નારીસંપદા : ટૂંકી વાર્તા/લોકડાઉન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
લોકડાઉન

કોશા રાવલ

ઇઝીચૅર પર ઝૂલતાં-ઝલતાં સુજોય હૅડફોન પર કોઈ એટલું જોશીલું ગીત સાંભળી રહ્યો હતો કે સાવ સ્તબ્ધ લાગતાં ઘરમાં માત્ર ખુરશી એની સાથે, અસાધારણ તાલથી ડોલી રહી હતી. મોટી બારીમાંથી શેરડા જેમ પડતો સવારનો તડકો એના પગ પરથી સરકી, ગાલીચા પર થઈ સોફાનાં ખૂણા સુધી પથરાયેલો હતો. આગળ ખંડનાં એક મેજ પર પુસ્તકોનો થપ્પો પડ્યો હતો. બંને બાજુનાં કબાટોમાં પુસ્તકો વ્યવસ્થિત ગોઠવાયેલાં હતાં પણ સુજોયનું ધ્યાન એ કશામાં ન હતું. એ ઝૂમી રહ્યો હતો. અને હરિતા ! ક્યાં હતી? આ ઘર તો હરિતાનું હતું. આ હરિતા, અત્યારે એના બેડરૂમમાં બેસી ડાયરી લખી રહી હતી. એ પ્રૉફેસર છે. આઠ વર્ષથી અમદાવાદમાં એકલી રહેતી હતી, એકલી રહેવાને કારણે કદાચ ડાયરી જોડે વાત કરવાની એને આદત પડી ગઈ હતી. ચશ્માં ચડાવી, પાનાં અને પેન વચ્ચે ખોવાઈ ગઈ હતી. એ લખતી હતી, ડિયર ડાયરી, તારાથી શું છુપાવવું? નસોમાંથી ફાટફાટ થતો ઉન્માદ શબ્દોમાં ઠરવા માંગતો નથી અને યાર, તને કહ્યા વિના રહી શકાય એમ નથી. છેલ્લા બે દિવસ-ત્રણ રાતથી સુજોય સાથે રહેવા છતાં નશો ઉતરતો જ નથી. તું નહીં માન, જ્યારે એણે મને પહેલીવાર એના તરફ ખેંચી ત્યારે મારું શરીર અજાણ્યા રોમાંચથી કાંપતું હતું. રગેરગમાંથી આનંદનો ધોધ ખાબકતો હતો. આટલા દિવસથી મને લાગે છે, હું લહેરોમાં તરું છું, ઊછળું છું અને પડું છું. મારી અંદર એ એટલો સેળભેળ થઈ ગયો છે કે હું એને અનેક રીતે અનુભવતી રહી. જાણે હું અને એ અનંત સુધી વિસ્તરેલાં છીએ. અત્યારે અઠ્યાવીસમા વર્ષે જ્યારે હું, મને શરીર સાથે સંવેદું છું, તો લાગે છે કે મદહોશી મારાં હૃદય-મનમાં પૂરની જેમ ફરી વળી છે. અત્યારે તો હું ફક્ત અનુભવું છું, માણું છું અને જીવું છું. સમય સળંગ બની મને આલિંગે છે અને કાનમાં કહે છે ‘આ સ્વર્ગ છે.’ 25મી માર્ચે જ્યારે મોદીજીએ લોકડાઉનની જાહેરાત કરી, એના આગલે દિવસે એટલે કે સોમવારે સવારે સુજોયનો ફોન આવ્યો, કહે – એક મિટિંગ માટે મુંબઈથી અમદાવાદ બે દિવસ માટે આવવાનો હતો. ‘‘બોલ મળીશું?’’ એવું એણે પૂછ્યું અને અમે બંનેએ પચીસમીએ બપોર પછી, મારા ઘરે મળવાનું કર્યું. બીજે દિવસે સવારમાં એ જશે એવું એણે કહ્યું, ત્યારથી વન નાઈટ સ્ટેના રોમાંચથી જ મારું દિલ ધકધક થવા લાગ્યું હતું. આમ તો ફેસબુક પર થોડા મહિનાથી અમારું ચેટિંગ ચાલતું હતું. વાતોવાતોમાં એ ક્યારે સેક્સટિંગ સુધી પહોંચી ગયું, એની કોઈ સુધ રહી નહીં. પણ ખરેખર સુજોયે જ્યારે મળવા માટે કહ્યું ત્યારે એકી સાથે – ડર અને રોમાંચે મને ઘેરી લીધી હતી. ‘ના’ કહેવાની જરૂર લાગી તો’ય મેં, એને ‘હા’ કહી આવવા માટે કહી દીધું. જોકે, ત્યારે તો સપનેય ખ્યાલ નહોતો કે બીજા દિવસે સવારે જવાનું કહેતો સુજોય, લોકડાઉનના એકવીસ ! હા, પૂરા એકવીસ દિવસ મારી સાથે રહેશે. કહે છે ને : ખુદા જબ દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ. યસ, માય ડાર્લિંગ ડાયરી, હી ઈઝ અમેઝિંગ... એઝ અ મેન-હી ઈઝ સો અમેઝિંગ. તારીખ : 29માર્ચ 2020
