નીતિન મહેતાનાં કાવ્યો/સંપાદકીય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નીતિન મહેતા : શબ્દ-સંગે એકલતાના યાત્રી

– કમલ વોરા

કવિ નીતિન મહેતા (૧૨.૪.૧૯૪૪ – ૧.૬.૨૦૧૦) તરફથી એમની લગભગ સાડાચાર દાયકાની સર્જન-યાત્રાને અંતે આપણને માત્ર બે જ કાવ્યસંગ્રહ મળે છે અને તેમાંય બીજો તો મરણોત્તર પ્રગટ થાય છે. ‘નિર્વાણ’ (૧૯૮૮)માં ૪૬ કાવ્યો અને ‘અનિત્ય’ (૨૦૧૪)માં ૪૦ કાવ્યો છે. સંખ્યાની દૃષ્ટિએ આટલાં ઓછાં કાવ્યો આપવા છતાં ગુજરાતી કવિતાના આધુનિક કાળની વાત કરતી વખતે આ કવિનું પ્રદાન અનિવાર્યપણે નોંધવું પડે એમ છે. અહીં પ્રસ્તુત એમનાં કાવ્યોના ચયનમાં પ્રવેશ કરતા સહૃદય ભાવક માટે, આ અનિવાર્યપણાનાં કારણ તેમ જ આ વિધાનની યથાર્થતાનો અથવા તો એમની કવિતાની લાક્ષણિકતાનો પરિચય પ્રસ્તુત કરવો જરૂરી છે. કવિ નીતિન મહેતાનો કવિતાક્ષેત્રે પ્રવેશ ગુજરાતી સાહિત્યના આધુનિક કાળના આરંભની સાથોસાથ થાય છે એટલે કે ગઈ સદીના સાતમા દાયકામાં. જોકે, સાચો કવિ કે ઉત્તમ કવિતા સમયના કોઈ નામકરણ કે વિભાગીકરણમાં બંધાતો નથી પણ એય સાચું કે તત્કાલીન પ્રવર્તમાન જુવાળથી પ્રભાવિત થયા વિના કોઈ કવિ રહી પણ શકતો નથી; છતાં, ઉત્તેજનાના ઘોંઘાટમાં પોતાનો આગવો અવાજ શોધી એની માવજત કરીને ટકાવી રાખવાનો પડકાર એ સ્વીકારી લેતો હોય છે. આધુનિકતાના પ્રવાહને વેગવંતો રાખનારા મુખ્ય કવિઓ સુરેશ જોષી, ગુલામમોહમ્મદ શેખ, લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્ચન્દ્ર, દિલીપ ઝવેરી આદિ વચ્ચે નીતિન મહેતા સભાનતાપૂર્વક, કવિતા પ્રત્યેની ઉત્કટ નિસ્બત સાથે આ પડકાર ઝીલે છે અને સમય જતાં એમાં સફળ પુરવાર થાય છે. આમ તો આધુનિક કવિતા સવિશેષ નગરકેન્દ્રી હતી છતાં તે સમયની કવિતા મુખ્યત્વે બે ધારાઓમાં વહેંચાઈ ગઈ હતી. ગ્રામ-કેન્દ્રી કવિતા ઘાસલ મેદાનોના ગાનની કૃતકતામાં, તો નગરકેન્દ્રી કવિતા નગરની યાંત્રિકતાના પ્રેમ/ધિક્કારને ષષ્ઠી વિભક્તિના અતિરેક અને ઉછીની અસંબદ્ધ અર્થશૂન્યતાની અભિવ્યક્તિમાં અટવાઈ ગઈ હતી. એ બન્ને ઘૂઘવતાં વહેણોમાં ‘હેઈશો’, ‘હેઈશો’ કરતા અનેક કવિઓ કૂદી પડ્યા હતા. બન્ને ધારાઓ પાસે એના નબળા કવિઓ હતા. એ ખળભળાટથી આઘા રહી, નિજી સંવેદના અને પોતીકા શબ્દ વચ્ચે સચ્ચાઈપૂર્વકનું તાદાત્મ્ય રચવાની કે તે માટેની મથામણ કરવાની બહુ ઓછા પાસે ધીરજ હતી. કેટલાક નિષ્ઠાવાન અલબત્તે પોતાની આગવી કવિ-ઓળખ ઊભી કરી શક્યા. નીતિન મહેતા એમના રચના-કાળના આરંભેથી જ આ બાબતે અત્યંત સભાન હતા. ગુણવત્તાનો આગ્રહ અને કવિતાની ઊંડી સમજ જ કદાચ પાંચ દાયકાની કાવ્ય-યાત્રા દરમ્યાન ઓછી સંખ્યામાં કાવ્યો લખવાના કારણમાં છે. એટલે ભલે આધુનિક કાળના મુખ્ય કવિઓ તરીકે અગાઉ કહ્યાં તે નામ વિશેષપણે લેવાતાં હોય, જેમનાં નામ અને કામને આદરપૂર્વક જોવામાં આવે છે, આવશે તેવા કવિઓમાં નીતિન મહેતાનું નામ અગ્રેસર છે. એમની સંવેદનાનું, એમની કવિતાનું ઋત નગરજીવનનું છે અથવા