પન્નાલાલ પટેલ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/પન્નાલાલ પટેલ-૬
૬
‘રચના અંગે બદલાતા ખ્યાલોમાં પાંચકા, દસકા, બે દસકા પછી પણ જો પ્રત્યક્ષીકરણ – અને તે પણ માનવી હૃદયની લાગણી અંગેનું પ્રત્યક્ષીકરણ, એનું કથનકલામાં સ્થાન હશે તો પન્નાલાલ જેવા કલાકારને જરીકે સોસાવું નહિ પડે.’
– ઉમાશંકર જોશી
(‘સંસ્કૃતિ’, ફેબ્રુ. ૧૯૭૩)
અગાઉના પાંચ ખંડકોમાં પન્નાલાલના જીવનની સંક્ષિપ્ત રૂપરેખા, તેમની સર્જકતા અને વાર્તાકલાની વિશિષ્ટતાઓ, તેમની મહત્ત્વની નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ અને લઘુનવલોની કંઈક વિસ્તૃત અને બાકીના સાહિત્યની ટૂંકી સમીક્ષા, એમ તેમના વ્યક્તિત્વ અને વાઙ્મયનો આપણે અલગ અલગ બાજુએથી પરિચય કર્યો. સમાપનના આ છેલ્લા ખંડકમાં તેમની સર્જકપ્રતિભાનું સમગ્રલક્ષી દર્શન કરવાનો ઉપક્રમ છે.
આપણે જોયું કે, નવલકથા, ટૂંકી વાર્તા, નાટક, આત્મકથા અને ચિંતનગ્રંથ – એમ જુદાં જુદાં ક્ષેત્રોમાં તેમની કલમ ચાલતી રહી છે. પણ તેમનું જે કંઈ ઉત્તમ ગણાયું છે, તે તો મોટે ભાગે જાનપદી જીવનની નવલકથાઓ અને વાર્તાઓમાં, અને તેય વધુ તો તેમની કારકિર્દીના પૂર્વ તબક્કાની રચનાઓમાં પ્રાપ્ત થયું છે. તેમની ઉત્કૃષ્ટ કૃતિઓની આગલા ખંડકોમાં આપણે વિગતે ચર્ચા કરી છે. એટલે તેનો ફરી કરીને ઉલ્લેખ કરવાની જરૂર નથી. પ્રસ્તુત મુદ્દો એ છે કે પન્નાલાલની જે જે કૃતિ રસસમૃદ્ધ બની આવી તેની તો આપણા વિવેચકોએ પૂરી સહૃદયતાથી ઘણુંખરું નોંધ લીધી જ છે. બલકે, તેમની સર્જકતાનાં લક્ષણો કયાં છે, તેમની વાર્તાકલાની વિશિષ્ટતાઓ કઈ છે, અને આપણા કથાસાહિત્યમાં તેમનું વિશિષ્ટ પ્રદાન કયું છે તે વિશેય સારી છણાવટ કરી છે. આપણા વિવેચને તેમની જરીકે અવજ્ઞા કરી નથી એવી મારી લાગણી છે. અને, પછીથી સાતમા-આઠમા દાયકામાં કથાસાહિત્યના ક્ષેત્રે તેમણે ધરખમ લેખન-પ્રકાશન કર્યું ત્યારે વળી આપણા અભ્યાસીઓએ પ્રામાણિકપણે એમ પણ કહ્યું કે, પન્નાલાલ હવે પોતાને સિદ્ધ થઈ ગયેલી શૈલીનું અનુકરણ કરી રહ્યા છે, અને તેમના સાહિત્યમાં એવો કોઈ તાજગીભર્યો નવોન્મેષ દેખાતો નથી. આપણા અભ્યાસીઓનો આ સૂર પણ સાચો હતો – છે. પણ, પન્નાલાલ તે પન્નાલાલ...!
