પન્ના નાયકની કવિતા/બે શહેર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૭. બે શહેર



મુંબઈ કરતાં વધુ વરસો
ફિલાડેલ્ફીઆમાં ગાળ્યાં હોય
તોય
મુંબઈ રખે માને
કે
હું એને ભૂલી ગઈ છું
કે
હું એને હવે ઓછું ચાહું છું.

મુંબઈ મારી જન્મભૂમિ છે
અને એણે જે આપ્યું છે
તે
મારી અકબંધ મિરાત છે
જેને સાચવીને રાખી છે
મેં હૃદયના
એક
ખૂણામાં.
ફિલાડેલ્ફીઆનાં
અતિશય વહાલાં
ચેરી બ્લોસમ્સ
અને
ડૅફોડિલ્સનું મહત્ત્વ
આંખોમાં અંજાયેલા
અંધેરીના ગુલમહોર જેટલું જ છે.

અહીં બારે માસ વરસતો વરસાદ
મને સતત યાદ કરાવે છે
મુંબઈના પ્રથમ વરસાદથી
પમરી ઊઠતી ધરતીની ધૂળની.
ત્યાં સ્નો નથી પડતો
પણ સતત ઝંખના તો હતી
વરસતો સ્નો જોવાની.
અહીં પડતો
હબસીઓના દાંત જેવો સ્નો
મારી પાસે કવિતા લખાવે છે.

મુંબઈની જેમ અહીં ફિલાડેલ્ફીઆમાં
માણસો રસ્તા પર દેખાતા નથી.

ત્યાંના જેવી ગિરદી
ટ્રેન પર લટકતી નથી.
રસ્તા પર
અને
મકાનોને ખૂણે
પાનની પિચકારીઓ દેખાતી નથી.

ટ્રાફિક લાઇટ પર
ગાડીની આજુબાજુ
સ્ત્રીની કાખમાં બેસાડેલાં
ક્યારેક વેચાતાં છોકરાં
જોવા મળતાં નથી.

અહીં
કેટલુંક સભ્ય સભ્ય છે તોય
ગરીબાઈ નથી એવું નથી.

શુક્રવારે સવારે મૂકેલી
ગાર્બેજ બૅગ ફંફોસતા
હોમલેસ માણસને
મેં
મારી બારીમાંથી અવારનવાર જોયો છે.
અહીં મિનિમમ વેજમાં
કામ કરતા માણસો પણ છે
જેના બૅકયાર્ડમાં
બગીચો તો શું
કોઈ વૃક્ષ પણ નથી.
અને રડ્યુંખડયું વૃક્ષ હોય
તો
એના પરથી
ડોલર્સનાં ફળોનો ફાલ ઊતરતો નથી.
અહીં
સવારસાંજ
દિલ બહેલાવી મૂકે એવો
કોયલનો કલશોર સંભળાતો નથી.
અહીં
પંખીઓ એવાં તો ટ્રેઇન્ડ થયેલાં છે
કે
દાણા ચણવા મૂકેલા
બર્ડ ફીડરમાંથી
નિયત સમયે
દાણા ચણીને ઊડી જાય છે.
અહીંનાં મકાનોની આજુબાજુ
લોનમોઅરથી
વ્યવસ્થિત ટ્રિમ કરેલી લોનમાં
સવારસાંજ
માળી નહીં
પણ
સેટ કરેલા સમયે
વોટર સ્પ્રિન્કલર પાણી છાંટે છે.

અહીં
વરસોવાનો દરિયો નથી.
છે શહેરની વચ્ચોવચ્ચ
બારે માસ કાંઠા છલકાવતી
સ્ક્યુલકીલ નામે નદી.
નદીમાં
સ્વાભાવિક રીતે તરતી
નૌકા નથી
એટલે નથી જ નથી ઊપસતું
સમીસાંજે ગીતો ગાતાં ગાતાં
ઘેર જતો હોય એવા નાવિકનું ચિત્ર.

અહીં
ટૅક્સીઓ છે
પણ
મુંબઈનો પીળો ઘોંઘાટ નથી.
ઉનાળામાં
મુંબઈ જેવો જ ઉકળાટ કનડતો હોવા છતાં
ઍરકન્ડિશનરો એને ગળી જતાં હોય છે.

ફિલાડેલ્ફીઆ આવી
તે દિવસોમાં
મેં કહેલું
કે અહીં બધું જ છે છતાં કંઈ જ નથી.
શક્ય હોય તો
આ વાક્ય પાછું ખેંચી લેવું છે.

મુંબઈ જેટલું જ
આ ફિલાડેલ્ફીઆ
મારું પ્રિય પ્રિય શહેર.

મારા હૃદયમાં એકીસાથે શ્વસે છે
બે શહેર–
મુંબઈ અને ફિલાડેલ્ફીઆ...