કહો કે મહાનગરી મુંબઈનું ભીંસભર્યું જીવન છે. મુંબઈ એમનું પોતીકું છે, હાડોહાડમાં છે; મુંબઈ પ્રત્યે એમને કોઈ ધિક્કારની લાગણી નથી કે એમની કવિતા આ નગરમાંથી ભાગી છૂટવાનાં વલખાં આલેખે કે નથી એમને આ મહાનગરની ઝાકઝમાળથી અંજાઈ જતો કોઈ અહોભાવ જેને એ ઘૂંટે. આ મહાનગરમાં ગોઠવાઈ ન શકતા છતાં એને પ્રત્યે તીવ્ર અનુબંધ રાખતા એક મધ્યમવર્ગીય મનુષ્યની સંવેદના-ભાષામાંથી એમને એમની કવિતા શોધવી હતી. એમનું લક્ષ્ય આ સંવેદનોનું આક્રોશહીન તેમ જ નિખાલસ નિરૂપણ હતું જે તે સમયે લખાતી ઢગલાબંધ કવિતાઓ કરતાં એમની કવિતાને જુદી પાડવામાં કારણરૂપ બન્યું. સ્વાભાવિક છે કે ગીત-ગઝલનો ઊર્મિશીલ અભિનિવેશ નગરકવિના મિજાજને ન પરવડે, એટલે એ અછાંદસ, ખરેખર તો ગદ્ય-કવિતા ભણી વળે છે. એક અભ્યાસનિષ્ઠ અધ્યાપક હોવાને કારણે ગુજરાતી કવિતાનાં ઇતિહાસ તેમ જ પરંપરાને સુપેરે જાણનાર આ કવિ એમની કવિતામાં એ વૈભવમાંથી હઠાત્‌ લગભગ કશું જ નથી લેતા. ન તો બાળવાર્તા/કાવ્યોના લય, ન તો મિથનું સાંપ્રતમાં નવેસરથી અર્થઘટન, ન તો પરિચિત પદાવલીઓ કે કલ્પનો... કશું જ નહીં! ભાષાવૈભવને આ કવિ સભાનતાપૂર્વક અળગો રાખે છે. એમનો રસ તો હતો મુંબઈના વિશિષ્ટ સાંપ્રતમાં, પરસ્પર ભળી જતી - ન ભળી શકતી જુદી જુદી ભાષાઓ-બોલીઓના લહેકાઓમાં, અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરતા માણસમાં. એમને રસ હતો એમની કવિચેતના પર અંકન પાડતા, કદાચ તો ઉઝરડા પાડતા મુંબઈમાં અને નહીં કે એમનાં અંગત મનુષ્ય-સહજ સંવેદનોને કે સંબંધોના અક્ષાંશ-રેખાંશ વ્યક્ત કરવામાં. સિવાય કે જૂજ કાવ્યો – જેની વાત આપણે આગળ કરીશું – એ એમના અંગત જીવનનાં કાવ્યો નથી લખતા. જવલ્લે જ જ્યારે આલેખે તો મુંબઈને લીધે જ શક્ય બને એવાં રૂપકો ખપમાં લે છે. એમને માટે આ નગર જ એક જીવતું-જાગતું પાત્ર છે જે એમને હંફાવી રહ્યું છે. આ એ જ મુંબઈ છે જે કવિ સિતાંશુ માટે છીંકોટા લેતા રીંછ, જડબું ફાડતા હિપોપોટેમસ જેવું – હિંસ્ર, ખૂનખાર, લડાયક અને આક્રમક છે તો કવિ નીતિન મહેતા માટે મુંબઈ એક કાચીંડો – કાચીંડો તે જ આ શહેર (એક પત્ર) – હજુ તો જુઓ જુઓ ત્યાં તો રંગ-રૂપ બદલીને એનાં સ્વપ્નોને રગદોળતું, ભીંસતું, સ્વ-ઓળખને ભૂંસતું, મધ્યમવર્ગીય હાડમારીમાં પીડતું, એક જ વખતે ગોઠતું - ન ગોઠતું. નિરંતર બદલતા રંગો દ્વારા આ નગર બધું, બધું જ તળેઉપર કર્યા કરે છે. આમ વૈયક્તિક માનવીય સંબંધો અને સંવેદનો કાવ્યલેખન માટે જાણે મહત્ત્વનાં નથી! આ કવિ નગરજીવનની પીડા-એકલતા-યાંત્રિકતા-ઉદાસીને સૂક્ષ્મ રમૂજ અને મુંબઈની મરાઠી-હિંદીમિશ્રિત બોલચાલની ભાષાના નિરાડંબર વિનિયોગ દ્વારા અને મુંબઈના ઓળખી શકાય તે પરિવેશને કવિતામાં લાવી, વેધક રીતે વ્યક્ત કરે છે. ક્યારેક છેતરામણી-સરળ ભાષા તો ક્યારેક અનપેક્ષિત ઇન્દ્રિયવ્યત્યયો એમની કવિતાનું ચાલકબળ બને છે. કવિતાની ભાષા કલ્પનો-પ્રતીકોના ભારથી મુક્ત રહી સરળ બાનીમાં વહે છે. અલબત્ત એનો