત અને પ્રચલિત અર્થે આમાંનું અહીં કશુંયે નથી એ પણ એટલું જ સાચું છે. ‘છિન્નપત્ર'નું ‘પરિશિષ્ટ’ એ પ્રારંભ છે -એમાંની flashback ટૅકનિક પૂર્વકથા અને ભૂતકાળને રજૂ કરે છે- પણ, સાથે જ, અંત પણ છે. સમાપનની દિશામાં કૃતિ અને ટ્રેન દોડે છે. છતાં ટ્રેનની ઝડપ સાથે કૃતિમાંના સમયની ગતિનો મેળ નથી- એ તો ત્યાં વર્તુળાયા કરે છે. વરસાદી વાતાવરણમાં ગતિમાન ટ્રેનના અન્ધકાર અને રાતભર્યા પરિવેશમાં અશોક, એની વાતો, સારવાર, કાળજી, લીલા વગેરે વગેરે ઉપસ્થિતિઓની પડછે, માલાનું ચિત્ત સ્મૃતિની સહાયથી પોતાની ચેતનાનું આકલન કરવા મથી રહે છે. અહીં ‘છિન્નપત્ર' એ રચના માલાના કેન્દ્રમાં સમેટાય છે. આગળના પચાસ ટુકડાઓમાં અજયના કેન્દ્રમાં ખૂલતી હતી. હવે માલા પ્રેમયાતનાની યંત્રણામાં ફસાઈ ચૂકી છે, બચવાનો માર્ગ જ નથી. અહીં પ્રત્યક્ષ અને પરોક્ષ, બાહ્ય અને આંતર, મૂર્ત અને અમૂર્ત, સૃષ્ટિઓ ગૂંચવાઈ ગઈ છે, ક્યારેક એનો વિસ્ફોટ પણ અનુભવાય છે. માલા ઉપસ્થિત હોવા છતાં અનુપસ્થિત ભાસે છે અને અશોક-લીલા ઉપસ્થિત હોવા છતાં, એમની ક્રિયાઓ અને એમનાં વર્તન ધૂંધળાં અને remote અનુભવાય છે. ઈંદ્રિયગોચર પ્રત્યક્ષ વાસ્તવો અને માલાના મનોવિશ્વના અપ્રત્યક્ષ વાસ્તવો બેયનાં આલેખનની બાબતમાં લેખકે અહીં એક વ્યત્યય ઊભો કરેલો છે : મનોવિશ્વ માલાનું પ્રગટે એ માટે અશોક-લીલાની પ્રત્યક્ષ વાસ્તવિક ક્રિયાઓની રજૂઆત ધૂંધળા લસરકાથી, જાણે નજીવી ભાસે- એટલી હળવાશથી, કરી છે. જ્યારે માલાની ચૈતસિક ઘટનાઓની રજૂઆત વધારે dark અને sound રેખાઓથી કરી છે. આમ મનોવિશ્વનું જે અમૂર્ત છે તે વધારે concrete બને છે અને જે મૂર્ત સ્થૂળ છે તે બધું પરોક્ષ વાયવ્ય અને જાણે લહેરાતું રહે છે. આમ પરિશિષ્ટમાં અમૂર્તથી મૂર્ત અને મૂર્તથી અમૂર્તની એક સંવાદી પ્રક્રિયા ચાલ્યા કરે છે : ‘બહાર સ્ટેશનનાં પટિયાંના અક્ષરો ગતિની ઠોકર લાગતાં છૂટા પડીને વિખેરાઈ જતા હતા. ગાડી એને એકઠા કરવાનો સમય આપ્યા વિના આગળ દોડી જતી હતી.’