સમય : 8 am
સુજોય વરંડાની એક ખુરશી પર બેઠો છે. ચાની ચૂસકી સાથે ન્યૂઝ પેપર વાંચી રહ્યો હતો. જોકે, પેપર મોટા ભાગે કોરોના/કોવિડ-19, સ્પેન, ઇટાલી, અમેરિકા, ભારત, ગુજરાત અને મહારાષ્ટ્રના આંકડાઓ અને વિશ્લેષણોથી ભરેલું હતું. વાંચતાં-વાંચતાં એક ક્ષણ એવી આવી કે એણે પેપર અધૂરું છોડી, આંખો બંધ કરી દીધી. થોડીવાર પછી મોબાઇલ ખોલ્યો. વ્હૉટ્સ ઍપ અને ફેસબુક જોયાં. પછી એ બધું બંધ કરી, ફોનની ગૅલેરીમાં જઈ, પ્રિયા અને હેતના ફોટા જોવા લાગ્યો. એ વિચારી રહ્યો હતો. પ્રિયા લગ્નના શરૂઆતના સમયમાં કેટલી એની આગળપાછળ ફર્યા કરતી હતી. પણ હેત આવ્યા પછી એ કેવી બેપરવાહ બની ગઈ ! એ હોય ના હોય કોઈ ફરક જ નહોતો. હેત હેત અને હેત, એ અકળાઈ જતો. પ્રિયાને કંઈ ફરક ન પડયો હોય એમ સ્વીકારી પણ લીધું કે એ કોઈ ગુજરાતી આંટીના ઘરે પેઇંગ ગેસ્ટ તરીકે રોકાવાનો હતો ! એ ઘવાયો હતો કે પ્રિયા એને મિસ નથી કરતી. આવું વિચારતો હતો ત્યાં જ હરિતાને આવતી જોઈ, એણે ઝટપટ પેપર હાથમાં ટટ્ટાર પકડયું ‘‘બોલ, મારા પપ્પાને પણ તારી જેમ જ સવારે ચા પીતાં-પીતાં પેપર વાંચવા જોઈએ અને કોઈ ડિસ્ટર્બ કરે ને તો એનું આવી જ બને’’ હરિતા બોલતી રહી. બગાસું દબાવતાં, ઊંડો શ્વાસ લઈ, બેધ્યાનપણે જ સુજોય બોલ્યો, ‘‘યસ. તારા પપ્પા બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે, જસ્ટ લાઈક યુ...’’ પછી તો પપ્પાપુરાણ વિશે હરિતાની વાતો સળંગ એક કલાક ચાલી. વચ્ચે એમાં – એની મમ્મી, ચારુલ, એની બહેનપણીઓ, કાકા-મામા, માસીની દીકરીઓની વાતો પણ કૂદાકૂદ કરતી રહી. એક-બે વાર મોબાઇલ ખોલ-બંધ કરી, સુજોયે ધ્યાનભંગ કરવાની કોશિશ કરી, પણ સફળ ન થયો. એક બે વાર બગાસાં ખાતાં પકડાઈ ગયો ત્યારે હરિતા સહેજ વ્યંગમાં બોલી પણ ખરી, ‘‘એકબીજા વિષે વધારે પડતું જાણ્યા પછી કંટાળો આવવા લાગે છે. નહીં । કંટાળી ગયો ને?’’ ‘‘અરે ના યાર, તારાથી શા માટે કંટાળું? પણ સ્વીટી, ખાસ્સો સમય થયો. હું નાહી લઉં તો.’’ કહી જવાબની રાહ જોયા વિના એ વૉશરૂમમાં સરકી ગયો. શાવર નીચે દસેક મિનિટ ઊભા રહીને પાણી વહેતું રહેવા દીધું, છતાં મન શાંત થતું ન હતું. તારીખ : 30મી માર્ચ 2020
સમય : 1 pm
‘‘જો...ય, બહુ થાકી ગઈ છું. પ્લીઝ હેલ્પ કરાવ ને’’ છુટ્ટા વાળને રબરબેન્ડ બાંધતાં, લઘર-વઘર ટીશર્ટટ્રેકમાં બાય પર પરસેવો લૂછતી, હરિતા રસોડામાંથી ડોકું કાઢી; સહેજ તણાયેલા સાદે બોલી. "હા આવું, થોડી વારમાં..." લેપટોપમાં મોં નાખી બેસેલો સુજોય બોલ્યો. ‘‘યાર, નોટ ફેયર હં ! ઘર મેં સાફ કર્યું, રસોઈ પણ મેં બનાવી. હવે વાસણ સાફ કરવામાં તો તારે મને મદદ કરવી જોઈએ કે નહીં? તું તો બસ લેપટોપ લઈને બેસી જાય છે." "તારે કૉલેજમાં વેકેશન છે ને? તો તું મેનેજ કર ને, પ્લીઝ. આ વર્ક ફ્રોમ હોમમાં તો, ઉલટાનું કામનું ભારણ વધ્યું છે. બેઠો નથી, દસ મિનિટ પછી વિડીયો કોન્ફરેન્સ છે, એની તૈયારી કરું છુ, સો પ્લીઝ...’’ કહેતો એ લેપટોપ સાથે બાજુના બેડરૂમમાં જતો રહ્યો. વાસણો ઘસતાં હરિતા ગરમીથી અકળાતી હતી અને સુજોયથી પણ. ફેસબુકમાં તો કેવા મેસેજ કરતો હતો ! ‘‘બેબી, તું થાકી ગઈ ! તારા પગ દબાવી આપું?" એની આવી મીઠીમીઠી વાતથી એ કેવી ભોળવાઈ જતી હતી ! અત્યારે એ ખરેખર થાકી ગઈ હતી ત્યારે સુજોય હાજર હોવા છતાં બેડરૂમ બંધ કરી બેઠો હતો. હરિતાના હાથમાંથી કાચની પ્લેટ છટકી અને તૂટી ગઈ. કરચો વીણી, એ પોતાના બેડરૂમમાં જતી રહી. બારણું અંદરથી બંધ કરી દીધું. ઊંઘ ન આવી, વાંચવામાં પણ મન ન ચોટ્યું. મોબાઇલ સ્ક્રોલ કરતી વખતે તો એને પોતાને પણ નહોતું સમજાતું કે એ ખરેખર શું જોતી હતી? એ વિચારતી રહી, અમેરિકાની ફાઈલ વર્ષો પહેલાં મૂકી હતી. જ્યારે વિઝા આવ્યા ત્યારે એ 20 વર્ષની થઈ ગઈ હતી એટલે ન જઈ શકી. એ એકલી અહીં રહી ગઈ. મમ્મી, પપ્પા અને ચારુલ અમેરિકા જતાં રહ્યાં. એ વાતને 8 વર્ષ થઈ ગયાં. વર્ષોથી એ એકલી જ રહેતી હતી પણ આજ જેવી બેચેની ક્યારેય નહોતી લાગી. કોઈએ એને વાપરીને ફેંકી દીધી હોય એવી દયામણી એ એને પોતાને લાગી. ન ગમતા વિચારને અટકાવવા, એ બેબાકળી બની પડખાં ફેરવતી રહી. વચ્ચે એકાદ ઝોકું આવી ગયું, જે સુજોયના મોબાઇલ કૉલથી તૂટ્યું. “હં, શું છે?” "બહાર આવને" “ના, થાકી ગઈ છું, સૂતી છું." બગાસું ખાતાં તે બોલી. “પ્લીઝ, ઓપન ધ ડોર." ઉતરેલા મોંએ એણે દરવાજો ખોલ્યો. "સરપ્રાઈઝ” હાથમાં મેગીનું બાઉલ લઈ જોકર જેવી અદાથી સુજોય બોલ્યો. એ જોઈ નહોતું હસવું, તો'ય હરિતાથી હસી પડાયું. “સરખું રિસાવા પણ નથી દેતો, કામચોર નંબર વન." મોં મચકોડી હરિતા બોલી. “કામ...ચોર, આવી જા બેડ પર, વિલ પ્રુવ...” “શટ અપ, કોઈ પ્રુફ નથી જોઈતું. મેગી ખાવા દે." "યસ મેડમ, ધ ઓન્લી ડીશ ધેટ શેફ સુજોય કેન પ્રિપેર." તારીખ : 1 એપ્રિલ 2020
સમય 11 am
‘આજકાલ મને એવું લાગે છે કે હું કોઈ અજાણ્યું જીવન જીવું છું. મને ખુદથી હું અજાણ્યો લાગું છું. જોકે, આ નવું નથી. આ વિચિત્ર લાગતી લાગણી સતત મારી સાથે જીવે છે. ઉપરછલ્લી સપાટી પર કરેલી વાતો અને ઘટનાઓ અંદર ઉતરતી જ નથી, કાલે હરિતાએ થોડી ઉદાસ આંખે ગુગલ કિપમાંથી વંચાવેલું ગ્રેબિયલ માર્કવેઝનું વાક્ય મનમાંથી ખસતું નથી. "sex is the consolation you have when you can't have love" એની સાથે કોઈ દલીલ કરવાનો મતલબ નહોતો કારણકે હું મને પોતાને આ સવાલ પૂછું છું. પ્રેમ શું છે? ઉન્માદ શું છે? બંને એકમેકથી અલગ હોય તો પણ હું બંનેને છુટા પાડી, શા માટે અનુભવી શકતો નથી? ક્યારેક તો એવું લાગે છે કે પ્રેમ જેવું કશું છે જ નહિ. પ્રેમ સાચી માની લીધેલી કોઈ દંતકથા લાગે છે અને ઉન્માદ શરીરની રાસાયણિક