અર્થ એ નથી કે આ કવિતાઓ સરળ છે. આધુનિક કાળનો જુવાળ ઓસરે છે અને તજ્‌જ્ઞો અનુ-આધુનિકના આગમનને વધાવે છે તે વર્ષોમાં ભારતીય તેમ જ વિદેશી વિવેચનના સિદ્ધાંતો-મીમાંસાના ગહન અભ્યાસને કારણે નીતિન મહેતાનું કાવ્યલેખન વધુ ધીમું પડે છે પણ એમની અનન્ય કાવ્યપ્રીતિ અને સમજનાં એ અવારનવાર પ્રમાણ આપતા રહે છે. કવિતાના બદલાતા અંતઃસત્ત્વમાં જો સાતત્યપૂર્વક જળવાઈ રહે છે તો તે છે કવિ અને મનુષ્ય-ચેતનાને નિરંતર મરણની મુખોમુખ રાખતું એમનું કાવ્ય-પ્રયોજન. એમની કવિતાનાં બાહ્ય કલેવરો આઘાં કરતાં જ સહૃદય ભાવકને મરણના ઓછાયામાં ઘેરા વિષાદનો, તીવ્ર કરુણનો અનુભવ થયા વિના નથી રહેતો. ‘નિર્વાણ’ સન ૧૯૮૮ (સંવર્ધિત આવૃત્તિ મરણોત્તર, સન ૨૦૧૨)માં પ્રગટ થાય છે. કાવ્યલેખનના આરંભ પછી લગભગ બે દાયકે આ કવિ એમનો પ્રથમ કાવ્યસંગ્રહ આપે છે! કવિપદવાંછુ ન હોય તે જ આવો સંયમ જાળવી શકેે. આરંભમાં એમણે મૂકેલી નોંધમાં, કેટલા ઓછા શબ્દોમાં એ કવિતા-અસ્તિત્વ-ભાષા બાબતની સ્પષ્ટ સમજ, એમની સાથેનો પીડાદાયક સંબંધ પ્રગટ કરે છે. કવિની આ ભૂમિકા સમજાય તો એમની કવિતાના મર્મ પકડી શકાય. કવિતાની પ્રક્રિયા સંકુલ છે. તેનાં સન્દર્ભો અને અર્થઘટનો સમયે સમયે નવા વાસ્તવ રૂપે આપણને મળે છે. દરેક કાવ્ય અપૂર્ણ છે એટલે તો બીજી રચના તરફ વળીએ છીએ. દરેક કવિતામાં કવિનું મૃત્યુ થાય છે અને ભાવનમાં દરેક કવિતા ફરીથી પ્રગટે છે. કવિતા કવિનો અસ્તિત્વલેખ છે. વાસ્તવ અને અસ્તિત્વ વારંવાર રચાય છે, છેકાય-ભૂંસાય છે. આ જ વાસ્તવ સાથેની અસ્તિત્વની ભાષાકીય મથામણ. એક જ શબ્દને, પદાર્થને, વસ્તુને કેટકેટલી રીતે, કેવા કેવા સન્દર્ભોમાં, કેવા ભાષાકીય વાસ્તવ વડે પ્રયોજી શકાય – આ કવિની મથામણ છે. જ્ઞાન અને અસ્તિત્વ બંને શા માટે પીડા આપતાં હશે? વેદનાભર્યો ઉઘાડ આપતાં હશે? આનું સત્ય જાણી શકાયું નથી પણ આ અનુભવ ચુપકીદી ભરેલી બપોરે એકલો બનાવી દે છે. કાવ્ય લખાયા પછી પણ આ મથામણ તીવ્ર બને છે. શબ્દો પુનરાવર્તન પામતા નથી, પડકાર રૂપે મળે છે. અંદરનાં ઊંડાણ, મંથન, આનંદ, રઘવાટ ને બેફિકરાપણું અનેક રૂપે ઉગાડે છે. જ્ઞાન અને અસ્તિત્વ શા કારણે પીડા કે વેદનાભર્યો ઉઘાડ આપતાં હશે એ પ્રશ્ન અનુત્તર રહેવાના છે એ જાણવા છતાં કવિ આ પ્રશ્નોના ઉત્તર શોધવામાં પ્રવૃત્ત થાય છે, અને લખવું, લખાવું ને છેકાઈ જવું-ની નિયતિને સહર્ષ સ્વીકારી લે છે. અંતે કહે છેઃ લખવું, લખાવું ને છેકાઈ જઈ ફરીથી શબ્દને સમજવાની આરતભરી, આશ્ચર્યભરી મથામણની આ યાત્રા એકલાની જ હોય છે. કવિતા હોય જ. લોહીમાં. અહીં. આ ક્ષણે. કવિ નીતિન મહેતાની આ નોંધને આધારે, ભાવક કેવી કાવ્યસૃષ્ટિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે તેનો અંદાજ બાંંધી શકે છે, એકલતાની યાત્રાનો સહયાત્રી બની શકે છે, લોહીમાં કવિતાનો અનુભવ લેવા ઉદ્યમી બની શકે છે. એમના ખૂબ જાણીતા કાવ્ય ‘એક પત્ર’માં એકલતા-ઉદાસીના બયાનથી આ યાત્રા આરંભાય છેઃ