પન્નાલાલ વિશેનાં વિવેચનોને અનુલક્ષીને ઉમાશંકરે એક માર્મિક ટકોર કરી છે તે અલબત્ત, ધ્યાનપાત્ર છે. તેઓ કહે છે : “પન્નાલાલ અંગેનું વિવેચન એક ઘરેડમાં પડી ગયું છે, એવું કહેવામાં આવ્યું છે તે સાચું છે. ઘણા લેખકો વિશે એવું થાય છે. આળસુ વિવેચના લેબલોથી ચલાવી લે છે. જાગ્રત વિવેચકોએ અવારનવાર આવાં ચોંટી જતાં લેબલો ખસેડવાનું સહૃદય કૃત્ય પણ કરવાનું રહે છે.”૬૬ ઉમાશંકરે ‘લેબલો ખસેડવાની’ અહીં જે વાત કરી છે, તેનો મર્મ હું એમ સમજું છું કે, નવલકથાની કલા વિશેનાં નવાં નવાં દૃષ્ટિબિંદુઓ લઈને તેમની કૃતિઓની સતત તપાસ થતી રહેવી જોઈએ. સમૃદ્ધ કલાકૃતિઓ આવી તપાસમાં ઘણી વાર નવાં જ રહસ્યો ખુલ્લાં કરી દે છે.
અને, આપણે ત્યાં સાતમા આઠમા દાયકા દરમ્યાન આધુનિકતાવાદી વિચારવલણોના પ્રભાવ નીચે નવી શૈલીની નવલકથા અને ટૂંકી વાર્તા લખવાના પ્રયત્નો શરૂ થયા. તેની સાથે તેના કળાસ્વરૂપના ખ્યાલોય બદલાવા લાગ્યા છે. શુદ્ધ કવિતાની જેમ શુદ્ધ નવલકથા સર્જવાની દિશાના એ પ્રયત્નો છે, એમ પણ કહી શકાય. જોકે, શુદ્ધ નવલકથા ખરેખર શક્ય છે કે કેમ, અથવા શુદ્ધ નવલકથાના ઉપક્રમોમાં મહાન કળા શક્ય છે કે કેમ, એવા પ્રશ્નો આપણે ત્યાં ઝાઝા ચર્ચાયા નથી. પણ એટલું કહી શકાય કે, કલાસ્વરૂપ લેખે નવલકથાની આંતરક્ષમતા, બાહ્ય વાસ્તવ જોડેના તેના સંબંધો, રચનારીતિ (technique)નું તેમાં કાર્ય અને સ્થાન, ભાષાનો સભાનપણે સર્જનાત્મક વિનિયોગ, માનવીય વાસ્તવિકતાનું પ્રત્યક્ષીકરણ અને વાસ્તવિકતાની ખોજ – જેવા નવા પ્રશ્નો નવલકથાવિવેચનમાં ઊભા થયા છે. એટલું તો ખરું જ કે નવી શૈલીની નવલકથા વધુ ને વધુ કલાત્મક બનવા ઝંખે છે. મનોરંજક વાર્તા કહેવામાં તેને હવે કોઈ રીતે સાર્થકતા દેખાતી નથી. બલકે, રંજનલક્ષી બનવાના ધ્યેયને તે ચાહીને ફગાવી દે છે. એટલે નવલકથાની કળા વિશે બદલાતી જતી ભૂમિકાના સંદર્ભે હવે પન્નાલાલના સાહિત્યનું યથાર્થ મૂલ્યાંકન થવું જોઈએ.
તો, એક વાત સ્પષ્ટ છે કે, પરંપરાગત નવલકથાની ધારામાં પન્નાલાલનું આગવું સ્થાન છે. આપણે અગાઉ ચર્ચી ગયા છીએ તેમ, મુનશી, મેઘાણી, મડિયા, પેટલીકર, રમણલાલ અને ગુણવંતરાય જેવા નવલકથાકારોએ નવલકથાનું સ્વરૂપ જે રીતે ખેડ્યું, તેમાં લોકજીવનનું એટલું માર્મિક, એટલું સઘન અને એટલું નક્કર અનુસંધાન નહોતું. એ લેખકોની પાત્રસૃષ્ટિ ઘટનાભૂમિ ઓછેવત્તે અંશે કલ્પિત લાગતી હતી. એમાં ઐતિહાસિક-સામાજિક પ્રક્રિયાનું એવું ગાઢ અનુસંધાન નહોતું. પન્નાલાલની જાનપદી નવલકથાઓ અને વાર્તાઓમાં પ્રદેશવિશેષનું લોકજીવન રજૂ થયું એ તો ખરું જ; પણ એમાં લોકજીવનને ઘાટ આપતાં પ્રાકૃતિક બળોનું પ્રભાવક આલેખન થયું છે. જીવનના ગૂઢાતિગૂઢ આવેગો અને વૃત્તિઓનું કઠોર