નારીસંપદાઃ નાટક/જેણે લાહોર નથી જોયું એ જન્મ્યો જ નથી.

From Ekatra Foundation
Jump to navigation Jump to search
જેણે લાહૌર નથી જોયું એ જન્મ્યો જ નથી

બે વાત

આજ સુધી અનુવાદ તો મેં ઘણા કર્યા હતા પણ નાટકનો અનુવાદ પહેલી વાર હાથ પર લીધો. ડર તો લાગતો જ હતો કારણ, નાટક માત્ર વાંચવાની વસ્તુ નથી. એ મંચનની કળા છે. એટલે બોલાતી ભાષાનો રણકો ખોવાઈ ન જાય એ બાબતે સાવચેત રહેવાનું હતું. વળી નાટકમાં લખનવી ઉર્દૂ અને લાહૌરી પંજાબી બોલતાં પાત્રો છે. ૧૯૪૭ના લાહૌરનો પરિવેશ ઊભો કરવામાં બેઉ ભાષા અનિવાર્ય બની રહે. બેઉં ભાષાનો સ્પર્શ જળવાઈ રહે, લાહૌરનો માહોલ ઊભો થઈ શકે અને છતાં ગુજરાતી વાચક સમજી શકે એટલા માટે સાવ સહેલા ઉર્દૂ અને પંજાબી શબ્દો જેમના તેમ રહેવા દીધા છે. જરૂર લાગી ત્યાં નીચે અર્થ આપીને મૂળ શબ્દને સાચવી લીધા છે. વળી નાટકના દરેક દૃશ્યના અંતે શાયર નાસિર કાઝમીની નઝમ છે. અને આ નાટકની સમગ્ર પ્રભાવકતામાં આ નઝમોનો ફાળો ઘણો મોટો છે એવું તો અસગર વજાહતે પોતે પણ સ્વીકારેલ છે. આ નઝમોને અક્ષરશઃ ગુજરાતીમાં લાવી મારે એના મૂળ સત્ત્વને ખતમ નો’તું કરી દેવું. તો સમાંતરે ગુજરાતી ભાવક માત્ર માથું ખજવાળે એ પણ કેમ ચાલે? એટલે મેં વચલો રસ્તો પસંદ કર્યો. અઘરા શબ્દોના અર્થો આપી મૂળ નઝમને જેમની તેમ જ રહેવા દીધી. અનુવાદ એટલે માત્ર શબ્દોના પર્યાય આપવા એવો અર્થ હરગિઝ નથી થતો. અનુવાદકે સમગ્ર પરિવેશ-સમય-સ્થળ, માહોલ, પાત્રો, ઉંમર........ ઘણું બધું ધ્યાનમાં રાખવું પડે. ને એટલે જ મેં નાટકના પ્રારંભે આવતી નારાબાજી જેમની તેમ જ રહેવા દીધેલ છે. કસ્ટોડીયન અને એલોટમેન્ટ જેવા શબ્દો વિભાજનના માહોલમાં અનિવાર્ય બની રહે. એના અર્થ આપવાની મને જરૂર ન લાગી. હંમેશની જેમ નીનાબહેન સાથે બેસી અનુવાદ મઠાર્યો. પણ નાટકની ભાષા, માહોલ તથા પાત્ર અનુસાર ભાષાસ્તર માટે મિત્ર બકુલ ટેલર સળંગ ત્રણ કલાક બેઠા........ આવા મિત્રો છે એટલે અનુવાદ કરવાની હામ જળવાઈ રહે છે. અનુવાદ દરમ્યાન પંજાબી ભાષાએ મને ખાસી મથાવી. પણ બેન હરપ્રીત કૌર મદદે આવી. નાસિર કાઝમીની નઝમો માટે હંમેશની જેમ મિત્ર મુનિર વ્હોરા મદદે આવ્યા. એમની વ્યસ્તતાને કારણે જે બાકી રહ્યું તે પ્રો. બોમ્બેવાલાએ કરી આપ્યું. આ બેઉ વડીલોનો હું આભાર માનું છું. આમ તો છેલ્લાં પાંચેક વર્ષથી આ નાટકને ગુજરાતીમાં લાવવાની મારી ઇચ્છા હતી. પણ સમય પરવાનગી જ નો’તો આપતો..... ૨૯-૦૩-૨૦૧૦ના રોજ જામિઆ મિલીયા યુનિવર્સિટીના હિંદી વિભાગમાં અસગર વજાહતને દોઢેક કલાક માટે મળવાનું થયું. કોઈ જાતની ઔપચારિકતા વગર એમણે અનુવાદ માટે પરવાનગી આપી અને દિલ્હીથી આવીને તમામ કામ બાજુ પર હડસેલાઈ ગયાં..... રહ્યું માત્ર લાહૌર..... ચર્ચા, અનુવાદ, ટાઇટલ, પ્રૂફ..... કોઈ ને કોઈ તબક્કે સાથ આપનારા મિત્રો મીનળ દવે, નીના ભાવનગરી, બકુલ ટેલર, જવાહર પટેલ તથા મારા ભાઈ ડૉ. આઈ. કે. વીજળીવાળાનો શેં આભાર માનવો? ટાઇટલ માટે શેખસાહેબે મદદ કરી. પરંતુ ટાઇટલને અંતિમરૂપ આપ્યું મારા વિદ્યાર્થી ઇમરાન સૂરતી તથા વૈભવ કદમે. હા, પાર્થ પ્રકાશનના બાબુભાઈએ આ નાટક છાપવાની હિંમત કરી એ બદલ એમનો આભાર માનવો જ રહ્યો. આજના માહોલમાં અતિપ્રસ્તુત એવું આ નાટક ગુજરાતી પ્રજા સુધી પહોંચાડવા બદલ બાબુભાઈ, ગુજરાત તમારું ઋણી રહેશે.....

