ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો/મહાભિનિષ્ક્રમણ અમિતનું
મુકુન્દ પરીખ
મુકુન્દ પરીખની ‘મહાભિનિષ્ક્રમણ’ ત્રણ બાબતોમાં મહત્ત્વની રચના છે : એના નિરૂપણ-આલેખનમાં stream of consciousness પદ્ધતિનો નાનકડા ફલક ઉપર છતાં નોંધપાત્ર સ્વરૂપનો પ્રયોગ થયો છે : અહીં કલારૂપે આલેખન થયું છે જેનું તેને વ્યાપક અર્થમાં ઘટાવીએ તો, મનોવિજ્ઞાનીઓની libido theoryના પ્રકાશમાં એને oedipus complex ગણી શકાય : આધુનિક જીવનચિન્તન-ધારાઓ જેમાંથી ફૂટી છે એવા સંવેદનશીલ વ્યક્તિ-નાયકનું ભાવવિશ્વ આ રચનામાં એક રસપ્રદ સંકુલરૂપે મુકાયું છે... નાયક અમિત દલાલનું આ સંસારમાં રહેતે છતે થયેલું અનુભવાતું મહાભિનિષ્ક્રમણ સ્ફુરાવતી આ રચના, આ દાયકાની એક ગણનાપાત્ર પ્રયોગ-સિદ્ધિ છે. ઉક્ત ત્રણ વાનાં અને એના લેખકની માધ્યમ-પરક મૌલિક નવતાએ કરીને મહાભિનિષ્ક્રમણ’નું કલાવિશ્વ ઠીક ઠીક પ્રકારે નોંખું રહ્યું છે, ને વિવેચનાને પડકાર આપતું રહ્યું છે.'[1]
પહેલાં પાંચ પાનમાં, નાયકની વ્યક્તિચેતના અને એના જીવનની સામ્પ્રત અવસ્થા ઉપસાવી આપે તેવાં પ્રતીકોવાળી, ગદ્યલયયુક્ત નિરુપણશૈલી પ્રયોજીને લેખકે, નવલકથામાં હવે આવનારી સૃષ્ટિનો પરિચય આપી દીધો છે. નવલકથા પ્રથમ પુરુષ એકવચનમાં એટલે કે નાયક અમિતને મુખે કહેવાઈ છે. અમિત એકાઉન્ટ ઑફિસર છે ને તેથી એની કથનરીતિ આવી લયાન્વિત કે કાવ્ય-રૂપની મુક્ત ક્રમવાળી હોઈ શકે નહિ એ વાંધો નોંધપાત્ર હોય, તો પણ, નવલમાં, અમિતનું આંતર-વિશ્વ એટલે કે લાગણીબુદ્ધિવિચાર જેમાં ઓતપ્રોત છે તેવું ઊંડું ચૈતસિક ભાવજગત, એણે જીવી નાખેલો એક કરુણ અતીત, એ અતીતની ક્ષણે ક્ષણે પ્રતીતિ થયા કરે તેવો ઠરી ગયેલો વર્તમાન, બાહ્ય સંસારથી ઊભો થયેલો એનો વિચ્છેદ, એની સમ્બન્ધ-શૂન્યતા, ટૂંકમાં એનું માનસિક મહાભિનિષ્ક્રમણ- નિરૂપણવિષય છે, ને તેથી અમિતની શૈલી છે તે રૂપમાં જ ઉચિત લાગે છે. જૂઠાપણું, જડતા, નિષ્ચેતનાને અનુભવતો અમિત ખુરશીમાંથી ઊભો થઈ શક્તો નથી. બોજાથી એ કુણ્ઠિત થઈ ગયો છે, ને ગતિશીલતા એની ગૂંગળાઈ ગઈ છે. થાક, કંટાળો અને રિક્તતાની વચ્ચે એ જીવે છે, એનો ઓરડો બધાથી ભરાયેલો છે. એના ઓરડાની દીવાલ –જેના પોપડા ઊખડી ગયા છે, ને જેને ધોળાવવાની ઈચ્છા છતાં અમિત ધોળાવી શક્યો નથી, – એના ભયાવહ અતીતનું પ્રતીક છે. આ દીવાલનો સંદર્ભ નવલકથામાં આગળ જતાં વધારે મહત્ત્વનો બને છે... શબ્દની સાથેનો અમિતનો સમ્બન્ધ અમુક રીતનો, ચોક્કસ સ્વરૂપનો, છે. એના ઓરડાની ચાર દીવાલોમાંના ખાલીપણાને ભરી દેવા, અર્થસભર શબ્દોની મધમાખો ધસી આવે છે, વાણીનાં પૂર આવે છે, ચાલ્યાં જાય છે, અમિતની અસ્વસ્થતા માત્ર સ્પંદિત થાય છે, નષ્ટ થતી નથી. નાયકનો શબ્દો સાથેનો સંવાદ સૂચક છે.... પોતાના હાથને લંબાવી બારી પણ ખોલી શકાતી નથી એવી નિષ્પ્રાણતા ઉલ્લેખીને