હું શબ્દોથી વિશેષ કશું લંબાવી નથી શકતો તારી તરફ. તારો નીતિન પણ આ શહેરમાં બોલતો, કોલ્ડ કૉફી પીતો, જૅઝ સાંભળતો ઉદાસ હસે છે. ઇમોશનલી ઇર્‌રૅશનલ થઈ ગયો છે એ. વધુ પૂછીશ તો કહીશ ટ્રેન બની આવ-જા કરું છું અહીંથી ત્યાં. તારે મને યાદ ન આવવું. (‘એક પત્ર’)

કાવ્યરસિકોને આ ગદ્યકાવ્યની પંક્તિઓ કોઈ ગીત-ગઝલની જેમ કંઠસ્થ છે. પત્ર છે એટલે નક્કી જ કોઈ પ્રિયને સંબોધન છે; પણ જોડનારો અથવા તો ન જોડી શકતો તંતુ આ શહેર છે, શહેરને કારણે અનુભવાતી એકલતા છે, ઇમોશનલ ઇર્‌રૅશનલિટી છે. તારે મને યાદ ન આવવું - આપણને ઉદાસ કરી મૂકે છે, કાચની કચ્ચર થઈ ભોંકાય છે, પીડે છે.

મુંબઈના કવિ કવિતામાં લોકલ ટ્રેન અને દરિયો ન લાવે તો જ નવાઈ! આ બન્ને એમની કવિતામાં છેક લગી આવ્યા કરે છે. ‘દરિયો’ શીર્ષકનાં તો ત્રણ કાવ્યો છે. ટ્રેન અને દરિયાને કારણે મુંબઈના રહેવાસીનો શહેર સાથેનો સંબંધ અમદાવાદ કે વડોદરાવાસી કરતાં લાક્ષણિક રીતે જુદો જ રહેવાનો. લોકલ ટ્રેનનાં દૃશ્યો, ગુજરાતી-મરાઠી-હિંદીની સેળભેળવાળા સંવાદો, એકમેક સાથેની ખેંચતાણ-ચડભડ, અડોઅડ ભીંસતા પણ પરસ્પરથી જોજનો દૂર – અજાણ્યા જ રહેતા નગરવાસીઓની વેદનાને બોલચાલની ભાષામાં અભિવ્યક્તિ, અટકતી, અટકીને એકાએક શરૂ થઈ જતી - વેગ પકડી લેતી ટ્રેનની ગતિનો અનુભવ કરાવે છે. માનવીય સંબંધો જેટલો જ સાચો, મહત્ત્વનો છતાં છેતરામણો ટ્રેન સાથેનો સંબંધ છે.

પ્રિયે
તું અને ટ્રેન બંને
ઘણી વાર તો સાથે જ
યાદ આવો છો
વિચારું છું
સવારે નવ ને એકવીસની
બડા ફાસ્ટ સમયસર તો હશેને? (‘ટ્રેન વિષે’)

પ્રિયની સ્મૃતિ અને નવ ને એકવીસની બડા ફાસ્ટની ચિંતા કાવ્યનાયકના ચિત્તમાં એકી સાથે ઝબકે છે. આને મનુષ્યનું દુર્દૈવ કહો, અસહાયતા કહો, કરુણતા કહો – કહેવું હોય તે કહો પણ કાવ્યનાયક માટે કે મુંબઈજન માટે આ અતિ સામાન્ય, સ્વાભાવિક અને સહજ સ્થિતિ છે. એના જીવનનું ફિલોસોફિકલ સત્ય પણ ટ્રેનના પ્રતીકમાં જ સાંપડે છેઃ

જ્યાં સ્મૃતિ નથી ત્યાં સુખદુઃખ નથી
તે સત્યનું બીજું નામ ટ્રેન છે. (‘ટ્રેન વિષે’)

