બે દેશ દીપક/દીનબંધુ
દેશમાં દુષ્કાળ પડે, રોગચાળો ફાટી નીકળે, જળપ્રલય કે કે ધરતીકમ્પ થાય, ત્યારે તો ખ્રીસ્તી મીશનરીઓની મોસમો ખુલતી, ડુંડાં લણવાની જાણે કે લાણી પડતી. હજારો અનાથ હિન્દી બચ્ચાં પાદરીઓના હાથમાં પડીને ધર્મ અને જાતિનાં અભિમાન ગુમાવતાં, મોટપણે માતૃભૂમિનાં શત્રુ બનતાં, કારણ એ હતું કે ભૂખમરાનાં માર્યા હજારો માબાપો પેટનાં સંતાનોને પણ પાદરીઓના હાથમાં જવા દેતાં અને તે પછી દુષ્કાળ વીત્યે પાદરીઓ એ બચ્ચાંને પાછાં માબાપના કબજામાં સોંપતાં નહિ. એ રીતે રાજપૂતાનાના ફક્ત એક દુષ્કાળમાંથી જ કુલ ૭૦ હજાર હિન્દુ બાળકો ખ્રીસ્તીઓને હાથ પડી ગયાં હતાં. એવે સમયે પંજાબમાં પહેલવહેલી બિનખ્રિસ્તી અનાથસહાયક ઝુંબેશ ઉપાડનાર એક લાજપતરાય જ હતા. ત્રીસ બત્રીસ વર્ષની વય એટલે તો જીંદગીનો ઉંબર લેખાય. દરમ્યાન તો પોતે ફિરોઝપૂર, મીરટ વગેરે સ્થળે અનાથ-આશ્રમો ઉઘાડી નાખ્યાં હતાં. એવે ૧૮૯૯-૧૯૦૦ના અરસામાં મધ્યપ્રાંત, રાજપૂતાના, બંગાળ વગેરે સ્થળોમાં દુષ્કાળ ફાટી નીકળ્યો. એ ચીસ લાહોરમાં લાજપતરાયને કાને પડી. એનું અંતઃકરણ પીગળી ગયું. સહાયસમિતિઓ ગોઠવી, દ્રવ્ય મેળવી, ઠેરઠેર પોતાના ધર્મ દૂતોને એણે મોકલી દીધા. ફિરોઝપુરના સુપ્રસિધ્ધ શ્રીમદ્દદયાનંદ અનાથઆશ્રમની કાર્યવાહી કરવાથી પોતાને અચ્છી તાલીમ મળી ગઈ હતી તેથી પોતે હજારો અનાથ હિન્દુઓને બચાવ્યા. એ દેખીને પાદરીઓની આંખો ફાટી ગઈ. ૧૯૦૧ માં ‘દુષ્કાળ કમીશન' બેઠું. સરકારે લાજપતરાયને જુબાની આપવા તેડાવ્યા. જુબાનીમાં એણે ઉઘાડેછોગ જાહેર કર્યું કે ખ્રિસ્તીઓ અમારાં હિન્દી બચ્ચાંને આવાં સંકટોનો ગેરલાભ લઈ ઉઠાવી જાય છે તેની સામે હું ઈલાજ માગું છું : હું માગું છું કે પ્રથમ પહેલાં અનાથ બાળકોને પાછાં શોધી કરીને એનાં પોતપોતાનાં માબાપને હવાલે કરવાં; માબાપો ના પાડે તો આર્યસમાજી આશ્રમોના હાથમાં સુપરદ કરવાં; અને એ ન રાખે તો જ ખ્રિસ્તી મીશનરીઓને ભળાવવાં. સરકારે આ માગણીનો સ્વીકાર કર્યો. ખ્રિસ્તીઓનો ભક્ષ ગયો. હજારો બાળકોને હિન્દુત્વની ગોદમાં પાછાં તેડી લાવનાર લાજપત ઉપર આ મતલબી વિધર્મીઓની વક્રદૃષ્ટિ તે દિવસથી જ રમવા માંડી હતી. ઈ. સ. ૧૯૦૫ માં કાંગડા જીલ્લો ધરતીકંપનો ભેાગ થઈ પડ્યો. એ પ્રચંડ ભૂકંપને લીધે હજારો મકાનો જમીંદોસ્ત થયાં, હજારો ગરીબો ઘરબાર વિનાનાં બન્યાં. તેઓની વહારે પણ લાજપતરાય જ ધસી આવ્યા. દ્રવ્ય ભેળું કરી, સ્વયંસેવકોનાં દળ ઊભાં કરી, અનાથઆશ્રમ ઉઘાડી એ પીડિતોના ઉગાર માટે મથ્યા. પંજાબ જેવા સ્થિતિચૂસ્ત પ્રાંતમાં અંત્યજોની સાર કોઈ હિન્દુએ લીધી નહોતી. એ ‘અછૂતો' માનવજાતને મળેલા તમામ જન્મસિધ્ધ હક્કોથી બાતલ હતા. એને નહોતી શાળાઓ કે નહોતાં નવાણો. એની વહારે પણ જોશીલો લાજપત જ ચડ્યો હતો. પંજાબભરમાં એ અછૂતોદ્ધારનો મંત્ર ગુંજતા ગુંજતા ઘૂમતા. અને એના અંતરમાં અછૂતો પ્રતિની કેવી જ્વાળાઓ ઊઠી હતી તેની સાખ તો સાઈમન કમીશનના બહિષ્કાર પર પોતે વરિષ્ઠ ધારાસભામાં જે અભયભરપુર વ્યાખ્યાન દીધું તેમાંથી જડે છે: એ બેાલ્યા છે કે– ‘સાહેબો, આ અણિશુદ્ધ ગોરા કમીશનની નિમણુક કરવાના બચાવમાં અમીર બર્કનહેડે એક કયો મુદ્દો આગળ ધર્યો છે, જાણો છો? એ છે સરકારની અસ્પૃશ્યો પ્રતિની દયાનો મુદ્દો! અસ્પૃશ્યોની હસ્તી તમે ક્યારથી સ્વીકારી ભલા? આ દલિત વર્ગના અસ્તિત્વનું જ્ઞાન બ્રિટિશ સરકારને કયે દિવસે થયું સાહેબો? લાગે છે કે ઈ. સ. ૧૯૧૭ થી.'