બારી બહાર/૩૫. મુક્ત નિર્ઝર


૩૫. મુક્ત નિર્ઝર

પહાડનાં પથ્થરબંધનોમાં,
અંધારનાં ભીષણ કૈં પડોમાં,
વિલાપનું એકલ ગાન ગાતું,
ને આંસુડાંએ મુજ ઉર વ્હેતું.

આમંત્રતો એક દિને સુણ્યો મેં
સિંધુ તણો સાદ સ્વતંત્રતાનો,
પહાડના વજ્જરબંધ તોડી
વિશાળ ઉર્વીઉર આવવાનો.

કૂદી રહ્યો અંતર પ્રાણ મારો,
પહાડના વજ્જરબંધ તોડવા;
ને ઊર્મિઓ અંતર ઊછળી રહે,
ધરા તણે ઉર વિશાળ દોડવા.

કરાડનાં બંધન સર્વ તોડયાં,
પૃથ્વી-ઉરે જીવનનીર દોડયાં;
નાચી રહું સર્વ નિસર્ગ ભેટી,
સિંધુ મહી મુક્ત હું જાઉં લેટી.