આ યાંત્રિકતાની ભીંસ વધે ત્યારે કવિના ઉદ્‌ગાર છેઃ ‘‘મને માણસ થવાની ચીડ ચડે છે, બીક લાગે છે, થાક લાગે છે.’’ એમની આવી ફરિયાદો જૂજ જ છે; એમને માટે તો જીવન અને સર્જનાત્મક કાર્ય એક યાત્રા છે અને કવિએ-મનુષ્યે એમાં ચાલતા રહેવાનું છે. આ સંદર્ભ એમની કવિતામાં વારંવાર આવે છે. આ રઢ અને આ રટણ, આવા ક્યારેક જ ઊઠતા ફરિયાદી સૂરને ચૂપ કરી દે છે. એક જ વિષયને નીતિન મહેતા એક જ રીતે આકારતા નથી; ઊલટું એમને વિવિધતા રચવાનો અવકાશ મળી રહે છે. ક્યારેક અરૈખિક ગતિ દ્વારા પરિચિત તર્કને તોડીમરોડી નાખે છે અને ભાવક માટે પણ એક અવકાશ રચાય છે (સંદર્ભ : ‘યાત્રા’). અહીં નાયક અનેક સ્તરે એકી વેળાએ છે. આમ કરીને સમયની અને મનુષ્યની અર્થશૂન્યતા ઊભરાવી આપે છે. ‘અનંત યાત્રા’માં કવિ વધુ સરળ, વધુ સહજ અભિવ્યક્તિનો આધાર લે છે. અહીં આધુનિક માણસનું કરુણ બયાન છે, એની નિયતિનું – એની નિર્વિકલ્પ નિયતિનું – બયાન છેે. શ્વાસ લેવા પૂરતો અવકાશ પણ આ કાવ્ય નથી આપતું. આવી વેગભરી ગતિ નાયકના અંકુશમાં નથી છતાં એ હિંમત એકઠી કરીને પ્રશ્ન પૂછે છેઃ ‘વૃક્ષ થાઉં તો?’ પણ આટલું બોલે ત્યાં તો સણસણતો જવાબ મળે છે – ‘કાપીશ’. ડાળ પર વિરામ લે તો ગબડાવવાની ધમકી મળે છે. ઓડિસ્યુસ બનીને દરિયા ખેડે કે સિસિફસ બનીને પહાડની ટોચેથી પથ્થરો ગબડાવે એની નિયતિ પણ એ જ છે કે એને ઘર નહીં મળે!

માગ માગ તે આપું
ઘર
નહીં મળે
બીજું માગ તે આપું
અને કાવ્યાંતેઃ


ચાલ ચાલ ચાલ
હવા વીંઝતો ચાલ
પહાડ પહેરી ચાલ
સમુદ્ર બાંધી ચાલ
ચાલ ચાલ ચાલ
ઘર પાસે ચાલ
ઘરની બહાર સદા ચાલ
ચાલ ચાલ ચાલ ચાલ

નાયક પ્રતિકાર કરે છે, ‘ન ચાલું તો?’ એને તત્ક્ષણ કહેવામાં આવે છે કે ચાલવું એની, મનુષ્યમાત્રની નિયતિ છે. આ રઝળપાટ સ્થળ-કાળને વટાવી જતી અનંત યાત્રાની વેઠ એની નિયતિ છે. ઘર આવે, મળે તો અંદર ન જવાનું ફરમાન છે! ચાલ ચાલ ચાલ ચાલ – કોઈ અંતિમ ઉત્તર નથી જે એના જીવનનો કોયડો ઉકેલી આપે. કોઈ ગંતવ્ય નથી જ્યાં એની યાત્રા પૂરી થાય. એને જરા સરખો જંપ નથી. આ કાવ્યનો ગતિશીલ લય ભાવકને પણ જરા અમથો જંપ લેવા નહીં દે. સહૃદય આ કવિતાને મોટેથી વાંચીને ખાતરી કરી લે, એના હૃદયદ્રાવક કરુણનો અનુભવ કરી લે! નીતિન મહેતાનાં કાવ્યોમાં, આ યાત્રા-કાવ્યોમાં છે એવું પરસ્પર સૂક્ષ્મ સંધાન જોઈ શકાય છે. શાપિત માણસમાં મને માણસ થવાની ચીઢ ચડે છે કહેનાર કવિ એ જ એ કાવ્યમાં કહે છેઃ

મારી પાસે વાત કરવા જેવું કશું નથી
હું એક જ લૉકમાં
નંબરોવાળી ચાવી માત્ર ફેરવ્યા કરું છું
મારી પાસે વાત કરવા જેવું મારું કશું નથી

અઢળક વાતો કરતા, કર્યે જ રાખતા આપણી પાસે ખરેખર વાતો કરવા જેવું કંઈ છે? આ પ્રશ્નનો મુકાબલો હચમચાવી મૂકે એમ છે. વસૂકી ગયાં છે સંવેદનો, વસૂકી ગઈ છે ભાષા અને એનો સામનો કરવાની હામ ન હોઈ આપણે વાતો કર્યે રાખીએ છીએ. પસંદગી અને વંચના નીતિન મહેતાની લાક્ષણિકતાને વ્યક્ત કરતાં કાવ્યો છે. નગરજનને સતાવતા મહા-પ્રશ્નો છેઃ