[6] એ દૃશ્ય-કલ્પનમાં ઉક્ત પ્રક્રિયાનું સૂચન મળી રહે છે. અમૂર્ત વિશ્વનું મૂર્તિકરણ એ સુરેશ જોષી જેવા લેખકોની બાબતમાં નિર્ધારિતની સિદ્ધિ હોય છે, પણ નોંધપાત્ર તો એ છે કે લેખકે અહીં મૂર્તના આલેખન-નિરૂપણથી અમૂર્તને ફુરાવ્યું નથી – અમૂર્તને જ ફોકસમાં રાખ્યું છે ને મૂર્તને હવારૂપ થવા દીધું છે. પણ મૂર્ત-અમૂર્તના આ વિકારશીલ juxtapositionને લેખકે, અંતે, બરાબરનું synchronize કરી આપ્યું છે, ને માલાની એક અત્યંત કરુણ ક્ષણને આકારીને કૃતિનું સમાપન કર્યું છે. જે ખંડમાં- ‘આંધળી ઓરડી’માં- અજયને આપણે પહેલા ટુકડામાં બેઠેલો-બોલતો જોઈએ-સાંભળીએ છીએ તે જ સ્થળવિશેષમાં, અજયની હાજરીમાં, અશોક જેવા એકદમ ચંચલ છીછરા પુરુષમિત્રને હાથે માલાનું શરીર ભોગવાતું બતાવીને લેખકે એની યાતનામાં પરાકાષ્ઠા આણી છે. માલા એ સમયે અજયનાં સંખ્યાબંધ સ્મરણોથી ભાવવિભોર બનેલી હતી અને મકાનમાંના અંતિમ સ્મરણઆલોકમાં ખોવાયેલી નિઃસ્તબ્ધ શૂન્ય હતી. તેવી ભાવમૂર્છનાની પળોમાં એનો આવો સ્થૂળ હ્રાસ અને પરાભવ, કરુણ તો છે જ; પણ ત્યાર પછીની ક્ષણે અજયનો જ શબ્દ આકાર લે છે–"My love, you yield, to absences. I will not return.’[7] -તેમાં, કૃતિનું એક કલાત્મક અને પ્રાણવંત સમાપન પણ છે. ‘છિન્નપત્ર’માં અગાઉના પચાસ ટુકડાઓમાં અજયનું મનોવિશ્વ narrative addressની પદ્ધતિએ આલેખન પામે છે; ને એમાં માલા-લીલા અને તેમનાં રહસ્યો સાથેના અજયના સમ્બન્ધો, એનાં સ્વરૂપો અને ત્રણેયના વ્યક્તિત્વ પણ ઉપસ્યા કરે છે. આ સંબોધન ‘એક હતો રાજા ને તેને બે હતી રાણી પ્રકારે ગતસમયના એકમોને ક્રમબદ્ધ કહેનારું નથી– સ્મૃતિ અને ભૂતકાળની, અને કલ્પન-પ્રતીકથી વ્યક્ત થતી મનોસ્થિતિઓ, કે જેમાં વિચાર, ચિંતન, લાગણી વગેરે ઓતપ્રોત થઈ ગયાં છે, તેની સંકુલ ભાતો થતું સ્વૈર અને નિરાકાર છે. ચેતનાના વિવિધ સ્તરો પર જિવાતી આ સૃષ્ટિ એના વેદનશીલ સર્જક-નાયકની જ મનોભૂમિની લીલા છે ને તેથી સર્વથા નિર્વાહ છે. ‘છિન્નપત્ર’ને અજયના આ વિશિષ્ટ વ્યક્તિત્વના સંદર્ભમાં જ મુલવી શકાય.

