નારીસંપદાઃ વિવેચન/સ્ત્રીજાતીયતાના સંદર્ભમાં કેટલીક ગુજરાતી ટૂંકી વાર્તાઓની વાચના

૫૧. સ્ત્રીજાતીયતાના સંદર્ભમાં કેટલીક ગુજરાતી ટૂંકી વાર્તાઓની વાચના

જિજ્ઞા વ્યાસ

Sexuality, then, is a form of power. Gender, as socially constructed embodies it, not the reverse. Women and Men are divided by gender, made into the sexes as we know them, by the social requirements of heterosexuality, which institutionalize male sexual dominance and female sexual submission. If this is true, sexuality is the linchpin of gender inequality. (Mackinnon,c. "Feminism, Marxism, method and the state: an agenda for theory", ‘Signs,’ ૭ (૩): ૫૩૩) (જાતીયતા સત્તાનું જ એક સ્વરૂપ છે. સામાજિક-સાંસ્કૃતિક રીતે પેદા થતો જાતિભેદ (gender) જાતીયતાને મૂર્ત સ્વરૂપ આપે છે, નહીં કે તેનાથી વિપરીત. સ્ત્રી અને પુરુષ જાતિભેદ દ્વારા વિભાજિત થાય છે અને આપણે જાણીએ છીએ તે મુજબ વિસમલૈંગિકતા (heterosexuality)ની સામાજિક જરૂરિયાતો મુજબ લૈંગિકતા આકાર ધારણ કરે છે, જેના થકી પુરુષજાતિનું વર્ચસ્ અને સ્ત્રીજાતિનું સમર્પણ સંસ્થાગત સ્વરૂપ ધારણ કરે છે. જો આ સાચું હોય તો જાતીયતા એ જાતિગત અસમાનતા માટે પાયાની બાબત છે.) છેલ્લા કેટલાક સમયથી ભારતની લગભગ બધી જ ભાષાઓમાં સ્ત્રી અંગેના લેખન (narrative)માં આમૂલ પરિવર્તન જોવા મળે છે. અનુઆધુનિકયુગમાં વિવિધ નારીવાદી સિદ્ધાંતો (theory)ના ઉદ્ભવને કારણે વિકસેલી નવી સમજ હેઠળ સમાજ-સંસ્કૃતિ-સાહિત્યમાં ‘સ્ત્રીનિરૂપણ’ની પુનઃ વાચના અસ્તિત્વમાં આવે છે. આ સાથે ‘સ્ત્રીજીવન’ના અનુભવોના પુનઃલેખનની પણ નવી ક્ષિતિજો કંડારાતી જોઈ શકાય છે. ખાસ કરીને અનુઆધુનિકયુગમાં માત્ર સ્ત્રીઓ દ્વારા જ નહીં, પરંતુ પુરુષો દ્વારા પ્રાપ્ત થતા સ્ત્રી અંગેના લેખન (narrative) પણ ભારતીય સમાજમાં પ્રચલિત ‘ભારતીય સ્ત્રી’ની છબીને પડકારે છે, વિઘટન (deconstruction) કરે છે. આ લેખનો પિતૃસત્તાક સમાજરચનામાં સ્ત્રી પાસે અપેક્ષિત પરંપરાગત માગણીઓના પરિઘની બહાર સ્ત્રીના ‘સ્વ’ની, નારીત્વની શોધ આદરે છે. પિતૃસત્તાક મહાવૃત્તાંત (metanarrative)માં જાતીય વસ્તુ (sexual object) તરીકે સ્વીકારાયેલી સ્ત્રી લઘુવૃત્તાંત (mininarrative) દ્વારા એક વ્યક્તિ (subject) બની ‘સ્વ’ની શોધ આદરે છે. આ ‘સ્વ’ની શોધ પિતૃસત્તાક પ્રણાલીઓ અંતર્ગત નિર્મિત સ્ત્રીના ‘સ્વ’ની શોધ ન બની રહેતાં એક ‘ભિન્ન સ્વ’ની શોધ બની રહે છે. નારીવાદે તેના પ્રારંભિક તબક્કામાં રાજકીય તથા આર્થિક ક્ષેત્રે સ્ત્રી-પુરુષ સમાનતાની વાતો કરી. જ્યારે અનુનારીવાદ ‘સ્ત્રી-પુરુષ સમાનતા’ને બદલે ‘સ્ત્રી-પુરુષ ભિન્નતા’નો સ્વીકાર કરે છે. ફ્રેન્ચ નારીવાદી વિવેચકો લુઇસ ઇરિગરે (Louis Irigary) તથા હેલન સિઉ (Helen Cixous) પિતૃસત્તાક ભાષાની વિવેચના રજૂ કરી પિતૃસત્તાક ભાષાની સ્થાપિત પ્રતીક વ્યવસ્થામાં થતા સ્ત્રીજાતીયતાના દમનને ઉજાગર કરે છે અને ભાષામાં સમાવિષ્ટ ભાષા દ્વારા કાર્યશીલ આ પ્રતીક વ્યવસ્થાની પુનઃ રચના કરવા પર ભાર મૂકે છે. અનુનારીવાદ પ્રોક્તિ/પ્રબન્ધ (discourse) અંતર્ગત ‘સ્ત્રીશરીર’ તથા ‘સ્ત્રીજાતીયતા’ વિષયક કેટલાક મહત્ત્વના પ્રશ્નોને આવરી લઈ તેને પુનઃ વ્યાખ્યાયિત કરવામાં આવી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીજાતીયતાના નેરેટિવને તપાસતાં એ વાત સ્પષ્ટ થાય છે કે ભારતમાં વૈદિક યુગ દરમિયાન ઘણી સ્ત્રીઓએ જાતીયતાના પ્રશ્નોને પોતાના લેખન દ્વારા વાચા આપી હતી. આ સ્ત્રીઓના લેખનમાં તેઓની દૈહિક ઇચ્છાઓ સાહજિક રીતે પ્રગટ થઈ છે. લોપામુદ્રા નામની ઋષિકાને જ્યારે પોતાના ઢળતા સૌંદર્યની ચિંતા સતાવે છે ત્યારે તે પોતાનામાં રહેલી ફળદ્રૂપતા પણ ઘટી જશે એવી વેદનાને નિખાલસતાથી રજૂ કરે છે અને પોતાના પતિ સાથે જાતીય સુખની પ્રાપ્તિ અર્થે પહેલ કરે છે તો રોમાશા નામની અન્ય વિદૂષી કૌમાર્યાવસ્થા પ્રાપ્ત કરવાની ક્ષણે આનંદ અનુભવે છે. આવાં ઉદાહરણો દ્વારા સ્પષ્ટ થાય છે કે વૈદિક યુગના પૂર્વ પિતૃસત્તાક કાળ દરમિયાન સ્ત્રીજાતીયતાને પુરુષજાતીયતા સમકક્ષ આદર પ્રાપ્ત થયો હતો. વૈદિક યુગ પછીના સમયગાળા દરમિયાન ધર્મગ્રંથો અને સ્મૃતિગ્રંથોએ સ્ત્રીને માત્ર ભોગવવાની વસ્તુ (obejct) ગણી તેને ઊતરતો દરજ્જો આપ્યો. ભારતીય