પ્રક્રિયાનો કોઈ પ્રત્યુત્તર લાગે છે. હરિતા સાથેના ભયંકર ઉન્માદમાંથી પસાર થયા પછી હું વધારે એકલો પડી જાઉં છું. હરિતાથી તો દૂર જ, પણ મારા પોતાનાથી પણ દૂર. બીજાને બહાર દેખાતો સુજોય લડાયક, સફળ, સંજોગો સામે ઝઝૂમતો એકલવીર છે. જેની પાસે પૈસો છે, પ્રતિષ્ઠા છે. સુંદર પરિવાર છે. પણ અંદર? અંદર તો નરી એકલતા છે. અત્યાર જેવી જ. એ એકલતા ડામવા હું હરિતાને નજીક ખેંચું છું. ઝનૂનથી એને મેળવવા ઇચ્છું છું. પણ અંતે તો એ ફીણ ફીણ બની વિખરાતાં મોજાં જેવો નિરર્થક પ્રયાસ લાગે છે. એ રઘવાટ-બેચેની બધુંય એ પાગલપણ વિખરાયાં પછી, મને મારાથી વિખૂટો પાડી દે છે.' "જોય, કેમ ચુપચાપ બેઠો છે? આર યુ ઓકે?" "હે !... ના ના, બસ આમ જ વિચારતો હતો કે લોકડાઉનમાં કેટલાં બધાં કામ અટકી ગયાં છે. બિઝનેસમાં મારી જે હાલત બગડવાની છે ને, એનો તને કોઈ અંદાજ નથી. બહુ બધાં રિસ્ક લીધેલાં છે." "સાચી વાત. પણ તું જો જે ને, બધું ઠીક થઈ જશે." "દીલાસો દેવો સહેલો છે સ્વીટી, પણ વાસ્તવિક જિંદગી બહુ અલગ છે." “કમ ઓન સુજોય, ભૂલી જા ને બધું. લોકડાઉને તને અને મને સાથે રહેવાનો કેટલો લાંબો સમય આપ્યો." “હં... હા, હા તું સાચું કહે છે સ્વીટી. હું થોડું ઓફિસ વર્ક કરી લઉં? રસોઈ તો નથી ફાવતી પણ વાસણ હું સાફ કરી દઈશ, પ્લીઝ; તું લોડ ન લેતી." "સારું સારું, તું તારે તારું કામ કર." તારીખ : 4 એપ્રિલ 2020
સમય : રાત્રે 9:30 pm
"આ લોકડાઉન થયે દસ દિવસ થયા અને અંદરથી દસ વર્ષ પસાર થયાં હોય એવું લાગે છે. બધી વસ્તુ એકસરખી અને કંટાળાજનક લાગે છે, નહિ?" "તું વધારે પડતી નિરાશાવાદી થઈ ગઈ છે." “કદાચ... કદાચ તારી કરતા પણ વધારે જીવવાની ઇચ્છા મારી અંદર છે. પોતાની રીતે એકલા જીવવાની ટેવ પડેલી જ છે, પણ સ્વતંત્રતા વિનાની એકલતા, પિંજરે પુરાયેલાં પંખી જેવી દયામણી લાગે છે." "વધારે પડતું વિચારવાને બદલે અંદર જઈ સુઈ જા, જા. સવારે ઉઠીશને ત્યારે સારા વિચારો આવશે." હરિતાના ગયા પછી સુજોય ડ્રોઇંગરૂમમાં જ બેઠો રહ્યો. મોબાઇલ લિસ્ટ ખોલી ફોન કરતો રહ્યો. ઑફિસના સાથીદારોને, જૂના મિત્રોને, પ્રિયા અને હેત સાથે તો લગભગ અડધો કલાક વાત કરી. રાતના બાર વાગ્યા સુધી, એ બોલીને ન થાક્યો ત્યાં સુધી પાત્રો બદલાવી વાત કરતો રહ્યો. અંદરના રૂમમાં હરિતાને પણ ઊંઘ ન આવી ત્યાં સુધી નેટફ્લિક્સ પર એ ‘મની હેઇસ્ટ’ જોતી રહી. રાત્રે વ્હોટ્સ ઍપ મેસેજમાં હરિતા એ લખ્યું, "સુજોય, બાજુના બેડરૂમમાં સુઈ જજે. આઈ વોન્ટ સમ સ્પેસ.” માત્ર ‘ઓકે’ લખી સુજોયે ફોન બંધ કરી દીધો. પરિચિત અંધારું અને પોતપોતાનો અલગ રૂમ આજે ઘણા દિવસ પછી મળ્યો, એ વાતે ધાર્યા કરતાં પણ વધારે રાહત આપી હોય એમ, બંને મોડે સુધી ઘસઘસાટ સૂતાં રહ્યાં. સવારે 9 વાગ્યે હરિતા બહાર આવી ત્યારે પણ સુજોય તો સૂતો જ હતો. એને ઉઠાડ્યા વિના હરિતા કૉફીનો મગ લઈ ઇઝિચૅર પર ચૂપચાપ બેઠી રહી. આકાશ અને