દરિયાપારથી.../ઘડીક સંગની વાત
નાનપણનાં વર્ષો દરમ્યાન અમદાવાદથી નીકળીને જો કોઈ એક જગ્યાએ સૌથી વધારે વાર ગયાં હોઈએ તો તે માઉન્ટ આબુ છે. સમય ઓછો હોય, હંમેશાં બહુ દૂર જવાય એવું ના હોય, અમદાવાદમાં બહુ ગરમી હોય તો તરત, “ચલો, આબુ જઈ આવીએ”! ભાઈઓ ના આવી શકે તેમ હોય તોયે વાંધો નહીં, અમે બહેનો જાતે જ ત્યાં જઈ શકીએ. નખી લેકની આસપાસ ચાલીએ, ઊંચી-નીચી ગલીઓમાં ચઢીએ-ઊતરીએ, ચાંદીવાળાની ઊંચા ઓટલાવાળી દુકાન તો ચૂકાય જ નહીં, ને કંદોઈની દુકાનની બહાર તળાતાં ગુલાબજાંબુનો લોભ ક્યારેય ખાળી જ ના શકાય! માઉન્ટ આબુ હું ૨૨-૨૫ વાર જરૂર ગઈ હોઈશ. પછી મોટાં થયાં, ને લાગ્યું કે બસ, બહુ ગયાં આબુ. જાણે જઈ જઈને કંટાળ્યાં. થોડાં વર્ષ આબુ ના પણ ગયાં. છતાં, પ્રવાસી તરીકેનો અભિગમ ઊંડાણથી કેળવાતો ગયો તેમ કોઈ પણ જગ્યાએ, એની એ જ જગ્યાએ, ફરીથી, ને ફરી ફરી જવું બહુ જ ગમવા માંડ્યું. બહુ જ સરસ અર્થપૂર્ણતા એમાંથી મને મળવા માંડી. જ્યાં અનેક વાર – દરેક વર્ષે એક વાર તો અચૂક -ગયાં હોઈએ તેવી બીજી જગ્યા તે મુંબઈ. ગુજરાત મેલમાં રાતે ચઢી જવાનું તે જને? નાનપણ દરમ્યાન એક વાર મોટા ભાઈએ મને વિમાનમાં મુંબઈ મોકલવાની હોંશ કરી. જિંદગીનું એ પહેલું ઉડ્ડયન હતું, ને તે પણ એકલાં. શરમાતી શરમાતી બેઠેલી- એમ હજારો ઉડ્ડયન કર્યા પછી પણ યાદ છે! પછી તો પાયલોટ ખાસ બહાર આવીને મને ચાલક-કક્શમાં લઈ ગયેલા. ત્યાંના મોટા, ચોખ્ખા કાચમાંથી તો ધરતીનો કેટલો બધો વિસ્તાર દેખાયો હતો, ને જમીન કેવી ઝડપથી સરકી જતી લાગી હતી. ચળકતો અનંત જેવો દરિયો જોઈને તો જરા ગભરાઈ પણ ગયેલી! જોકે શક્ય છે કે આ અકસ્માત્ થયેલા દર્શનને કારણે મારા પૃથ્વી-પ્રેમની પ્રથમ કૂંપળ ફૂટવાની શરૂઆત થઈ હોય. મુંબઈ જઈએ ત્યારે શહેરની અંદર તથા આસપાસનાં સ્થળોએ ફરવાનું તો ઘણું મળતું, પણ મુંબઈ જરાયે ગમતું નહીં. ત્યાંનું પાણી પણ ભાવતું નહીં, ને લગભગ દર વખતે ત્યાં પહોંચીને તાવ પણ આવી જતો. મોટર કે ટેક્સીમાં નીકળ્યાં હોઈએ ત્યારે બધું બહુ જ દૂર લાગતું. લોકલ ટ્રેનમાં જઈએ ત્યારે બહુ દોડાદોડી લાગતી, અને માંકડ પણ કરડી જતા. બહુ મોટું શહેર, ભઈ! જાણે જરાયે ના ગમે. આપણું અમદાવાદ જ સારું, ભઈ! સંજોગવશાત્, કાળક્રમે, દુનિયાનું સૌથી મોટું શહેર – ન્યૂયોર્ક