સમાજમાં વ્યાપ્ત ઉચ્ચાવચતા (social hierarchy)ની સ્થિતિ અંતર્ગત ભારતીય કુટુંબવ્યવસ્થામાં પણ પુરુષ-સ્ત્રી, પતિ-પત્ની વચ્ચે ઉચ્ચાવચતાના સંબંધો રચાતા જોઈ શકાય છે. નવા ઉદ્ભવતા પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીજાતીયતા અને સ્ત્રીદેહ સામાજિક બંધારણની સામે મોટો ખતરો પેદા કરનારાં ગણાયાં. હિન્દુ, જૈન, બૌદ્ધ તત્ત્વચિંતકોની પરંપરામાં અને પાછળથી મુસ્લિમ પરંપરામાં પણ સ્ત્રીસહજ પ્રગટતી જાતીય વૃત્તિઓના દમનને જ મહત્ત્વ આપવામાં આવ્યું. પરિણામે દૈહિક સુખની આકાંક્ષાઓના પ્રગટીકરણના સ્થાને હવે સર્વ પ્રકારના આનંદને ત્યાગવાની વાત આવી. જોકે છેલ્લાં થોડાં વર્ષોમાં નારીવાદી વિવેચનમાં દેહકેન્દ્રી (bodycentric) પ્રોક્તિ/ પ્રબન્ધ (discourse) વધુ ને વધુ પ્રાપ્ત થઈ રહ્યાં છે. માનવદેહ અને ખાસ કરીને સ્ત્રીદેહ વિશેની પૂર્વકાલીન સમજથી વિપરીત સ્ત્રીદેહને પિતૃસત્તાક વિચારધારાના વાહક તરીકે નિહાળવાની નવી સમજ વિવિધ વિદ્યાશાખાઓમાં કેળવાઈ રહી છે. પ્રત્યેક સમાજ એક વિશિષ્ટ ઓળખ મેળવવા પ્રવૃત્ત હોય છે. આ ઓળખ આપણે પોતાના દેહને તથા અન્યના દેહને કેવી રીતે નિહાળતા હોઈએ છીએ એ બાબત પર અવલંબિત હોય છે. પિતૃસત્તાક સમાજ સ્ત્રી તથા પુરુષના દેહને સાંસ્કૃતિક સીમારેખાથી બદ્ધ કરે છે. હકીકતમાં દેહ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક એમ બે ઘટના છે. તે એક જ સમયે પ્રકૃતિ અને સંસ્કૃતિના અંગરૂપ છે. દેહ પ્રકૃતિનું અંગ છે, કારણ કે જાતીયતા સહિતની અન્ય શારીરિક ક્રિયાઓ સાથે જોડાયેલ છે. દેહ સાંસ્કૃતિક-સામાજિક ઘટના પણ છે, કારણ કે તે સમાજની આર્થિક બાબતો, ઉપભોક્તા સંસ્કૃતિ, આપણી ખાન-પાનની ટેવો, આરોગ્ય સાથે પણ ગાઢ રીતે સંકળાયેલ છે. દરેક સમાજ દેહની છબી (body image) દ્વારા વ્યક્ત થતો હોય છે. દેહ પર અનેકવિધ ક્રિયાકાંડો, રાજકીય સાધનો વડે કાબૂ પ્રાપ્ત કરાતો હોય છે. વિવિધ સમાજમાં પ્રચલિત શૈક્ષણિક, ધાર્મિક, રાજકીય, કાયદાકીય રીતિઓ દ્વારા દેહને ચોક્કસ માળખામાં, ઢાંચામાં ઢાળવામાં આવે છે. દેહ વૈયક્તિક (individual) પણ છે તો સામૂહિક (collective) પણ છે. ભૌતિક સંઘટના (physical organism) હોવાને કારણે તે ભૌતિક (material) પણ છે તો વળી, વિચારધારાઓ, માન્યતાઓનું વાહક હોવાને નાતે અભૌતિક (immaterial) પણ છે. આમ, દેહને એક રૂપક તરીકે ઉપયોગમાં લઈ રાષ્ટ્ર, સમાજમાં વ્યાપ્ત વિવિધ રાજકીય, ધાર્મિક, સામાજિક માળખાંઓ તથા તેમાં ઉચ્ચાવચતાની સ્થિતિને સમજી શકાય છે. વર્તમાન સમયમાં દેહને એક પાઠ (text) તરીકે જોવાનું વલણ વધતું જાય છે અને તે દ્વારા સમાજમાં વ્યાપ્ત વિચારધારાઓનાં માળખાંઓને અને ઉચ્ચાવચતાના સંબંધોની રચનાઓને સમજવાનો પ્રયાસ થાય છે. વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, સાહિત્યિક સિદ્ધાંતોમાં દેહ તથા સંસ્કૃતિના આંતરસંબંધના તાણાવાણાને ઉકેલવાના પ્રયાસો થઈ રહ્યા છે. આજે દેહ માત્ર ભૌતિક પદાર્થ ન રહેતાં ભાષા સહિત અન્ય સાંસ્કૃતિક બંધારણ છે, સંપુટ છે જેના થકી સંસ્કૃતિ પ્રગટતી હોય છે. દરેક સમાજમાં આદર્શ દેહના માપદંડો જુદા-જુદા હોય છે જેના વડે સ્ત્રી-પુરુષની જુદી-જુદી ઓળખો પ્રસ્થાપિત કરવામાં આવે છે. ભાષાના માધ્યમ દ્વારા દેહ અર્થ પ્રાપ્ત કરે છે. આમ, ભાષા શરીરને ઘડે છે અથવા કહી શકાય કે દેહ જે ભાષામાં ઘડાતો હોય છે તે ભાષા બોલે છે અને તે મુજબ વર્તે છે. ભાષા દેહને જે તે સમાજ-સંસ્કૃતિની માન્યતાઓ, જરૂરિયાતો મુજબ ગઠિત કરે છે. આમ, માનવદેહ કોઈ વૈશ્વિક (universal) બાબત ન બનતાં એક સાપેક્ષ (relative) બાબત બની જાય છે જે સમય, સંદર્ભ પ્રમાણે અર્થ ધારણ કરે છે. પરિણામે દરેક કાળમાં દેહની નવી-નવી છબી અસ્તિત્વમાં આવતી રહે છે અને સાથે-સાથે દેહ અંગેની જૂની છબીઓનો નાશ થતો જાય છે. પિતૃસત્તાક સમાજમાં દેહ સંદર્ભગત કેટલીક છબીઓ વૈશ્વિક, પ્રકૃતિદત્ત કે ઈશ્વરદત્ત હોય એવી રીતે પ્રસારિત અને સંસ્થાગત કરાતી હોય છે. દા. ત. સ્ત્રીદેહ અંગેની વિવિધ છબીઓ (આદર્શ ભારતીય સ્ત્રીની છબી વગેરે) આમ છતાં, જ્યારે એ વાતની સમજ કેળવાય છે કે આ બધી જ છબીઓ પ્રકૃતિદત્ત કે ઈશ્વરદત્ત નહીં, પરંતુ સંસ્કૃતિદત્ત છે ત્યારે આપણે તેને બીબાઢાળ માળખામાંથી મુક્ત કરી શકીએ, તેની સામે પ્રશ્નો ઉઠાવી શકીએ અને તેની એકવિધતા (stereotypes)નો વિરોધ કરી શકીએ.