*

પ્રેમાનુભવમાં તથા પ્રકૃતિ કે સંસાર સાથેના તમામ સન્નિકર્ષોમાં જે કંઈ પણ જ્યારે transcendental ગોચર થાય ત્યારે તેને પકડીને શબ્દમાં મૂર્ત કરનારી સર્ગશક્તિ અજયમાં નોંધપાત્ર લક્ષણવિશેષ છે. અનુભૂતિની પાર જનારી એની મેધામાંથી જ અહીં માનુષ્યિક પ્રેમનું એક મૌલિક સ્વરૂપ સ્ફુર્યું છે. લેખકે એને સુન્દરમાં રૂપાન્તરીને ભાષામાં મૂકી આપ્યું છે. માલાના સઘળા રહસ્યની માયા, એની મર્મકાયાની ઓળખ – બધું, અજય માટે ‘જીવન’ બની ગયું છે. માલા પોતાના મર્મ માટે મમત્વ ધરાવતી થાય, એની વ્યક્તિમત્તાનું પૂરું દર્શન પ્રગટે, એ પોતે પોતાને પામે, એવી આશાથી અજય પરોવાયો છે. પણ એ પોતાના પ્રેમનું સ્વરૂપ જાણવા ઝંખે છે ત્યારે એના ‘અહં’ની ભૂમિકા પર અજય-માલાનું વિશ્વ ભારે બનવા માંડે છે – સાહજિકતાનો નાશ થવા માંડે છે. પણ અજયની દૃષ્ટિએ એમ થવું એ જ સહજ છે. લીલાની જેમ, અજય અથવા માલા અહંકારને નષ્ટ કરી શકતાં નથી, પણ ‘હું’ના વિલોપનમાં પ્રેમની વ્યાપ્તિ જરૂર જુએ છે – જો કે એ વ્યાપ્તિ તે શૂન્ય છે એમ માનતા અજયની જ નહિ, બલકે આ કદાચ, માનવ-નિયતિની જ કરુણતા છે, જેમાંથી છટકવાનો માર્ગ નથી. અજય પ્રેમની અસીમતા કે પૂર્ણતા જાતના વિગલનમાં જુએ છે ને માલા પાસે એવા જ સમર્પણની અપેક્ષા રાખે છે. જો કે એ બધું સહજતયા સંભવે તેમાં જ એને રસ છે. અજયનો પ્રેમ કોઈ બંધન કે ફાંસો નથી જે માલાને હંમેશને માટે ગ્રસી લે. ઊલટું સામેથી અજયે માલાના સમગ્ર વ્યક્તિત્વને અકબંધ રાખીને જ ચાલ્યા કર્યું છે : ‘પણ તારું એક સ્વતન્ત્ર અસ્તિત્વ છે. ગમે તેટલું મથીએ તો ય બીજાના અસ્તિત્વની આ પૃથક્તાને પૂરેપૂરી ભેદી શકાતી નથી કે નથી પોતાનું પૂરું વિગલન થઈ શકતું. જે આ પૃથક્તાના પાયા પર જ કંઈક ખરું કરી શકે તે સાચો.[8] આમ અજય પાર્થક્ય ભૂંસી નાખનારો પ્રેમી નથી. તમામ ચીલાચાલુ નવલોના પ્રણય-પ્રેમ-પદાર્થથી અહીં ‘છિન્નપત્ર'નું પ્રેમવિશ્વ અને તેની મીમાંસા જુદાં પડી જાય છે, એટલે કે સમ્યક્‌રૂપમાં અહીં એના સ્વરૂપોને પામી શકીએ છીએ. આમ પાર્થકયનો પાર્થક્યરૂપે સ્વીકાર કરીને જ અજય માલાને પૂર્ણતયા પ્રગટાવવા માગે છે. પરંતુ એનો આ પ્રમાભિગમ કે પ્રણયાભિગમ સ્વના વિલોપનથી કે સ્વની આહુતિથી ચરિતાર્થ થયો નથી. એ જણાવે છે તેમ, ‘આપણને કોઈ નિઃશેષ થઈ જવા દે, નથી, અહીં તો સૌને અંશોનો ખપ હોય છે.’