બારી બહાર/૩૩. વિભાવરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૩. વિભાવરી

વિભાવરી, તારક સર્વ ગૂંથી
અંધારરંગી નિજ ચૂંદડીમાં,
સેંથો રચીને નભ-ગંગ કેરો,
ધરી શશીપુષ્પ પ્રફુલ્લ, વેણીમાં–
જતી હતી કો અભિ સારિકા સમી
આલિંગવાને પ્રિય પ્રાણને કો;
ને મત્ત ચાલે પદનૂપુરેથિ
ખરી જતાં ઝાકળ-મોતીડાંઓ.

મૃદુ મૃદુ અંગુલિ ફેરવીને
શાંતિ તણું બીન બજાવતી જતી;
પહાડ,ને નિર્ઝર, જંગલોમાં
એ મુગ્ધતા સૂર તણી છવાતી.

પ્રકાશ-નેનો પ્રિય પ્રાણ કેરાં
ધીમે ધીમે પૂર્વ મહીં ખૂલે છે;
ત્યજી દઈને નિજ બીન, રાત્રિ
વ્યાકુળ હર્ષે દિશ એ ધસે છે.

લંબાવતો જ્યાં પ્રિય, રશ્મિહસ્ત,
રાત્રિ ધરે જીવન ત્યાં સમસ્ત !