લેખકે અમિતની સ્થિતિમાં રહેલી એક frozen વેદનાને વાચા આપી છે. આંગળાને બળપૂર્વક હચમચાવી બારી ખોલતા અમિતમાં, એક મુક્ત થવા ઝંખતા જીવની વ્યથા છે, છતાં બારી ખૂલે છે ત્યારે, એ જ પરિચિત પીપળાનું વૃક્ષ એની આંખોમાં સાંગોપાંગ ખોડાઈ જાય છે. કોઠે પડી ગયેલી આ જીર્ણ પરિચિતતાને અને એના લપટાપણાને જીવતો અમિત, અતીતના અપરાધોની જાણે સજા ભોગવી રહ્યો છે. લેખકે રચનામાં પીપળાના પ્રતીકને પણ વિકસાવ્યું છે. દીવાલ, શબ્દો, બારી, પીપળો એ ચારના જેવો જ અમિતનો પાંચમો સંગાથી છે અન્ધકાર. આ અન્ધકારનું પ્રતીક ‘સ્ત્રી’માં વિકસતું બતાવીને લેખકે અમિતના માતા ચંદન, પત્ની રમા અને પ્રિયતમા સરોજ તથા બીજી અનેક સ્ત્રીઓ સાથેના સમ્બન્ધવિશ્વની બળવાન ભૂમિકા બાંધી છે. ‘સ્ત્રી’ એક તબક્કે તો અમિત માટે ઈશ્વરનો પર્યાય બની જાય છે, બંધન કે ઈપ્સા નહિ પણ મોક્ષ કે સાક્ષાત્ પ્રાપ્તિ બની જાય છે. પોતાના આવા વિલક્ષણ જીવાનુભવનું પૃથક્કરણ કરી અમિત એના રહસ્યનો તાગ લેવા મથે છે. પોતાની એ મથામણના સાક્ષી થવા ભાવકને આમન્ત્રે છે. મૃત ભૂતકાળની બોજિલ વિમાસણોથી જ્યારે અમિતનું સામ્પ્રત જીવન static બની ગયું છે, એમાં કશી ક્રિયા જ બચી નથી, અથવા બારી ખોલવા જેટલી જ ક્રિયા બચી છે, ત્યારે શબ્દ વિશેનો અમિતનો આવો મુખરિત ભાવ સૂચક બની જાય છે. અમિતની શબ્દચેતનામાંથી જ ઊપસે છે ચહેરાઓ. ને ચહેરાઓની પેલી ભૂતકાલીન કરુણ દુનિયા.... પોતાની આ અવસ્થાને અમિતે ટૂંકમાં આમ મૂકી આપી છે : શબ્દો આદિને સંબોધીને એ કહે છે : – બંધ આંખોમાં પણ તમે જ છો. – હે અંધકાર! ‘હે સ્ત્રી!’ – હે શબ્દ! – તમે omnipresent છો. – તમે શ્વાસ છો. – તમે પીપળાનાં પર્ણ છો. – તમે વિસ્તર્યા છો મારી ત્વચાના અણુ અણુમાં. – તમે કોળ્યા છો દીવાલની રજેરજમાં. – તમે વહો છો હવાની કણે કણમાં – તમે થીજી ગયા છો મારા ખોટકાઈ ગયેલાં ચરણો નીચે. – તમે ભીંજાઈ ગયા છો મારા ભયભીત શ્વાસોચ્છવાસમાં. પછી ક્રમશઃ ચહેરાઓ અને એમની પરિચય-ગાથાઓ આવે છે, દસ પાન સુધીમાં એ પદ્ધતિએ, લેખકે પાત્રમંડળનો પરસ્પરનો અને અમિત સાથેનો સમ્બન્ધ સ્થાપી આપ્યો છે. સરોજ : પ્રિયતમા, ચંદન : માતા, રમા : પત્ની, વિઠ્ઠલ : નોકર, સુરેશ : મિત્ર, એમ સૌ ચહેરાઓ આવે ભૂંસાય એ પદ્ધતિએ વર્ણવાય છે. ખરેખર તો અમિતનો સંઘર્ષ ‘સ્ત્રી’ વિષયક છે, સરોજ, રમા અને ચંદન સાથેના સાંસારિક સમ્બન્ધોની ભૂમિકા અમિત માટે લુપ્ત થઈ છે. એ સાધારણ રહી શક્યો નથી, વિકૃત થઈ ગયો છે. માતાના વાત્સલ્યને અભાવે અને માતા પ્રત્યેના અતીવ પ્રેમને ભાવે અમિતનું જાતીય જીવન એક ગૂંચ બની ગયું છે, એક અસંભવ બની બેઠું છે. સ્ત્રીભૂખમાં સબડતો, લાગણી અને બુદ્ધિનાં બળોની બે છેડાની ભીંસથી અથવા તો તાણથી અમિત તૂટી ગયો છે. અમિતની સ્મૃતિ ઊકલ્યા કરે છે, ને એ પટ પર ચિત્રો ઊપસીને શમી જાય