[9] સ્વથી જે કોઈ ઈતર છે તેના અભિગમની સ્વાર્થપરાયણ ન્યૂનતાઓનો પ્રશ્ન પણ અહીં એવા જ મહત્ત્વનો છે. છિન્ન અંશોની એષણા કે પ્રાપ્તિમાં દુઃખ, વ્યથા અને વેદના જ હોય છે. લેખકે અહીં અસ્તિત્વમૂલક, વર્તુળમાં ઘૂંટાતા રહેતા માનુષ્યિક પ્રેમની મર્યાદા ચીંધી છે, ને સાથે જ, એમાંથી એની અનિવાર્ય કરુણતા કેવી રીતે પ્રગટે છે તે બતાવ્યું છે. જોકે પ્રકૃતિમૂલક વિવશતાઓને વશ એવાં માલા-અજયનાં અસહજ વ્યક્તિત્વોની સરખામણીએ લીલાની સાહજિક પ્રકૃતિ ‘અગ્રાહ્ય’[10] છે. અજયની દૃષ્ટિએ લીલા ‘અમાનુષી’ છે- ‘એની સાથે માયા જોડી ના શકાય જો કે, પણ, આ અભિગમે ય એનો પોતાનો છે. લીલા એવી ન પણ હોય. અજયની પારદર્શક અને પારગામી દૃષ્ટિ-પ્રકૃતિ જ એની. વેદના અને કરુણતાનું કારણ છે. જોકે જન્મોજન્મ સુધી વિસ્તરેલી આ પ્રેમપ્રક્રિયા સૂચવે છે તેમ, ને અજય માને છે તેમ, એમનો પ્રેમ બૃહત્ છે : બૃહત્‌ના રહસ્યમય અપ્રકટ અંશની જ આ વેદના છે, ને તેથી જ કદાચ પ્રેમનું પણ રહસ્ય જ, પ્રગટીને અજય-માલાને જકડી રાખે છે. આમ વેદના પ્રેમનો પર્યાય બની જાય છે – અજય માટે એ જીવનનો પર્યાય બની રહી છે. વેદનાને ભૂંસી નાખવી કે પ્રેમમાં બાંધછોડ ઊભી કરી એને સંકોચવો, એવી હીનતા અજય આચરી શકે નહિ. એનો પ્રેમ માનુષી હોવા છતાં એની flight જન્મજન્માંતર એટલે કે મૃત્યુને પણ ભેદી જવા ઝંખે છે. એ મૂર્ત ન થવા છતાં, એના પુરુષાર્થનું ગૌરવ પામવું એ તો માનવીના બસની બાબત છે. જેમાંથી આ બધું ઊગ્યું અને પછી જેમાં આ બધું સંચિત થતું રહ્યું તેવા પોતાના હૃદયને અને એની બધી જ અવળચંડાઈઓને અજય પૂરી જાગ્રતિથી વફાદાર છે. સંભવ છે કે લીલા પણ પોતાના હૃદયની આબોહવામાં જ શ્વસતી હોય, માલાનું પણ તેમ જ હોઈ શકે છે. બે પૃથક્ હૃદયને એક કરવામાં જ ઝંઝાવાત સૂસવી ઊઠે છે.[11] એવું માનતો અજય હૃદય, મન, પ્રકૃતિ આદિમાં અનુભવાતા અસ્તિત્વનો અને ત્સ્ફુરિત વ્યક્તિત્વનો વિસ્તાર ઈચ્છે છે જે માનવી માટે એક દુરારાધ્ય આદર્શ છે. કેમ કે વિલયન પૂર્ણપણે થતું જ નથી. થાય તો તે એક એવી રિક્તતાનો, શૂન્યનો, અનુભવ છે જેની ઉપસ્થિતિમાં જીવવાનો કશો સ્વાદ નથી. તેથી જ અજય માને છે તેમ અસ્તિત્વનાં અતલ ઊંડાણોમાં પડેલો ભાર તો માનવીનું ‘નીરમ’[12] છે એના વિના વહી ન શકાય : ‘થોડી વેદના, થોડું શૂન્ય આપણને આ સંસારમાં સાચા બનાવવાનું જરૂરી છે,’[13] એવી અજયની