બે હજાર ચોવીસ સમક્ષ/આયામ – વાસુદેવ સોઢા
ટૂંકી વાર્તા
પરીક્ષિત જોશી
નવીન વિષય અને કળાત્મક કથનશૈલીનો `આયામ’
વાસુદેવ સોઢા માનવમનની આંટીઘૂંટીને આકાર આપતી વાર્તાઓને પોતાની નોખી શૈલીમાં શબ્દદેહે ઘડે છે. ટૂંકી વાર્તાઓ ઉપરાંત લઘુકથા, નવલકથા, નાટકમાં પણ એમનું ઉલ્લેખનીય પ્રદાન છે. લેખક આ વાર્તા-આયામમાં ૨૦ વાર્તાઓ લઈને આવે છે. એમના સર્જનમાં એમના લોકજીવનના અનુભવોને આધારે માનવજીવનની સૂક્ષ્મ લાક્ષણિકતાઓ સુપેરે પ્રગટ થઈ છે. આ વાર્તાઓની શૈલી વિખ્યાત વાર્તાકાર ઓ’હેન્રીની વાર્તાના અંત ભાગમાં આવતી એક આકસ્મિક અને અકલ્પનીય ચોટ કે વળાંકની જેમ વાચકને અચંબિત કરી મૂકે છે. વાર્તાને આ તબક્કે એક નવો અર્થ આપવાની એમની આ રીત જરા નોખી-નિરાળી છે. એમના પ્રથમ વાર્તાસંગ્રહ ‘કણકણ’ને આવકાર આપતાં ગુલાબદાસ બ્રોકર નોંધે છે એ વાત વાસુદેવ સોઢાની કલમથી પ્રગટેલી દરેક વાર્તાને લાગુ પડતી જણાય છે. તે લખે છે કે, ‘નાના ગામમાં જન્મ્યા, નાના ગામમાં વ્યવસાય અને જીવન, તેમની પાસે નાના ગામોના જીવનની અને સમાજની વાર્તાઓ લખાવે તે સ્વાભાવિક છે. પણ ભૂમિકા ગમે એવા નાના ગામ કે સમાજની હોય, સર્જનની અંદર ધબકતું હૃદય તો માનવનું જ હોવું જોઈએ, અને તેની સમસ્યા અને સંવેદના પણ માનવીય ધોરણના જ હોય. એમની વાર્તાઓમાં એ સંવેદનાભરી સમજણ દેખાય છે. અને વળી તે માનવજીવનને અને તેના બદલાતા ભાવોને કેવા અનુભવી શકે છે અને કલાત્મક રીતે આલેખી શકે છે તે પણ એમની ‘આંગળિયાત’ અને ‘વગર વાંકે’ જેવી વાર્તાઓમાં સહેજે દેખાઈ શકે છે.’ (‘કણકણ’, આવકાર, પૃ. ૬-૭, પ્રવીણ પુસ્તક ભંડાર રાજકોટ, ૧૯૯૨) વાસુદેવ સોઢા એક ભાવુક સર્જક છે. સંઘર્ષ, તણાવમાંથી પેદા થતાં આક્રોશ, વિચ્છિન્નતા અને ચિત્તસંકુલતાને બદલે, હૃદયના એક ખૂણે પડેલી મધુરતા, કરુણા કે સ્નેહાર્દ્રતાને બહાર આણવામાં એમને વિશેષ રસ છે. એમના પહેલા વાર્તાસંગ્રહમાં જાતે કષ્ટ, અગવડ કે અપમાન વેઠીને પણ બીજાને સુખ, શાતા આપવા મથતાં સ્ત્રી-પુરુષોની વાર્તાઓ એમણે આપી છે. પહેલી વાર્તા ‘નમાલો’માં કથાનાયક ગોવિંદ એક નમાલો યુવક છે. તેની પત્ની નબૂ મન અને શરીરથી સશક્ત છે. એના જેવી ધાર્યું કરનારી સ્ત્રીને વશમાં રાખવી ગોવિંદ માટે ઘણું અઘરું છે. કીધા વગર પિયર ચાલી ગયેલી નબૂ જ્યારે પાછી ફરે છે ત્યારે તેને ઘરમાં પ્રવેશ ન મળે અને ગોવિંદ કાયમ માટે એને