દેહ, સ્ત્રીદેહ વિશે આટલી સ્પષ્ટતા કર્યા બાદ ગુજરાતી સાહિત્યના શરૂઆતના તબક્કામાં રચાયેલાં નારીકેન્દ્રી સર્જનોની તપાસ આદરીએ તો મહદંશે પિતૃસત્તાક સમાજ દ્વારા ઘડવામાં આવેલા આદર્શો, નીતિ-નિયમોમાં બદ્ધ એવી સ્ત્રીઓનાં ચિત્રણ પ્રાપ્ત થાય છે. આ સ્ત્રીપાત્રો દ્વારા સ્ત્રીદેહ ધીરજ, સહનશીલતા, ત્યાગ, સમર્પણ, બલિદાન જેવા ગુણોના વાહક તરીકે પ્રગટે છે. અંગ્રેજી શિક્ષણથી પ્રભાવિત, આધુનિક વિચારસરણી ધરાવનારાં અને સ્ત્રીકેળવણી, સ્ત્રીસ્વાતંત્ર્યના ‘પુરસ્કર્તા સ્ત્રીસર્જકો કે પુરુષસર્જકોનાં સર્જનમાં સમાજ, ધર્મ, સંસ્કૃતિ દ્વારા આરૂઢિત સંસ્કારોના વારસાને વેંઢારતી સ્ત્રીઓ નજરે પડે છે. કેટલીક વાર્તાઓને બાદ કરતાં માળખામાં જીવનારી સ્ત્રીઓનાં તત્કાલીન પ્રશ્નો, સમસ્યાઓ પ્રચારાત્મક સ્વરૂપે આવ્યાં. તેમાં પણ મોટા ભાગનાં સ્ત્રીપાત્રો પિતૃસત્તાક સંરચનામાં સમાધાનનો માર્ગ અપનાવતાં આલેખવામાં આવ્યાં. આઝાદીકાળ દરમિયાન ગાંધીને કારણે સ્ત્રીઓ ઘરનો ઉંબરો ઓળંગી જાહેર જીવનના ક્ષેત્રમાં પ્રવેશી. તેઓનાં પોતનાં સંવેદનોને અભિવ્યક્ત કરવાની મોકળાશ મળી, પરંતુ સ્ત્રીઓને એવી મોકળાશ કે સ્વતંત્રતા પ્રાપ્ત ન થઈ કે તેઓ પોતાના દેહની સૂક્ષ્મ સંવેદનાને, ઇચ્છા, આકાંક્ષા, જરૂરિયાતોને પ્રગટ કરી શકે. સ્ત્રીજાતીયતા અંગેના ગાંધીના તથા પ્રારંભિક અનુગાંધીયુગના વિચારો બૃહદ્ પિતૃસત્તાક સમાજવ્યવસ્થાના પોષક જ રહ્યા. ઈ. સ. ૧૯૭૦ પછી નારીવાદી વિચારધારાના પ્રસાર સાથે જ સ્ત્રીઓ પોતાના અસ્તિત્વ અંગે સભાન થાય છે. પિતૃસત્તાક રાજકીય, સામાજિક, ધાર્મિક વ્યવસ્થા સામે બંડ પોકારતી જોવા મળે છે. આ સાથે જ તેઓ પોતાની શારીરિક-માનસિક જરૂરિયાતો, ઇચ્છાઓ, આકાંક્ષાઓને પ્રગટપણે વ્યક્ત કરવા લાગી. ધીમે ધીમે સ્ત્રીજાતીયતા, સ્ત્રીઓનાં દૈહિક આવેગો, વૃત્તિઓ, અનુભૂતિનો પણ સાહજિક સ્વીકાર થવા માંડ્યો. અલબત્ત, આ અંગેનાં આલેખનો હજી પણ જૂજ પ્રમાણમાં જ પ્રાપ્ત થાય છે તે વિશે હિમાંશી શેલત નોંધે છે, “સ્ત્રીઓની દૈહિક જરૂરિયાતો અને તેના અભાવમાં ઊભી થતી વિષમતાઓ અંગે આપણે ત્યાં ખાસ લખાયું નથી. દેહના આવેગો વિશે લખવામાં કશોક અવરોધ નડતો હોય એમ મોટે ભાગે તો શરીર એ કોઈ ભૂલી જવાની ચીજ જેવું રહે છે અથવા તો એ અંગે થોડી સૂચક, સુંવાળી અને કૌતુકરાગી વાતો વણી લઈ ત્યાં પૂર્ણવિરામ મૂકી દેવામાં આવે છે.” (પૃ. ૪૦) ખરેખર, સ્ત્રીદેહ પ્રાપ્ત થવો એ જૈવિક ઘટના છે પણ તેના થકી ઘડાતું સ્ત્રીત્વ એ સામાજિક-સાંસ્કૃતિક ઘટના છે. સ્ત્રીદેહને અનુલક્ષતું પોતીકું ભાવવિશ્વ છે. તેની પોતાની દૈહિક સંવેદનો પ્રતિની ઇચ્છા-અનિચ્છા, ગમા-અણગમા કે આકર્ષણ હોય છે. જાતીયતા જો પુરુષસહજ વૃત્તિ ગણાતી હોય તો તે સ્ત્રીસહજ વૃત્તિ કેમ ન ગણાય! પિતૃપ્રધાન સમાજ પુરુષજાતીયતાનો સ્વીકાર કરે છે ને સ્ત્રીજાતીયતાને અવગણે છે, અવરોધે છે. પિતૃસત્તાક પ્રણાલીમાં જીવનારી સ્ત્રી પોતાની સામાન્ય મૂંઝવણોને પણ ભાગ્યે જ પ્રગટ કરી શકતી હોય તો દૈહિક સંવેદનો, સંચલનોને તો કેવી રીતે વ્યક્ત કરી શકે? કયું કુટુંબ, સમાજ, ધર્મ કે સંસ્કૃતિ તેની આ સંવેદનાને, તેના મનોજગતને સમજી શકે? સ્ત્રીદેહની રચના નૈસર્ગિક હોવા છતાં તેના આવેગો પિતૃસત્તાક સંસ્કૃતિના આદર્શો, માપદંડો મુજબ દમન કરવા યોગ્ય બની જાય છે. આવી પરિસ્થિતિમાં સર્જાતા