૬-૫-૨૦૧૧, અખાત્રીજ
શરીફા વીજળીવાળા
 

નાટક વિશે

ભારત વિભાજનને વિષય બનાવીને ભારતીય સાહિત્યમાં અનેક વાર્તા, નવલકથા, કવિતા વગેરે લખાયાં પણ નાટક ભાગ્યે જ લખાયાં. આઝાદી પછી બરાબર ૪૩ વર્ષે લખાયેલું અસગર વજાહતનું ‘જિસ લાહૌર નઈ દેખ્યા ઓ જમ્યાઈ નઈ’ નાટક આ વિષયવસ્તુને આગવી રીતે સ્પર્શે છે. ૧૯૯૦માં ‘નવરંગ’માં છપાયેલ આ નાટક ભારતમાં સૌ પ્રથમ હબીબ તન્વીર દ્વારા ભજવાયું. પછીથી તો દેશ વિદેશમાં વિવિધ ભાષાઓમાં એના ૫૦૦ ઉપરાંત શો થયા છે. લખનવી ઉર્દૂ તથા પંજાબી ભાષાનું સંમિશ્રણ ધરાવતા આ નાટકની જેટલી ચર્ચા થઈ, એના જેટલા પ્રયોગો થયા એટલા છેલ્લાં વીસ વર્ષમાં ભાગ્યે જ કોઈ નાટકના થયા હશે. લાહૌર અહીં કોઈ શહેરનું નામ નહીં રહેતાં મૂળ વતનનું પ્રતીક બની જાય છે. દરેક વ્યક્તિને પોતાનું વતન દુનિયામાં સૌથી ખૂબસૂરત લાગવાનું એ વાત અહીં કલાત્મક ઢબે કહેવાઈ છે. ભારોભાર નાટ્યાત્મકતા ધરાવતા આ નાટકમાં બધે જ માનવતાનો સ્પર્શ જોઈ શકાય છે. આજે ચોતરફ જ્યાં તોડવાની વાતો થાય છે ત્યાં આ નાટક જોડવાની વાતો કરે છે. અસગર વજાહતે અહીં ધર્મનું સાચું રૂપ દેખાડ્યું છે. દુનિયાનો કોઈ ધર્મ હિંસાને, અસહિષ્ણુતાને ટેકો નથી આપતો એ અહીં મૌલવીના મોઢે પ્રભાવક ઢબે કહેવાયું છે. હકીકતે ધર્મની દુહાઈ દેનારાઓને ભાગ્યે જ ધર્મ સાથે ન્હાવા-નિચોવવાનો સંબંધ હોય છે. કોમી દંગાફસાદમાં આવાં તત્ત્વોના વ્યક્તિગત સ્વાર્થ છુપાયેલા હોય છે. ધર્મના ઓઠા તળે પોતાના સ્વાર્થ સાધવા તત્પર આ સમાજવિરોધી તત્ત્વોના પહેલવાન અને એના સાગરીતો પ્રતીક બની રહે છે. સ્વાર્થ ખાતર આવાં તત્ત્વો કોઈ પણ હદે જઈ શકે........ પોતાના હમવતનીને લૂંટી/મારી શકે, પોતાના ધર્મગુરુની કતલ પણ કરી શકે........ આ લોકો કંઈ પણ કરી શકે..... કંઈ પણ.....

વાર્તા સાવ સીધીસાદી છે. હિન્દુસ્તાન બે ટુકડાઓમાં વિભાજિત થઈ જવાને કારણે સદીઓથી અહીં રહેનારાઓને ત્યાં જવું પડ્યું ને ત્યાં રહેનારાઓને અહીં આવવું પડ્યું. લખનૌને દિલોજાનથી ચાહનારા સઈદ મિર્ઝાનું કુટુંબ લાહૌરની રાહત છાવણીમાં પડ્યું છે. શાયર નાસીર કાઝમી અંબાલા છોડી લાહૌર આવ્યા છે. આ બધાના દિલમાં પોતપોતાના શહેર પ્રત્યે ગજબની મમતા છે ને તે છતાં ના છૂટકે એમને બેવતન થવું પડ્યું છે. મિર્ઝાસાહેબના કુટુંબને રતન ઝવેરીની ૨૨ ઓરડાવાળી વિશાળ હવેલી રહેવા માટે એલોટ થાય છે. હવેલીના એકાદ ખૂણે રતનની વૃદ્ધ મા છુપાઈ રહેલી. એના પરિવારનો પત્તો નથી, હવેલી લૂંટાઈ ગઈ છે પણ આ વૃદ્ધા વતનનો મોહ છોડી નથી શકતી. એ સ્પષ્ટ શબ્દોમાં ‘લાહૌર છોડીને ક્યાંય નહીં જઉં’ એવું કહી દે છે. કાયદાકીય રીતે એમને કાઢી પણ ન શકાય અને નિરાશ્રિતોની છાવણીમાં રહીને થાકેલા મિર્ઝા માંડ મળેલી હવેલીને કોઈ રીતે છોડી શકે એમ નથી. મિર્ઝા લાલપીળા થાય છે. વૃદ્ધાને ખતમ કરવાની વાતે પહેલવાન સુધી પણ પહોંચે છે. પણ સમય વીતવા સાથે વૃદ્ધાના માયાળુ સ્વભાવને કારણે આ બધા વચ્ચે એવો તો ગાઢ નાતો બંધાય છે કે વૃદ્ધા સિકંદર મિર્ઝાની મા બની જાય છે અને તન્નોની દાદી. એક પણ હિન્દુ નથી એવા મહોલ્લાની ‘માઈ’ બની જાય છે. જે વૃદ્ધાને કાઢી મૂકવા મિર્ઝાએ પહેલવાનને વાત કરી હતી અને હવે પહેલવાનની સ્વાર્થી રમતથી બચાવવા મિર્ઝા રાતભર જાગે છે. ઘર ન છોડવા માટે મરવા તૈયાર હતી એ વૃદ્ધા પોતાના દીકરા જેવા બની ગયેલા મિર્ઝા અને એના પરિવાર માટે ઘર છોડીને જવા તૈયાર થઈ જાય છે. આ વૃદ્ધાને દિવાળી ઊજવવા દેનાર મિર્ઝા, ચાવાળા, પડોશી હમીદ, શાયર નાસીર વગેરે આમ આદમીની માનસિકતા પ્રગટ કરે છે. આમ આદમીને ક્યાં એકબીજા સાથે વેર હતું? માનવતાથી મોટો કોઈ ધર્મ હોઈ જ ન શકે, એવું માનનારાઓ માટે વૃદ્ધાનું મૃત્યુ પ્રશ્નો ઊભા કરે છે. એમને હિન્દુ વિધિથી જ અવલમંજિલે પહોંચાડવાં જોઈએ એવી માન્યતામાં મૌલવી પર સૂર પુરાવે છે. પણ લાહૌરમાં તો એક પણ હિન્દુ રહ્યો નથી, સ્મશાનોમાં પણ લોકો વસી ગયા છે. બધા ભારતમાં હતા ત્યારે પોતપોતાના પડોશમાં જોયેલી વિધિઓ યાદ કરે છે ને પૂરા આદર સાથે, આવડે એટલાં વિધિવિધાન સાથે રાવી નદીના કાંઠે અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કરે છે. ‘રામ નામ સત હૈ’ તો બોલવું જ પડે..... ને બધા બોલે પણ છે ! પણ કોઈ પણ રીતે હવેલી પર કબજો મેળવવા માગતો પહેલવાન હવે ભુરાયો થાય છે ને એના સાગરીતો મસ્જિદ મધ્યે મૌલવીને ખતમ કરી નાખે છે.

