દરિયાપારથી.../ન્યૂયોર્કમાંની આકાશગંગાના તારક
ન્યૂયોર્ક શહેરના બ્રૉડવે નામના રસ્તાના એક વિભાગમાં પચીસેક નાટ્યગૃહો છે. રોજ રાત પડ્યે એમનાં દ્વારે લોકો ઊમટેલા દેખાય, અને એ દરેક નાટક કે નૃત્ય-નાટકનાં નામ ઝળહળી ઊઠ્યાં હોય. વીજળીના દીવાની ઝળહળાટને કારણે, ન્યૂયોર્કનાં નાટ્ય-પ્રેમીઓ આ વિભાગને “ધ ગ્રેટ વ્હાઇટ વે” કહે છે. જાણે મર્ત્ય જીવનમાંની વિદ્યુન્મય આકાશગંગા! લગભગ બધાં જ નાટ્યગૃહો સોએક વર્ષ પહેલાં બંધાયેલાં. ત્યારે તો ઘોડાની બગીઓમાં બેસીને શ્રીમંત પ્રેક્ષકો આવતાં હશે. મંદીના દાયકામાં, ને પછી દ્વિતીય વિશ્વ યુદ્ધના કઠિન સમય દરમ્યાન, બ્રૉડવે પરનાં નાટ્યગૃહોએ પ્રજાનું મનોરંજન કર્યું હશે. આગલા કાળની બધી કલ્પના કરવી પણ મુશ્કેલ લાગે છે. ઉપરાંત, ફક્ત કાળ જ નહીં, પણ સાથે ન્યૂયોર્ક આખું બદલાઈ ગયું છે. બ્રૉડવે પર વીજળીની ઝાકઝમાળ જરૂર રહી છે, પણ આર્થિક રીતે એ વિભાગ ઝંખવાયેલો છે. ટિકિટના દર છેલ્લાં પાંત્રીસ વરસમાં દસથી બાર ગણા વધ્યા છે. છતાં, ઘણા પ્રયોગો નફો તો શું, ખર્ચો પણ કાઢી નથી શકતા. પ્રેક્ષકો આકર્ષાય તે માટે ખૂબ ઉત્તમ કળાકારો અને વિખ્યાત અદાકારોની પસંદગી કરવામાં આવે, અને એ જ કારણે ટિકિટના દર ખૂબ વધારવા પડ્યા હોય, ને એથી પ્રેક્ષકોની સંખ્યા ઘટે ય ખરી. એક પ્રકારનું કૂટ-ચક્ર ચાલ્યા કરે. માંડ બે કલાકનો (ક્યારેક જ અઢી કલાકનો) નાટ્ય-પ્રયોગ હોય – ને તે વિરામના સમય સાથે. એને માટે આટલા બધા પૈસા આપવા ખટકે. પ્રયોગ જો ખરાબ નીકળે, કે પસંદ ના પડે, તો વળી પૈસા સાવ નકામા ગયેલા લાગે. પણ ન્યૂયોર્કમંા રહેવું, અને એના કળા-કૌશલ સાથે વિમુખ હોવું- તે પણ બહુ લાંબું ચાલે નહીં. છેવટે, થોડી ફરિયાદ કરીએ, મોંઘી ટિકિટો માટે થોડો જીવ બાળીએ, પણ દરેક વર્ષે નવાં નાટકો જોવા જઈએ તો ખરાં જ! બ્રૉડબે પરનાં નાટ્યગૃહોને ખૂબ કાળજીપૂર્વક એમનાં મૂળ સ્વરૂપે રાખવામાં આવે છે. બહારથી કમાનો અને થાંભલાની રચનાને લીધે જાજરમાન લાગતાં હોય, અને અંદર ઝુમ્મર, સુંદર શિલ્પાકૃતિઓ અને પૅરિસ-પ્લાસ્ટરનાં સુશોભનોથી જોવાલાયક બનતાં હોય. વર્ષોથી જતાં હોઇએ તો પણ બ્રૉડવે પર નાટક જોવા