ઝાડને જોતી રહી. આખો દિવસ વાહનોની અવરજવરથી ભરેલા આ રસ્તાઓ અત્યારે સાવ શાંત લાગતા હતા. એણે બહારનું કશું સાંભળવાનું ન હતું. એ ક્યાંય સુધી બેઠી રહી. મોબાઇલ વાગ્યો ત્યારે જ તેનું ધ્યાન તૂટ્યું. અમેરિકાથી એના પપ્પાનો કૉલ હતો, "હા પપ્પા, ચિંતા ન કરો. એકદમ સ્વસ્થ છું. તમે લોકો?” “ઓહ્હ ! ગ્રોસરી ન મળે એ તો અઘરું પડે.” "ના ના એમાં શું? વર્ષોથી રહું જ છું ને. આદત પડી ગઈ છે. પણ હમણાંથી તમે બધાં બહુ યાદ આવો છો." લાંબી વાત ચાલી. એણે ફોન મૂક્યો ત્યારે સુજોય નાહીને બહાર આવ્યો અને એ કંઈ સમજે એ પહેલા એને ઊંચકી બેડ પર ઘસડી ગયો. થોડી આનાકાની કરી એ પણ જોડાઈ ગઈ અને શરીરની ભાષાનું સુખ એ છે કે તે કેટલાય વિરોધોને, વાંધા-વચકાઓને સુંવાળા કરી દે છે. બધું જ સરકતું, લીસું અને વધારે જીવનથી ભર્યું હોય એવું લાગવા માંડે છે. “હરિતા, આજની રસોઈ સુપર્બ ! યાર, તારા હાથમાં તો જાદુ છે જાદુ.” “સુજોય, તારા સોન્ગનું કલેક્શન બહુ મસ્ત છે. લિંક મોકલ ને, હું સાભળીશ." “એય, બહુ બ્યુટીફૂલ લાગે છે.” “જોય, તું તારે શાંતિથી ઑફિસનું કામ કર. વાસણ હું સાફ કરી નાખીશ. આજે ફ્રેશ છું." રાત્રે સૂતી વખતે હરિતાએ કહ્યું, “જોય, આઈ લવ યુ” જેના જવાબમાં જરાક એવું હસી હરિતાના ગાલ પર હળવી ટપલી મારી સુજોયે કહ્યું, “સુઈ જા હવે. ગુડનાઈટ.” તારીખ : 6 એપ્રિલ 2020
સમય : 10 am
“પ્રિયા, આજે અડધી રાત્રે જાગી ગયો ત્યારે તું બહુ યાદ આવી ગઈ. મિસ યુ ટૂ મચ. ઊભી રહે વિડીયો કૉલ કરું. હેત અને તને જોવાનું બહુ મન થઈ ગયું છે." “હેલો, મારો હેત શું કરે છે?... અચ્છા, મમા કિન્ડલ જોય નથી અપાવતી, હું આવીશ ત્યારે અપાવીશ... પ્રોમિસ." “હા, પ્રિયા શાકભાજી લેવા જાય તો આવીને નાહી જ લેજે, તારું ધ્યાન રાખજે." “કેમ ઉદાસ દેખાય છે? ...હા, મિસ યુ બોથ વેરી મચ." મોબાઇલ સ્ક્રીનમાં પ્રિયા અને હેતને એકીટશે જોતો રહ્યો. હરિતા અચાનક રસોડામાંથી બહાર નીકળી ત્યારે સામેના સોફા પર બેસી મોબાઇલ સ્ક્રીન સામે સુજોયને પ્રેમથી હસતો જોયો. એના મનમાં બળતરા થઈ ગઈ. સામે બેસેલો સુજોય એનો કોઈ ન હતો. જે જગ્યાએથી ફોન સામે બેસેલો સુજોય પેલા લોકોને મિસ કરતો હતો, એ જગ્યાએથી એ કપાઈ જતી હતી. એની સાથે શું ખરાબ બની ગયું છે એ સમજાતું નહોતું. આમ પણ સુજોય એનો હતો કોણ? કોઈ સંબંધથી એ ક્યાં જોડાઈ હતી? તો પછી અત્યારે બધું ધૂંધળું કેમ લાગતું હતું? સાથે રહ્યાં, વાતો થઈ, શરીરની આપ-લે થઈ, જીવાયું, મજા આવી હતી. પણ એ લોકડાઉનને લીધે અચાનક ઊભી થયેલી પરિસ્થિતિને આભારી હતું. એ સમય ભરવાથી વિશેષ કશું ગણી શકાય ખરું? જો જરૂરિયાતનું જ જોડાણ હોય તો એમાં ક્યાં કશું તૂટતું કે ખૂટતું હતું? ફક્ત સમય પ્રમાણે બધુ બદલાઈ જતું હતું. "હરિતા શું થયું?" સુજોયે દૂરથી થોડા મોટા અવાજે પૂછયું. હરિતાએ સહેજ ઊંચું જોયું. સુજોયે એને સ્મિત આપ્યું. એ બદલામાં કશું આપી