પ્રશ્નો તો ઘણા થાય
સાલ્લું આપણાં ફલાણાં-ઢીંકણાંનું શું થશે?
કાલે ૯.૩૫ની ફાસ્ટ ટ્રેનમાં જગ્યા મળશે કે નહીં?
આ વખતે રૅશનિંગમાં કેવા ચોખા મળશે?
બાજુવાળા મનુભાઈની દીકરીનાં
લગ્નમાં શું આપીશું? (‘ભાવ-પ્રતિભાવ’)

કવિ માટે પ્રશ્નો ઉમેરાય છે. સૌંદર્યશાસ્ત્ર, ફિનોમિનોલૉજી, ડી-કન્સ્ટ્રક્શન, માર્ક્સ, ગાંધી, દેરિદા, માર્લો પોન્તિ, રોલાં બાર્થ સાચા અને સાથોસાથ સાચુંઃ

નાખી દીધા જેવી વાતમાં
ઘણી વાર મૂંઝાઈ જવાય છે
કાલે મહેમાન ઘરે છે
તો કેટલું દૂધ લેશું? (‘દ્વિધા’)

કવિતા અને અસ્તિત્વ વચ્ચે દ્વિધા થાય છે. આ કાવ્યથી નીતિન મહેતાની કવિતામાં એમના અભ્યાસના, એમના રસના વિષયો અને પ્રિય-સમર્થ લેખકો એમની કવિતામાં પલાંઠી વાળીને બેસી જાય છે. આ અતિથિઓને ત્યાર પછીનાં કાવ્યોમાં પણ અવારનવાર આસન આપે છે. મૃત્યુ કાવ્યની વાત કર્યા વિના નિર્વાણની વાત પૂરી ન થાય. મરણ અચાનક આપણામાંના એકને ગળેથી ઝાલી, શ્વાસ રૂંધી, ‘હાઉકી’, ‘હું આ રહ્યું’ એવું પોકારી પોતાની હાજરી પુરાવે છે ત્યારે આપણે હેબતાઈ જઈએ છીએ. ભીતર વસતા મરણને નીતિનભાઈ બહુ નાની વયે ઓળખી ગયેલા પણ એમણે એની સાથે દોસ્તી બાંધી લીધેલી. છેક ૧૯૭૩માં (એમની ત્યારે વય ૨૯ વર્ષની) લખેલા કાવ્યમાં એ કહે છેઃ

હું મરણ પામું તે પહેલાં મને
કેટલાક રોગ થાય તો
મને ઘણું જ ગમે (‘મૃત્યુ-૧’)

એમનો ભેરુ મરણ છેક ૨૦૦૫ (‘એક રચના’, ‘અનિત્ય’)માં પણ એમની કવિતામાં પ્રવેશી કવિ પાસે ચીજવસ્તુઓ, મિત્રો, સ્મૃતિના ઇતિહાસ, કાગળ, શબ્દ અને કવિતા – બધાંની વિદાય લેવડાવે છે. ૧૯૭૩માં થયેલી દોસ્તીનો પહેલી જૂન ૨૦૧૦ના અનપેક્ષિત અંત આવે છે.

હવે
ત્રુટક ત્રુટક
શ્વાસ
પાંગતે મૂકી
ખોડંગાતી દૃષ્ટિ સાથે
હું તો આ ચાલ્યો (‘એક રચના’, ‘અનિત્ય’)

