તારાપણાના શહેરમાં/સહસ્રદળ ઊઘડે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સહસ્રદળ ઊઘડે

તિમિર ને તેજનું આ તલમલાતું છળ ઊઘડે
હું આંખ બંધ કરું ને બધાં પડળ ઊઘડે

અનર્થલોકનાં અગણિત ભુવન ને સ્થળ ઊઘડે
શબદ પડે ને ગગન સામટું સકળ ઊઘડે

સમયની પાર બીડેલી મિલનની પળ ઊઘડે
યુગોથી જીવમાં થીજેલ કૈં વમળ ઊઘડે

નદી તળાવ સમુદ્રોનાં તળ અતળ ઊઘડે
તમારાં પગલાં પડે ને સમસ્ત જળ ઊઘડે

સુગંધ શ્વાસના દ્વારે અડે… ને કળ ઊઘડે
અમારા સ્પર્શમહલમાં સહસ્રદળ ઊઘડે