સિટી – ઘર બન્યું. એ પુખ્ત થયેલી ઉંમરે તો જગ્યાઓને જોવાની તેમજ ગમતી કરવા અંગેની આવડત મળતી ગઈ હતી, ને સમજણ વિકસી હતી. એવી ઉંમર થયા પછી મુંબઈમાં પણ એકલાં, અને પોતાની રીતે ફરતી થયેલી, એનાં વિવિધ સ્વરૂપને એમની રીતે સ્વીકારતી થયેલી. પણ સમય જાણે ઓછો પડવા માંડ્યો. ડબલ-ડેકર બસોની રાહ જોવા જેટલી કે લોકલ ટ્રેન લેવા જેટલી મિનિટો ના રહી, અને તેથી ફાસ્ટ ટ્રેનો લેવા માંડી. પરાંનાં સ્ટેશનના પ્લેટફૉર્મ પર “સ્ત્રીઓનો ડબ્બો” સામે આવે એમ, બીજી સ્ત્રીઓને જોઈને હું ઊભી રહી જાઉં. બેસવાની જગ્યા મળી જ જાય. ક્યારેક તરત જગ્યા ના દેખાય, તો બહેનો જરા-તરા ખસીને, સંકડાશ ખમીને પણ, એક વધારે જણને વચમાં બેસાડી દે. અજાણી ‘બહેન’ સાથે સ્મિતની આપ-લે થઈ ગઈ હોય. એમાં સહજ હૂંફ હોય, ‘સરખાપણા’નો ભાવ હોય. બાજુમાં બેઠેલી બહેન સાથે ઘણી વાર વાત પણ શરૂ થઈ જાય. બસ, એમ જ. “અલકમલક”ની કહીએ તેવી. સાધારણ વાતો જ હોય, ઊંડા સુખ-દુઃખની ના હોય કાંઈ. ને એ જ સારું. એક સહેજ અમથા સંધાનની જ જરૂર હોય. એટલું જ પર્યાપ્ત હોય, મનને સંતોષ આપે. નહીં તો, ચૂપ હોઉં ત્યારે, હું નિરીક્શણ કરતી રહું. કોઈને કઠે તે રીતે નહીં, બલ્કે કોઈને ખ્યાલ પણ ના આવે તે રીતે. અમુક સ્ત્રીઓ રોજ મળી જતી હોય. એમની વચ્ચે વાતોનો દોર અતૂટ લાગે. અમુક જણ થેલીમાંથી નાસ્તો કાઢીને આપ-લે કરી લે. કોઈ વળી, નારંગી ફોલી લે, સફરજન કાપી લે. કશુંક ખરીદાયું હોય તે જોવા-બતાવવાનું પણ આ સમુદાયમાં થતું રહે. ચાલતી ગાડીમાં આમ નિરાંત અને આનંદનો ભાવ જોવાનું મને બહુ ગમે. સાધારણ જિંદગીઓમાંનું આટલું સુખ જોઈને જીવને ટાઢક વળતી લાગે. ક્યારેક બે-ચાર માછણો બેઠી હોય. મને એ બધી બહુ રૂપાળી લાગે. શ્યામ ત્વચા, લાંબા ચહેરા, પાતળાં કસાયેલાં શરીર, ને ઝીણી ચોકડીવાળા નવ-વારી સાલ્લાના કછોટા વાળેલા હોય. એમના ખાલી ટોપલામાંથી, ને કદાચ એમના દેહમાંથી પણ માછલીની ગંધ આવતી હોય. એ ગંધને શ્વાસમાં લેવી અઘરી ખરી, પણ એ માછણોના ગાંઠમાં બાંધેલા વાળમાં સૂરજના રંગના, સુંદર, સુગંધિત સોન-ચંપા ખોસ્યા હોય. એ આકર્ષક ફૂલોમાં, ને એમની આછી ફેલાતી સુગંધમાં મારાં મન-હૃદય પરોવાયેલાં રહે. એક વાર એમ નજર મળી ત્યારે એક માછણે મને એનો સોન-ચંપો આપેલો. ચળકતો દરિયો આખો