નર્મદ-દર્શન/‘કૃષ્ણકુમારી’ની રચનાસાલ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૫. ‘કૃષ્ણકુમારી’ની રચના સાલ

‘ગ્રંથ’ના ફેબ્રુ. ૧૯૮૪ના અંકમાં, ‘નર્મદ – એક અધ્યયન’ (સુલોચના શાહ) વિશે શ્રી ભૂપેન્દ્ર બાલકૃષ્ણ ત્રિવેદીનું કેટલીક ક્ષતિઓ પ્રત્યે અંગુલિનિર્દેશ છતાં, ખૂબ સમભાવી અને સમુદાર અવલોકન વાંચ્યું. અત્યારે તો મારે અવલોકનકારે છેડેલા એક નાટકના રચનાવર્ષ વિશે જ ધ્યાન દોરવું છે. પ્રસ્તુત ‘મહાનિબંધ’નાં લેખિકાએ નર્મદના ‘કૃષ્ણકુમારી’ (‘કૃષ્ણાકુમારી’ નહિ) નાટકની રચનાસાલ ૧૮૬૭ આપી છે, એમ નોંધી, અવલોકનકાર દર્શાવે છે કે પ્રસ્તુત નાટકના વસ્તુ પરથી ‘વિષપાન’ નાટક લખનાર અને ‘નર્મદ શતાબ્દી ગ્રંથ’ (૧૯૩૩)માં નર્મદના ગ્રંથોની સૂચિ તૈયાર કરનાર જ્યોતીન્દ્ર દવેએ આ નાટકનો સમાવેશ ‘બિનસાલના ગ્રંથો’માં કર્યો છે. તેઓ એમ પણ ચીંધે છે કે ‘ગુજરાતી પ્રેસ’ તરફથી પ્રકાશિત ‘ઉત્તર નર્મદ ચરિત્ર’માં આ નાટકની પહેલી આવૃત્તિની સાલ ૧૮૬૦ દર્શાવાઈ છે. સન ૧૮૬૦માં નર્મદે આ નાટક લખ્યું હોય તોય તેનો નિર્દેશ ‘મારી હકીકત’માં મળતો નથી. વાસ્તવમાં ‘મારી હકીકત’ના ગાળામાં (૧૮૩૩–૧૮૬૬) નર્મદે કોઈ વ્યવસ્થિત નાટ્યલેખનની પ્રવૃત્તિ – ‘તુલજી-વૈધવ્યચિત્ર-સંવાદ’ (૧૮૫૯–૬૩) સિવાય – કરી હોવાનું નોંધાયું નથી. ‘ગુજરાતી પ્રેસે’ નર્મદ-ગ્રંથોના પ્રકાશનની જવાબદારી સ્વીકારી, તે કવિના અવસાન પછી. નર્મદના એક ગ્રંથના કર્તૃત્વ વિશે ‘ગુજરાતી પ્રેસ’ના છૂટા પડેલા ભાગીદારોમાંના એક મણિલાલ દેસાઈએ, શતાબ્દીના જ વર્ષમાં શંકા ઉઠાવી હતી. ‘ગુજરાતી પ્રેસે’ નર્મદ વિશે આપેલી સમયનોંધોમાંની કેટલીક શંકાસ્પદ છે. નર્મદપુત્ર જયશંકરના જન્મવર્ષ વિશે તે એક સ્થળે સન ૧૮૭૦ (ઉ. ન. ચ., આ. ૧, પૃ. ૬૫) અને બીજે સ્થળે સન ૧૮૭૫ (ઉ. ન. ચ., આ. ૧, પૃ. ૧૫૨) આપે છે! આમ ગુજરાતી પ્રેસે આપેલી વિગતો પૂરક પ્રમાણ વિના સ્વીકારી શકાય એવી નથી. અને જુદું પ્રમાણ મળે તો આ નોંધ સર્વથા અસ્વીકાર્ય બનવાપાત્ર છે. ‘ઉત્તર નર્મદ ચરિત્ર’માંની વર્ષ ૧૮૬૭ની કવિની નોંધમાં પણ આ નાટક લખ્યાનો ઉલ્લેખ નથી. તેથી તે સાલ સ્વીકારવાના સમર્થનમાં, સંશોધનની શાસ્ત્રીય પદ્ધતિ (methodology) અનુસાર કેાઈ પ્રમાણ અપાયું ન હોવાને કારણે તે સાલનિર્દેશ તો અનુમાન તરીકે પણ ઇયત્તા ધરાવતો નથી. જ્યોતીન્દ્ર દવેએ આપેલી, આ એક નાટક સિવાયની, અન્ય નાટકોની રચનાસાલ ‘ગુજરાતી પ્રેસે’ આપેલી સાલ પ્રમાણેની જ છે. વિશ્વનાથ ભટ્ટ પણ ‘નર્મદનું મંદિર’ (ગદ્ય)માં આ નાટક સિવાયનાં નાટકોની સાલ પણ તે અનુસારની આપે છે. આ ત્રણેએ આપેલી અને મળતી આવતી રચના સાલોની નોંધમાં ‘શ્રી બાલકૃષ્ણ વિજ્ય’ નાટકની પણ રચનાસાલ ૧૮૮૬ ફેર ચકાસણીને પાત્ર છે. કવિતા અંતેવાસી રાજારામ શાસ્ત્રીએ તેની સાલ ૧૮૮૩ આપી છે. (‘સમયવીર કવિ નર્મદનાં સંસ્મરણો’ : ઉ. ન. ચ., આ, ૧, પૃ. ૭૮) તેમણે ‘કૃષ્ણકુમારી’નો ઉલ્લેખ કર્યો નથી તેથી તેની રચનાસાલ નોંધાઈ નથી. વિશ્વનાથ ભટ્ટે આ નાટકની સાલ ૧૮૬૯ આપી છે. આ લખનારે આ નાટકની જે પ્રત જોઈ હતી તેનાં આગળનાં પૃષ્ઠો ફાટી ગયાં હતાં તેથી તેને આધારે સાલનિર્ણય થઈ શક્યો ન હતો. પરંતુ તેણે પણ ‘નર્મદ–એક સમાલોચના’માં ૧૮૬૯નું વર્ષ શ્રદ્ધેય ગણ્યું છે. આ સાલને સમર્થન ‘પરમ સ્નેહી ભાઈ ગોપાળજી’ પરના નર્મદના તા. ૧૬ નવે. ૧૮૬૯ના પત્ર (ઉ. ન. ચ. આ. ૧, પૃ. ૩૫) દ્વારા મળે છે. આ નાટક પ્રગટ થતાં તેના વસ્તુની ઐતિહાસિકતા વિશે શંકા કરાઈ હતી. ગોપાળજીએ તે વિશે કવિને પત્ર લખ્યો હતો. તેમની શંકાનું નિવારણ કવિએ આ પત્રથી કર્યું હતું. નવ વર્ષ પછી કે બે વર્ષ પછી આ શંકા ઊભી થઈ એમ માનવું અતાર્કિક છે. આ પત્ર નિશ્ચિત કરી આપે છે કે આ નાટક ૧૮૬૯ના વર્ષમાં લખાયું હતું.

રાજકોટ-૨૨-૩-૮૪
‘ગ્રંથ’ : મે, ૧૯૮૪