સમજ છે... વ્યાપ્તિ શકય હોય તોપણ એને જિરવવાની અજયમાં હામ નથી. માલા સાથેના પોતાના યોગનું પરિણામ એણે આ રીતે વર્ણવ્યું છે : ‘રેસ્ટોરાંમાં બેઠો બેઠો સમુદ્ર ને ક્ષિતિજની ભેગી થતી રેખાને જોઉં છું. ભેગા થવું હોય તો આમ અફાટ રીતે વિસ્તરી જવું પડે. ને માલા, વિસ્તાર એટલે જ દૂરતા. એથી જ તો આપણે ભડકી ઊઠીએ છીએ. હાથથી હાથ છૂટો પડે, રસ્તાનો વળાંક આવે, દૃષ્ટિ પણ પાછી ફરે ત્યારે હૃદય કેવું ગભરાઈ ઊઠે છે!’[14] ધુમ્મસ ધૂંધળાશ અને અન્ધકાર સાથેનું અજયનું તાદાત્મ્ય પણ આ સંદર્ભમાં યથાર્થ ભાસશે. પૂરી પારદર્શકતા, અજય કહે છે, આપણે જિરવી શકતા નથી. જે ભાવ, યા સ્થિતિ, મરણનેય પ્રત્યક્ષ કરે- તેવી પારદર્શકતા અજયને મંજૂર નથી.[15] આ બધાના અનિવાર્ય પરિણામરૂપે સર્વ કાંઈથી વિચ્છેદ અને તજ્જન્ય વિષાદ, વેદના જ અજયનો સ્થાયીભાવ બની રહે છે. આબોહવારૂપ વેદનાને જ રમાડીને, વિવાદને જ ગાઈ-ઘૂંટીને પોતામાં એવી કશીક હામ જન્માવવાની અજયને એષણા છે. એનું ગર્જનકર્મ આ આંતરિક જરૂરતમાંથી જન્મે છે. જો કે તેનાયે મિથ્યાત્વનું આ મેધાવીને પૂર્વજ્ઞાન છે- લેખનને એ આત્મપીડનનો પ્રકાર કહે છે. ક્ષણે ક્ષણે નવી સૃષ્ટિ સર્જવી એ અજય જેવા માટે જીવનજરૂરિયાત છે, તેમ છતાં પણ, એકલતાની આ રુદિષા અને અરણ્યરુદનની વિવશતા પછી પણ આ જ સૃષ્ટિમાં શ્વાસ લેવાના છે તેથી, અજયમાં ઈતર કે અન્યનો બહિષ્કાર નથી- બલકે સમજદારીભર્યો સ્વીકાર છે. એ સૃષ્ટિ ક્યાંયે નહિ ને માલાની આંખમાં મળે તો યે અજયને સંતોષ છે. પણ માલા ક્યાં? માલા ન ભેદી શકાતી દૂરતાના વેષ્ટનમાં લપેટાયેલી છે. એ મૌનથી જ અભિવ્યકત થાય છે. એ મૌન અશ્રુધૂસર છે ને પ્રેમની, અપરિમેય છતાં નિશ્ચિતભાવે અનુભવાતી બૃહતતાને કયા ભાજનમાં સંભરવી એ સમસ્યાથી અને પ્રેમની વિકટતા ન જિરવાતાં જન્મેલી વિવશ હતાશામાંથી ફૂટ્યું છે. ભલે અજયને એમાં કશાયની પણ અભિવ્યક્તિ ન વરતાતી હોય, છતાં, એ જ એની પ્રામાભિવ્યક્તિ છે. માલા માલારૂપે -રહસ્યમય અસ્તિત્વરૂપે જ- સતત રજૂ થઈ છે. પોતાના હૃદયની અને અહંકારની ગરમીઓમાં માલા પ્રેમપ્રાકટ્ય-સમયની મુગ્ધાવસ્થાને ચોળાઈ જતી અટકાવી શકી નથી. પ્રેમ આત્મપરિચયની અને આત્મવિસ્તૃતિની પ્રક્રિયા છે છતાં માલાને સ્વનો પરિચય થતો નથી. આખી વાતમાં માલામાં રહેલી માલા જ સમસ્યારૂપ છે. એના વ્યક્તિત્વમાં ઘણા મિશ્ર અંશો છે : અહંકાર