છે, એમાં તરંગો છે, કલ્પનાઓ છે, જલ્પનો છે, વિચાર, ભાવ, લાગણી, સંવેદનની એક મુખરિત ભાવચેતનાનો આપણને પરિચય મળ્યા જ કરે છે. લેખકે એ પ્રવાહમાં કથા ખૂબીથી ગૂંથી દીધી છે. પણ કથાની chronological ગતિ તૂટે, એની psychological designનો લય પકડાય એ પ્રચ્છન્ન હેતુ લેખકે અહીં કુશળતાથી સાધ્યો છે. એ designને શબ્દબદ્ધ કરનારી પ્રક્રિયા કથામાંથી અ-કથાનું એક એવું static world ઊભું કરે છે જે નાયકચિત્તની અવસ્થાનું એક માત્ર મૂર્ત રૂપ છે. વક્તવ્ય અને અભિવ્યક્તિનું આવું સંવાદપૂર્ણ સાયુજ્ય ‘મહાભિનિષ્ક્રમણ’નો વિશેષ છે. સીધા ગાણિતિક સમયમાં ગુજરેલી કથા અમિતની ચૈતસિક દુનિયાઓમાં રઝળતી કેવી રીતે શબ્દસ્થ થાય છે, તે રીતિની શોધ, તે પ્રક્રિયાની તપાસ, ‘મહાભિનિષ્ક્રમણ’ની આસ્વાદભૂમિ છે. અમિતને પોતાની કથા સરળતાથી કહેવામાં જ રસ છે પણ એમાં અનેક રીતના interuptions જન્મી આવે છે. લેખક રચનાને કલા-આકાર અર્પવા માગે છે તેથી આમ બને છે, છતાં એ આકાર અહીં બહારથી મૂકેલો નથી- એનાં મૂળ, અમિતની ચેતનામાં પડેલાં છે. અમિત જ પદાર્થો, ઘટનાઓ ને વસ્તુસ્થિતિઓને એની આ આંખે જોતો થઈ ગયો છે. એના અંતરતમમાં અન્યાયજન્ય વેદના અને ઉદાસીનતા ઠરી ગયાં છે; એક રોષ, એક આક્રોશ સમસમી રહ્યો છે, એક વલવલાટ, અધૂરાપણું, અભાવગ્રસ્તતા, એક દીનતા ને એક ગુનાહિતવૃત્તિ- સંઘરાઈ રહ્યાં છે. પણ એને શબ્દો મળ્યા છે, એના શૂન્યને ભરી દેવા એના અભાવોને દૂર કરવા એ બધા એની મદદ આવ્યા છે. રચનામાં એવા કેટલાયે ટુકડાઓ છે જેમાં વાક્યો, એક ઉપર એક મૂકીને થપ્પી બનાવાય તેવા સંઘેડાઉતાર રચવામાં આવ્યાં છે. અમિતના ચિત્તની ચોસલિયાળી સ્થિતિનું એ પરિણામ, કોઈ બીજા ટુકડામાં, એક જ હૂકમાં ભેરવાતી અનેક ચીજોની જેમ વર્ય વસ્તુની યાદીઓ આપે છે ત્યારે, રૂપ બદલે છે; તો ક્યારેક નેરેટિવ હોવાનો લાક્ષણિક ગુણ ધરાવતા એ ટુકડાઓ કટાવના કે એવા જ પ્રકારના કોઈ લયાન્વયમાં મહોરી ઊઠે છે. આ સંદર્ભમાં, ‘મહાભિનિષ્ક્રમણ'નું સમગ્ર ગદ્ય, ગદ્યવલય અને વાક્યલય તપાસવા ઘટે. લેખકે ભાષાને આવા ચોક્કસ હેતુને વિશે પૂરી સર્જનક્ષમ બનાવી છે. અમિતના ભાવજગતમાં મા, પત્ની, પ્રિયતમા, મિત્રો નહિ પણ ચન્દન, રમા, સરોજ, સુરેશ-શેવડે આદિ ડહોળાય છે; ઉપરાંત, એમાં દીવાલો અંધકાર પીપળો પણ વલોવાય છે; લાગણી વિશે, ટેવ વિશે, કે ઈશ્વર કે સ્ત્રી વિશે, વાસના કે પ્રેમ વિશે અમિતના ચિત્તમાં એક નિરંતર ચિન્તનપ્રક્રિયા ચાલુ હોય છે. એ ચિન્તનમાં એની વૈયક્તિક ભાવાનુભૂતિઓનું બળ રસાઈ ગયું છે. ને તેથી નિરૂપણક્રમમાં સ્વાભાવિક જ ચેતનાપ્રવાહની ગતિ દેખાય છે.