બાબુ સુથારની કવિતા/હું જન્મ્યો ત્યારનો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૩૧. હું જન્મ્યો ત્યારનો

હું જન્મ્યો ત્યારનો એક પર્વત પર ચડી રહ્યો છું. મને કહેવામાં આવ્યું છેઃ તારા જીવનનું એક જ ધ્યેય છે. આ પર્વતના શિખર પર પહોંચવાનું. હવે મારી અને શિખર વચ્ચે ઝાઝું અંતર રહ્યું નથી, ત્યાં જ ક્યાંકથી એક માણસ આવે છે. મને એનો ચહેરો ચોખ્ખો દેખાતો નથી. એની જગ્યાએ મને દેખાય છે અક્ષરો, ભૂંસી નાખ્યા પછી કાગળ પર રહી જાય એવા ડાઘા. હું વિચારું છું: શું લખાયેલું હશે એ ડાઘાઓની નીચે, ત્યાં જ એ માણસ મારા ગળામાં એક ઘંટીનું પડ બાંધી દે છે અને પછી અલોપ થઈ જાય છે. હું જોઉં છું તો પેલા શિખરની ઊંચાઈ જરા વધી ગઈ છે. પણ, હું એની પરવા કર્યા વિના પર્વત પર ચડ્યે જાઉં છું. હું થોડેક ઊંચે જાઉં છું અને બીજો એક માણસ આવે છે. એ માણસ આ પહેલાં આવેલા માણસ કરતાં જરા પણ જુદો નથી. હા, એના ચહેરાની જગ્યાએ જે ડાઘ છે એનો રંગ કાળો નથી એટલું જ. એનો રંગ ધોળો છે. મને લાગે છે કે કોઈકે એક કાગળ પર બીજો કાગળ ચોંટાડી દીધો હશે. હું એને પણ કંઈક પૂછવા જાઉં છું એ પહેલાં જ એ પણ ઘંટીનું એક પડ મારા ગળામાં બાંધી દે છે અને પછી અલોપ થઈ જાય છે. પછી હું શિખર ભણી નજર કરું છું: જોઉં છું: એની ઊંચાઈ ફરી એક વાર વધી ગઈ છે, પણ મને એની પણ પડી ન હતી. હું ચાલ્યા જ કરું છું શિખર ભણી. ત્યાં જ પાછો એક ત્રીજો માણસ આવે છે. એ મને કંઈક કરે એ પહેલાં જ હું એને પૂછું છું: તું પણ ઘંટીનું પડ બાંધવા આવ્યો છે કે ? એ કંઈ પણ બોલ્યા વગર મારા ગળામાં ત્રીજી ઘંટીનું પડ બાંધી દે છે અને પછી અલોપ થઈ જાય છે. મને ખબર છે કે એના ગયા પછી પેલા શિખરની ઊંચાઈ વધી ગઈ હશે. હું એની ખાતરી કરવા માટે શિખર ભણી જોઉં છું. મારી ધારણા સાચી પડે છે. ત્યાર પછી ચોથો, પછી પાંચમો, પછી છઠ્ઠો, પછી સાતમો માણસ આવે છે અને એ બધા જ મારા ગળે ઘંટીનું એક-એક પડ બાંધીને અલોપ થઈ જાય છે. એક-એક ઘંટીના પડની સાથે પેલા શિખરની ઊંચાઈ પણ વધતી જાય છે. હું વિચારું છું: આવું કેમ થતું હશે? તો પણ હું હિંમત હારતો નથી. હું ચાલ્યા જ કરું છું પેલા શિખર ભણી. ત્યાં જ પાછો એક માણસ આવે છે. હું એને કંઈ પણ પૂછું એ પહેલાં જ એ મારા બંને પગે બેડીઓ પહેરાવી દે છે અને પછી અલોપ થઈ જાય છે. હું જરા પણ નાસીપાસ થયા વિના શિખર ભણી ચાલ્યા કરું છું. હું જાણું છું કે આ વખતે પણ પેલા શિખરની ઊંચાઈ જરાક વધી ગઈ હશે. મેં નક્કી કર્યું છે કે હું કોઈ પણ સંજોગોમાં પેલા શિખર પર પહોંચીશ જ. એટલામાં પાછો એક માણસ આવે છે. હું એને અકળાઈને પૂછું છું: હવે શું બાકી છે? એ કંઈ બોલતો નથી. પછી હું એને કહું છું: જો તારે મને પેલા શિખર પર પહોંચતાં અટકાવવો હોય તો તારી પાસે એક જ રસ્તો છેઃ એ શિખરને તોડી નાખ. હું આ વાક્ય પૂરું કરું ન કરું ત્યાં જ એ માણસ પેલા શિખર પર પહોંચી જાય છે અને શિખરને તોડવા લાગે છે. હું મારો પ્રવાસ ચાલુ રાખું છું, કેમ કે મને ખબર છે કે એ માણસ શિખરને કદી તોડી શકશે નહીં
(‘ઉદ્વેગ’ માંથી)