શકી નહીં, ઠાલું સ્મિત પણ નહીં. એ અંદર જતી રહી. એકલી એકલી છટપટાતી રહી. એ વિચારતી હતી કે વિચારશૂન્ય બની ગઈ હતી ! જે અનુભવાતું હતું, એ શબ્દોની બહાર છટકી ગયું હતું. દુઃખ, આંસુ, અભાવ કોઈ વસ્તુ જ અનુભવાતી નહોતી. પોતાને કોઈ ભાગરૂપે સંવેદી શકાતી ન હતી. એ છેક સાંજ સુધી સૂતી જ રહી. સુજોય પણ આખો દિવસ કામના બોજમાં તણાયેલો રહ્યો. વચ્ચે એક-બે વાર મન થયું કે એ હરિતા પાસે જાય, પણ ન ગયો. કામ પૂરું થયાં પછી પણ એ મુવી જોતો રહ્યો. એનો મોબાઇલ ડ્રોઇંગરૂમમાં પડ્યો રહ્યો પણ એક’ય વાર એને ઇચ્છા ન થઈ કે મોબાઇલમાં કશું જુએ. સાંજે જ્યારે હરિતાએ એના બેડરૂમ પાસે આવીને પૂછ્યું, “તેં કશું ખાધું કે નહિ?” લેપટોપમાં જોવાનું ચાલુ રાખીને એણે જવાબ આપ્યો, “ના. ભૂખ નથી." જમતી વખતે પણ બંને બે-ચાર વાક્ય માંડ બોલ્યાં, “તબિયત ઠીક છે, હરિતા?” જવાબમાં “હા” કહી, “તું કેમ છે?” એટલું હરિતાએ સામે પૂછ્યું. જેનો જવાબ "સારું છે” એટલો જ મળ્યો. તારીખ : 9 એપ્રિલ, 2020
સમય 2:30 pm
“તો આજે લોકડાઉનનો સોળમો દિવસ” કેલેન્ડરમાં જોતાં સુજોય બોલ્યો. ખોળામાં તકિયો રાખી બેસેલી હરિતા માત્ર હોંકારો ભણી. પુસ્તકની અંદર ખૂંપી ગઈ. બેડ પર એની બાજુમાં ચાર-પાંચ પુસ્તકો પડેલાં હતાં. એ પછીની જગ્યા પર સુજોય સૂતો સૂતો મોબાઇલમાં કશુંક જોતો હતો. એને વાંચવાની આદત ન હતી. બ્લોગ કે પછી 'ધ ઈકોનોમી ટાઈમ્સ’ કે માર્કેટિંગને લગતાં આર્ટિકલ્સ વાંચતો, પણ હરિતા જેમ ફિક્શન વાંચવાનું એને આટલા દિવસના પ્રયાસ પછી પણ નહોતું ફાવ્યું. એણે હરિતાની સામે જોયું અને કહ્યું, “સ્વીટી, મારી પાસે આવને. ચશ્માં પહેરી વાંચતી વખતે તું બહુ સેક્સી લાગે છે. આવને." હરિતાએ પુસ્તક બાજુ પર મૂક્યું, એના પર ઝુકી. એના હોઠમાં હોઠ પરોવ્યા. એ પછીની બપોર શબ્દોમાં વહેતી કવિતા બની, પછી એ શબ્દો પીગળ્યા અને નદી બની. વહેતી નદી ધીરે ધીરે અફળાતાં મોજાં બની ગઈ. થોડીવાર પછી એ જ બપોર ખડક પર અફળાતાં મોજાંમાંથી ફીણ બની વિખરાઈ ગઈ. સુજોય અલગ થવાની ક્ષણ પછી સીધો મોબાઇલમાં જોવા લાગ્યો. અરજભરી નજરે હરિતા બોલી, “થોડીવાર મને વળગીને સૂઈ જા ને" મોબાઇલ બાજુ પર મૂકી સુજોય બોલ્યો, "મને ઊંઘ આવે છે. તું પણ થોડી વાર સૂઈ જા. સારું લાગશે.” સુજોયે આખો બંધ કરી દીધી. એને સમજાતું નહોતું, અલગ થયાં પછી નિર્જીવ લાગતા, બાજુમાં પડેલા શરીરનું અત્યારે શું કરવું? સુઈ જવું, એ બચવાનો સહેલો રસ્તો હતો. તારીખ : 12 માર્ચ 2020
સમય: 1 am