પાસે આવી ગયેલો જાણે! થોડાં વર્ષો પહેલાં પ્લૅટફૉર્મ પર આશરે ઊભેલી, ને ટ્રેન આવતાં બેધ્યાનપણે એમ જ એક ડબ્બામાં ચઢી ગઈ. એ “પુરુષો”નો નીકળ્યો. ભીડનો સમય નહતો, ને બેસવાની જગ્યા મળી ગઈ. બાજુમાં કોઈ બેઠું નહીં, કારણકે ઘણી ખાલી બેઠકો હતી. હું ભૂલમાં ચઢી ગઈ હોઈશ, ને બહારગામની હોઈશ, એ બધા સમજી જ ગયેલા લાગ્યા. કોઈએ ડહાપણ, ચાંપલાશ કે છેડતી કરી નહીં. કોઈએ સામું પણ જોયું નહીં. મારી સામે તો નહીં જ, પણ એકબીજાની સામે પણ નહીં. “સ્ત્રીઓના ડબ્બા”માં થાય છે એવું આદાનપ્રદાન- વાતોનું કે વસ્તુનું – અહીં થયું નહીં. બધા પુરુષો ચૂપચાપ કે ઝોકાં ખાતાં બેસી રહ્યા. મોટે ભાગે તો હવે મુંબઈની બસોમાં કે ટ્રેનોમાં સફર કરવા જેટલો સમય ના હોય, ને તરત ટેક્સીમાં જ બેસી જતાં હોઈએ. વળી, ભીડ અને ધક્કામુક્કીમાંથી પણ બચવું હોય. છતાં તાજેતરમાં ફરી એવી સફરનો મોકો મળ્યો. મારી પાસે સમય હતો, અને જાહેર રજા હોવાથી ભીડ ઓછી હશે તેમ ધારણા હતી. ખારથી છેક ચોપાટી જવું હતું. ઘોડબંદર રોડ પરથી બસ લેવાની, ઑપૅરા હાઉસ પહેલાં ઊતરી જવાનું, ને પછી થોડું જ ચાલવાનું. બસ આવી તો જલદી, પણ બેસવાની એક પણ ખાલી જગ્યા નહતી. આગલા ભાગ તરફ જતાં બીજી-ત્રીજી સીટ પાસે પકડીને હું ઊભી રહી. સ્ત્રીઓ ચઢતી રહી, પકડીને ઊભી રહેતી ગઈ. હું ઊભી હતી તેની પાસેની સીટ પર એક પુરુષ અને બારી પાસે એક બાબો બેઠેલો. એને ખોળામાં લઈ લેવાની તો વાત નહીં. મારું ધ્યાન બરાબર એ જ સીટની બારીની ઉપર લગાવેલી નોટિસ પર ગયેલું. મરાઠીમાં હતી, પણ સમજાયેલી. એમાં લખેલું કે “આ સીટ સ્ત્રીઓ માટે ખાલી કરવી.” અલબત્ત, એ ખાલી નહતી કરાઈ. કન્ડક્ટરે પણ નહતી કરાવી. અડધો કલાક આમ ગયો. હું વિચારતી હતી કે સ્ત્રી-હક્કથી સભાન એવી આધુનિક સ્ત્રીની જેમ મારે એ બાબતે કશું કહેવું-કરવું જોઈએ? કે પછી દયા ખાઈને એ પુરુષને બેસી રહેવા દઉં? હું મારા વિચારો સાથે રમત રમતી હતી, અને મનોમન હસતી પણ હતી. પછી આગળ વાંચ્યું કે એ સીટ ખાલી નહીં કરનાર પુરુષને દોઢસોથી ત્રણસો રૂપિયા સુધીનો દંડ થશે. એ વાંચ્યા પછી તરત આધુનિક સ્ત્રીપણાએ આગેવાની લીધી! એ બાબાને મેં હિન્દીમાં કહ્યું, “બેટા, આવ, મારા ખોળામાં બેસી જા.” બાબો તરત ઊઠ્યો. જોકે એને ખોળામાં તો એ પુરુષે જ લીધો. એ બબડ્યો, કે “સ્ત્રીઓએ પાછળ બેસવાનું હોય છે.” મેં કહ્યું, “આ ઊભી સાત-આઠ બીજી સ્ત્રીઓ અહીં જ.” એણે ફરિયાદ ચાલુ રાખી, “તો પુરુષો શું કરે? ક્યાં જઈને બેસીએ અમે?” મેં કહ્યું, “ ભાઈ, તમે તો બેઠા જ છો. મેં તો અડધો કલાક ઊભા રહ્યા પછી તમને ખસવાનું કહ્યું.” ને પેલી નોટિસ બતાવીને, ઊઠી જવાનું તો સૂચવ્યું પણ નહતું. એ બાબો પાછો એનો તો હતો યે નહીં. એ બાબાને તો પાછલી કોઈ સીટમાં બેઠેલી માતાએ પોતાનું સ્ટૉપ આવતાં બોલાવી લીધેલો. એ પુરુષ ઊતર્યા પછી એક યુવક બાજુમાં બેઠો. એની સાથે વાંચવા વિષેની વાત શરૂ થઈ ગઈ – એ હિન્દી વાંચી નહતો શકતો, તે પરથી. ક્યાંકથી એક અત્યંત દુબળા-પાતળા ને વયોવૃદ્ધ પુરુષ ચઢ્યા. પકડીને ઊભા રહેવું પણ એમને માટે અઘરું હતું. હું ઊઠીને એમને બોલાવી લઉં તે પહેલાં, એ વૃદ્ધની નજીકની સીટ પરથી એક સજ્જન ઊઠ્યા, ને એ વૃદ્ધને બેસાડ્યા. મને એ ખૂબ ગમ્યું. મેં વિચાર્યું કે એ ભાઈ નક્કી પરદેશમાં રહેતા હોવા જોઈએ. આવો વિવેક, આવી તત્ક્શણ કરુણા પશ્ચિમમાં વધારે જોવા મળે, ને એ “ખ્રિસ્તી વર્તનસરણી” લાગે છે. પછી મારી બાજુમાં એક યુવતી બેઠી, હસી, ને હિન્દીમાં પૂછવા લાગી, “ક્યાં ઊતરવાનાં?” પછી કહે, “ઓહ, તમારે તો હજી લાંબે જવાનું છે.” સંપર્ક આટલો અમથો હોય તો પણ ગમે. સમયને એથી તાજગી મળતી રહે છે. છેલ્લે, “તમારે બે સ્ટૉપ બાકી”, કહેતાં કહેતાં એ એના સ્ટૉપ પર ઊતરી ગઈ. મને એમ હતું કે પેલા સજ્જન-ભાઈને પૂછીશ, કે “તમે પરદેશમાં ક્યાં રહો છો?” પણ ઊતરવા માટે હું ઊભી થઈ એટલાંમાં ઘણું વધારે સરસ કહેવાનું સૂઝી આવેલું. એ આગલાં પગથિયાં પાસે ઊભેલા. એમની સામે જોઈને મેં હિન્દીમાં કહ્યું, “તમે જે કર્યું તે બહુ સારું હતું.” એ સાથે જ પરસ્પર સ્મિત ઝીલાયાં. કદાચ એમને પણ લાગ્યું હોય, કે હું પરદેશમાં રહેતી હોઈશ – કારણકે આવી સહૃદયી પ્રતિક્રિયા પશ્ચિમી વધારે લાગે. ખરેખર તો એ પૂર્વીય વધારે હોવી જોઈએ, કારણકે કહેવાતું તો એમ આવ્યું છે કે આપણી પ્રાચીન પ્રણાલિઓ તો આવાં વલણનું જ માહાત્મ્ય કરતી આવી છે. વ્યક્તિ તરીકે, મારે માટે આ આખી વાત સોન-ચંપા જેવી તાજગીની છે, સહજ સ્મિત જેવી હૂંફની છે, અજાણ્યાંની સાથે ઘડીક સંગની છે, તથા અન્ય સર્વ સ્થાનોમાં ઘરનાંની જેમ રહેવાની છે.