બાળ કાવ્ય સંપદા/નાના થૈને રે !

નાના થૈને રે !

લેખક : ઝવેરચંદ મેઘાણી
(1894-1947)

નાના થૈને, નાના થૈને, નાના થૈને રે,
બાપુ ! તમે નાના થૈને રે
મારા જેવા નાના થૈને રે,
છાના માના રમવા આવો ! નાના થૈને રે.

નાના કેવી રીતે થાવું,
આવો બાપુ ! રીત બતાવું,
ટીંકા, પાટુ, પીવું, ખાવું,

પાડા થઈને રે
– નાના...



શેરી વચ્ચે નાચવા આવો,
ઓળકોળાંબે હીંચવા આવો,
બોથડ મોટી મૂછ બોડાવો

પૈસો દૈને રે
– નાના...



સૂરજ ભૈની નાનકી છોડી,
કૂરડિયે કંકુડાં ઘોળી,
દા’ડી દા’ડી આવે દોડી

દરિયે થૈને રે
– નાના...



ડુંગર ઉપર જઈ બોલાવો,
ઉષા બેની, આવો આવો !
એની પાસે ગાલ રંગાવો

ગોઠ્યણ થૈને રે
– નાના...



નાને માથે નાનકડી પાંથી,
દૈશ હું ઓળી મીંડલાં ગૂંથી,
જોજો રાતે નાખતા ચૂંથી

ગાંડા થૈને રે
– નાના...



ઝભ્ભે ઝાઝાં રાખજો ખીસાં,
માંહી પાંચીકા વીણશું લીસા,
કાગળ, બાગળ, રૂપિયા પૈસા

ફેંકી દૈને રે
– નાના...



ખેંચી દોરી ખૂબ હીંડોળે,
થાકેલી બા જાશે ઝોલે,
ભાગી જાશું બેઉ ભાગોળે

સાંકળ દૈને રે
– નાના...



વેળુ વચ્ચે વીરડા ગાળી,
વાંકે ઘૂંટણ પીશું પાણી,
ગોવાળ આવે ગાડર જાણી

ડાંગો લૈને રે
– નાના...



લીંબોળીનાં લૂમખાં લેવા,
ઝૂંમશું ઝાડે વાંદર જેવા,
પંખીડલાંના ખાશું મેવા

જંગલ જૈને રે
– નાના...



ખેતર કોતર ખીણ ઓળંગી,
જોઈ વાદળીઓ રંગબેરંગી,
ઘૂમશું ડુંગર જંગી જંગી

ઘેલાં થૈને રે
– નાના...



નાની આંખે નાનકાં આંસુ,
બાની સાથે રોજ રિસાશું,
ખાંતે એના ધબ્બા ખાશું,
ગોળે જૈને રે.
નાના થૈને, નાના થૈને, નાના થૈને રે !