રંગનું ચિત્રણ થયું છે. એ કારણે પન્નાલાલની એ સૃષ્ટિ, એમની અગાઉના લેખકોની સૃષ્ટિ કરતાં, વધુ વાસ્તવિક અને વધુ સાચુકલી પ્રતીત થઈ. અગાઉ સ્પષ્ટ કર્યું છે તેમ, સમાજજીવનની આંટીઘૂંટીવાળી વાસ્તવિકતા અને માનવમનની મૂળભૂત વૃત્તિઓ અને લાગણીઓની સંકુલતા, બલકે, માનવપ્રકૃતિના ખૂણાખાંચાની ખરબચડતા -એમ એકી સાથે આંતરબાહ્ય વાસ્તવનું ગ્રહણ કરવાનો પન્નાલાલનો નોંધપાત્ર પુરુષાર્થ રહ્યો છે. જાનપદી જીવનનાં જે પાત્રો જોડે તેમણે કામ પાડ્યું છે, તેને પ્રાકૃતતાની અમુક મર્યાદાઓ છે. જિજીવિષા ભૂખ ઈર્ષ્યા અદેખાઈ વેરઝેર ઘમંડ જડતા સંઘર્ષ જેવી મૂળભૂત વૃત્તિઓ અને આવેગો એ પાત્રોમાં નિર્બંધપણે વ્યક્ત થાય છે. તેમનાં કાર્યોમાં, વાણીવર્તનમાં, ક્યાંક ને ક્યાંક દુરિત(evil)નું તત્ત્વ વરતાય છે. અસ્તિત્વના પાયામાં પડેલી દુરિતની એ કૂટ અને દુર્જેય સત્તાના અભિજ્ઞાનમાં પન્નાલાલનું વિશેષ દર્શન રહ્યું છે. મુનશી, મેઘાણી આદિ લેખકોમાંય દુષ્ટ અંશવાળાં પાત્રો મળશે, પણ પન્નાલાલમાં એ દુષ્ટતા વિશ્વજીવનમાં પડેલી એક કૂટ નક્કર સત્તા રૂપે ગાઢ સંસ્પર્શમાં આવે છે. જાનપદી જીવનની તેમની કેટલીક સફળ રચનાઓ માટે જ, અલબત્ત, આ નિરીક્ષણ પ્રસ્તુત ઠરશે. કેમ કે, બીજી અનેક કૃતિઓમાં તેમનાં રંગદર્શી વલણો કામ કરતાં રહ્યાં છે, અને ત્યાં આવી કઠોર વાસ્તવિકતા જોડેનું અનુસંધાન છૂટી ગયું દેખાય છે. પણ તેમની સમર્થ કૃતિઓમાં લોકજીવનની વાસ્તવિકતાનું ગાઢ અનુસંધાન હોવાથી તે આજેય એટલી જ પ્રાણવાન અને સશક્ત લાગે છે. સામાજિક, જાનપદી નવલકથાની પરંપરામાં પન્નાલાલ એ રીતે વિશેષ સ્થાન મેળવે છે. આપણી એ પ્રકારની નવલકથાને ઊંચી કલાત્મકતા તેમણે સંપડાવી છે.
પણ જાનપદી જીવનની નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ અમુક રીતે સીમિત થઈ જાય એમ બનવાનું. કુદરતના સાન્નિધ્યમાં જીવતાં એ માનવીઓને એમનાં સુખદુઃખ છે, હર્ષશોક છે, આશાનિરાશા, સ્વપ્નો, સંઘર્ષો બધુંય છે. પણ કેળવણી વિનાની પ્રજા ઘણુંખરું અંગત જીવનના કુટુંબજીવનના કે આસપાસના ગ્રામજીવનના પ્રશ્નો સાથે નિસબત ધરાવે છે. ઇતિહાસ સંસ્કૃતિ લોકશાહી પ્રગતિ કલ્યાણરાજ્ય કે માનવજાતિના ભાવિના પ્રશ્નો તેમને ઓછા સ્પર્શે છે. અલબત્ત, કેળવણીના પ્રસાર સાથે નવા યુગના પ્રશ્નોય વિસ્તરે છે. પણ પ્રસ્તુત મુદ્દો એ છે કે પન્નાલાલની જાનપદી કથાઓના પ્રશ્નોનો વ્યાપ સાંકડો છે. ઘણું કરીને તરુણતરુણીઓના પ્રેમસંબંધની કે લગ્નજીવનની ગૂંચોની આસપાસ મોટા ભાગની કથાઓ તેમણે રચી છે. જોકે તેમની ટૂંકી વાર્તાઓમાં પ્રશ્નો અને પરિસ્થિતિનું કેટલુંક વૈવિધ્ય આવ્યુંય છે; પણ એકંદરે, તેમણે સ્પર્શેલા માનવપ્રશ્નોનો વ્યાપ સીમિત જ રહે છે.
