પન્ના નાયકની કવિતા/આવજો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૯. આવજો

માને ઘેરથી પાછી ફરતી
દીકરી
માના ઘરના ફરતા બગીચાને
બગીચાના જૂઈ જાઈ પારિજાતને
પારિજાત પાસેના ઊંચે ઊંચે હિલોળા લેતા આસોપાલવને
આસોપાલવના છાયામાં રમતા ધોળા કબૂતરને
કબૂતરની ધોળી ધોળી પાંખોમાં
દિવસે સમાયેલા ને સાંજે ખંખેરાયેલા આકાશને
આકાશે વરસાવેલા ધોધમાર વરસાદને
વરસાદમાં ન્હાઈને લીલાંછમ થયેલાં ઘાસનાં તરણાંને
તરણાં સાથે કિરણોથી રમતા સૂરજને–
સૌને
હાથ ઊંચો કરીને આવજો કહે છે.
હું પણ
ઘેર પાછી ફરતી વખતે
એમ જ...