સાહિત્યમાં પણ સ્ત્રીજાતીયતાના પ્રશ્નોને ભાગ્યે જ વાચા મળે છે. આમ છતાં ગુજરાતી સાહિત્યમાં કેટલાંક સ્ત્રીસર્જકો અને પુરુષસર્જકો દ્વારા સ્ત્રીજાતીયતા - દૈહિક જરૂરિયાત, જાતીય અસંતોષથી પીડાતી સ્ત્રીઓની વેદના કે જાતીય તૃપ્તિ મેળવવા ઇચ્છતી સ્ત્રીઓની સૂક્ષ્મ ચૈતસિક સંવેદના, સ્ત્રીદેહ પ્રત્યેનો મુગ્ધ ભાવ પ્રગટ કરતી સ્ત્રીઓને કેન્દ્રસ્થાને સ્થાપી આપતી વાર્તાઓ કળાત્મક રીતે આલેખાઈ છે. ગુલાબદાસ બ્રોકરની ‘લતા શું બોલે!’, જયંત ખત્રીની ‘ખીચડી’, ‘તેજ, ગતિ અને ધ્વનિ’, પન્નાલાલની ‘મશાણિયે વડલે’, બક્ષીની ‘કુત્તી’, હર્ષદ ત્રિવેદીની ‘આઢ’, આમ્રપાલી દેસાઈની ‘પ્રાપ્તિ’, રમેશ દવેની ‘શબવત્’, મનોહર ત્રિવેદીની ‘પાઠડી’ જેવી વાર્તાઓમાં સ્ત્રીજાતીયતાના પ્રશ્નોની વાત આવે છે. આ યાદીમાં પુરુષસર્જકોની સંખ્યા એ વાતને સિદ્ધ કરે છે કે સ્ત્રીઓની જેમ જ પુરુષો પણ સ્ત્રીજાતીયતાના પ્રશ્નને વિશદ રીતે આલેખવામાં સફળ થયા છે.

અહીં મારો પ્રયાસ આમ્રપાલી દેસાઈ કૃત ‘પ્રાપ્તિ’, મનોહર ત્રિવેદી કૃત ‘પાઠડી’ અને રમેશ દવે કૃત ‘શબવત્’ વાર્તાઓ દ્વારા સ્ત્રીજાતીયતાના પ્રશ્નોના અભ્યાસ અંતર્ગત સ્ત્રીની એક વસ્તુ (object) તરીકેની ગણનાથી ‘વ્યક્તિ’ (subject) તરફના સ્થિત્યંતરને તપાસવાનો રહેશે. આમ્રપાલી દેસાઈની નવલિકા ‘પ્રાપ્તિ’ કળાત્મકતાના ધોરણે ભલે ઊણી ઊતરતી લાગે, પરંતુ આ વાર્તા સ્ત્રીઓની દૈહિક ઇચ્છાનું ભાવવિશ્વ રજૂ કરી પિતૃસત્તાક સમાજમાં એક નવો જ, નોખો સૂર પ્રગટાવે છે. અહીં ક્યાંયે સ્ત્રીના શારીરિક-માનસિક શોષણની, તેના પર આચરવામાં આવતા અત્યાચારોની, અન્યાયની વાત નથી, પરંતુ સ્ત્રીનાં અતિ સૂક્ષ્મ, પોતીકાં ગણાતાં દૈહિક સંવેદનોને પ્રગટ કરવા જતાં સ્ત્રીએ/પત્નીએ સહેવાં પડતાં અપમાનની, અવહેલનાની વાત છે. વાત માત્ર આટલી જ છે. રાધા—રિતેશના દાંપત્ય જીવનનાં પંદર વર્ષ પૂરાં થયાં છે. પંદરમી લગ્નતિથિની રાત્રિએ રાધા આટલાં વર્ષોમાં પહેલી વાર જાતીય સુખ મેળવવા માટે પહેલ કરે છે જે રિતેશના પુરુષત્વને ઠેસ પહોંચાડે છે. ‘રાધા, તું કેમ આજે...’, ‘સ્ત્રી થઈને આમ..’ જેવા રિતેશના ઉદ્ગારો રાધાને પોતાના પંદર વર્ષના લગ્નજીવનની પ્રાપ્તિ વિશે સાશંક બનાવી દે છે. લગ્ન બાદ વડીલો સાથેના સંભવિત ઘર્ષણને ટાળવા અલગ રહેવાનું પસંદ કરતો રિતેશ પ્રથમ દૃષ્ટિએ આધુનિક, ઉદાર અને પરંપરાભંજક પુરુષ તરીકે ઊપસે છે. એક આદર્શ પતિની જેમ રાધાની સગર્ભાવસ્થામાં તેની ખૂબ કાળજી રાખે છે. બેબીના ઉછેરમાં તથા તેના અભ્યાસમાં ઊંડો રસ દાખવે છે, પરંતુ હકીકતમાં તે ભારતીય પુરુષના પ્રતીક સમો છે. જેના માટે પોતાના વડે કંડારાયેલી દુનિયાથી અલગ કોઈ દુનિયા નથી, પોતે જોયેલાં સ્વપ્નોથી અલગ કોઈનાં સ્વપ્નો નથી, પોતાની ઇચ્છાથી અલગ અન્ય કોઈની ઇચ્છા તેને મંજૂર નથી. રિતેશને મન તો ચાહવાનો, ઇચ્છવાનો, માગવાનો, ભોગવવાનો અને ભોગવીને આનંદ મેળવવાનો હક તો માત્ર પુરુષોનો જ અબાધિત અધિકાર છે. રિતેશ પિતૃસત્તાક સમાજનો વારસદાર છે જ્યાં પુરુષ/પતિની જાતીય આનંદ મેળવવા માટેની પહેલ નિર્લજ્જતા ન ગણાય, પણ પૌરુષ પ્રગટ કરેલું ગણાય, જ્યારે સ્ત્રી/પત્ની દ્વારા થતી પહેલ જાણે અસામાજિક-અનૈતિક વૃત્તિ ગણાય ને સ્ત્રી નિર્લજ્જ પણ ગણાય. પતિ-પત્ની વચ્ચેના જાતીય સંબંધમાં રાધાનું ‘વસ્તુ’ (object) મટી ‘વ્યક્તિ’ (subject)માં