નિશ્ચય હઠ અને એની સામે છેડેનું બાલિશ પરગામી ચાંચલ્ય પણ છે; આત્મરતિ છે તો વિખેરાઈ જઈ નિશ્ચિંત થવાની લાપરવાહી પણ છે. પોતે રહસ્યમયી છે ને અજય એના રહસ્યથી ઘવાયો છે એ જણાય તેવું છે. છતાં માલા પોતાના જ કેન્દ્રમાં બિડાયેલી, આત્મનિહિત છે. અજયનાં નિવેદનો કે લીલાની શિખામણો પછી પણ એ પુષ્પ ખીલી શકતું નથી. એનાં અસ્તિત્વમૂલક જીવનોમાં પડેલી આ બેહોશી, જડતા, એની વેદનાને એક મૌલિક પરિમાણ બક્ષે છે. માલાની વેદનાથી, એ, આધુનિક માનવસ્થિતિનું કેવું તો સુપેરે પ્રતિનિધિત્વ કરે છે અને એના લેખક એ વિશેષને કેવી સભરતાથી મૂર્ત કરે છે તેનો સઘન પરિચય થાય છે. નારીસહજ આંસુનો રાહ લીધા પછી પણ, ગૂંચો ઊકલે કે કેમ, સહજતા સિદ્ધ થાય કે કેમ, આત્મવિસ્તાર શકય બને કે કેમ વગેરે પ્રશ્નોની જાગ્રત તીખી અનુભૂતિઓ એના વ્યક્તિત્વની છિન્નતાને જ ઓળખાવે છે. પરિશિષ્ટની માલા પ્રક્રિયામાંથી કદી મુક્ત ન થનારો જીવ છે ને ભૂતકાળના બોજા હેઠળ ત્રસ્ત છે. કશીક અનિર્ણયની સ્થિતિમાં એ ક્ષણો સાચવી શકી નથી- એ કહે છે : ‘મેં ગૂંચનો હાઉ ખોટ્ટો તો ઊભો નહોતો કર્યો ને? ના કહેવી જોઈએ ત્યાં ના કહેવાની હિંમત કરી હોત, હા પાડવાની ક્ષણે હા પાડી હોત તો? પણ આ જ તો સહેલું નથી. હૃદય દગો દે છે, ખંધુ બનીને કશું બોલતું નથી. ને એ દરમ્યાન ક્ષણ ચાલી જાય છે. પણ એ ક્ષણ આગળ જિંદગી તો પૂરી થતી નથી![16] સ્મૃતિના ક્ષારમાં ધોવાતી માલાને અહીં એવી પણ ક્ષણનો અનુભવ થાય છે જેમાં એને, પોતાની, અજયે વાંચેલી રહસ્યમયતાના પોતામાં હોવાપણા વિશેની પણ શંકા થાય છે. આ કટોકટી એને પ્રબળ પ્રેમની અનિવાર્યતા સમજાવે છે, પણ માલા કોણ જાણે શેના ભયે, આ પ્રબળતા ને પ્રચણ્ડતાથી દૂર ભાગતી આવી છે.’[17] એને પ્રશ્ન થાય છે : ‘મરણ પોતે જ એક એવો ઊછળતો જુવાળ નથી?[18] પણ મરણ આગળ બધી વાતોનો છેડો આવતો નથી, પ્રેમમીમાંસામાં, છિન્નપત્ર, મૃત્યુનો તંતુ, બધું યાથાર્થ્ય સાચવીને સતત વ્યકત કરે છે, ને તેથી, મીમાંસાને એક આવશ્યક પરિમાણ મળે છે. માલાને થાય છે : આપણી ચેતનાને સંચિત કરવાને મરણનું પાત્ર પણ કદાચ નાનું પડતું હશે.