[2] અલબત્ત, એ પ્રવાહ કોઈ ચોક્કસ સમયમાં ગતિમાન નથી ને સ્મૃતિશીલ હોઈને ભૂતકાળની એક ઠરી ગયેલી અવસ્થાનો જ ચીતાર આપે છે છતાં, અહીં એ આગન્તુક નથી. જેમ્સ જોય્યસ કે વર્જિનિયા વૂલ્ફ જેવાં આ પદ્ધતિનાં કલાધરોનું માતબર સામર્થ્ય અહીં પ્રગટાવી શકાયું નથી. છતાં તત્ત્વાર્થમાં પદ્ધતિનો વિનિયોગ પૂરા ઉચિત ભાવે થયેલો છે. ઉક્ત નૅરેટિવ ટુકડાઓથી રચનામાંનું કથાવસ્તુ નિરૂપણ પામે છે. તો, એની સાથે જ, લેખ કે રચનામાં સ્વગોક્તિઓ, દીવાસ્વપ્નોનાં કે સ્વૈરતરંગલીલાનાં symbolic units પણ ગૂંથ્યાં છે. – એ ગૂંથણીથી ચેતનાપ્રવાહ-પદ્ધતિ વધારે સમૃદ્ધ બને છે, અને ખાસ તો aesthetic realityની દિશામાં સર્જનપ્રવાહને ખીલવી શકાય છે. અમિતની કેટલીક સ્વગતોક્તિઓ કે એકોક્તિઓ કથાનિરૂપણ તો કરે જ છે, પણ સાથે- સાથે અન્ય સાથેના એના ખુદના વર્તનને મૂલવે છે. એમ કરતી વખતે લેખક કથામાં ઔચિત્યપૂર્વકની ગભીરતાનું પરિમાણ ઉમેરાય તેની પૂરી કાળજી લે છે, એટલે કે એવી ઉક્તિઓ માત્ર પ્રલાપ બની રહેતી નથી. દા.ત. અમિત પોતે મકાન કેમ શોધતો નથી તેનું બયાન આપે છે તે લાંબી ઉક્તિ[3] આત્મમૂલ્યાંકનાર્થે આવી છે ને એમાં અમિતના પ્રાયશ્ચિત્તભાવ અને એકરારબુદ્ધિનાં દર્શન થાય છે. ને એની વ્યક્તિતા એક વ્યાપ્તિમાં વિકસે છે. એણે શહેરમાં ઊભરાતી જુવાન છોકરીઓમાં ‘રમા’ શોધી છે, ચંદનને પત્ર સરખો લખ્યો નથી. રમા અને ચંદન બેય પ્રતિ અપરાધભાવ અનુભવતાં અમિત દુ:ખી થાય છે. એ કહે છે, ‘ને તો ય મેં ગુજારેલા અત્યાચારોને વાચા ફૂટી છે તો ફૂટવા દો. એની ઉપર શબ્દના ફણગાઓ ને ફણગાઓમાંથી છો પાંગરે એક ઘટાદાર વૃક્ષ. એ વૃક્ષને પાંદડે પાંદડે મારી કથા હશે',[4] વગેરે. વૃક્ષ-રૂપકમાંથી લેખક ‘અન્ધકાર’ તરફ આ ઉક્તિને આમ વાળે છે, ‘હું નિદોષ’ નથી એટલે હું અન્ધકારને ચાહું છું.[5] આ ‘અન્ધકાર’ ઉમેરાતાં, પાપ-પુણ્યની લાગણી અને માતાને સંતાપી તે અપરાધને પરિણામે મધર મૅરીને સંતાપી છે એવો બૃહદ્ ભાવ- ઉક્તિમાં વિકસે છે. અને આ વ્યાપ્તિમાં ‘હું વિશિષ્ટ રીતે સાધારણીકૃત થાય છે : ‘હું’ જન્મ્યો છું માનવીના લોહીની ગુપ્ત મનોકામનાઓમાંથી, ‘હું’ જન્મ્યો છું માનવીના માંસની વાસનાઓમાંથી, હું જન્મ્યો છું માનવીની ઈચ્છાઓના સંતોષમાંથી. ને હું માનવી છું કેવળ માનવી.’ ને ‘માનવીભાવ' આવિષ્કૃત થતાં, જેવા છે તેવા રૂપમાં જિજીવિષા બળવત્તર બને છે ને વિદ્રોહ જાગે છે : ‘હું’, કહેવાતા ઈશ્વરના પડછાયાઓને ઝૂકી જવા માગતો નથી ને ઈશ્વરની પ્રિન્ટેડ છબીઓ સમક્ષ મારાં પાપ કબૂલવા માગતો નથી. પાપ મારાં છે ને મેં કર્યાં છે. એમાં ધોવાનું શું છે! હું માનવી વડે જન્મ્યો છું. ને હું માનવી માટે જન્મ્યો છું... મનુષ્યકક્ષાએ શક્ય એવું કંઈ પણ મારાથી થઈ જાય તો યે શું![6] અમિત અતૃપ્ત ઈચ્છાઓ વડે મનુષ્યને આકારવા માગે છે ને એ માટે ‘જલ’ની તલાશમાં છે, ઘૂઘવતું જલ- જે એમાંથી રૂપ આકારે... પૃષ્ઠ ૨૮ ઉપર અમિત ઘરે, જમ્યા બાદ, એકલો જ પાછો ફરે છે ને પછી એની એકલતા અને આંતરિક ઉચાટને મૂર્તિ કરનારી સંખ્યાબંધ ક્રિયાઓ વર્ણવાય