રૂપાંતરિત થવાની ઘટનાના સમયે રિતેશ ન જીરવી શકાય એવી દૃષ્ટિએ પિતૃસત્તાક સમાજના જાતીયતા અંગેના બેવડા માપદંડોને ઉઘાડા પાડે છે. રિતેશનું પુરુષત્વ હણાતાં તે અતડો રહી રાધાને ગુનેગાર ઠેરવે છે. રિતેશનું આ વલણ આટલાં વર્ષો બાદ રાધાને અપરિચિતતાનો અહેસાસ કરાવે છે. પતિ દ્વારા ઘડાયેલા પંદર વર્ષના ભ્રામક સુખી લગ્નજીવનનો મહેલ રાધા દ્વારા જાતીય સુખ માણવા માટે થતી પહેલની સાથે જ ‘પત્તાંનો મહેલ’ સાબિત થાય છે. પંદર વર્ષના લગ્નજીવન બાદ કોઈ પણ જાતના સંકોચ વગર, સાહજિક રીતે શારીરિક સુખ માણવા માટેની પહેલની પ્રતિક્રિયારૂપે પતિનું વર્તન રાધાને ગહન મનોમંથન તરફ દોરી જાય છે. લગ્નની પ્રથમ રાત્રિનાં સંવેદનોને પામવાની, અનુભવવાની, માણવાની સ્ત્રીસહજ ઇચ્છા રાધાને હોય છે. તેણે વિચાર્યું હતું કે લગ્નની પ્રથમ રાત્રિએ તે રિતેશ સાથે ખૂબ વાત કરશે, એ રીતે એકબીજાનો પરિચય કેળવાશે, પરિણામે લાગણી ઉદ્ભવશે ને લાગણી જ પ્રેમ કરવા પ્રેરશે જે બંનેને પતિ-પત્ની બનાવશે, પરંતુ લગ્નની પ્રથમ રાત્રિએ રિતેશ લાગણીભૂખ્યો નહીં, પરંતુ પૌરુષ પ્રગટ કરી રાધાના શરીર પર હક ભોગવનારો શરીરભૂખ્યો પુરુષ સાબિત થાય છે. રાધા માટે સુહાગરાત સમભાગે માણવાની રાત ન રહેતાં ‘સુહાગની રાતે’, ‘સુહાગ માટેની રાત’, ‘સુહાગ દ્વારા મળતી રાત’ બની રહે છે. રાધાની પ્રથમ રાત્રિની પ્રાપ્તિ કે જેમાં તે માત્ર વસ્તુ જ બની રહી, પંદર વર્ષ બાદની રાત્રિની પ્રાપ્તિ જેમાં તે ‘વ્યક્તિ’ બનવા તરફ ગતિ આદરે છે પણ રિતેશની દૃષ્ટિ તેને ત્રિશંકુ અવસ્થામાં છોડી દે છે. ‘મને મારા વિચારો, મારી સ્વતંત્રતા પ્રિય છે. તમને ગાડી, બંગલો નહીં આપી શકું... હા, સ્વમાનભેર જીવવાની ઇચ્છા છે.’ (પૃ. ૨૪૪) લગ્ન પહેલાં આવું કહેનાર રિતેશ રાધાની દૈહિક ઇચ્છાઓને પ્રગટ કરવાની સ્વતંત્રતા પર ઘા કરી તે જાણે અનૈતિક કાર્ય કરતી હોય એવો ભાવ (complex) તેના મનોજગતમાં ઊભો કરી તેના સ્વમાનને ઠેસ પહોંચાડે છે. આ ઘટના બાદ રાધાને પ્રથમ વાર અહેસાસ થાય છે કે રિતેશ સાથેના અતિ સુખી દાંપત્ય જીવનમાં પોતે ખરેખર તો રિતેશ દ્વારા અત્યંત કાળજીપૂર્વક, પ્રેમપૂર્વક દોરી આપવામાં આવેલ લક્ષ્મણરેખાની અંદર જ જીવી રહી છે. એ પછી લગ્નની પ્રથમ રાત્રિની તેની ઇચ્છાઓ હોય કે રિતેશનો તેની પાસે નોકરી ન કરાવી માત્ર ઘર સંભાળવાનો નિર્ણય હોય, બાહ્યજીવનના સંપર્કમાં રિતેશની વાતો દ્વારા રહેવાની વાત હોય કે સગર્ભાવસ્થાની પીડા જોઈ બીજું બાળક ન કરવાની ઇચ્છા હોય, બહાર ફરવા જવાની કે બેબીનું નામ પાડવાની કે તેને સારી શાળામાં મૂકવાની કે ભણાવવાની વાત હોય. રિતેશ દ્વારા દોરાયેલી આ લક્ષ્મણરેખાઓ રાધાએ કદી પણ ઉલ્લંઘી જ નથી. પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીદેહની પ્રાપ્તિ સાથે જ તે દેહ માટે રચાયેલા સાંસ્કૃતિક જગતની પ્રાપ્તિ પણ વેઠવી જ રહી. દરેક સ્ત્રીએ પોતાના માટે રચાયેલા જગતની પરંપરાઓ, ઇચ્છાઓ, વર્તનોને આત્મસાત્ કરવાં પડે છે અને તેની પ્રાપ્તિ થકી તેણે પુરુષની/પતિની નજરોમાં માન, સ્થાન મેળવવાં પડે છે તો આવી પરિસ્થિતિમાં સ્ત્રીઓની દૈહિક ઇચ્છાઓને તો ક્યાં સ્થાન મળે? આ નવલિકા પિતૃસત્તાક પ્રણાલીમાં સ્ત્રીનાં પૂર્વ નિર્ધારિત, પૂર્વ આકારિત દૈહિક સંચલનોની સીમાને તોડી અનુભવની નવી ભાષાના પ્રદેશમાં ડગ માંડે છે. સ્ત્રીના દૈહિક ભાવવિશ્વને ઉઘાડી આપે છે. મનોહર ત્રિવેદીની ‘પાઠડી’ નવલિકામાં માસી ગોમતી અને ભાણેજ ભોળુ વચ્ચે રચાતા દેહસંબંધની વાત કેન્દ્રસ્થાને છે. નપુંસક પતિને કારણે વંધ્યા રહેતી ગોમતી પંદરેક વર્ષના પોતાના સગા ભાણેજ સાથે શરીરસંબંધ બાંધે છે ને સગર્ભા બને છે. તે માટે માત્ર નિઃસંતાનપણું નિવારવા માટે કે માતૃત્વ પ્રાપ્ત કરવાની ઝંખના જ કારણભૂત નથી, પરંતુ પતિની શારીરિક દુર્બળતાને કારણે સહેવી પડતી જાતીય અતૃપ્તિ પણ સમાંતરે આવું કૃત્ય કરવા માટે જવાબદાર ઠરે છે. પ્રથમ નજરે અનૈતિક (incest) લોહીના સંબંધમાં સરી જતી લાગતી આ વાર્તા હકીકતમાં સ્ત્રીના સંકુલ મનોવ્યાપારો, સ્ત્રીદેહ પાસે રખાતી પિતૃસત્તાક સમાજની અપેક્ષાઓ ને તે અપેક્ષાઓ પૂર્ણ ન થતાં અનુભવાતી વેદના અને સ્ત્રીદેહની જાતીય સુખ મેળવવા માટેની લાગણી અને માગણીના જટિલ તાણાવાણાને ગૂંથે છે. લેખકે પ્રથમ પુરુષ એકવચનની નિરૂપણ રીતિથી પાત્રચિત્તમાં ઉદ્ભવતાં સંવેદનો દર્શાવી વાર્તાને કળાત્મક રીતે રજૂ કરી છે. નપુંસક પતિને કારણે વેંઢારવું પડતું વંધ્યત્વ ગોમતીને માન્ય નથી. જાતીય સુખથી વંચિત એવી ગોમતી પોતાના દેહને વિવિધ રીતે પ્રદર્શિત કરી ભોળુને પોતાના તરફ આકર્ષવાની કોશિશ કરતી રહે છે. કિશોરાવસ્થામાં પ્રવેશેલા ભોળુને મન તો સ્ત્રીદેહનું આકર્ષણ સ્વાભાવિક રીતે જ હોય. ગોમતી ભોળુને ‘અફીણ’, ‘ફૂટડો’, ‘હલામણ’, ‘દોંગો’, ‘તુલડો’ જેવાં સંબોધનથી નવાજી પોતાના દૈહિક આવેગોને પ્રગટ કરે છે અને ભોળુને પણ સૂતેલી ગોમતી ‘કેળની ઢળેલી થાંભલી’ જેવી લાગે છે. આમ, બંને વચ્ચે દેહાકર્ષણ ઉદ્ભવે છે. નપુંસક પતિ દેવા સાથેના જાતીય જીવનમાં નરી અતૃપ્તિથી પીડાતી ગોમતીના ચિત્તમાં રહેલી દમિત જાતીય લાગણીઓ, આવેશોને જુદા જુદા પ્રસંગો દ્વારા ગોમતીનાં દૈહિક સંવેદનોને લેખક સચોટ રીતે બહાર લાવી શક્યા છે : ‘...થોડા ટેમથી એણે મારા ભણી કાંક નોખી જ ગત માંડી લાગે છે. એક વાર જીવડું કાઢવાને મશે એણે કાપડાની કહું છોડીને, કાપડું છાતી પરથી ઊંચકાવેલુંય ખરું. પછી મારી હામું જોઈને મરક મરક કરતીકને મલકી’તી સોતે.’ (પૃ. ૧૦૫) ‘તે દી પછવાડેના વાડામાં હું માથાબોળ ના’તી’તી ને વાંહ્યલું બાવણું ફટાક કરતુંક ઉઘાડીને મારા દીમનો આવેલો. હું અરીઠા ચોળતી બોલેલી: એ હું નાવ છૌ, તયેં જાણે સાંભળ્યું નો હોય એવો ડોળ કરેલો ને મેં અડધી આંખ્ય ઉઘાડીને જોયું તો, મારી છાતીનાં ઊપસેલાં થાનેલાં ભણી નિલજો થૈને નીરખી ‘ર્યો ‘તો.’ (પૃ. ૧૦૫) ગોમતીએ ભોળુના મનનો તાગ કાઢવા માટે આવા અખતરા કરી જોયા હતા. તેના દ્વારા ગોમતીની દમિત જાતીય ઇચ્છાઓ પ્રદર્શનવૃત્તિ (exhibitionism)માં પરિવર્તિત થતી જોઈ શકાય છે. માતૃત્વ એ પિતૃસત્તાક સમાજની સ્ત્રીદેહ પાસે રખાતી સૌથી મોટી અપેક્ષા છે. માતૃત્વ સંપૂર્ણપણે પ્રાકૃતિક અને સ્ત્રીના હૃદયને ગમતી બાબત હોવા છતાં સ્ત્રીના માતૃત્વ પાછળ રહેલા પિતૃસત્તાક સમાજની ધાર્મિક, આર્થિક, રાજકીય મનોએષણાઓ અને તે થકી આકારિત પામતા જગત સામે આંખ આડા કાન પણ કરી શકાય તેમ નથી. દરેક સમાજમાં ચૌક્કસ સાંસ્કૃતિક-રાજકીય ધ્યેયની પ્રાપ્તિ અર્થે જાતીયતાની ચોક્કસ સંરચના દ્વારા દેહસંસ્કૃતિ થડાતી હોય છે. પિતૃસત્તાક સમાજરચનામાં સ્ત્રી માતૃત્વ અને વંધ્યત્વ જેવાં બે અંતિમો વચ્ચે સતત પિસાતી જોવા મળે છે. પુરુષપ્રધાન સમાજમાં જો સ્ત્રી