નારીસંપદા : ટૂંકી વાર્તા/બાલસહજ પ્રશ્ન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
બાલસહજ પ્રશ્ન

નેહા નીતિન ગોલે

આજે સવારથી જ નિલાબેન રસોડામાં ગોળ ગોળ ફરી રહ્યાં હતાં. શાંતા, તેમની કામવાળીએ કહ્યું ય ખરું કે, ‘શેઠાણી, થોડી વાર તો હેઠા બેહો, નહીંતર આ તમારું, હું કહેવાય, બીપી-વીપી વધી જાહે...’ ‘અલી, શાંતી, આ તારી લવારી બંધ કર અને વાસણ ઉપર જલ્દી જલ્દી હાથ ફેરવ... આજે તો મારી બધી બિમારી મટી જવાનો અવસર આવ્યો છે. દસ વર્ષ પછી મારો મનીષ આ ઘરમાં પગ મૂકવાનો છે અને એની સાથે મોનાવહુ ને મારાં વ્હાલાં મિશા અને હેરી આવવાનાં છે તે લટકામાં.’ તરત શાંતાએ પૂછ્યું, ‘તે હેં શેઠાણી, આ તમે ભાઈની ઘરે અમેરિકા ગયાંને કેટલાં વરહ થયાં?’ ‘અલી તું તો બહુ ભૂલકણી શાંતી ! જોકે, તારો પણ વાંક નથી. એનેય છ વર્ષ થઈ ગયાં. આ મિશા જન્મી ત્યારે ગઈ હતી. ઓ...મા ! હવે તો હેરી આઠ વર્ષનો અને મિશા છ વર્ષની થઈ ગઈ. આ તો ભલું થાય જેણે આ સ્માર્ટફોન શોધ્યો છે, તો આ બાળકો મને ઓળખે તો છે ! ચલ, હવે વાતોના વડા ના કર અને ફટાફટ હાથ ચલાવ. એ લોકો આવે એ પહેલાં રસોઈ તૈયાર હોવી જોઈએ. મનીષને વેઢમી બહુ જ ભાવે ભાવે છે. એ હું ગરમ ગરમ જ બનાવીશ.’ બપોરના બે વાગ્યે તો આખું ઘર નામ પ્રમાણે નંદનવન થઈ ગયું. મનીષના બાપુજી પાકા વૈષ્ણવ એટલે ઘરનું નામ ‘નંદનવન’ રાખ્યું હતું. એમનો રોજનો હવેલી જવાનો નિયમ ને પછી સીધા દુકાને... આમ તો એમનો ટીવી-મોબાઇલ વેચવાનો શો-રૂમ હતો પણ રમણિકલાલ ભગવાનના માણસ, એમણે નાની દુકાનમાંથી શો-રૂમ બનાવ્યો હતો એટલે એ દુકાન જ કહેતા. ના કોઈ શોખ કે ના પાન, બીડી, તંબાકુની આદત; બસ ઘર, હવેલી અને દુકાન – આજ એમની જિંદગી. મનીષને આમાં કોઈ રસ નહોતો એટલે એને આઈટી એન્જિનિયર બનવા દીધો. અમેરિકામાં સ્થાયી થયેલી મોના સાથે એક લગ્નસમારંભમાં મનીષને પ્રેમ થતાં તેના ગોળધાણાય કરી આપ્યા. નિલાબેન તો એક-બે વર્ષમાં ઘરમાં વહુ આવશે અને ઘર હર્યુંભર્યું થશે એના સપનાં જોવા લાગ્યાં. પણ કહ્યું છે ને કે ‘‘ના જાણ્યું જાનકીનાથે કાલે સવારે શું થાશે’’, એવું જ કંઈક થયું અને એક રાત્રે રમણિકલાલ ઊંઘમાં જ વૈકુંઠધામ પહોંચી ગયા. નિલાબેન ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો પણ તેઓ હિંમત ના હાર્યાં. પંદરેક દિવસ પછી તો તેઓ દુકાન પણ સંભાળવા લાગ્યાં. હવે