છે. ખાલી ઘરમાંની ચંદનની ગેરહાજરી, નિસાસા ને દીવાલો, ને દીવાલો પરની કીડીઓની હાર- બધું અમિતની ભાવાવસ્થાને મૂર્ત કરે છે. એ વિચારકલ્પન-લીલામાંથી જ મહીસાગરમાં વૃદ્ધા આપઘાત કરે છે – વાળું સ્વપ્ન ફૂટે છે, અમિત પડી ગયો હોય છે ને વાસ્તવમાં વાગવાથી એને લોહી નીકળ્યું હોય છે. આખો ટુકડો[7] અમિતના ચરિત્રના સંદર્ભમાં તથા ચેતનાપ્રવાહ-પદ્ધતિના નિરૂપણવિષયે નોંધપાત્ર છે. આ પછી અમિતે, ‘બે સમાંતર રેલવેના પાટાઓ વચ્ચે દોડતો સ્ત્રી દેહ’-નું પોતાને આવેલું સ્વપ્ન કહી બતાવ્યું છે તે ચંદનની સ્થિતિના આકલન માટે એકદમ આવશ્યક બની જાય તેવું મહત્ત્વપૂર્ણ છે. આ રચનામાં રમાનું આખું પાત્ર એક સાંત્વના, એક પ્રેરણા, એક ભૂખતોષનું સાધન, એક પર્યાય- વગેરે બહુવિધ હેતુઓ સિદ્ધ કરવાને માટે આલેખાયું છે. માતા કે પ્રિયતમાની જેમ પત્ની પણ પુરુષજીવનમાં અત્યંત મહત્ત્વનું પરિબળ બની રહે છે. અમિતના જીવનમાં રમા એવો જ role ભજવી રહે છે. રમામાં લેખકે સ્ત્રીની વિધાયક તાકાતનો પરિચય આપ્યો છે. અમિતને આવેલા આ એક અત્યંત બળવાન સ્વપ્નમાં સ્ત્રી અમિતના નિષ્ચેતન પ્રાણના ઈંડાને સેવે છે ને અમિત ચેતનામય થાય છે. સુખ પરિતોષ વાસનાતૃપ્તિ અનુભવતો અમિત સ્ત્રીમાં દેવાંગના જુએ છે કે સ્ત્રી-ઈશ્વરની એકરૂપતાભરી નિરાંત એના ચિત્તમાં સળવળે છે.[8] સ્વપ્ન પૂરું થાય છે ત્યારે ઊંઘતી રમાની કરબેલડીમાં અમિત અટવાયેલો હોય છે. આખું સ્વપ્ન ઉચિત ભાવપ્રતીકોથી સઘન બનાવાયું છે. અમિતની frozen potency હિમશિલા જેમાં સરકતી આવે છે તેવા મેદાનમાંની એની વસ્ત્રરહિત દશા એ સૂતો છે – થી સૂચવાય છે તેમાં, એનાં લાઘવ, અગતિકતા, કુણ્ઠા અને ભયનું પણ સૂચન છે. સ્વપ્નપરીનું આવવું, એની ઉપર બેસવું, ગુફાની હૂંફ અને ઊંઘની શાતાનો અનુભવ થવો વગેરે વચલી દશાઓને અંતે અમિત વસ્ત્રરહિત દેવાંગનાના શરીર નીચે’ શ્વસી રહ્યો છે, ને પરીના ‘હૂંફાળા લોહીના પરિભ્રમણની ઉષ્ણતાથી’ એના પ્રાણનું ઈંડું સેવાય છે, એ ચેતનામય થાય છે. વાસનાઓના પ્રફુલ્લન અને પરિતોષ માટે સ્ત્રીદેહનો લેખકે બહુ જ્ઞાનપૂર્વક, આવો ઉપયોગ કીધો છે એ તો ખરું જ, પણ વધારે મહત્ત્વનું તો એ છે કે અમિતની metaphysical નિષ્ચેતના પણ પ્રાણવતી બને છે, સજીવન થાય છે. જાગ્રત થયા પછી અમિત રમાની બંધ લાંબી આંખ નીચેનાં સ્વપ્નો જોવા આંખનાં પોપચાંને ઉઘાડે છે ને પોતાનો જ ચહેરો પામે છે એ ઘટના પણ, ઉક્ત સ્વપ્નાનુભવ પછીની ઘણી જ psychological ચેષ્ટા છે. અમિત ત્યારબાદ રમાને મારી ‘કલીયોપેટ્રા’ કહે છે તે વરવું લાગે છે – એટલું બાદ કરતાં કહેવું જોઈએ કે, આખું સ્વપ્ન લેખકની સર્ગશક્તિ માટે ભારે માન પ્રેરે તેવું બળવાન બન્યું છે. ‘મહાભિનિષ્ક્રમણ’ માં આવું symbolic dimension ન હોત તો આખી રચના, કદાચ ચીલાચાલુ સ્વરૂપની પાંખી વાર્તા બની ગઈ હોત...