પણ, ના, કોઈ કથાસર્જક અમુક જ માનવપ્રશ્નો છેડે તેની સામે આપણે શું કામ વાંધો લેવો જોઈએ? આપણે ખરેખર તો એ જોવાનું છે કે, એવા પ્રશ્ન સાથે તે કેવી રીતે કામ પાડે છે અને કેવી કલાત્મકતા સિદ્ધ કરે છે. અને, આ સંદર્ભે એમ જ કહેવાનું પ્રાપ્ત થાય છે કે, સર્જક લેખે પન્નાલાલની ગતિય અમુક રીતે મર્યાદિત થયેલી છે. ટૂંકી વાર્તા અને નવલકથા લખવાની શરૂઆત કરી ત્યારે તો પોતાના જીવનની પ્રાણવાન અનુભૂતિઓ સંભવતઃ તેમનું મુખ્ય પ્રેરક બળ હતી. પણ, એ પ્રકારોમાં સફળતા મળ્યા પછી તો, લેખનની ઇચ્છા જ તેમને પ્રેરતી રહી દેખાય છે. વાર્તારસ ખીલવવાની ફાવટ તેમને આવી ગઈ હતી. અને પ્રણય અને લગ્નજીવનની ગૂંચ આસપાસ રચાતી વાર્તાઓને તો સહેજે એનો વાચક વર્ગ પણ મળી રહે! પન્નાલાલનેય એનો બહોળો વાચક વર્ગ મળ્યો. એટલે હવે એ વાચકવર્ગનાં રસરુચિ જોડે તાલ મેળવવાનો રહ્યો! ‘વળામણાં’, ‘મળેલા જીવ’, ‘માનવીની ભવાઈ’, ‘નેશનલ સેવિંગ’, ‘મા’, ‘બલા’, ‘બાપુનો કૂતરો’, ‘ધરતી આભનાં છેટાં’, ‘કંકુ’, ‘સાચાં સમણાં’ જેવી કૃતિઓમાં લોકજીવનની આંતરબાહ્ય વાસ્તવિકતા જોડે તાર સંધાયેલો હતો, પણ પછીની બીજી અસંખ્ય કૃતિઓમાં વત્તેઓછે અંશે તેમનાં રંગરાગી વલણો કામ કરી ગયાં છે. રંગરાગી વલણો પોતે, અલબત્ત, દોષ નથી : પણ વાસ્તવાદી કથાસાહિત્યમાં એવું વલણ દોષ બની શકે. જ્યાં નક્કર કઠોર વાસ્તવિકતાનું, બહારની અને અંદરની વાસ્તવિકતાનું, અનુસંધાન જરૂરી હોય, ત્યાં રંગરાગી વલણ કૃતક લાગવા સંભવ છે. ખાસ તો પન્નાલાલના કથાસાહિત્યમાં જ્યાં પ્રણય અને લગ્નના પ્રશ્નો રજૂ થયા છે ત્યાં આ વલણ સહજ જ આવ્યું છે, અને અનેક પ્રસંગે તે કલાતત્ત્વને રૂંધનારું નીવડ્યું છે.