આ નાટકમાં બેઉ સમુદાયના લોકોનાં મનને સમજવાની પ્રામાણિક કોશિશ થઈ છે. સદીઓથી સાથે રહેતા બેઉ સમુદાયના લોકોની ભાષા, સંસ્કૃતિ બધું એક જ છે. રતનની મા હિન્દુ છે પણ એની, પહેલવાનની અને મૌલવીની ભાષા પંજાબી છે. ભારતમાંથી જનારાઓની ભાષા ઉર્દૂ છે! બેઉ સમુદાય એકમેકના તહેવારો ને રીતરિવાજો પ્રત્યે પૂરો આદર ધરાવે છે એ અહીં દિવાળીની ઉજવણી નિમિત્તે તથા માઈના મૃત્યુ નિમિત્તે વ્યક્ત થયું છે. મોટાભાગે પ્રગતિવાદી લેખકો મૌલવીને રૂઢિચુસ્ત વિચારસરણીના પ્રતીક તરીકે જ રજૂ કરતા રહ્યા છે. પણ આ નાટકનો મૌલવી ધર્મના આંતરસત્ત્વને જાણે પણ છે અને બેખોફ બયાન પણ કરે છે. એનો ધર્મ કોઈ જગ્યાએ માનવતાથી મોટો નથી થઈ ગયો. આવા ઉદારમતવાદી, ઇસ્લામના સાચા જાણકાર મૌલવીની મસ્જિદ મધ્યે કરાતી હત્યા પ્રતીકાત્મક મૂલ્ય ધારણ કરે છે. ધર્મની સાચી સમજ ધરાવનારનું ઉદારમતવાદીનું સ્વાર્થી તત્ત્વો કઈ રીતે ગળું ટૂંપી નાંખે છે, ધર્મ તથા મૂલ્યોની આ તત્ત્વો કેવી અવદશા કરે છે તે વ્યક્ત કરવા માટે આ મૃત્યુ પ્રતીક બની જાય છે.

પ્રયોગશીલ બન્યા વગર, પ્રાદેશિકતાની દુહાઈ દીધા વગર આ સીધી ને સરળ વાતને ૧૬ દૃશ્યોમાં આપણી સામે મૂકી આપતા નાટ્યકાર આપણને અંદરથી હચમચાવી મૂકે છે, વિચારવા મજબૂર કરે છે. માનવીય સંબંધની મજબૂત પકડે અહીં બાકીનાં બધાં જ બંધનોને ખંખેરી નાખ્યાં છે. એક બાજુ નાસીર જેવા શાયર, અલીમ ચાવાળો અને હમીદ વગેરેનો ધર્મ તથા જીવનને જોવાનો અભિગમ........ તો બીજી બાજુ આ માનવીય અભિગમવાળાઓને સતત ડરાવતો, ધમકાવતો પહેલવાન જેવાનો સ્વાર્થ માટેનો ધાર્મિક અભિગમ. આ નાટક એકદમ સહજતાથી મૂળ મનુષ્યત્વની સામે ધર્મ-જાતિ-સંપ્રદાયના ભેદ વ્યર્થ છે એવું સ્થાપિત કરી શક્યું છે. સાથે ધર્મની જરાક પણ સમજ નહીં ધરાવનારા કઈ રીતે ધર્મના ઠેકેદાર થઈ બેસે છે એ પણ અહીં બખૂબી દર્શાવાયું છે. કટ્ટરપંથીઓને બર્બરતા સિવાયનો કોઈ ધર્મ નથી હોતો એ પણ નાટકમાંથી ઉત્ક્રાન્ત થાય છે. મૌલવીની સાચી, પારદર્શક વાતોથી એ પણ સૂચવાયું છે કે જો સ્વાર્થી નેતાઓ, ગુંડાઓ ને ધર્મના જાણકારોનો સાથ ન સાંપડે તો આમ પ્રજા ગેરમાર્ગે નથી દોરવાતી........ ને તો કદાચ કદી પણ દંગાફસાદ થાય જ નહીં, ને એટલે જ આજના વિષમય માહોલમાં આવી કૃતિઓની પ્રસ્તુતતા અનેકગણી વધી જાય છે. હવે આ નાટકને જરા નજીકથી જોઈએ. પ્રથમ દૃશ્યમાં પ્રદર્શનકારીના નારાઓ દ્વારા ભારતવિભાજન વખતનું વાતાવરણ ઊભું કરાયું છે. ‘લેકે રહેંગે પાકિસ્તાન’ના નારાઓ સંભળાય છે. પછી તરત જ પ્રકાશ-અંધકારના આયોજનથી મંચ પર શરણાર્થીઓનાં ટોળાં, લૂંટાયેલા કાફલા નજરે પડે છે અને પૃષ્ઠભૂમિમાંથી ગીત સંભળાય છે.

ઔર નતીજે મેં હિન્દોસ્તાં બંટ ગયા
યે ઝમી બંટ ગયી આસમાં બંટ ગયા

સમગ્ર નાટકમાં બધાં જ દૃશ્યોને અંતે શાયર નાસીર કાઝમી (જેમને અહીં એક પાત્ર તરીકે રજૂ કરવામાં આવ્યા છે)ની નઝમ મૂકવામાં આવી છે. લેખકે પોતે કબૂલ્યું છે કે આ નાટકની સફળતામાં નાસીર સાહેબની ગઝલોનો ફાળો બહુ મોટો છે.