વંધ્યા હોય તો પુરુષ પોતાની જાતીય પરિતૃપ્તિ માટે અને સામાજિક, ધાર્મિક, રાજકીય ઇચ્છાઓની પૂર્તિ માટે બીજા લગ્ન કરી શકશે, પરંતુ પુરુષની નપુંસકતા તો જાણે સ્ત્રીએ વેઠવી જ રહી. અહીં ગોમતી પણ પોતાની હૈયાવરાળ કાઢતાં કહે છે, ‘ઈય શું નો’તા જાણતા! શિદ મને કાચીકુંવારીને વાંહળી એક રૂપિયા વેરી, વેચાતી લૂંટી લીધી! ચૈતર-વૈશાખના તાપ જીરવ્યા, તનના તુટામણા નો જીરવાયા, મા કોનો વાંક કાઢું! આમ ક્યો તો સૌનો. આમ કર્યો તો... (પૃ. ૧૦૮) ગોમતીમાસી તરફ આકર્ષાયેલા ભોળુના સંદર્ભે પાઠડી બકરી ટિલવીનો ઉલ્લેખ વિશિષ્ટ અર્થચ્છાયા પ્રગટાવે છે. બંને વચ્ચે સર્જાયેલા દેહાકર્ષણને પરિણામે ખેતરમાં ભોળુને ભાત-છાશ આપવા ગયેલી ગોમતી પાઠડી બકરી ટિલવી જે હવે ગાભણી થઈ છે એ વાત કરી ભોળુને ઉત્તેજિત કરે છે. નિર્જન વગડો- વાડીના એકાંતમાં ભોળુ જ્યારે ગોમતીને ‘મારી વઉં’ એવું સંબોધન કરે છે ત્યારે ગોમતી સામાજિક બંધનોને ફગાવી પોતાની જાતને એકમાત્ર સ્ત્રી તરીકે, સ્ત્રીદેહ તરીકે સ્થાપિત કરી આપે છે પોતાની છાતી ભણી ભોળુનું મોઢું નમાવીને કહે છે, ‘લે કર્ય તો ખરો અખતરો. આ પાઠડીનેય વેણ્યના વાવડ આપ્ય, મારા અફીણી.’ (પૃ. ૧૦૮) ગોમતીની આ પ્રકૃતિદત્ત માગ છે, તેની દૈહિક જરૂરિયાત છે તો બીજી તરફ ભવભવની તરસ વેઠતી ગોમતીની પરિતૃપ્ત થવાની એષણા છે, સાથે સાથે ટિલવીનું પાઠડી મટી જવાનું સદ્ભાગ્ય પોતાને પણ સાંપડે એવી ધખના પણ છે જ. ગોમતીની દૈહિક સુખ મેળવવાની ઇચ્છા અને ભાણેજ સાથેના શરીરસંબંધથી બાળક પ્રાપ્ત કરવાની ઇચ્છા સામાજિક નીતિ-અનીતિનાં બંધનોને ફગાવે છે. નવલિકામાં સામાજિક નૈતિકતા સામે દૈહિક નૈતિકતા બળવત્તર પુરવાર થાય છે. ગોમતીની દૈહિક ઇચ્છાઓની સાથે તેનો આ બાબતે વલોપાત, રંજને પણ લેખકે કળાત્મક રીતે પ્રગટ કરી સ્ત્રીના સંકુલ મનોવિશ્વને આલેખ્યું છે. રમેશ દવેની નવલિકા ‘શબવત્’માં ભણેલી-ગણેલી, રૂપાળી નાયિકાને પોતાના પતિ દ્વારા મળતી અને પતિના સાહેબ દ્વારા મળેલી પરસ્પર વિરોધી શારીરિક અનુભૂતિઓનું વર્ણન છે. લેખકે પિતૃપ્રધાન સમાજમાં થતા સ્ત્રીના વસ્તુકરણ (commodification)ને નિરૂપવાની સાથે સાથે જાતીય સંબંધમાં આનંદ મેળવવાની આંતરિક લાગણીની વાતને પણ કળાત્મકતાથી ગૂંથી લીધી છે. પતિ પ્રમોશન મેળવવા માટે પત્નીને પોતાના સાહેબ પાસે મોકલે છે. નાયિકા આવા હલકટ પતિથી છુટકારો મેળવવા આત્મહત્યા કરવાનું વિચારે છે. પોતાને ભોગવવા તૈયાર થયેલા સાહેબનો પણ ટોટો પીસી નાખવાનો વિચાર તેને આવે છે. પરંતુ પત્નીના દેહને ‘વસ્તુ’ માની ચૂંથનાર પતિની તુલનામાં નાજુક, કોમળ, ઋજુ, હૂંફાળું સાંનિધ્ય પૂરું પાડનાર સાહેબ તેને એક ‘વ્યક્તિ’ તરીકેનું મહત્ત્વ આપે છે. તેના સ્ત્રીદેહને, સ્ત્રીત્વને સાચી ઓળખ પૂરી પાડે છે. પરિણામે પરપુરુષ એવા સાહેબ સામે શબવત્ થઈ જવાના પૂર્વનિર્ધારિત નિર્ણયના સ્થાને તે પ્રમોશનની ઉજવણી કરતા પોતાના પતિ પાસે ‘શબવત્’ થઈ જાય છે. આમ તો બંને પુરુષો - પતિ અને સાહેબ- માટે સ્ત્રીદેહ માત્ર સાધન છે. પતિ માટે સ્ત્રીદેહ ઉપયોગિતાનું સાધન છે તો સાહેબ માટે ઉપભોગનું. બંને પુરુષોનું આ રીતે સ્ત્રીશરીરને ભોગવવું એ માત્ર અનૈતિક જ નહીં, અમાનવીય કૃત્ય છે. ‘શબવત્’ નવલિકા પુરુષ તથા સ્ત્રી, બંનેનાં મનોસંચલનોને આલેખે છે. લેખક સંનિધિકરણની પ્રયુક્તિ વડે બે પુરુષો દ્વારા