પન્નાલાલની સર્જકતાનું મુખ્ય બળ માનવહૃદયની લાગણીઓના પ્રત્યક્ષીકરણમાં રહ્યું છે. માનવમનનાં આંતરિક સંચલનો પકડવામાં તેમણે અનોખી સૂઝ દાખવી છે. પાત્રો ગામડાંનાં હોય કે શહેરનાં, તેમના મનની ગહન ગતિને સહજ ઓળખી લે છે. એટલે સાવ રોજિંદી જિંદગીમાંય તેમને કથાસર્જનની સામગ્રી મળી ગઈ છે. રોજરોજની તુચ્છ લાગતી ઘટનાઓ સાથે માનવહૈયાંની ઘણી મોટી ઊથલપાથલો જોડાયેલી હોય છે. વિષમ પરિસ્થિતિમાં ધકેલાયેલાં નાયકનાયિકાના મનના ગૂઢ આવેગ, સંઘર્ષો, દ્વિધાગ્રસ્તતા બધુંય પન્નાલાલ અજબ કુશળતાથી પકડી શકે છે. પણ નવલકથાનું રસશાસ્ત્ર (Aesthetic) ઘણું જટિલ છે. પાત્રોની લાગણીઓનું નિરૂપણ ક્યાં રહસ્યમય બને છે, ક્યાં નહિ, તે પ્રશ્ન કૂટ છે. છેવટે, દરેક પાત્ર જે કોઈ પરિસ્થિતિમાં મુકાયું હોય તે સંદર્ભમાં લાગણીની પ્રતીતિકરતાના પ્રશ્નો ઊભા થાય છે. અને, વળી, આવી દરેક પરિસ્થિતિ અનિવાર્યતયા જન્મી છે કે લેખકની સ્થૂળ કરામત માત્ર છે, ત્યાં સુધી આ પ્રશ્નનું મૂળ જાય છે. પન્નાલાલની અર્ધસફળ ગણાતી નવલકથાઓ કે ટૂંકી વાર્તાઓમાંય પાત્રોના ઊર્મિપ્રવાહો તો આલેખાયા હોય છે. પણ ત્યાં મૂળથી કશુંક ઋત સ્પર્શમાં આવતું નથી.
તેમની નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓના સંદર્ભે આકાર રચનારીતિ અને ભાષાના પ્રશ્નો વિશે એકબે વાત અહીં નોંધવાની છે. એક તો એ કે વાર્તાકથનની આગવી શૈલી તેમણે ખીલવી છે. વાર્તાકથક (narrator) પ્રસંગને પોતાની રીતે વિકસાવતો રહે છે. કથાવસ્તુના આગળપાછળના તંતુઓ એમાં સહજ રીતે ગૂંથાતા રહે છે. આપણે અગાઉ સ્પષ્ટ કર્યું છે તેમ, તેમની આ કથનશૈલી મૌખિક વાર્તાકથનની રીતિનું અનુસંધાન જાળવીને વિકસી અને વિસ્તરી છે. તેથી પાત્રો, પ્રસંગો અને લાગણીઓના તંતુઓ જોડવાનું તેમને ઠીક સરળ પડ્યું છે. પ્રસંગનિરૂપણમાં એ રીતે અમુક નમનીયતા કે અનુનેયતા સધાઈ છે. રોજિંદા બોલચાલના પ્રયોગો, ઉક્તિમરોડો, લહેકાઓ, કાકુઓ અને બીજા જીવંત તત્ત્વો એમાં ઓતપ્રોત થયાં છે. ‘સાહિત્યિક’ બન્યા વિના એ કથનાત્મક ગદ્ય સાહિત્યની ગુણવત્તા પ્રાપ્ત કરે છે. બલકે, પન્નાલાલ લોકજીવનની વાસ્તવિકતાનું જે સાચુકલું ચિત્ર આપવા ચાહે છે તેમાં તેમની કથનશૈલી મહત્ત્વનો ભાગ ભજવતી દેખાય છે.
પન્નાલાલ પાસે મૂળથી જ જ્યાં રહસ્યભરી વસ્તુ ઉપલબ્ધ થઈ છે, બલકે તાદૃશ થઈ છે. ત્યાં તેની સ્વચ્છ સુરેખ આકૃતિ કંડારી કાઢવાનું સરળ પડ્યું છે. ‘વળામણાં’, ‘મળેલા જીવ’, ‘વાત્રકને કાંઠે’, ‘રંગ વાતો’, ‘સાચાં સમણાં’, ‘સાચી ગજિયાણીનું કાપડું’, ‘બાપુનો કૂતરો’, ‘ધરતી આભનાં છેટાં’ જેવી તેમની કેટલીક રચનાઓ આકૃતિવિધાનની આશ્ચર્યકારક સુરેખતા બતાવે છે. પણ તેમની બીજી ઘણીયે રચનાઓ કાં તો શિથિલ અને પ્રસ્તારી છે. કાં સૌષ્ઠવરહિત છે, કે પછી ચોક્કસ કેન્દ્ર વિનાની છે. તેમની સહજ કથનશૈલી પણ આ માટે અંશતઃ કારણભૂત છે. અણિશુદ્ધ મીનાકારીવાળું શિલ્પ કંડારવાનું. કૃતિના અંગપ્રત્યંગનું સુરેખ સપ્રમાણ સ્થાપત્ય રચવાનું વલણ, આમેય, આપણા નવલકથાકારોમાં ઓછું જ છે. અને પન્નાલાલમાંય એ ઊણપ વરતાય છે.