બીજા દૃશ્યમાં લખનૌ છોડી લાહૌર પહોંચેલા, બે મહિના શરણાર્થી કેમ્પમાં રહેલા સિકંદર મિર્ઝા, એમની બેગમ હમીદા, દીકરી તન્નો અને એનાથી મોટો દીકરો જાવેદ મંચ પર આવે છે. ૨૨ ઓરડાવાળી વિશાળ હવેલી જોઈને દીકરો બાપને કહે છે : ‘આપણા ઘરથી આ હવેલી બહુ મોટી છે,’ ને બાપ તરત જ જવાબ આપે છે, ‘નહીં બેટે........ હમારે ઘર કી તો બાત હી કુછ ઔર થી........ આપણા ફળિયામાં મધુમાલતી હતી એ અહીં ક્યાં?’ (૧૩) લખનૌના છૂટવાની ને લાહૌરમાં વસવાની વાતો ચાલે છે ત્યાં દીકરી દોડતી આવે છે. ‘ઉપર કોઈ છે’ એ ગભરાઈને કહે છે. શુદ્ધ પંજાબીમાં બોલતી વૃદ્ધા ‘કોણ છો?’ ના જવાબમાં ખિજવાઈને કહે છે, ‘મારા જ ઘરમાં ઘૂસીને મને પૂછો છો કે હું કોણ છું. આ રતનલાલ ઝવેરીની હવેલી છે અને હું એની મા છું.’ દીકરાની વાત કરતી વૃદ્ધા રડી પડે છે. અફસોસ વ્યક્ત કરતા સિકંદર મિર્ઝા કહે છે, ‘હવે પાકિસ્તાન બની ગયું છે અને લાહૌર હવે પાકિસ્તાનમાં છે. તમારા માટે હવે આ દેશમાં કોઈ જગ્યા નથી, હું તમને શરણાર્થી કેમ્પમાં પહોંચાડી દઉં ત્યાંથી તમને હિન્દુસ્તાન લઈ જશે.....’ પણ વૃદ્ધા સ્પષ્ટ નન્નો ભણે છે, ‘હું અહીંથી કશે જવાની નથી.’ આ બધી ટપાટપી લખનવી ઉર્દૂ અને લાહૌરી પંજાબીમાં ચાલે છે. કોલસા શોધતી તન્નો એને ‘દાદી’ કહે છે. દિવસોના સન્નાટા પછી કોઈએ એને ‘દાદી’ કહી છે અને વૃદ્ધા ખુશીથી પાગલ થઈ જાય છે. આંખમાં આંસુ લૂછતી એ બધાને ખરા દિલથી આશિષ આપે છે. અકળાયેલા મિર્ઝા અને બેગમ પેંતરો બદલે છે, એ કહે છે, ‘અહીં હવે એકેય હિન્દુ બચ્યો નથી, તમે અહીં કઈ રીતે રહેશો? તમારો દેશ હવે હિન્દુસ્તાન છે. અહીં રહેનારાને જબરદસ્તી મુસલમાન બનાવશે.....’ પણ વૃદ્ધાનો જવાબ સ્પષ્ટ છે, ‘કોઈ વારંવાર નથી મરતું, હું તો મરી ચૂકી છું. દીકરો-વહુ, એનાં સંતાનો........ કોઈ બચ્યું નથી. જિંદગી અને મોત વચ્ચે મારી દૃષ્ટિએ કોઈ ભેદ નથી.’ (૨૫) ‘તું સુખેથી રહે પણ હું ક્યાંય જવાની નથી’ એવું કહી વૃદ્ધા ઉપર જતી રહે છે : ચોથા દૃશ્યને અંતે અભિનેતાઓ મંચ પર આવીને ગાય છે.