ભોગવાતી સ્ત્રીનાં દૈહિક સંચલનોને નિરૂપિત કરે છે. દાંપત્ય જીવનમાં તો પરસ્પર પ્રેમ અને આદરની જ લાગણી હોય. જાતીય ક્રિયાઓ માટેની ઇચ્છા-અનિચ્છા, ગમા-અણગમાને સમજવાની વૃત્તિ હોય, પરંતુ નાયિકાનો પતિ આક્રમક જાતીય ઇચ્છાઓના પ્રગટીકરણ માટેના સાધન તરીકે રહી જાય છે. સતત નખ વગાડતા, ઉઝરડા પાડતા, ફૂંફાડા મારતા, બચકાં ભરતા, દાઢીના ખૂંપરાવાળા પતિના ગરમ શ્વાસમાં હરહંમેશ બળતી નાયિકા હરહંમેશ અધવચાળે, અંતરિયાળ જ રહી જતી, જ્યારે અતિસંયમી સાહેબમાં સ્ત્રીની દૈહિક ભાવનાને સમજવાની, તેની દૈહિક ઇચ્છા- અનિચ્છા જાણવાની, સ્ત્રીને સ્ત્રી તરીકે જોવાની અને ખાસ તો જાતીય પ્રક્રિયાને ‘સરખા ભાગે ભોગવવાનું સુખ’ માને છે. આવા પારકા પુરુષના સ્પર્શથી, તેની સંયત ચેષ્ટાઓ ને પછી બંધાયેલ શરીરસંબંધમાં નાયિકા તૃપ્તિની અનુભૂતિ કરે છે. આથી જ તેના શરીર પર તૂટી પડેલા, પાશવી કૃત્ય આચરનાર પતિની તુલના સંયમી, પ્રેમાળ સાહેબ સાથે થાય છે ત્યારે વાચકને જરાય આઘાત (અજુગતું, અયોગ્ય) પહોંચાડનાર નથી લાગતું. સ્ત્રી-પુરુષના જાતીય સંબંધની સંકુલતા પ્રગલ્ભ રીતે વર્ણવતી આ વાર્તા સ્ત્રીદેહની જરૂરિયાતને વાચા આપે છે. સ્ત્રીના ભિન્ન સંવેદનજગતનો પરિચય કરાવે છે. અલબત્ત, નાયિકાનો પતિ અને સાહેબ પિતૃસત્તાક સમાજની ઉપભોક્તાવાદી સંસ્કૃતિના જ બે જુદા જુદા ચહેરા છે, પણ સ્ત્રીદેહની ઈચ્છાઓ, જાતીય પ્રવૃત્તિમાં અવિનાભાવે સંકળાયેલ પ્રેમ અને હૂંફની લાગણી, શરીરસંબંધમાં જાતીય તૃપ્તિ મેળવવા ઇચ્છતી સ્ત્રીના ચિત્રણ દ્વારા સામાન્ય સ્ત્રીનાં દૈહિક સંવેદનોને સમજવાનો દૃષ્ટિકોણ પ્રગટ થાય છે. આમ, ‘પાઠડી’, ‘પ્રાપ્તિ’, ‘શબવત્’ - આ ત્રણેય વાર્તાઓ સ્ત્રીના મનોજૈવિક બંધારણની વિવિધ શક્યતાઓને તપાસી સ્ત્રીજાતીયતાના સંદર્ભમાં પરંપરાગત માળખાથી વિરુદ્ધ વિચારવાનું, સ્ત્રીદેહના આવેગોને સમજવાનું ઈજન આપે છે. આ ત્રણેય વાર્તાઓમાં પ્રગટતું ભાવવિશ્વ પિતૃસત્તાક સમાજમાં વ્યાપ્ત નૈતિકતાનાં ધોરણો અતિક્રમી જાય છે, સ્ત્રીદેહ તથા સ્ત્રીજાતીયતાના સંદર્ભે નવી સમજ વિકસિત કરવામાં મદદરૂપ થાય છે. ‘પાઠડી’ અને ‘શબવત્’ જેવી વાર્તાઓમાં વાચક નૈતિકતા-અનૈતિકતાનો પ્રશ્ન ઉઠાવી શકે, પરંતુ નવલિકા જેવા સાહિત્યસ્વરૂપનું મુખ્ય એક કાર્ય નૈતિક-અનૈતિક, સદ્-અસદ્ જેવી વિભાવનાઓ અંગે સીધાં-સરળ વિધાનો કરવાને બદલે ઘટનાને વાચકની સમક્ષ રજૂ કરી પ્રાપ્ત પરિસ્થિતિને સમસ્યાયિત (problematize) કરવાનું હોય છે અને તે દ્વારા સમાજમાં પ્રવર્તતી આર્થિક, સામાજિક, રાજકીય, ધાર્મિક વિચારધારાઓની વાચના રજૂ કરવાનું હોય છે.

સંદર્ભ :

૧. Cavallaro, Dani. ૧૯૯૮. The Body. Chennai: Orient Longman Limited.
૨. Freedman, Jane. ૨૦૦૨. Feminism. Viva Books Private Limited, New Delhi
૩. શેલત, હિમાંશી. ૨૦૦૮. ગુજરાતી કથાસાહિત્યમાં નારીચેતના : આર. આર. શેઠની કંપની - અમદાવાદ.
૪. દેસાઈ, આમ્રપાલી. ૧૯૯૮. ‘પ્રાપ્તિ’ નારીચેતનાની નવલિકાઓ. રઘુવીર ચૌધરી (સં.). ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ.
૫. ત્રિવેદી, મનોહર, ૧૯૯૮. ગજવામાં ગામ. જનપદ પ્રકાશન, ઢસા જંક્શન.
૬. દવે, રમેશ. ૨૦૦૬ ‘શબવત્’, શતરૂપા. શરીફા વીજળીવાળા (સં.). ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ.

(પૃ. ૧૮-૨૯, એતદ્ ઑક્ટો.-ડિસે., ૨૦૦૮ )