તેમની ભાષાશૈલીનો પ્રશ્ન, એક રીતે, તેમની કથનરીતિના પ્રશ્નનો જ વિસ્તાર છે, કહો કે તેની અંતર્ગત એ સમાઈ જાય છે. હકીકતમાં ભાષાશૈલીનો – કથનરીતિનો – પ્રશ્ન દેખાય છે તેથી અનેકગણો જટિલ છે. નવલકથા કે ટૂંકી વાર્તાના કલાસ્વરૂપ પરત્વે સર્જક કેવો ખ્યાલ ધરાવે છે, એ સ્વરૂપ પાસેથી તે કેવું કામ લેવા ચાહે છે. માનવઅસ્તિત્વ વિશે તે કેવી સમજ ધરાવે છે, અને ભાષાના સ્વરૂપ પરત્વે કેવી દૃષ્ટિ ધરાવે છે. વગેરે વગેરે પ્રશ્નો એમાં સંડોવાયેલા છે. એ બધાની તાત્ત્વિક ચર્ચામાં આપણે ઊતરવું નથી. અહીં એ માટે અવકાશ પણ નથી. પણ એ સંદર્ભે એટલું જ નોંધીશું કે, જુદી જુદી કથનરીતિ માનવીય વાસ્તવિકતાને જુદા જુદા સ્તરેથી જુદી જુદી રીતે આકલિત કરે છે. પન્નાલાલની કથનરીતિને એનાં સબળનિર્બળ બંને પાસાં છે. એમાં સૂચિત વાર્તાકથક બિલકુલ સહજ રીતે પ્રસંગ કથન કરે છે, કે પાત્રની ઓળખ આપે છે; જુદા જુદા પ્રસંગતંતુઓ તે સહજ રીતે સાંકળી લે છે. વાર્તાની પ્રવાહિતા એ રીતે જળવાય છે, અને ભાવકને આખી પરિસ્થિતિ સ્વીકારવાને એ સમર્થ રીતે persuade કરી શકે છે. પન્નાલાલે આ કથનરીતિમાં જ અનેક સંદર્ભે સમાજજીવનની તેમ માનવમનની સંકુલતાઓ અને સૂક્ષ્મતાઓ સમર્થ રીતે પકડી છે. પણ આ પાત્રસૃષ્ટિની સંવેદનાને એની મર્યાદાય છે. વાર્તાકથકની સામે એવાં પાત્રો હોય, જે પૂરી આત્મસભાનતા કેળવીને જીવવા મથતાં હોય, જે સતત અંતર્મુખી વૃત્તિથી આત્મખોજ કરવા ચાહતાં હોય, જે અંદરના પ્રચ્છન્ન અંધારિયા ખંડનો તાગ લેવા આતુર હોય, એવાં પાત્રો રજૂ કરવા માટે, મને લાગે છે કે, આ કથનરીતિ અને આ ભાષાશૈલી કદાચ અપર્યાપ્ત જ નીવડે.
તેમના કથાસાહિત્યની સિદ્ધિમર્યાદાઓની આટલી ચર્ચા કર્યા પછી અંતમાં એટલું જ નોંધીશું એક સર્જક લેખે પન્નાલાલનો ઉપક્રમ માનવહૈયાંનાં ગહનતર રહસ્યો પ્રત્યક્ષ કરવાનો રહ્યો છે. તેમની કેટલીક ઉત્કૃષ્ટ રચનાઓ આવાં રહસ્યો પ્રકટ કરી આપીને આપણા હૃદયમાં દૃઢ સ્થાન લઈ ચૂકી છે. સાહિત્યક્ષેત્રમાં ભલે નવા નવા વાદો અને વિચારસરણીઓની ઊથલપાથલો ચાલ્યા કરે, પન્નાલાલની એવી કૃતિઓ આવી ઊથલપાથલો વચ્ચેય લાંબો સમય ટકી રહેશે એમ કહેવાનું પ્રાપ્ત થાય છે.