ફૂલ ખુશ્બૂ સે જુદા હૈ અબ કે,
યારોં યે કૈસી હવા હૈ અબ કે,

પાંચમા દૃશ્યમાં અલીમ ચાવાળાને ત્યાં ભેળી થતી ટોળીના સંવાદો દ્વારા સ્વાર્થી નેતાઓ અને ધર્મના થઈ બેઠેલા રખેવાળો કઈ રીતે પોતીકા સ્વાર્થ માટે તોફાનો કરે છે/કરાવે છે એ વ્યક્ત થયું છે. પહેલવાન અને એના સાગરીતોની નજર રતન ઝવેરીની હવેલી પર હતી એટલે જ એ બધાંની હત્યા થઈ, હવેલી લૂંટાઈ........ પણ હવેલી હાથ ન આવી એનો પહેલવાનને ગુસ્સો છે. બીજી બાજુ અલીમ, નાસીર, હમીદ વગેરે માનવતાની જીવતી જ્યોત જેવા છે. ઘરમાં રહેતી, દવાદારૂ ઉપરાંત કેટલાક હુન્નરની જાણકાર વૃદ્ધા એના પ્રેમાળ સ્વભાવથી ઘરના અને મહોલ્લાના લોકો સાથે હળીમળી જાય છે. તન્નોની ‘દાદી’ને મહોલ્લાવાળા ‘માઈ’ કહેતા થઈ જાય છે. લખનૌ છોડનારાઓને લાહૌર ગમતું નથી. વૃદ્ધા કહી ઊઠે છે, ‘આખા હિન્દુસ્તાનમાં લાહૌર જેવું બીજું કોઈ શહેર નથી. જેણે લાહૌર નથી જોયું એનો જન્મારો એળે ગયો એ તેં નથી સાંભળ્યું?’ (33) પણ લખનૌવાળાને ગળે આ વાત કઈ રીતે ઊતરે? એમના માટે તો લખનૌથી ચડિયાતું બીજું કોઈ શહેર હોઈ જ ના શકે. નાસીર અહીં આવીને મોરનો ટહુકાર, સરસવનાં ખેતર શોધે છે, હમીદ દેવચકલી શોધે છે, હમીદાબેગમ ભારતમાં મળતાં તે શાકભાજી અને પાન શોધે છે. મૂળ વાત આ જ હતી. જમીન, ગામ, શહેર, વતન મહત્ત્વનાં હતાં, હિન્દુ કે મુસ્લિમ ધર્મ મહત્ત્વનાં નો’તાં. માણસને જેટલી હદે જમીન, પરિવેશ બાંધે છે એટલી હદે ધર્મ નથી બાંધતો. દેશના ભાગલા પાડનારા આમ પ્રજાની આ લાગણી સમજ્યા જ નહીં. જો સમજ્યા હોત તો કદાચ આટલી મોટી ટ્રેજેડી સર્જાઈ ન હોત. આઠમા દૃશ્યમાં બધી બાજુથી નાસીપાસ થયેલ પહેલવાન મસ્જિદના મૌલવીને ભડાકવવા જાય છે. પાકિસ્તાનમાં એક હિંદુ સ્ત્રી રહી જ કેવી રીતે શકે? મુસલમાનો પર થયેલા જુલમોને શું ભૂલી જવા? બદલો ના લેવો? ધર્મના ઠેકેદારોની એ જ જૂનીપુરાણી કેસેટ પહેલવાન પણ વગાડી જુવે છે. મૌલવી પહેલવાનનાં કરતૂતોથી પરિચિત છે. ધર્મને સાચા અર્થમાં સમજતા મૌલવી પહેલવાનને સ્પષ્ટ શબ્દોમાં કહે છે, ‘પુત્તર ઝુલ્મ કો ઝુલ્મ સે ખત્મ નહીં કર સકદે.... નેકી, શરાફત, ઈમાનદારી સે જુલ્મ ખત્મ હોંદા હૈ........ ઇસ્લામ ઝુલ્મ દે ખિલાફ હૈ ..... જો ઝુલ્મ કરદે ને ઓ મુસલામન નહીં હૈ .... ઇરશાદ હૈ કિ તુમ ઝમીન વાલોં પર રહમ કરો, આસમાન વાલા તુમ પર રહમ કરેગા’. (૪૩) બદલો, કાફર, જેહાદ જેવા શબ્દોના ઓઠા તળે ઇસ્લામના નામે પાયા વગરની ઝનૂની વાતો ફેલાવનારા માટે આ નાટક સબકરૂપ છે. ધર્મની સાચી સમજ લોકો સુધી પહોંચાડનારા જો ખોટા લોકોનો હાથો બની ન જાય તો પ્રજાને ગુમરાહ નથી કરી શકાતી. નવમા દૃશ્યમાં બધેથી પાછો પડેલો પહેલવાન નાસીર કાઝમી સાથે ટપાટપ કરી બેસે છે. આ દૃશ્યમાં શાયર નસીમની ભાષાની રવાની માણવા જેવી છે. પહેલવાનની ફરિયાદ છે કે પેલી બુઢ્ઢી રાવીમાં નહાવા જાય છે, પૂજા પાઠ કરે છે. બધી સ્ત્રીઓ એની વાતો સાંભળે છે..... નાસીર ફેરવીફેરવીને પહેલવાનને પૂછે છે ‘બીજા ધર્મની વાતો સાંભળવી એ ખોટું છે?’ પહેલવાન પાસે નાસીરના કોઈ પ્રશ્નોના જવાબ નથી. કોઈ પણ ધર્મ વિશે કશું જ ન જાણનારા પહેલવાન જેવા લોકો જ ધર્મની સૌથી વધુ વાતો કરે છે, ધર્મના રખેવાળ થઈ બેસે છે. નાસીરના પ્રશ્નો સામે ગલવાઈ જતો પહેલવાન રાતોપીળો થતો એના ચમચાઓને લઈને જતો રહે છે પછી નાસીર અલીમને પૂછે છે, ‘તને ખબર છે તું કેમ મુસલમાન છે?’ અલીમ ના પાડે છે. નાસીર કહે છે, ‘સીધોસાદો અર્થ એટલો જ છે કે ન તો આપણે ધર્મની પસંદગી કરી શકીએ છીએ, ન આપણને ધર્મ પસંદ કરવા માટેની એવી કોઈ તક આપવામાં આવે છે. આપણે તો મા-બાપનો જે ધર્મ હોય તે પાળવા બંધાયેલા છીએ.’ આ વાત કરતાં કરતાં નાસીર પાયાનો સવાલ પૂછી બેસે છે, ‘યાર, જિસ બાત મેં તુમ્હારા કોઈ દખલ નહીં હૈ........ ઉસકે લિએ ખૂન બહાના કહાં તક જાયઝ હૈ?’ (૪૮) દસમા દૃશ્યમાં લાહૌરમાં પાન નથી મળતાં એ નિમિત્તે વળી લખનૌનાં વખાણ થાય છે. લાહૌર જેવું બીજું કોઈ શહેર દુનિયામાં નથી એવું માનતાં માઈ સો ટચના સોના જેવું સત્ય કહી દે છે, ‘દીકરી, પોતાનું વતન તો પોતાનું વતન છે. એની તોલે બીજું કોઈ સ્થાન આવી જ ના શકે.’ (૫૦) અહીં વાતો કરનારા મોટાભાગના ભારતથી આવ્યા છે. પણ એમને અમ્માની પંજાબી નથી સમજાતી. અમ્મા, પહેલવાન અને મૌલવી ત્રણેય પંજાબી બોલે છે. એમને ઉર્દૂ નથી આવડતી. ને આ જ વાત હિન્દુસ્તાનને બે ટુકડામાં વહેંચી દેનારાઓને નો’તી સમજાઈ. આ પ્રજા હિન્દુ કે મુસલામન ક્યાં હતી? એ તો પંજાબી, મરાઠી, બંગાળી કે સિંધી હતી. એને ધર્મના આધારે વહેંચવી એ જ સૌથી મોટી વિડંબના હતી, મશ્કરી હતી..... દિવાળી નજીક આવતાં માઈ અચકાતાં અચકાતાં મિર્ઝાને દીવા કરવા વિશે પૂછે છે અને મિર્ઝા રાજી થઈને કહે છે, ‘મને શો વાંધો હોય? તમે ખુશીથી ઊજવો દિવાળી.....’ દિવાળીના દીવા કરતાં કરતાં તન્નો માઈને પૂછે છે ‘અમ્મા આ ભારત-પાકિસ્તાન કેમ થયાં?’ માજી જવાબમાં કહે છે ‘મને શી ખબર બેટા?’ તન્નોને જંપ નથી. એ વળી પોતાની માને પૂછે છે, ‘અમ્મા અગર હમ લોગ ઔર માઈ એક હી ઘરમેં રહ સકતે હૈં તો હિન્દુસ્તાન મેં હિન્દુ ઔર મુસલમાન ક્યોં નહીં રહ સકતે થે?’ (૫૪) માનો જવાબ સ્પષ્ટ છે ‘સદીઓથી સાથે રહેતા જ હતા ને? તો પછી પાકિસ્તાન કેમ બન્યું?’ તન્નોના આ પ્રશ્નનો જવાબ ન મા પાસે છે, ન માઈ પાસે. ને એમ જુવો તો આ પ્રશ્નનો જવાબ કોની પાસે છે? ઈંતિઝાર હુસૈન સાચું જ કહે છે કે કોઈ કોઈ પ્રશ્નોના જવાબ ન તો સમય પાસે હોય છે ન જમાના પાસે. પહેલવાન લાલપીળો થઈ ગયો છે માઈના દિવાળી ઉજવવા બાબતે. નાસીર કાઝમી એની દલીલો વડે ઠંડું પાણી રેડ્યે જાય છે. પહેલવાન તાડૂકીને કહે છે ‘આજે એણે પૂજા કરી છે, કાલે મંદિર બનાવશે.... પછીના દિવસે હિન્દુ ધર્મની તાલીમ દેશે.....’ નાસીર કાઝમીનો જવાબ સ્પષ્ટ છે ‘તમારું માનવું છે કે એ હિન્દુ ધર્મની તાલીમ દેશે એ સાથે લોકો ફટાફટ હિન્દુ થઈ જશે? માફ કરજો. પણ જો એવું થઈ શકતું હોય તો પછી થઈ જ જવા દો,........’ (૫૭) ધર્માન્તરણના મુદ્દે વારંવાર કાગારોળ મચાવનારા, આ મુદ્દાને હથિયાર બનાવનારા બધા માટે આ તમાચા જેવો જવાબ છે. જો ધર્મ ખરેખર આટલી સપાટી પરની વસ્તુ હોય, ચપટી વગાડતાં જો એને બદલી શકાતો હોય, માણસના આંતરસત્ત્વ સાથે એને કોઈ લેવા દેવા જ ન હોય તો એવો ધર્મ ટકે કે ના ટકે બધું સરખું જ છે. નાસીર કાઝમીના કારણે પોતાની દાળ નહીં ગળે એવું લાગતાં અકળાયેલો પહેલવાન એના ચમચાઓ સમેત સીધો મસ્જિદમાં મૌલવી પાસે જાય છે. એની પાછળ પાછળ સિકંદર મિર્ઝા, નાસીર કાઝમી વગેરે પણ આવી ચડે છે. મૌલવી પહેલવાનની ફરિયાદના જવાબમાં કહે છે ‘બધાને ઈબાદત (પ્રાર્થના) કરવાનો અને પોતપોતાના ખુદાને યાદ કરવાનો પૂરો અધિકાર છે.’ ‘હદીસ’માં સ્પષ્ટ લખ્યું છે કે ‘તુમ દૂસરોં કે ખુદાઓં કો બૂરા ન કહો, તાકિ વહ તુમ્હારે ખુદા કો બૂરા ન કહેં, તુમ દૂસરોં કે મજબહ કો બૂરા ન કહો, તાકિ વહ તુમ્હારે મજહબ કો બૂરા ન કહેં.’ (૬૦). આ જવાબથી ટાઢોબોળ થઈ ગયેલ પહેલવાન કંઈક યાદ આવવાથી વળી દલીલ કરે છે, ‘ધારો કે કાલે ઊઠીને એ બુઢ્ઢી અહીં મંદિર બાંધશે તો?’ મૌલવીનો જવાબ સ્પષ્ટ છે, ‘મંદિરોં કો બનને ન દેના યા મંદિરોં કો તોડના ઇસ્લામ નહીં હૈ.....’ (૬૦) હવે મગજ પરથી કાબૂ ગુમાવતો પહેલવાન મૌલવીને ભાંડવા બેસી જાય છે. પોતાનાં સંતાનો ગયાં ત્યારે જેણે લાહૌર નો’તું છોડ્યું એ માઈ હવે આ પારકા છોકરાવને પહેલવાન હેરાન ન કરે એટલા માટે રાતના અંધારામાં લાહૌર છોડવા તૈયાર થઈ જાય છે. ઘણી સમજાવટ પછી નાસીર કાઝમી દર્દભર્યા અવાજે કહી ઊઠે છે : ‘માઈ, લાહૌર છોડકર મત જાઓ..... તુમ્હેં લાહૌર કહીં ઔર નહીં મિલેગા, ઉસી તરાહ જૈસે મુઝે અમ્બાલા કહીં ઔર નહીં મિલા..... હિદાયત કો લખનૌ કહીં નહીં મિલા.’ (૬૬) માઈ કહે છે : ‘એમના કહેવા પ્રમાણે મારા જવાથી લાહૌર પાક (પવિત્ર) થઈ જશે !’ નાસીર કહી ઊઠે છે : ‘તુમ અગર યહાં ન રહીં તો હમ સબ નંગે હો જાયેંગે, માઈ, નંગા આદમી નંગા હોતા હૈ, ન હિન્દુ હોતા હૈ ઔર ન મુસલમાન.’ (૬૬) ને વૃંદનું ગાયન સંભળાય છે :