જવાનો આખો પ્રસંગ હંમેશાં યાદગાર બને. એક નાટ્યગૃહનો દાખલો લઈએ – એ છેક ૧૯૨૧માં બંધાયેલું. એનું નામ “ધ મ્યુઝિક બૉક્સ થિએટર”. એની રચના થયેલી વિખ્યાત અમેરિકન ગીત-સ્વર રચયિતા અર્વિન બર્લિન દ્વારા એમનાં ગીત-નૃત્યોનાં અનુષ્ઠાનોને માટે, પણ પછી ત્યાં અન્ય વિખ્યાત સર્જકોનાં ઉત્તમ સર્જનો રજૂ થતાં રહ્યાં છે. માર્લિન બ્રાન્ડો, હમ્ફ્રિ બોગાર્ટ અને હૅન્રિ ફોન્ડા જેવા અભિનેતાઓએ આ મંચ પર કામ કર્યું છે. અસંખ્ય યાદગાર નાટકો ત્યાં ભજવાયાં છે. આઇરા લવિન નામના એક અમેરિકન નાટ્કારના “ડૅથ-ટ્રૅપ” નામના નાટકના ૧૬૦૯ જેટલા પ્રયોગ પડેલા. એમાંનાં અભિનેત્રી મારિઅન સેલ્ડેસ એક પણ ખેલ ચૂકેલાં નહીં. આવી રસપ્રદ વિગતો લગભગ દરેક નાટ્યગૃહની આસપાસ વણાયેલી છે. મૌલિક અમેરિકન નાટકો સારાં હોય તો સફળ પણ થાય, છતાં અમેરિકનોને સારાં બ્રિટિશ નાટકો બહુ પસંદ છે. એના લેખક શેક્સપિયર અને ડિકન્સથી માંડીને સમકાલીન નાટ્યકાર ઍલન આઇકબર્ગ અને ઍન્થનિ શેફર હોઈ શકે. સર ઍન્ડ્રૂ લૉઇડ વેબરે તો ગીત-નૃત્ય નાટિકાનું ક્શેત્ર જાણે બંને દેશોમાં સર કરી લીધું છે. એક ઉદાહરણ આપું તો – અંગ્રેજ નાટ્યકાર વિલી રસેલનો જન્મ લિવરપૂલ શહેરમાં ૧૯૪૯માં થયેલો. પંદર વર્ષની ઉંમરે એમણે સ્કૂલ છોડેલી, પણ પછી એ ભણ્યા અને શિક્શક બન્યા. એમનાં નાટકો એટલાં તો સફળ અને લોકપ્રિય બન્યાં છે કે બધી મુખ્ય વિશ્વ-ભાષાઓમાં અનુદિત થયાં છે, અને ભજવાતાં રહે છે. એમનું“બ્લડ બ્રધર્સ” નામનું નાટક ઘણું વખણાયું. એની વાર્તા એવી છે કે પહેલા જ વાક્યથી આખી સમજાઈ જાય. પણ અંત અણધાર્યો છે, અને નાટકનું છેલ્લું વાક્ય પરિસ્થિતિની કરુણતા એવી સચોટ રીતે છતી કરે છે કે દિવસો સુધી એનો ડંખ રહી જાય. બ્રૉડવે પર ભાગ્યે જ કરુણાંત નાટક જોવા મળે. છેલ્લે આશાનું સૂચન તો લાવવામાં આવ્યું જ હોય. પણ આ નાટક એક મોટો અપવાદરૂપ હતું. ન્યૂયોર્ક શહેરમાંની આ આકાશગંગા કેવળ વૈદ્યુત્તિક પ્રકાશથી જ નહીં, પણ એના પર રજૂ થતાં મનોરંજક, તેમજ બુદ્ધિગમ્ય, સર્જનોને કારણે ઝળહળતી રહે છે. વિશિષ્ટ અને અપૂર્વ સર્જનાત્મકતાને લઈને દરેક નાટ્યગૃહ એક એક તેજસ્વી તારક બનતો રહે છે.