એમનો પણ એ જ ક્રમ થઈ ગયો – ઘર, હવેલી અને દુકાન. ત્યારબાદ મનીષના લગ્ન કરીને એને મોના સાથે અમેરિકા હોંશે હોંશે વિદાય પણ કર્યો. એને પણ હવે દસ વર્ષ વીતી ગયાં હતાં અને આજે પાછું નંદનવન ખરાં અર્થમાં ‘નંદનવન’ બની ગયું હતું. બંને બાળકો તો આવતાંની સાથે જ દાદીને વળગી ગયાં. માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં મોનાના મામાના છોકરાનાં લગ્ન હોવાથી આ લોકો એક અઠવાડિયું વહેલાં આવ્યાં હતાં અને લગ્નના ચાર-પાંચ દિવસ, એટલે નિલાબેન માટે એમ કુલ મળીને પંદર દિવસના બાળ-ગોપાળ... એ એટલામાંય ખુશ હતાં. જોતજોતામાં તો ત્રણ-ચાર દિવસ જતા રહ્યા અને કોરોનાના વાઇરસની વાતો દિવસ-રાત થવા લાગી. ઇન્ડિયામાં લૉકડાઉન ચાલુ થઈ ગયું. લગ્ન અને મનીષના પરિવારનું અમેરિકા જવાનું – બંને કેન્સલ થયું. એ તો દસ વર્ષની કસર પૂરી કરવા ચારે હાથે મંડી પડ્યાં. લૉકડાઉનના અઢી મહિના તો બાળકોને ભાવે તેવી અવનવી વાનગીઓ બનાવવામાં જ નીકળી ગયા. પિઝા ને પાસ્તા, બ્રેડ ને કૅક – એમ કેટકેટલું બનાવ્યું. બંને બાળકો પણ નિલાબેનનાં હેવાયાં થઈ ગયાં. આખો દિવસ ખાવુ-પીવું અને બા પાસે નવી નવી વાર્તાઓ સાંભળવી, આ એમનો દિનક્રમ થઈ ગયો. ઇન્ડિયા તેમને વહાલું તો લાગ્યું પણ દાદીમા તો જાણે જાદુઈ છડી કે અલાઉદ્દીનનો ચિરાગ ! આમ ને આમ બીજા અઢી મહિના નીકળી ગયા. એક દિવસ સમાચાર મળ્યા કે ભારત સરકાર વંદે ભારત ફ્લાઇટ ચાલુ કરવાની છે એટલે મનીષની પાછા જવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ. જોતજોતામાં સપ્ટેમ્બર મહિનામાં આ લોકોને ‘બાય’ કહેવાનો સમય પણ આવી ગયો. હજુ કોરોનાનો ભય હોવાથી નિલાબેન ઍરપોર્ટ પર છોડવા જવાનાં નહોતાં. હેરી અને મિશા, બંને એમને વળગીને રડતાં હતાં. એટલામાં નાનકડી મિશા બોલી, ‘ભઈલુ, ના રડીશ. આવતા વર્ષે આ કોરોના ફેસ્ટિવલ ફરીથી આવશે, તો આપણે પાછાં આવીશું. પૂછ આ બાને... હેં બા, આવતા વર્ષે આ કોરોના ફેસ્ટિવલ ફરીથી આવશેને?’ અચાનક ટેક્સીના અવાજ સાથે બધાં ભાનમાં આવ્યાં અને આવજો કહીને નીકળી ગયાં. પાછું નંદનવન ખાલી ખાલી થઈ ગયું. સાંજના સમયે દિવાબત્તી કરતાં નિલાબેનના મનમાં પેલો બાળસહજ પ્રશ્ન ઘોળાવા લાગ્યો અને કોરોના કેટલો ઘાતક છે એ જાણવા છતાં એમનાથી ભગવાનજીને પૂછાઈ ગયું : ‘ઓ મારા વા’લા ગિરધારી, શું આવતા વર્ષે કોરોના ફેસ્ટિવલ ફરીથી આવશે?’