ફૂલ ખુશ્બૂ સે જુદા હૈ અબ કે
યારોં યે કૈસી હવા હૈ અબ કે

માઈનું મૃત્યુ આ બધા માટે એક નવી સમસ્યા પેદા કરે છે. લાહૌરના સ્મશાનઘાટમાં મકાનો બની ગયાં છે. આખા શહેરમાં કોઈ હિન્દુ છે નહીં. કોઈને હિન્દુ રીતરિવાજ ખબર નથી. મૌલવી કહે છે કે મરેલ વ્યક્તિના અંતિમસંસ્કાર એના ધર્માનુસાર જ કરવા જોઈએ. તરત જ પહેલવાન બરાડે છે, ‘એટલે હિન્દુ બુઢિયા પાછળ શું રામ નામ સત કરીએ?’ મૌલવીનો જવાબ દરેક અંતિમવાદી વિચારસરણીવાળાએ ગાંઠે બાંધી લેવા જેવો છે : ‘પુત્તર ઇસ્લામ ખુદગર્જી નહીં સિખાતા. ઇસ્લામ દૂસરે કે મઝહબ ઔર જઝબાત કા એહતેરામ (આદર) કરના સિખાતા હૈ.....’ (૭૫) બધા પોતે ભારતમાં હતા ત્યારે જોયેલી વિધિઓ યાદ કરે છે, રામ નામ સત હૈ, યહી તુમ્હારી ગત હૈ કહેવું પડશે, ઘી, હવનની સામગ્રી..... ને મિર્ઝા દીકરા તરીકેની જવાબદારી અદા કરશે. આટલું નક્કી થતામાં પહેલવાન રાડારાડી ને ગાળાગાળી કરી ઊઠે છે. એને બે વાતે ગુસ્સો આવે છે. (૧) પાકિસ્તાનની પાક ધરતી પર એક કાફરને અપાતું માન (૨) સિકંદર મિર્ઝા એકલો બધો માલ હડપ કરી ગયો. આમાં બીજું કારણ વધુ મહત્ત્વનું છે. હવેલી પર નજર હતી એટલે તો બધું કર્યું હતું પણ થયું શું? હવેલી તો મિર્ઝાના ભાગે ગઈ. અંતિમ દૃશ્યમાં પહેલવાન અને એના સાગરીતો બુકાની બાંધીને મસ્જિદ મધ્યે મૌલવીની હત્યા કરે છે. ઇસ્લામની સાચી સમજ ધરાવનારની અંતિમવાદી, સ્વાર્થી લોકોના હાથે હત્યા થાય છે. નાટકનાં બાકીનાં પાત્રો મંચ પર આવે છે અને ઘેરા, પ્રભાવશાળી અવાજે ગાય છે :