મારી ડાયરી, અડધી રાત થવા આવી પણ ઊંઘી શકાતું નથી. ખરા-ખોટા વિચારો મારા પર હાવી થઈ ગયા છે. તારી આગળ મન હળવું કરી, મને શાંત કરવા માગુ છું. સુજોયથી હું કટાળી ગઈ છું. “કારણ?” તું તરત જ માસ્તરાણી બની મને પૂછીશ, એટલે તને-એ જવાબ દેતાં દેતાં, હું મારી પાસે જ જવાબ શોધું છું. તું જ કહે, પ્રેમ એટલે શું? મારી માટે પ્રેમ એ છે કે જેમાં વ્યક્તિ ઓગળી જાય. કેવળ સમર્પિત થવાનો ભાવ રહે. જેવી છે તેવી વ્યક્તિનો બિનશરતી સ્વીકાર કરવાનો ભાવ. સુજોય પાસે હું એવો જ પ્રેમ ઇચ્છતી રહુ છું. એ મને માત્ર સ્ત્રી તરીકે જ નહીં, વ્યક્તિ તરીકે પણ સ્વીકારે. મને માન આપે – આવી અપેક્ષા રાખવી શું ખોટી છે? સાચી-ખોટી તો રામ જાણે ! પણ એ માત્ર સ્પર્શની ભાષામાં જ વાચાળ હોય છે. બાકી, પોતાના વિષેની કોઈ પણ વાત કરવાની હોય તો મોંમાં મગ ભર્યા હોય એમ મોબાઇલ જોયા કરે કે વાત બદલાવી દે. અરે, હું કાંઈ એનું સુખ ચોરી લેવાની છું? તો પણ ના ! માત્ર જનરલ ટોપિક્સ પર વાત કરી, મનને ન કળાવા દઈ, એ પોતાની જાતને બહુ સ્માર્ટ માને છે. મને એ વસ્તુ કોરી ખાય છે કે એ મને વ્યક્તિ કે મિત્ર તરીકે સ્વીકારતો જ નથી. એની બધી વાતો અંતે તો 'સબ રસ્તા ગોડ કી ઓર જાતા હૈ' ની માફક શરીર પર આવી અટકે...યાર, શરીરને સ્પર્શવું અને મનને અક્ષુણ્ણ રાખવું, એ કેમ સહન થાય? મને ગૂંગળામણ થાય છે. કેટલી વાર ભીંત જોડે ભટકાઈને પોતાનું જ માથું ફોડવાનું? અત્યારે હું ક્રોધ, સ્વમાન અને ઇર્ષ્યામાં સળગું છું. એને માફ કરવો, શાંતિ રાખી એને સહન કરવો – જેવા ફાલતુ વિચારને બદલે એક લાત મારી એને કાઢી મૂકવાનું મન થાય છે. ચલ, મનનો ઊભરો ઠાલવી દીધો. હવે સૂઈ જવાનો પ્રયત્ન કરું. તારીખ : 13 એપ્રિલ
સમય: 11:30 am
“તારી હિમ્મત કેમ થઈ મારી પર હાથ ઉપાડવાની?" ફાટેલા અવાજે ચીસ પાડતાં હરિતા બોલી. “બે વેંતનું બૈરું ને આખો દિવસ ચપડ-ચપડ ને ટોક ટોક ! વધારે બોલી તો બીજી થપાટ ઠોકી દઈશ." "સાલા, ફ**ગ લાયર, હાથ તો લગાડ બીજી વાર. સમજે છે શું તું તારા મનમાં? હું કંઈ તારી ગુલામ છું?” આંખોમાં આંસુ સાથે ક્રોધમાં હાંફતી, હરિતા દીવાલ પર મુક્કો મારતાં બોલી. “રંડી, સાલી તારા જેવી તો કંઈક જોઈ. ત્રાસ કરી દીધો છે. હું તારા "પૂજ્ય પિતાશ્રી"ની નવી આવૃત્તિ નથી. રાતદિવસ મને સુધારવાનો કાર્યક્રમ તારી પાસે રાખ. હું જેવો છું એવો જ રહીશ. બૈરું હાળું જાત પર ગયું. એક રાતની મજા લેવામાં, ક્યાં અહીંયા આવીને ફસાઈ ગયો?" હવે હરિતાનો ગુસ્સો, મોટા આવજે રડવામાં પલટાઈ ગયો. “શરમ કર, શરમ કર ! આવા શબ્દ મારી માટે વાપરે છે ! હલકટ, તારી કરતા તો વધારે અફસોસ મને થાય છે. તને આઈ લવ યુ કહી મેં એ શબ્દનું ઊંડાણ જ ખોઈ દીધું." ડૂસકાં ભરતી હોવાને લીધે અટકી-અટકીને હરિતાનો અવાજ, ડૂમામાં રૂંધાઈને બહાર આવતો હતો. “એક મિનિટ પણ તું સહન નથી થતો. ફૂટ સાલા, હવે તો લોકડાઉન ખૂલે એટલે છૂટું.” “હુંય છૂટીશ તારી જેવી ફાલતુ લેડીથી” થોડો ઢીલો પડતા સુજોય નીચા સૂરે બોલ્યો, “હા, સૉરી તારી પર હાથ ઉપાડવો નહોતો જોઈતો, પણ તું આઉટ ઓફ કંટ્રોલ થઈ ગઈ હતી. કેટલી દલીલો ! કેટલી જીદ કરતી હતી ! સાચે હું મગજ પર કાબૂ ગુમાવી બેઠો.” “અત્યારે તું મારી નજરથી દૂર જતો રહે, પ્લીઝ... અને કાલે સવારે લોકડાઉન ખૂલે એટલે ઉપડ. મારા તરફથી અત્યારે જ ગુડ બાય." કહી માથું બંને હાથે દબાવતી હરિતા સોફા પર ધબ દઈ બેસી ગઈ. કશું બોલ્યા વિના સુજોય અંદર જતો રહ્યો. તારીખ : 14 એપ્રિલ 2020