‘નિર્વાણ’નાં કાવ્યોમાં પ્રચ્છન્નપણે વહ્યા કરતો આ વિષાદ-સૂર સહૃદય ભાવકને વ્યથિત કર્યા વિના નહીં રહે. પ્રસ્તાવના-સમેત બીજા સંગ્રહ ‘અનિત્ય’ની હસ્તપ્રત નીતિન મહેતાએ એમની હયાતી દરમ્યાન તૈયાર કરી હતી. દુર્દૈવે એનું પ્રકાશન મરણોત્તર, ૨૦૧૪માં થયું. આરંભમાં કવિએ કેટલાંક મહત્ત્વનાં નિવેદન કર્યાં છે. ‘નિર્વાણ’ની નોંધના ઘણા મુદ્દાઓ સાથે એ અનુસંધાન પામે છે, વિસ્તરે છે અને અડધી સદીના કાવ્યસર્જનની પ્રક્રિયા તેમ જ વિભાવના એમાં વધુ સ્પષ્ટ કરે છે. કવિ હંમેશાં ભાષાને માર્ગે રહી અસ્તિત્વનાં અનેક સંવાદી-વિસંવાદી તત્ત્વોને સમજવાની મથામણ કરતો હોય છે. સર્જક આખરે તો લખતાં લખતાં લખાતો હોય છે. છેકભૂંસ, વિકલ્પો, દ્વંદ્વ, વાસ્તવ, જીવન, મનનાં ન સમજાતાં વિશ્વોમાં એની આવજા ચાલ્યા કરતી હોય છે. ભાષા અને અનુભવ જુદાં નથી. આ યાત્રા આમ તો એકલાએ, પોતાની ગરજે, પોતાની ભાષા માટેની નિસ્બતથી કરવાની છે. ઓછું લખવાનું કે લોકપ્રિય ન હોવાનું ગરીબડું ગૌરવ પણ નથી. ભાવકસાપેક્ષ કવિતાના માર્ગે એકલા એકલા જ ચાલવાનું હોય છે. સ્વીકાર કે અસ્વીકાર કશા માટે વૈરાગ્યભાવના કેળવી નથી. સર્જકતા અનેક જગ્યાએ છે. રૂમમાં ફ્‌લાવરવાઝ ક્યાં મૂકવું, ડાઇનિંગ ટેબલ કેમ ગોઠવવું વગેરે વગેરે જીવનની અનેક સંરચનાઓમાં છલોછલ સર્જકતા છે, તેથી કવિ કોઈ વિશિષ્ટ દરજ્જો ધરાવે છે એવું નથી. સમકાલીન કવિઓ જેવા શ્રેષ્ઠ થવા માટે એમના જેવું તો નથી જ લખવું, એમના પ્રભાવમાં ન આવવું એવો મન સાથે આગ્રહ પણ વણાયેલો રહ્યો છે. આ સર્જકોની કવિતાનો આદર જરૂર કરીએ, એમાં દિલચોરી નહીં. અમુક જ કલ્પનો, પ્રતીકોમાં કામ કરવું, કથન ને નાટ્યતત્ત્વના પલટાઓ આવે, ભાષા સાથે ક્યાંક ઝીણું નકશીકામ થાય, સરળ બાની, વિનોદ ને વ્યથા એકસાથે ગૂંથાતાં આવે એવી કવિતાની ડિઝાઇન રચવાનું ગમ્યું છે. આવી સ્પષ્ટ સભાનતા અને ઊંડી સમજણ એમની એક સ્વસ્થ, નિઃસ્પૃહ કવિ-છબિ રચે છે અને કવિતાના આનંદની સાથોસાથ ભાવકની સાહિત્ય-રુચિનો વ્યાપ વિસ્તારે છે. ‘અનિત્ય’નાં ઘણાં કાવ્યોનાં પગેરાં ‘નિર્વાણ’માં મળી શકે એમ છે, પણ દરેક નવા કાવ્યમાં કાવ્ય-વર્તુળની ત્રિજ્યા લંબાઈ છે અને પરિણામે વ્યાપ વિસ્તર્યો છે! કવિ હવે એમના વ્યાપક અભ્યાસ-અધ્યયન અને દેરિદા, ફૂકો, માર્લો પોન્તિ જેવા સમર્થ વિચારકો સાથે એમની સર્જકતાનો તાળો મેળવતા રહી, પોતાની મૂળભૂત ભૂમિ છોડ્યા વિના કાવ્યલેખન કરી રહ્યા છે. દરમ્યાન એક ઘટના બને છે. કવિ મુંબઈની અધ્યાપન-નોકરી છોડીને, ઘર છોડીને, બધું સમેટીને વડોદરા સ્થાયી થવા જાય છે; પણ થોડાં જ વર્ષો ત્યાં વસી મુંબઈ પાછા ફરે છે. હવે આ શહેર બદલાઈ ગયું છે. ફરી એકડો ઘૂંટવાનો આવે છે બદલાવથી એ ગૂંચવાય છે પણ સાલસ, નિખાલસ વ્યક્તિને કોઈ ફરિયાદ નથી. એ તો સ્વ-વિડંબના કરીને, રમૂજ ઉમેરીને Nothing is funnier than unhappiness – એ બેકેટની ઉક્તિને સાર્થક કરવા unhappinessને funny કરી દે છે. ના પાડી હતી તો પણ ગયો ને – કાવ્યમાં ફરી ટ્રેન-દરિયો છે, મુંબઈની વિશિષ્ટ બોલીઓ છે પણ સ્થળ-સમયના બદલાવની સભાનતા ચૂકાતી નથી. કોમી અને માસમીડિયાના આક્રમણે નગરવાસી અને નગરના ચહેરે ઉઝરડા પાડી દીધા છે. ઉપરાંત કવિ પણ ક્યાં હતા તેવા રહ્યા છે? પાછા ફર્યાની હતાશા અને ચોમેરથી વરસતાં મહેણાં-ટોણાં વચ્ચે આ બદલાઈ ગયેલા મુંબઈ સાથે મેળ પાડવાનો છે. અંગત વેદના અને નગરની આબોહવાના તાણાવાણા વીંટળાય છે. કાવ્યમાં ન બોલાયેલી આ બન્ને વેદનાઓ આપણે સાંભળી શકીએ છીએ. પછીનું કાવ્ય ‘કેમ ફાવી ગયું ને’ (અહીં સમાવિષ્ટ નથી) પહેલા કાવ્યનું જ વિસ્તરણ છે. કવિતાએ કવિતાએ વધતા જતા વ્યાપની અગાઉ વાત કરી તેનાં આ કાવ્યોમાં પ્રમાણ મળતાં રહે છે. એક તરફ મરણનો વધુ નિકટથી અનુભવ અને બીજી તરફ લખાઈને ભૂંસાવાની વેદના નીતિન મહેતાને એમના સમકાલીનોથી જુદા પાડે છે. ‘અનિત્ય’માં પોતાના પિતાને વિશે અને પુત્ર વતી લખેલાં કાવ્યો અતિ વિલક્ષણ અને હૃદયસ્પર્શી છે, તેમાંય પુત્ર વતી લખેલું કાવ્ય તો અનન્ય છે! નીતિન મહેતાના જ નહીં પરંતુ ગુજરાતી કવિતા માટે આ ગૌરવવંતાં કાવ્યો છે. ક્યારેય કોઈ પ્રતિકાર ન કરતા અસહાય પિતા સાથે કવિ પોતાની વિવશતાને જોડે છે તો પુત્રનાં સંવેદનોની એ માત્ર કલ્પના નથી કરતા, પરંતુ કાવ્યની ક્ષણે પિતા જ પુત્ર હોય ત્યાં સુધીનું તાદાત્મ્ય અનુભવે છે! આ લખવાની ક્ષણે કવિ પોતે જ પુત્ર થઈને કવિ-પિતાને જોઈ રહે છે. પિતા-પુત્રની આવી ઋજુ વેદના આપણને ઘેરા વિષાદમાં ગરકાવ કરી દે છે.