કાઢી મૂકે એ માટે લોકો ભેગાં થયાં છે, ગામલોકોને એકઠાં થયેલાં જોઈ નબૂ ભાંગી પડે છે. તેની આંખમાં આંસુ છે. પોતાની બળૂકી પત્નીને આવી અસહાય દશામાં જોઈને ગોવિંદ બદલાઈ જાય છે. પણ લોકોની ઉશ્કેરણી અને અપેક્ષા વચ્ચે ગોવિંદ લાકડી લઈને ઊભો થાય છે પણ એનામાં અચાનક આવેલો ભાવપલટો વાચકને સ્પર્શી જાય એવો છે. જન્મજાત સ્વભાવથી ‘નમાલો’ પણ કટોકટીમાં, પત્નીના સ્વત્વની સુરક્ષા કાજે તત્ક્ષણ પ્રગટ થતો પ્રેમાળ પતિ ‘નમાલો’ વિશેષણને એક ક્ષણમાં ખોટું પાડી દે છે. વાર્તાના છેલ્લા ફકરા વાર્તાકારમાંના ભાવુક સર્જકને સુપેરે ઉપસાવે છે. વાંચો – ‘બેઠેલા માણસો વચ્ચેથી માર્ગ કરતો ગોવિંદ આગળ આવ્યો અને ઓસરીની પાળે લાકડી લઈને ઊભો રહ્યો. પછી બધાં માણસો પર એક નજર નાખી તેઓની આંખમાં જોયું. બધાએ મૂક સંમતિ આપી : જીંકવા માંડ, અમે તારી પડખે છીએ. આગળ વધ નબુડીને ભાંગી નાખ. અને ગોવિંદે લાકડી ઊંચી કરીને પડકાર કર્યો, ‘આવતી રે નબુ, ઘરમાં આવતી રે. જોઉં છું કે કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે કે તને તારા ઘરમાં આવતી રોકી શકે.’ બધા સ્તબ્ધ થઈ ગયા. અને નબુડી દોડીને ગોવિંદને વળગી પડી ને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.’ (પૃ. ૬) લેખકના વાર્તા-આયામને વર્ણવતાં મનસુખ સલ્લા નોંધે છે કે, ‘નાહક પ્રસ્તારથી તેઓ દૂર રહ્યા છે. તેમની વાર્તાઓ માનવમનની આંટીઘૂંટીમાંથી સર્જાય છે.’ (પૃ. ૫) એમની વાતની શાહેદી પૂરતી આ વાર્તાઓમાં જ્યાં માનવમનનો આ વિશેષ પ્રગટ થયો છે એવી કેટલીક ક્ષણો વાંચવા, જાણવા અને માણવા જેવી બની છે. ‘ઢાળ’ વાર્તામાં આજની વાસ્તવિકતા વણી છે. દીકરો માતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે ત્યારે એક અજાણ્યાની નજરે માતાના મનોભાવ વર્ણવ્યા છે. જ્યારે એમની અંતિમયાત્રા નીકળે છે ત્યારે, મરણ પછી પણ સંબંધના બંધને એમનો પરિચય અપાય છે કે, ‘યોગેશભાઈનાં બા ગુજરી ગયાં છે.’ (પૃ. ૧૦) ‘આંગળિયાત’ દામજી લુહારની બીજા પત્નીના મૃત્યુ પછી દીકરા જીતુના મનોભાવની વાર્તા છે. ત્રીજી વાર લગ્ન કરવાની તૈયારી કરતા પિતા દામજીને ઘણના ઘાથી પતાવી દેવાનો મનોમન વિચાર કરતા જીતુની માફક વાચક માટે પણ વાર્તાકાર એક રહસ્ય લઈને આવે છે. વાંચો – ‘હવે ચિંતા કરતો નહિ દીકરા, હું એક સરસ ઠેકાણું શોધી લાવ્યો છું. ઘરમાં બાઈ માણસ આવે એટલે ઘર સ્વર્ગ બની જાય. હું પાક્કું કરી આવ્યો છું.’ જીતુનો હાથ પાંચ કિલોના ઘણ પર ગયો, ‘એટલે, ગામ કહે છે એ સાચું નીકળ્યું. તમે ત્રીજું ઘર શોધવા ગયા હતા.’ જીતુએ ઘણ ઉપાડ્યો. ‘જીતિયા આ? આ? તું શું બોલે છે? હું તો મારા દીકરા જીતુ માટે માગું લઈને ગયો હતો.’ ‘હેં?’ ...ને જીતુના હાથમાંથી ઘણ પડી ગયો. તેનું મૂરઝાયેલું મોં સોળે કળાએ ખીલી ઊઠ્યું. (પૃ. ૧૯-૨૦) ‘આસામી’ વાર્તા ભંગાર સાઇકલ પ્રત્યે પિતાની મમતાને સમજી ન શકતા જયેશની વાર્તા છે. ભેટમાં મળેલી જૂની પુરાણી શુકનિયાળ સાઇકલના પ્રતાપે મૂળ શેઠ, પિતા અને એમના પગલે પોતે પણ સુખી થયો એ વાતની પ્રતીતિ થતાં જયેશનું હૃદયપરિવર્તન વાર્તાને નવીનક્કોર બનાવી મૂકે છે. જ્યારે જયેશ પિતાની સાઇકલ પ્રત્યેની લાગણી સમજે છે ત્યારે પિતા પણ કહી ઊઠે છે કે, ‘મારા દીકરા, હવે તું ખરો આસામી.’ (‘આયામ’, પૃ. ૩૭) ‘જામેલું પાન’ વાર્તા પાન ખાવાના શોખીન એવા નરેશ અને શાંતિલાલના રમીલા સાથેના આંતરસંબંધની વાર્તા છે. સુહાગરાતે જામેલું પાન ખાવાનું સ્વપ્ન સેવતા નરેશને બદલે એ જામેલું પાન શાંતિલાલનાં ગલોફાંમાં ગોઠવાઈ જાય છે. અનેકવાર આવા કથાનકની વાર્તાઓ વાંચવામાં આવી હોવા છતાં આ વાર્તા લેખકની રજૂઆતને કારણે આસ્વાદ્ય બની છે. ‘ઘરછોડું’ વાર્તા ગામના ત્રણ છોકરાઓ સાથે ઘર છોડીને ભાગી ગયેલી અને પાછી આવેલી સમુની વાર્તા છે. માંહ્યરામાં ઘડિયાં લગન વખતે આ ઘટના ફરી ખૂલે છે. સમુ જ્યારે માતાને પૂછે છે કે, ‘બા, હવે ઘર છોડું?’ ત્યારે સમુના સ્વભાવના અસાધારણપણાનો આપણને પરિચય થાય છે. સમાજની આ એક મોટી સમસ્યાના મુદ્દે જે નાજુક માવજત સાથે વાર્તાકારે કામ પાર પાડ્યું છે એ જોતાં આ એક યાદગાર વાર્તા બની રહી છે. ‘સહિયર’ વાર્તા લીલાબહેન, પુષ્પા અને શોભા ત્રણેય સ્ત્રીઓનાં વિશિષ્ટ વ્યક્તિત્વ ઉપસાવતી વાર્તા છે. દીવાલની ડંકા ઘડિયાળની સાક્ષીએ કહેવાયેલી આંતરિક ભાવનાની, મનપસંદ સ્નેહની વાત પૂરી ગરિમા સાથે કહેવાઈ છે. વિષયની દૃષ્ટિએ નાવીન્યસભર અને સ્પષ્ટ રજૂઆતને લીધે ચિરસ્મરણીય બની રહે એવી વાર્તા છે. ‘વાની મારી કોયલ’ વાર્તાની યાદ અપાવે એવી ‘વંશ’ વાર્તા પણ આસ્વાદ્ય બની છે. જોકે કાશી પોતાની મોહાંધ મહત્ત્વાકાંક્ષાને લીધે ખેતકામના સાથી મંગાને રિઝવવા યત્ન કરે છે ત્યારે મંગાનો એક જવાબ, ‘તમે મને દીકરો જ માની લ્યો. હું તમારો વંશ તમે મારી મા.’ (પૃ. ૭૫) મોહની પટ્ટીઓ ઉતારીને ભીની લાગણીનાં લીંપણ કરી મૂકે છે. વાર્તાકાર પોતે જે પરિવેશમાં વસે છે એનો આ વાર્તાના પરિવેશ તરીકે એમણે બખૂબી ઉપયોગ કરીને ખેતર, વાવણી, વરસાદની ખેંચ ઈત્યાદિ રૂપકોને માનવીય સંવેદનાનાં પ્રતીકો તરીકે નવા અર્થ આપ્યા છે. વાર્તાસંગ્રહમાં લેખકે પોતાની વાતને યોગ્ય રીતે રજૂ કરવા કેટલાક વિશિષ્ટ શબ્દોનો ઉપયોગ કર્યો છે. એ વાર્તામાંના પાત્રોના ભાવને વિશેષ ઉપસાવે છે. જેમકે, નબુડી કામ કરવામાં લોંઠકી હતી (પૃ. ૩), ગોવિંદાને લાકડી પણ આપી – તું ધમારવા માંડજે (પૃ. ૫), પાણી ભરેલી હેલ લઈને બે ડાંફમાં ઢાળ ચડી જતી (પૃ. ૯), ચોમાસા પહેલાં દાતરડીઓ કકરાવતા (પૃ. ૧૬), શોભાની આંખમાં પ્રેમનું સરોવર સેલારા મારી રહ્યું હતું (પૃ. ૫૫) ઇત્યાદિ. જોકે, વાર્તાઓમાં મુદ્રારાક્ષસ ઘણે ઠેકાણે પ્રવેશી ગયો છે. ક્યાંક શબ્દફેર, ક્યાંક જોડણીદોષ તો ક્યાંક અનુસ્વારના નિયમો પણ યથાયોગ્ય જળવાયા નથી. સમગ્રતયા જોઈએ તો, આ સંગ્રહમાં ‘નમાલો’, ‘ઢાળ’, ‘આંગળિયાત’, ‘યાદી’, ‘તપસ્યા’, ‘આસામી’, ‘આભડછેટ’, ‘સાતમો ઓરડો’ જેવી વાર્તાઓ માનવમનની એક અગમ્ય લાગણીને આંટીઘૂંટીમાંથી બહાર કાઢીને એક ચોટદાર વળાંક સાથે સુખદ અંત આપતી વાર્તાઓ છે. જ્યારે ‘ઘંટી અને ઘૂઘરો’, ‘જામેલું પાન’, ‘ઘર છોડું’, ‘સહિયર’, ‘વંશ’ જેવી વાર્તાઓ નવીન વિષય અને કળાત્મક કથનશૈલીને લીધે વાર્તાકાર માટે કીર્તિદા કૃતિઓ બની શકી છે. કેટલીક વાર્તાઓ વસ્તુના નાવીન્યના કારણે અને કેટલીક વાર્તાઓ માવજતને કારણે ભાવકોને સ્પર્શી જાય એવી બની છે. વાર્તાકારનો અભિગમ સ્પષ્ટ છે. એમનામાં વાર્તા કહેવાની જે સૂઝ છે, તેને કારણે તેઓ એક તણખા જેવી ક્ષણને સાચવીને પેટાવવા સંપૂર્ણ કથાનક વિકસાવે છે. માનવમનની આંટીઘૂંટી અને વહેવારમાં આવતી એ સૂક્ષ્મતાની એમને પરખ છે. ક્યાંકક્યાંક ક્યારેક મનોમંથનને અસરકારક બનાવવા જતાં વાર્તાનો વિસ્તાર વધે છે ત્યારે વાર્તા પકડ ગુમાવી દે છે. એમના પોતીકા વિસ્તારની સોરઠી બાનીનો વૈભવ વાર્તાકારની અભિવ્યક્તિને નિખારે છે. સર્જકની સંવેદનાની સૂક્ષ્મતા પામવાની દૃષ્ટિની આપણને અનુભૂતિ કરાવે છે. માનવમનનાં ઊંડાણમાં હજુ વધુ તીવ્રતાથી, વધુ તીક્ષ્ણતાથી, અનોખી રજૂઆતનો સુભગ સમન્વય થશે તો સર્જકની કલમે વાર્તાનાં હજુ ઘણાં નવાં ‘આયામ’, રચાઈ શકશે.
[ગૂર્જર સાહિત્ય ભવન, અમદાવાદ]