Oeipus compleના સીધા નિદર્શન લેખે ‘મહાભિનિષ્ક્રમણ’ને રજૂ કરી શકાય નહિ; છતાં, એમાં વ્યક્ત થતો અમિત-ચંદન વચ્ચેનો સમ્બન્ધ પુત્ર-માતાના રૂઢ સ્વરૂપ પૂરતો મર્યાદિત રહ્યો નથી તેથી, વ્યાપક અર્થમાં અહીં આવી કશીક ગ્રંથિ વાંચી શકાય. માતા ચંદન પિતાના અપરાધોનો ભોગ બની છે એવો ઘટસ્ફોટ થતાં પહેલાં અમિત ચંદનને ધિક્કારતો હોય છે. પિતાના મૃત્યુ માટે માતાને જવાબદાર લખતો હોય છે. પણ જાણ થતાં પોતાને ધિક્કારપાત્ર અને પાપી ગણે છે. અમિતનો માતૃરાગ હવે છલકાઈ જાય છે, ને છતાં, પોતે વૃદ્ધ માતાને સુખી કરી શકતો નથી. ધિક્કાર અને અપરાધબુદ્ધિની વચલી સ્થિતિઓમાં અમિત વિકૃત થઈ જાય તેવા બનાવો બની ગયા છે : અમિત ચંદનથી પૂર્ણપણે જુદો પડી બચવા માગતો હતો ને પરિણામે, માતા માટેની લાગણીઓ ઈરાદાપૂર્વક અન્ય સ્ત્રીઓમાં સન્ક્રાન્ત કરે છે. અમિત કહે છે... તારા વિશે જન્મતા કૂણા વિચારોને હું બળપૂર્વક કચડવા લાગ્યો. તારા વિશે ઉભરાતી લાગણીઓના તંતુને હું અન્ય સ્ત્રીપાત્રોમાં સાંધવા લાગ્યો.’[9] પણ સરવાળે, સ્ત્રી વિશે અમિત સાવ નિર્ભ્રાન્ત થઈ ગયો; પુરુષે સ્ત્રીમાં ડૂબવાનું હોય છે. એવી નિર્ણયબુદ્ધિ એનામાં જન્મે છે. એ, ડૂબવા માટે સ્ત્રીની શોધમાં હોય છે ને એને રમા મળી જાય છે; રમા અમિતના ભાવજગતમાં ચંદનની જગ્યા લઈ શકે એમ બન્યું હોત પણ એની ઉપસ્થિતિથી દૂરતા જ વધે છે. રમા અને જેની વાસનાઓ, જેનું માતૃત્વ, હજી ભડકે બળે છે તેવી ચંદનને ભેગાં રાખવામાં અમિત જોખમ સમજે છે, ને એમ ખાઈ પુરાતી નથી. રમાનું મૃત્યુ સરોજના સમ્બન્ધોને જન્માવે છે, પણ ત્યાંથી અમિતની લાગણીઓને પાછા પડવું પડે એવો જાકારો મળે છે. સર્વ યાતનાનાં મૂળ અમિત માતા પ્રત્યેના અપરાધમાં જુએ છે. ને એની ગુનાહિતવૃત્તિમાં માતુરાગ ઉત્તરોત્તર કલવાતો રહે છે. અમિત એક તરફ માતૃસંસ્થામાંથી ઉમૂલિત થઈ ગયો છે તેનું દુઃખ વેઠે છે તો બીજી તરફ પોતાનાં મૂળિયાં ક્યાંયે નાખી શકતો નથી તેની વેદના અનુભવે છે, માતાનાં સુખ માટે પોતે કંઈ જ કરી શકતો નથી તેની વેદના અનુભવે છે. માતાનાં સુખ માટે પોતે કંઈ જ કરી શકતો નથી એવી અમિતની વ્યથાને ઘણાં પડ છે : રમા હોત તો પોતે માતૃઋણ ફેડી શક્યો હોત, એના અધૂરપભર્યા ખોળામાં પોતાનું બાળક મૂકી શક્યો હોત, સરોજ માની ગઈ હોત તો પણ એમ બની શક્યું હોત- પણ અમિત માતાને ગેરસમજ અને નાદાનિયતથી ગુમાવે છે; રમાને પ્રારબ્ધથી ગુમાવે છે; તો સરોજને નરી સહજ લાગણીઓના નિવેદનથી, અથવા