ખાક ઉડાતે હૈં દિન રાત/મીલોં ફૈલ ગયે સહરા1[1]
પ્યાસી ધરતી જલતી હૈ/ સુખ ગયે બહતે દરિયા2[2]

શરીફા વીજળીવાળા


દૃશ્ય : અગિયાર

(રતનની મા હવેલીમાં દીવા સળગાવી રહી છે. તન્તો અને જાવેદ એને મદદ કરી રહ્યાં છે. હમીદા બેગમ એક ખૂણામાં બેઠાં બેઠાં દીવા જોઈ રહ્યાં છે. જ્યારે બધી બાજુ દીવા સળગી રહે છે ત્યારે માઈ ડાબી બાજુએ પૂજા કરવાની જગ્યા પર બેસી જાય છે. તન્નો અને જાવેદ એમની મા પાસે બેસી જાય છે. રતનની મા પૂજા શરૂ કરે છે.)

તન્નો : અમ્મા, આ બધું કેમ થયું?
હમીદા બેગમ : શું બેટા?
તન્નો : આ હિંદુસ્તાન-પાકિસ્તાન.....
હમીદા બેગમ : બેટા, મને શું ખબર કેમ થયું તે........
તન્નો : આપણે લોકો પાકિસ્તાન કેમ આવી ગયા?
હમીદા બેગમ : બેટા મને શી ખબર કેમ આવ્યા તે.....
તન્નો : અમ્મા, જો આપણે લોકો અને માઈ એક જ ઘરમાં રહી શકીએ છીએ તો હિંદુસ્તાનમાં હિંદુ અને મુસલમાન સાથે કેમ નથી રહી શકતા?
હમીદા બેગમ : નથી શું રહી શકતા?..... સદીઓથી સાથે જ રહેતા હતા ને !
તન્નો : તો પછી પાકિસ્તાન કેમ બન્યું?
હમીદા બેગમ : એ તું તારા અબ્બાને પૂછજે.....
(પૂજા પૂરી કરીને માઈ ઊભાં થાય છે અને થાળીમાં રાખેલી મીઠાઈ બધાની સામે ધરે છે)
હમીદા બેગમ : દિવાળી મુબારક માઈ.....
રતનની મા : તમને બધાને પણ દિવાળી મુબારક..... (બોલતાં અટકી જાય છે, પછી કાંપતા અવાજે) ખબર નહીં મારો રતન ક્યાં દિવાળી મનાવતો હશે?
હમીદા બેગમ : માઈ, આજે તહેવારના દિવસે ના રડો. અલ્લાહની મરજી હશે તો રતન જરૂર દિલ્હીમાં હશે અને તમને જલ્દી જ મળશે.
(રતનની મા આંસુ લૂછી નાખે છે.)
(દરવાજો ખખડાવવાનો અવાજ આવે છે)
તન્નો : કોણ છે?
નાસિર : હું છું નાસિર કાઝમી. હું અને હમીદ સાહેબ માઈને દિવાળીની મુબારકબાદ આપવા આવ્યા છીએ.
(તન્નો અને હમીદા બેગમ અંદર ચાલ્યાં જાય છે. મંચ પર એકલાં માઈ રહી જાય છે)
રતનની મા : આવો..... આવો..... અંદર આવો.....
નાસિર : માઈ, આદાબ.
હમીદ : માઈ, આદાબ અર્જ.
રતનની મા : જીવતા રહો..... સો વરસના થાઓ..... બેસો.....
નાસિર : માઈ લાંબી ઉંમરની દુવાની સાથે એક બીજી દુવા પણ આપો.
રતનની મા : કઈ દુવા પુત્તર?
નાસિર : અમે પણ તમારા જેવા થઈએ એવી દુવા.....
રતનની મા : અરે હટ..... મજાક કરે છે મારી? લે મીઠાઈ ખા.....
(બેઉ મીઠાઈ ખાય છે)
રતનની મા : મેં બહુ ધૂમધામથી દિવાળી ના મનાવી... બસ એમ જ જરાક...
હમીદ : કેમ માઈ? ધૂમધામથી દિવાળી કેમ ના મનાવી?
રતનની મા : વિચાર્યું કે હવે પાકિસ્તાન બની ગયું છે..... ખબર નહીં..... કોઈને.....
નાસિર : માઈ ભલેને ગમે તેટલાં પાકિસ્તાન-બાકિસ્તાન બની જાય..... એમાં રહેવાના તો મારા તમારા જેવા ઇન્સાન જ ને? અને માઈ જ્યાં ઇન્સાન હશે ત્યાં સંબંધો હોવાના, લાગણીઓ હોવાની..... સરસવનાં ખેતરોની શોધમાં અહીં તહીં રખડતા પાગલ હોવાના..... શું કહો છો હમીદભાઈ?
હમીદ : હવે ભાઈ, હું તમારી જેમ શાયર તો છું નહીં પણ હા, આજે જો માઇએ દિવાળી ના ઊજવી હોત તો એવું લાગત કે આપણા વજૂદનો (અસ્તિત્વનો) એક હિસ્સો ગયો છે.
રતનની મા : તમારા લોકોના સહારે જ તો હું અહીં ટકી છું પુત્તર હમીદ.
હમીદ : માઈ, અમે બધા તમારા સહારે અહીં છીએ. વીતેલા વખતનો જે તાંતણો અમારા હાથમાંથી છૂટી રહ્યો છે એને તમારા વડે જ તો અમે ઝાલીને બેઠા છીએ.
(સિકંદર મિર્ઝા અંદર આવે છે.)
સિકંદર મિર્ઝા : સલામ અલૈકુમ..... માઈ આદાબ.
રતનની મા : જીવતો રહે પુત્તર.
હમીદ અને નાસીર: વાલેકુમ સલામ
સિકંદર મિર્ઝા : વાહ ભાઈ તમારા દીદાર થયા ને કંઈ !!
નાસિર : બિછડ ગએ થે જો તુફાં કી રાત મેં ‘નાસિર’
સુના હૈ ઉનમેં સે કુછ આ મિલે કિનારે પર.
સિકંદર મિર્ઝા : કાશ, હું પણ શાયર હોત !
નાસિર : તમે શાયર છો, માઈ શાયર છે અને.....
રતનની મા : (વાત કાપીને) લે પુત્તર મીઠાઈ ખા.
(સિકંદર મિર્ઝા મીઠાઈ ખાય છે)
(કોઈ જોર જોરથી દરવાજાની સાંકળ ખખડાવતું ને સાથે ગુસ્સામાં બરાડતું હોય એવો અવાજ આવે છે)
અવાજ : સિકંદર મિર્ઝા સાહેબ........................ સિકંદર મિર્ઝા.....
સિકંદર મિર્ઝા : ભાઈ કોણ છે? અંદર આવો ને.....
(પહેલવાન અને એના ચમચા ધડધડ કરતા અંદર ઘૂસી જાય છે. એ બધાને જોઈને માઈ અંદર ચાલ્યાં જાય છે)
(પહેલવાન દીવા અને પૂજાની થાળી જુવે છે.)
પહેલવાન : (અનવારને) અહીં શું થઈ રહ્યું છે એ તેં જોયું ને? ખુદાની કસમ..... મારું તો લોહી ઊકળી રહ્યું છે.
નાસિર : શું વાત છે પહેલવાન સાહેબ ! બહુ ગુસ્સામાં લાગો છો
પહેલવાન : ગુસ્સે દેખાઉં છું એવું નથી..... હું છું જ ગુસ્સામાં.
નાસિર : અરે તો પાકિસ્તાનના વઝીરેઆઝમ[3] ને એક કાગળ લખી નાખો ને?
પહેલવાન : મજાક કેમ કરો છો નાસિર સાહેબ?
નાસિર : અરે ભાઈ, હું મજાક ક્યાં કરું છું? અમે શાયર લોકો તો જ્યારે બહુ ગુસ્સે થઈએ ત્યારે એવું જ કરીએ છીએ.
પહેલવાન : ખુદાની કસમ..... પણ અહીં તો નર્યું અંધેર જ છે.
નાસિર : પણ ભાઈ, થયું શું એ કહેશો જરા?
પહેલવાન : અરે જનાબ પેલી કમબખતે હવેલીમાં દીવા સળગાવ્યા, પૂજા કરી, દિવાળી ઊજવી.....
નાસિર : અચ્છા અચ્છા.... તમે માઈની વાત કરો છો?
પહેલવાન : તમે એ હિંદુ કાફરને માઈ કહો છો?
નાસિર : જનાબ હું તો દિવસને દિવસ અને રાતને રાત જ કહેવાનો. તમે જેને જે મન થાય તે કહો.....
(પહેલવાન ખૂંખાર નજરે ઘૂરકે છે)
પહેલવાન : (ચમચાઓને) હવે તો ચૂપ નથી બેસી શકાતું. મને એ નથી સમજાતું કે મિર્ઝા સાહેબે એ ડોકરીને દીવા સળગાવવાની રજા કેમની આપી?
સિકંદર મિર્ઝા : રજા? તમે કેવી વાત કરો છો પહેલવાન? માઈ..... હવેલી માઈની છે..... એમણે મને હવેલીમાં રહેવાની રજા આપેલી છે અને.....
પહેલવાન : પાકિસ્તાનમાં હવે એનું કશું જ નથી. મને નવાઈ તો એ લાગે છે કે આટલું ગેરઇસ્લામી કામ થયું તોય લોકોનું એક રૂવાંડુંયે ના ફરક્યું?
નાસિર : ભાઈ તમે માઈના દિવાળી મનાવવાને ગેરઇસ્લામી કહી રહ્યા છો તે તમારા હિસાબે કહી રહ્યા છો. માઈ હિંદુ છે અને એમને પૂરો હક્ક છે પોતાના મઝહબ પ્રમાણે પૂજા પાઠ કરવાનો.
પહેલવાન  : બધા તારા જેવા થઈ જાય ને તો ઇસ્લામી શાસનની તો મા જ અણાઈ જાય.... જનાબ આજે એ પૂજા કરે છે. કાલે મંદિર બંધાવશે.... પરમ દિવસે લોકોને હિંદુ મઝહબની વાતો શીખવાડશે.
નાસિર : તો એથી શું?
પહેલવાન : આટલું બધું થઈ જાય તો ય તમારી નજરે તો જાણે કંઈ થયું જ નથી.
નાસિર : તમારા કહેવાનો મતલબ છે કે જેવી એણે હિંદુ ધર્મની વાતો શરૂ કરી કે તરત જ લોકો ફટાફટ હિંદુ થવા માંડશે નહીં? માફ કરજો.... પણ જો એવું થઈ શકતું હોય તો પછી એવું થઈ જ જવા દો....
પહેલવાન : આ હવેલીમાં દિવાળી મનાવાઈ છે કે નહીં?
સિકંદર મિર્ઝા : જી હા, મનાવાઈ છે.
પહેલવાન : પૂજા પણ થઈ?
સિકંદર મિર્ઝા : જી હા થઈ, પણ વાત શું છે....
પહેલવાન : આ બધું એટલા માટે થયું કે તેં એક કાફર ઓરતને આશરો આપી રાખ્યો છે.
સિકંદર મિર્ઝા : જનાબ, જરા જીભ સંભાળીને વાત કરજો.... એક તો હું તમારા કોઈપણ સવાલના જવાબ આપવા બંધાયેલો નથી. અને બીજી વાત એ કે મને સવાલ કરવાનો હક્ક તમને કોણે આપ્યો?
પહેલવાન : તું ગૈરઇસ્લામી કામો કરતો રહે અને અમે બેઠા બેઠા જોતા રહીએ? એવું બની જ ના શકે.
અનવાર : બિલકુલ જ ના બની શકે.
પહેલવાન : અને હવે અમે ચૂપ રહી શકીએ એમ નથી.
નાસિર : ખેર.... ચૂપ તો તમે આમ પણ કદી ક્યાં રહ્યા છો?

અંતરાલ ગીત

સાઝે હસ્તી કી સદા ગૌર સે સુન
ક્યોં હૈ યે શોર બરપા ગૌર સે સુન

ચઢતે સૂરજ કી અદા કો પહચાન
ડૂબતે દિન કી નિદા[4] ગૌર સે સુન

ઈસી મંઝિલ મેં હૈ સબ હિજ્રો-વિસાલ
રહવરે આબ્લા પા ગૌર સે સુન

ઈસી ગોશે મેં હૈ સબ દૈરો હરમ
દિલ સનમ હૈ કે ખુદા ગૌર સે સુન

કાબા સુનસાન હૈ ક્યોં યે વાયઝ
હાથ કાનોં સે ઉઠા ગૌર સે સુન.

● ● ●


  1. સહરા : રણ
  2. દરિયા : નદી
  3. વઝીરેઆઝમ : વડાપ્રધાન
  4. નિદા : પોકાર, બોલાવવું,

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.