નર્મદ-દર્શન/કવિના પુનર્લગ્ન વિશે દિવાળીબાઈ ઇચ્છારામ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૬. કવિના પુનર્લગ્ન વિશે દિવાળીબાઈ ઇચ્છારામ

ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ નર્મદના શિષ્ય, પછીથી મિત્ર પણ ખરા. તેમનાં પત્ની દિવાળીબાઈએ નર્મદના પુનર્લગ્નની ઘટના સંબંધી એક સંસ્મરણ ‘ગુજરાતી’ના ૩-૯-૧૯૩૩ના અંકમાં લખ્યું હતું. દિવાળીબાઈના માતામહ હરકિશનદાસ પ્રાણવલ્લભદાસનું ઘર સુરતમાં, વાડી ફળિયા – પગથિયા શેરીમાં. તેમની સામેના ઘરમાં કવિના મિત્ર ‘રાજા વલી’ – રાજારામ વલ્લભદાસ રહેતા હતા. નર્મદ તેમને ત્યાં અવારનવાર આવતા. પિતાથી જુદા થઈ, ઇચ્છારામ હરકિશનદાસના મકાનમાં આવીને રહ્યા. આ ઘર હરકિશનદાસે દોહિત્રી દિવાળીને આપ્યું હતું. ઇચ્છારામ પણ રાજા વલીને ત્યાં આવતાજતા થયા. આ વિસ્તારના બીજા ગૃહસ્થો – જેવચરામ, ઠાકોરદાસ બાલમુકુંદદાસ, ઇચ્છારામ ખાંડવાળા, ઇચ્છારામ મશરૂવાળા, છગનલાલ ઠાકોરદાસ મોદી, મગનલાલ ઠાકોરદાર મોદી, ધોળીઆભાઈ વિઠ્ઠલદાસ વગેરે – રાજા વલીને ત્યાં ભેગા થતા. કવિ ત્યાં આવતા ત્યારે બાળવિધવા, પુનર્વિવાહ, કેળવણી, છાપખાનું જેવા વિષયોની ચર્ચાઓ થતી. આ મંડળી વિધવાઓની દયા ખાતી પણ કોઈ તે માટે બહાર પડતું નહિ, તેથી કવિ અફસોસ કરતા. દિવાળીબાઈ નોંધે છે કે આ વિષયમાં કવિ ઉત્સાહથી ભાગ લેતા ને કહેતા, ‘કોઈ પુનર્લગ્નનો ચાલ નથી કાઢતા, ચલો આપણે કાઢીએ. કોઈ ચાલ કાઢે તો બીજા તે પ્રમાણે કરવા લલચાય, કોઈ નહિ કરે તો હું ચાલ કાઢું.’ કવિ કેવળ વાત કરીને અટકી ન ગયા. તે માટે તે પ્રસંગ શોધતા હશે તેથી, તેમનાં સગાંઓએ ડાહીગૌરીને તેમની સામે ઉશ્કેર્યાં. આ સંબંધમાં દિવાળીબાઈ નોંધે છે : ‘આર્યપત્ની ડાહીગૌરીએ સગાંવહાલાંને કહ્યું કે, “ના, હું તો કવિની સાથે જ રહેવાની. ભલે એ પુનર્લગ્ન કરતા, તો છો કરતા. હું તો એની જોડે જ રહેવાની.”’ આ પછી કવિએ, ‘નાતમાં એક બાઈ નામે નરબદા રાંડ્યાં હતાં તેમની જોડે પુનર્લગ્ન કર્યાં.’ દિવાળીબાઈ નોંધે છે કે, ‘કાંઈ કાંઈ ગઝલો, લાવણીઓ, ગરબીઓ કવિના પુનર્લગ્ન પછી રચાઈ અને ગવાઈ... કવિની પણ કવિતા રચાઈ... આખું સૂરત શહેર ઊછળ્યું હતું, ધમધમી રહ્યું હતું...’ દિવાળીબાઈએ વાનગી દાખલ બેત્રણ પંક્તિઓ પણ ઉતારી છે :

લાલા તારી છોકરી,
જાતે વેરાગણ થઈ.
પૈસા સારૂ કવિને ઘેર ગઈ.

‘લાલા’ એટલે નર્મદાગૌરીના પિતા લાલશંકર દવે, ભારતીય વિદ્યાભવન, મુંબઈના ભૂતપૂર્વ નિયામક, જયન્તકૃષ્ણ હ. દવેના પિતામહ. કવિ બંને પત્નીઓ સાથે મુંબઈમાં રહેવા આવ્યા ત્યારે તેમના કાલબાદેવી પરના તેલવાડીના દરવાજા પરના મકાને તેમને મળવા દિવાળીબાઈ પણ જતાં. મોહરમનાં તાબૂત જોવા ઇચ્છારામ સપરિવાર કવિના ઘરે બાંકડો નખાવીને બેસતા. દિવાળીબાઈની નોંધ અનુસાર કવિનાં બંને પત્નીઓ તેમની હયાતીમાં અને પછી પણ હળીમળીને રહેતાં. આ સંદર્ભમાં, દિવાળીબાઈના આ લખાણ નીચે, ‘ગુજરાતી’ના સંપાદક અને સંસ્મરણ-લેખિકાના પુત્ર નટવરલાલે એક વિલક્ષણ નોંધ મૂકી છે. એ નોંધ અનુસાર, ‘ઉત્તર નર્મદ ચરિત્ર’માંનો ‘ખૂંદ્યાં ખમવા’ બાબતનો કવિ-કવિપત્ની વચ્ચેનો સંવાદ પુનર્લગ્ન પહેલાંનો છે અને કવિ ડાહીગૌરીને દુઃખ દેતા એવો ભ્રમ ઉત્પન્ન કરે છે, જે યથાર્થ નથી. ડાહીગૌરીએ તો પોતાના પર શોક આણવાની સંમતિ આપી, આર્ય પતિવ્રતાનો આદર્શ પાળ્યો હતો એમ કહેવાયું છે. વસ્તુતઃ તે સંવાદ અને દિવાળીબાઈના આ સંસ્મરણ વચ્ચે વિરોધ નથી. કવિએ ડાહીગૌરીને પુનર્લગ્ન પછી ત્રાસ આપ્યો કે નહિ તે મુદ્દો મહત્ત્વનો નથી. ડાહીગૌરીની સંમતિ સ્વેચ્છાપૂર્વકની ન હતી, દબાણથી લેવાયેલી હતી તે આ સંવાદનો દરેક શબ્દ બોલે છે. ‘ખૂંદ્યાં ખમવા’ની કબૂલાત કરાવવામાં, તત્કાલીન ત્રાસ અને ભવિષ્યમાં તે માટે તૈયાર રહેવાની બાંયધરી તો કવિએ લઈ જ લીધી હતી. દિવાળીબાઈએ કવિને તો અંજલિ આ બાબતમાં આપી નથી, જે આપી છે તે ડાહીગૌરીના ડહાપણને જ.

રાજકોટ : ૫-૧-૮૪