નિવેદનને લીધે, પોતાની કરી શકતો નથી, જાકારો પામે છે. ચંદનના સુખ માટે અમિત સ્ત્રીમાં જ ડૂબી જવા -સમાપ્ત થઈ જવા- ઝંખે છે એ અનુરાગ psychological categoryમાં નિદાનપાત્ર છે : અહીં sex અને love એકમેકમાં ઓતપ્રોત છે. ને તેથી જ અહીં મનોવિજ્ઞાનીઓની libido theoryનું સ્મરણ થાય છે. રમાને ચાખી ચૂકેલો આ પુરુષ અમિત હવે સ્ત્રીભૂખથી ઉત્તેજિત અને વ્યથિત છે, માતાને એ આ ઝંઝાવાતથી રક્ષવા ચાહે છે. જો ચંદન આપોઆપ આવી જાય તો પ્રાયશ્ચિત્ત અને પોતાની વાસનાજન્ય વ્યથા ઓગળી જવાનો સમય અવશ્ય આવે. પણ એમ થવું શક્ય નથી. એ અશક્યતામાંથી જન્મતા વિષાદને, અન્ધકારને, અમિત પોતાના ઓરડાની દીવાલો પર લીંપ્યા કરવા રાજી છે. આ સ્વીકારી લીધેલી નિયતિની એક સતત ચર્વણા તે અમિતનો વર્તમાન છે. એ વર્તમાનની ચર્વણામાંથી ‘મહાભિનિષ્ક્રમણ'માં એક વ્યાપક સ્વરૂપનું આધુનિક ભાવવિશ્વ અમિતના ચિંતનરૂપે જન્મી આવ્યું છે... એના કલાત્મક નિરૂપણ માટે લેખકે ચેતનાપ્રવાહ-પદ્ધતિનો ઉપયોગ કર્યો છે.
અમિતની આ દારુણ અનુભૂતિ, લેખકના સર્જનકર્મને પરિણામે, વ્યક્તિરૂપતાના મર્યાદિત વર્તુળમાંથી બહાર નીકળી વ્યાપક સાધારણીકરણનું રૂપ પામે છે. અમિતની કરુણતા મનુષ્યની કરુણતા બને છે. અમિત દ્વારા લેખકે માનવીય લાગણીઓનું ને તજ્જન્ય સ્ખલનોનું ગૌરવ કર્યું છે. એનાં પાપ કે અપરાધનું અથવા તો એના પારસ્પરિક સમ્બન્ધોનું માળખું જીર્ણ થઈ ચૂક્યું છે, ને એ મૃત મૂલ્યોના ભારથી વિકૃત થઈ ગયો છે. અમિત લાગણીશીલ હોવાને લીધે જ આ સંકુલ વેદના વ્યાપારના જંતરડામાં ફસાયો છે. સત્ય નક્કી કરવા માટેની બાહ્ય કે સર્વસ્વીકૃત ભૂમિકા નષ્ટ થઈ ગઈ છે. અમિત સ્ત્રીમાં સ્ત્રીના obsessionમાં, સત્ય જુએ છે, કેમકે એ જ એને એના આત્માની નજીક લઈ જાય છે, ઈશ્વર ધર્મ કે સમાજ-નીતિની વિભાવનાઓ અમિતની નિર્વ્યાજ-સુન્દર માણસતાને પ્રમાણિત ઠેરવવા કે અધિકૃત કરવાને અશક્ત છે, અસમર્થ છે : અમિત કહે છે : ‘ને આખરે હું તમારી સૌની સાથે ઢોંગ કરવામાં જોડાયો છું. પણ મને ઢોંગ કરતાં આવડતો નથી. હું પકડાઈ જાઉં છું. હું અપરાધી બનીને હિજરાઉં છું. મેં મારી લાગણીઓનો લખલૂટ ખર્ચ કરી નાખ્યો છે. પણ તમારી સંસ્કૃતિમાં એનું કોઈ સ્થાન નથી. એ તો કેવળ મગરના આંસુમાં જ ખપી ગઈ છે, અમિતે પોતાને ડુબાડી દેનારી કોઈ આગન્તુક સ્ત્રીની રાહ જોવામાં ‘જીવ્યા કર્યું છે.’ એ સ્ત્રી રમી કે સરોજ હોય તેમ બનતું નથી. સરોજના દાખલામાં પોતે ‘લાગણીઓનો રાફડો’ હતો – જેમ ચંદનની બાબતમાં હજીયે છે. અમિત જણાવે છે તેમ, લાગણીનો બુદ્ધિ સાથેનો વિરોધ એને સતત પ્રતીત થાય છે – છતાં સત્ય, વૈયક્તિક ભૂમિકા પર પણ નક્કી કરવાનું બાકી જ રહે છે. મનુષ્ય, અમિતની દૃષ્ટિએ જેમ લાગણીઓનો બનેલો પદાર્થ છે તેમ ટેવોનો બનેલો પણ છે – પણ સત્ય ટેવથી પર છે. જો કે તમામ સમ્બન્ધ કે મૂલ્યોનાં મૂળમાં એણે માણસને પડી ગયેલી ટેવને જાણે જવાબદાર લેખી છે. અને આ ટેવ દૈવી નથી; માનુષ્યિક છે: ‘ટેવ તો જન્મે છે આપણા માંસની ઈચ્છાઓમાંથી, ટેવ તો જન્મે છે આપણા લોહીની કામનાઓમાંથી.’ પણ સત્યનો સંદર્ભ એ મનુષ્યના આત્મામાં જુએ છે, ‘ને સત્ય તો જન્મી શકે કેવળ... કેવળ from man's soul.’[10] પણ એ આત્માની નજીક અમિતને લઈ જનાર કેવળ સ્ત્રી છે. ને તેથી સ્ત્રી એનું સત્ય છે, સ્ત્રી એનો ઈશ્વર છે... અમિત ઈશ્વરનો આભાર માને છે : ‘I thank god for her obsession, for it is through that I am brought nearer to my soul. I thank God. I thank woman.’[11]
અમિતને પ્રાપ્ત થયેલા આ ‘સત્ય’ પછી, આ ‘બુદ્ધત્વ’ પછી, સરોજનો લગ્નપ્રસ્તાવ નિરર્થક છે. અમિત સમ્યક અર્થમાં, તત્ત્વાર્થમાં મહાભિનિષ્ક્રમણ પામ્યો છે. ગૅલેરીમાં, અંતે, ઊભેલો અમિત; સફેદ સાડીમાં સજ્જ સરોજનું પૂંઠ ફેરવી રસ્તા પર ચાલ્યા જવું સૂરજનું પીપળાની ટોચે આવી જવું; અને સૌનું, સરોજ સૂરજ અને પીપળાનું અમિતની દૃષ્ટિમાં સમરસ થઈ જવું- એ અમિતના મહાભિનિષ્ક્રમણને શબ્દસ્થ કરે છે. પોતાના ઓરડામાં રહીને જ એ મહાભિનિષ્ક્રમણ પામ્યો છે.
- ↑ રામપ્રસાદ શુક્લે પ્રસ્તાવનામાં ‘ચેતનાપ્રવાહની વાર્તાકલા’ કહીને રચનાના એક મહત્ત્વના પ્રક્રિયા-અંશ ઉપર આંગળી મૂકી છે, તો રાધેશ્યામ શર્માએ ‘મહાભિનિષ્ક્રમણ’ને સમીક્ષવાનો એક આછોતરો પણ યથાર્થ પ્રયાસ કર્યો છે. બંને માટે અનુક્રમે જુઓ ‘મહાભિનિષ્ક્રમણ', અને ‘ગુજરાતી નવલકથા’-પૃ. ર૫૯. આ સિવાય ‘મહાભિનિષ્ક્રમણ’ વિશે ક્યાંયે કશી નોંધપાત્ર ટીકાટિપ્પણી મળતી નથી
- ↑ આ મુદ્દાના સમર્થનમાં મારે ઘણા ટુકાઓ ઉતારવા પડે, તેથી એની પૂર્તિનો વિવેક કરવાનું વાચકો પર જ છોડી દઉં છું. ‘મહાભિનિષ્ક્રમણ' એ રીતે અવિશ્લેષ્ય અથવા વિશ્લેષણદુષ્કર રચના કહેવાય.
- ↑ મહાભિનિષ્ક્રમણ', પ્રથમ આવૃત્તિ, ૧૯૭૦, પૃ. ૩૨-૩૩ ઉપર જુઓ.
- ↑ એજન, પૃ. ૩૨
- ↑ એજન, પૃ. ૩૨
- ↑ એજન, પૃ. ૩૨-૩૩
- ↑ એજન, જુઓ પૃ. ૨૮ થી ૩૦
- ↑ એજન, પૃ. ૩૪
- ↑ એજન, પૃ. ૨૪
- ↑ એજન, પૃ. ૪૪
- ↑ એજન, પૃ. ૪૫