[19] કેમકે ચેતનાનો સ્વભાવ પોતાનું આગવાપણું ગુમાવવાનો નથી. પણ અજયનો પડકાર અહીં જ છે- ૪૪મા ટુકડામાં એના મરણ વિશેના ખ્યાલો વિસ્તારથી વાંચી શકાય છે. એને મન મૃત્યુ બધું એકાકાર, એકરૂપ, કરી નાખનારી ઘટના છે. પણ તેથી જ એનો ભય છે. અજય સર્જક હોઈને સંસાર પ્રકૃતિની તમામ માયિક રૂપાવલિઓથી લુબ્ધ છે. છતાં મરણભય અને રૂપરમણા વચ્ચે સમતુલા ઊભી કરવાની એની ખ્વાહિશ છે, અને એમાં એ માલાનો સહયોગ ઝંખે છે, સમાન્તર સહસ્થિતિ ઝંખે છે. એ ચિંતિત છે કે, એવા પરમાનુભવમાં આ માલા સાથે હશે ખરી? આમ મરણ એમના સ્નેહને ‘વળ’[20] ચઢાવે છે, જીવન-જનિત વેદનાની પરિપૂર્ણ અનુભૂતિના ફળરૂપે અજય મરણને માલા સાથે ભોગવવા માગે છે. પ્રેમવેંકટ્યમાંથી જન્મેલી આ સહજ અમુર્ષા છિન્નપત્રમાં ગૂંચવાયેલી એક બળવાન સુંદર રેખા છે. ‘જે આ ક્ષણે આંસુ બનવા જેટલું નિકટ આવે છે તે જ બીજી ક્ષણે દૂરનું નક્ષત્ર બનીને ચમકે છે.[21] અજયની આ ઉક્તિમાં માનુષ્યિક પ્રેમની સ્થિતિ અને આદર્શ બેય વણાયાં છે. આખરે તો ‘છિન્નપત્ર’માં માનુષ્યિક પ્રેમનું ગૌરવ જ ગવાયું છે : અજયના નિર્ભ્રાન્ત પ્રેમભાવની અને માલાના કેન્દ્રસ્થ પ્રેમમર્મની રજૂઆતોમાં બળવત્તા છતાં નબળાઈ, શિખરો ચૂમતી ગરવાઈ છતાં ખાઈના અન્ધકારમાં ચૂપ એવી માણસતાનાં દર્શન થાય છે ને તેથી રચના સાહિત્યકૃતિની કક્ષાએ રહે છે. (આધુનિક સંદર્ભમાં થયેલી આ પ્રેમમીમાંસા ‘સરસ્વતીચન્દ્ર’ પછીનું લાંબા ગાળાનું એ વિશેનું સર્જનાત્મક ચિંતન છે. એના લેખકે જાણ્યે-અજાણ્યે પણ ‘સરસ્વતીચન્દ્ર’ જોડે સન્ધાન સાંધ્યું, તે એમને પોતાને ગમ્યું હશે?

***
  1. ‘છિન્નપત્ર’, ૧૯૬૫ની આવૃત્તિ, પૃ. ૬
  2. જુઓ ‘ગ્રંથ’, ફેબ્રુઆરી, ૧૯૬૬, પૃ. ૪૧
  3. એજન, પૃ. ૯
  4. ૧૪
  5. આના સમર્થનમાં ૩૩ નંબરનો આ એક આખો ટુકડો એ સૂક્ષ્મ લાક્ષણિક ટૅકનિકના સંદર્ભે અભ્યાસવા જેવો છે : પૃ. ૪૪ : ‘રાત’. આજનો અન્ધકાર અગ્નિમય છે. રોષે ભરાયેલા નાગની જેમ એ રહી રહીને ફૂંફાડો મારે છે. એની જ્વાળાઓ ભૂતાવળની જેમ નાચે છે. નિસ્તબ્ધતા એમાં ઘીની જેમ હોમાય છે. મારા શ્વાસ જામગરી બનીને સળગે છે. લોહીમાં રહેલો સુપ્ત અગ્નિ જાગીને ફાળ ભરે છે. એકાન્તોનાં કેટલાંય વન સળગી ઊઠ્યાં છે! બળી ગયેલા કાગળ પરના અક્ષર જેવો હું માત્ર રહી ગયો છું. પવનની આંગળી ક્યારે વિખેરી નાખે એની પ્રતીક્ષામાં. આ અગ્નિ દ્યાવા પૃથ્વીને સાંકળનારો સેતુ છે. જાતવેદા છે. બે હૃદય વચ્ચેનો પણ એ સેતુ નથી? બીજાના હૃદયમાં જે જન્મે છે તેને પણ એ શું નથી જાણતો? માલા, આ અગ્નિના આલિંગનમાં હું પણ અગ્નિમય બનીને જાતવેદા બની ગયો છે. પણ યાદ રાખજે, મારું અસ્તિત્વ બળી ગયેલા કાગળ પરના અક્ષર જેવું છે. એના પર વધુ જુલમ નહીં થઈ શકે. એક આંસુ પણ એને રોળી નાખી શકે. ના, તું કશું બોલીશ નહીં. શબ્દોનો થડકાર પણ પ્રાણઘાતક નીવડે. પણ તારા હૃદયના ધબકારનું શું કરીશ? તું સહમરણની વધૂ બનીને અગ્નિસ્નાન કરશે? અગ્નિથી મારી જોડે સંધાઈ જશે? આ અન્ધકારના અગ્નિમાં સમયનાં હાડ ભડકે બળે છે. કજળી ગયેલા ચન્દ્રની રાખ પવનને ફુંક મારીને ક્યાંથી ક્યાં ઉડાડી મૂકે છે. સૂરજ કાળા અગ્નિથી તસ તસ ભરાઈ ગયો છે. આ અન્ધકારના સ્ફુલિંગની માળા ગૂંથવાની રમત તું રમશે ખરી? અન્ધકારની ઉજ્જવળ દાહકતાનો કોઈને નશો ચઢી શકે ખરો? હવે કશો ભાર રહ્યો નથી. મારા આવેગના ભારથી તું કેવી અકળાઈ ઊઠતી? હવે તો તું એક ફૂંક મારે તો હું રાખ બનીને ઊડી જઈશ. બોલ, તારે એવો જાદુ કરવો છે? કે પછી એ રાખને માદળિયામાં ભરી રાખશે ને કોઈ સિદ્ધ પુરુષ મને ફરીથી જીવતો કરી આપે તેની રાહ જોયા કરશે? મારા શબ્દોથી પણ તું કેવી ત્રાસી ઊઠતી! રાખની લિપિમાં તો કશું લખી શકાતું નથી, અન્ધકારનો આ અગ્નિ તારાંમારાં સર્વ રહસ્યોને ઉજ્જવળ બનાવે છે. મારી આંખોમાં હવે એની શિખા સમુદ્રની છોળની જેમ ઘૂઘવે છે. મરણ નાનું શું કાજળનું ટપકું બની ગયું છે. ઈશ્વરહીન આ અપરિમેયતા માનવહૃદયની સીમાને સાચવીને પોતાની કાયાને સંકોચતી નથી. તું તો કેવી સંકોચશીલ છે! પૂરી આંખ ખોલીને તું કશું જોતી પણ નથી. તારો સ્પર્શ પણ ભીરુ હમણાં જ છટકીને ભાગી જશે કે શું એવી શંકામાં રાખનાર- આ અન્ધકારના અગ્નિની ભરતીના જુવાળ તને અડે તો શું થાય? કોઈવાર મારા સ્પર્શથી ચોંકીને સફાળી તારી આંખો મારી સામે માંડીને ઉપાલમ્ભભરી નજરે મારી સામે નથી જોઈ રહેતી? કદાચ મારા સ્પર્શમાં પણ પ્રચ્છન્ન કશો અગ્નિ રહ્યો હશે. પણ ચન્દનવૃક્ષોનાં વનની શીતળતામાં રહેતા સાપનું ઝેર પણ જલદ નથી હોતું? ઠાલા હૃદયની બખોલમાં ય ઝેરી નાગ વસતા હોય છે. તારા ઠાલા હૃદયની બખોલમાં તેં નજર કરીને નાગની સંખ્યા કદી ગણી છે ખરી?
  6. છિન્નપત્ર, પૃ ૭
  7. એજન, પૃ. ૮૬
  8. એજન, પૃ. ૫૭
  9. એજન, પૃ. ૫૭
  10. એજન, પૃ. ૪૫
  11. એજન, પૃ. ૬૪
  12. એજન, પૃ. ૬૪
  13. એજન, પૃ. ૩૬
  14. એજન પૃ. ૫૭
  15. એજન, પૃ. ૩૮
  16. એજન, પૃ. ૭૨
  17. એજન, પૃ. ૭૮-૭૯
  18. એજન, પૃ. ૭૯
  19. એજન, પૃ. ૬ર
  20. એજન, પૃ. ૫૯
  21. એજન, પૃ. ૩