મોડી રાતે ઑફિસેથી આવું
ત્યારે તમે કંઈક વાંચતા હો,
કે આંખમાં ટીપાં નાખી / અંધારામાં બેઠાં બેઠાં સંગીત સાંભળતા હો
પણ મને પાણી આપવાનું ક્યારેય ભૂલો નહીં, ચૂપચાપ.
...
ક્યારેક હું અકળાઉં,
ક્યારેક તમારે ખભે હાથ મૂકી
કહું કે હવે સૂઈ જાવ,
તબિયત બગાડશો.
તમે માત્ર માથું હલાવો, ચૂપચાપ.
અગાઉ કાવ્ય-વિષય રહેતા નગરને બદલે હવે ઘડિયાળમાં ન પકડાતો સમય અને આસપાસ નિરંતર દેખાતાં માંદગી-મરણ વારંવાર કાવ્યમાં પ્રવેશ કરતાં રહે છે અને નીતિન મહેતાની કાવ્ય-યાત્રા નવા મુકામો ભણી આગળ વધે છે.
દવાઓથી શ્વાસને
ટાંકાઓ મારવાનું ક્યાં સુધી ચાલશે ડૅાક્ટર?

કે

ચાલ બહુ થયું
હવે ભાષા વિનાના પ્રદેશમાં
પહેલાં હું પહોંચું
તું શું છે એ જાણવા
તને થોડો સમય મળી રહેશે

આમ ‘અનિત્ય’નાં મોટા ભાગનાં કાવ્યો મરણના ઓથાર નીચે લખાયાં છે. ભાષા વિનાના પ્રદેશમાં પહોંચવાની જાણે ઉતાવળ છે. આ એમનું વૈયક્તિક કે આધ્યાત્મિક નહીં પણ કાવ્યાત્મક સત્ય છે! એનો દાબ આપણને વ્યથિત કરી મૂકે છે. નીતિન મહેતાનાં કાવ્યો અથથી ઇતિ સુધી લાગણીવેડથી, અરે, ઊર્મિલતાથીય અળગાં રહી, ઉદાસી ને એકલતાનો ભાવ ઘૂંટ્યા કરે છે; કોઈ ઘોંઘાટ કર્યા વગર. તો બીજી તરફ, એ જ શબ્દનો સંગ જ એમને જંપ પણ વળવા દેતો નથી. છેક ૨૦૦૭માં પણ કવિને આમ જ કહેવું છેઃ

દરેક લખાણ પછી
શબ્દો કેમ અજાણ્યા બની જતા હશે? (‘એક રચના’)

ગુજરાતી ગદ્ય-કવિતાને સમૃદ્ધ કરતું નીતિન મહેતાનું કાવ્ય-કર્મ અનોખું છે. એ ઓછું લખવાના કે લોકપ્રિય ન હોવાના ગરીબડા ગૌરવમાં પણ નથી રાચતા અને અન્ય સર્વ પ્રલોભનોથી નિર્લેપ રહી, પોતાની શરતે કાવ્ય-સર્જન કરતા રહે છે. શબ્દના સંગથી એમની એકલતાનું જતન કરતા રહે છે. દરેક લખાણ પછી, ફરી શબ્દો અજાણ્યા બની જાય છે તે કવિનું તેમ જ ગુજરાતી ભાષાનું સદ્‌ભાગ્ય છે. આ ચયન સહૃદય ભાવકોને એમના બન્ને કાવ્યસંગ્રહો સુધી લઈ જાય એ શુભેચ્છા!