સમય : 9:45 am
લોકડાઉનની જાહેરાત થયે આજે 21 દિવસ પૂરા થયા હતા. કોરોનાનો ડર તો કોને નહોતો? સાથે આજે પ્રધાનમંત્રી શું કહેશે, એની ઉત્કંઠામાં આખું ભારત ટીવી સામે ખોડાઈને બેઠું હતું. મોદીજી ટીવી પર આવવાને થોડી વાર હતી તો પણ બેગ પગ પાસે રાખી સુજોય ‘ગેટ સેટ ગો’ની સ્થિતિમાં ઉભડક બેઠો હતો. “હરિતા ચલ, બોલ્યું ચાલ્યું માફ કરજે અને સેફ રહેજે.” "હા, તું પણ સાચવજે, પણ સારું એ થશે કે આજે આપણે બંને છૂટીશું." "કાલ ગુસ્સામાં થયેલા વર્તન માટે સૉરી યાર, માફ કરજે.” “હમ્મ” શૂઝ પહેરી, બેગ હાથમાં લઈ લગભગ ઊભો થતાં સુજોય બોલ્યો, “10 વાગ્યે નીકળીશ. વચ્ચે થોડું રોકાઇશ તો પણ 8 સુધીમાં તો ઘરે પહોંચી જઈશ." "વચ્ચે રોકાવું નહિ પડે, ભાથાનાં થેપલાં બનાવી રાખ્યાં છે." “હવે ચૂપ ’રે, સાંભળ શું કહે છે, મોદી સાહેબ?" ટીવીનું વોલ્યુમ અચાનક વધી ગયું. ઉત્તેજના સાથે બંને કાન માંડી બેઠાં. જેમ જેમ ભાષણ આગળ વધ્યું તેમ તેમ બંનેનાં ચહેરા પર તાણ વધવા લાગી અને જ્યારે એ શબ્દ સંભળાયા કે ‘લોકડાઉન : 2. 14 એપ્રિલથી 3જી મેં સુધી લંબાવ્યું છે.’ ત્યારે બેગ પકડી ઊભેલા સુજોયને કોઈએ જોરથી હડસેલો માર્યો હોય, એમ ફંગોળાઈને સોફા પર પટકાયો અને રસોડાના બારણાં આગળ હાથમાં થેપલાંનો ડબ્બો લઈ ઊભેલી હરિતા, ત્યાં જ થીજી ગઈ.

વાર્તા અને વાર્તાકાર :

કોશા રાવલ (૧૨-૦૨-૧૯૭૬)

‘લોકડાઉન’ વાર્તા વિશે :

વાર્તા લગ્નેતર સંબંધની છે. પણ માટાભાગના લગ્નેતર સંબંધમાં બને છે તેમ પ્રેમમાં પડતા પુરુષને શરીરથી આગળ ભાગ્યે જ રસ હોય છે. પત્ની છે, કુટુંબ છે; આ સંબંધ તો જરાક મઝા માટેનો. પણ પ્રેમમાં પડેલી સ્ત્રી તો આ સંબંધને જ પોતાનું સર્વસ્વ માનતી હોય છે. એની અપેક્ષા શરીર ઉપરાંત લાગણીની હોય છે. આ પ્રકારના સંબંધની નિયતિ છેલ્લે સ્ત્રીની નિર્ભ્રાંન્તિમાં જ પરિણમે. સ્ત્રી પુરુષ પર ઓળઘોળ થતી હોય, એની સાથે જીવવા મળતી ક્ષણેક્ષણને નસીબ માનતી હોય પણ એક દિવસ જ્યારે સમજાય કે આ સંબંધ થોડાક કલાકો મળે તો જ મીઠો લાગે ત્યારે સ્ત્રીના પક્ષે નર્યો આઘાત જ બચે છે. સાથે રહે તો જ સંબંધનું સત્ય, ઊંડાણ સમજાય. આ વાર્તાનો નાયક આવ્યો હતો એક રાત વિતાવવા પણ અચાનક આવી પડેલા લોકડાઉને એવા સંજોગો ઊભા કર્યા કે લાંબા સમય માટે ફસાઈ ગયો. સુજોય જો એક રાત રોકાઈને જતો રહ્યો હોત તો હરિતા કદાચ એને કાયમ ચાહતી રહી હોત. પણ આ તો મહિનાઓ સુધી રાતદિવસ સાથે રહેવાનું. સેક્સ પણ ક્યાં સુધી બાંધી રાખે? બંને એકમેકથી કંટાળે. સુજોય Typical પુરુષ/પતિની જેમ વર્તે જેની હરિતાને બિલકુલ જ આદત ન હોય... આમ તો મોટાભાગના લગ્નેતર સંબંધોને ખોતરો તો સત્ય આ જ નીકળે.

નોંધપાત્ર વાર્તાઓ :

‘જ’ થકી કરેલો આપઘાત, રૂપાંતર