બે હજાર ચોવીસ સમક્ષ/કાલવેગ – ચન્દ્રકાન્ત ટોપીવાળા

From Ekatra Foundation
Jump to navigation Jump to search

કવિતા

‘કાલવેગ’ : ચન્દ્રકાન્ત ટોપીવાળા

સિતાંશુ યશશ્ચન્દ્ર

મારો હંસલો નાનો!

‘ન કોઈ યોજના/ ન કોઈ નક્શો/ ન ચિઠ્ઠીચપાટી/ ન વાટખર્ચી/ કોઈ આંગળીના ઇશારે કહેશે કે ચાલો/ એટલે ગંગાનો એક ઘૂંટ લઈ/ મોંમાં તુલસીનું પાન દબાવી/ ફૂલોના ગજરા અને સફેદ વસ્ત્રો ફરકાવતાં/ બસ ચાલી નીકળવાનું./ વાહ રે વાહ/ આવી બોજ વગરની તો/ આ કદાચ મારી પહેલી યાત્રા હશે!’ – પહેલી એટલે કે અંતિમ. આવી યાત્રાનાં કલ્પનો કલ્પતાંકલ્પતાં (ક્યારેક જલ્પતાં), પણ કશા કલ્પાંત વિના, બલ્કે વિવિધ વિનોદો સાથે લખાયેલાં ઓગણત્રીસ કાવ્યોનો આ સંગ્રહ, ‘કાલવેગ’, ચન્દ્રકાન્ત ટોપીવાળાની નિરંતર પ્રયોગશીલ રહેલી અને રહેતી કાવ્યયાત્રાનો તાજેતરનો પડાવ છે, તાજો અને તર્રાર. હાલ કવિનું વય ફક્ત ૮૮નું. આવા કાલવેગ-નાં કાવ્યો વાંચ્યાં, બલ્કે ફરીફરી વાંચ્યાં એટલે કે માની લીધું કે ‘અવલોક્યાં’; ત્યારે લોચન અને મન બન્નેએ સંપીને મને કહ્યું, ના, તેં હજી તો આ પુસ્તકને વાંચવાની શરૂઆતે નથી કરી. ‘કેમ અલ્યા?’ મેં પૂછ્યું તો એ જૂની ઝઘડાખોર બેલડી કહે કે આ પુસ્તક તારે પંજે પકડી પેલેથી છેલ્લે સુધી પાંચ વાર વાંચ તો યે પૂરું વંચાયું, અવલોકિત થયું અમે નહીં ગણીએ. ‘કેમ ભલા?’ એવું પૂછતાં એમણે જણાવ્યું કે આ તો અનેક આંતરકૃતિત્વોથી સભર એવાં કાવ્યોનું પુસ્તક છે. ફરીફરી હાથમાં લઈ ફરીફરી હોઠ ફફડાવી ફરીફરી હેઠું મૂકી વાંચતા રહો તો જ એ વંચાય. એટલે હું એ બહાર-અંદરનાં બધાં લોચન ખુલ્લાં રાખીને કાલવેગ-નાં કાવ્યો અંદરબહાર વાંચવા લાગ્યો. ત્યારે સમજાયું કે અરે આ કોઈ ઐરગૈર પુસ્તક નથી આ તો એક પૅલિમ્સેસ્ટ છે, દુર્લભ ગ્રંથ! એમ જોતાં જે વંચાણું, એ હજી ચાલે છે. દરમ્યાન, વચગાળાના અહેવાલ જેવો આ ‘અવલોકન-લેખ’.

૨. ‘કાલવેગ’નાં કાવ્યોની સંરચનામાં એક જ નહીં, બે આંતરકૃતિત્વ વરતી શકાય છે : એક, આ જ કવિની આ(૨૦૨૪) પહેલાંની કાવ્યવિભાવનાઓ અને રચનારીતિઓનું આંતરિક; બીજું અન્ય કવિઓનાં ગુજરાતી ભાષામાં રચાયેલાં સમય અને મૃત્યુ વિશેનાં કાવ્યોનું, બાહ્ય. આ સંગ્રહની પ્રસ્તાવના(‘અપૂશણ’)-માં કવિ લખે છે કે એમાં સમાવેલાં કાવ્યોમાં ‘મારી જીવાયેલી ક્ષણોનુંં ક્યાંક ને ક્યાંક પ્રતિબિંબ છે. જગત સાથેના મારા વિશિષ્ટ સંબંધનું સાતત્ય છે.’ તો, ‘કાલવેગ’નાં કાવ્યોના આંતરિક અનુબંધોને નજીકથી જોઈએ : પહેલો તો આવે ૧૯૩૬માં જન્મેલા આ કવિનો પહેલો કાવ્યસંગ્રહ, ઉમ્મરની પહેલી પચીસીને અંતે પ્રકાશિત, ‘મહેરામણ’ (૧૯૬૨) નામનો. પણ તરત એમની નવી વળાંકદાર કાવ્યયાત્રા શરૂ થઈ, ‘કાન્ત તારી રાણી’(૧૯૭૧)થી. એ લગભગ યૂ ટર્ન. પછી આવ્યું ‘પક્ષીતીર્થ’ (૧૯૮૮), જે પક્ષી ન મળ્યાનું અનોખું કાવ્યતીર્થ બન્યું. પછી ‘બ્લૅક ફોરેસ્ટ’ (૧૯૮૯)-માં કવિ વિશ્વસંસ્કૃતિના જર્મન જગતમાં, કવિતાના નવા, દુર્ગમ પણ સર્જન-સોહામણા માર્ગે આ કવિ આગળ વધે છે. ‘અલંગ’ જેવું આપણી ભાષાનાં ઉત્તમોત્તમ કવ્યોમાંનું એક, તે આ તબક્કાનું. હવે ૨૦૨૪માં ‘કાલવેગ’, એનાં કાવ્યો કવિની આ લાંબી કાવ્યયાત્રાના કયા ભાગ સાથે કઈ રીતે જોડાયાં છે અને એનાં કાવ્ય-પરિણામો કેવાંકેવાં આવ્યાં છે? – જોઈએ. જેને ચન્દ્રકાન્ત ટોપીવાળાના દાહોદી દસકાઓ કહી શકાય એવા, ૧૯૭૧ પછીના (અમદાવાદ- નિવાસ સહિતના) દશકોમાં કવિએ સ્વબળે એક નવી કાવ્યવિભાવના કેળવી અને બળકટ રચનારીતિએ કાવ્યો રચ્યાં. એનું અનુસંધાન સાચવતી ‘કાલવેગ’ની મહદંશ રચનાઓમાંથી કેટલીકની આ અવલોકનમાં વાત કરી શકાશે. એવું એક કાવ્ય છે : ‘પડછાયો’. એ કાવ્ય (અન્યોક્તિ?)-નો આરંભ જુઓ : ‘હું જઈશ તો પડછાયા, તું શું કરીશ?/ મારાથી નિતનો હેવાયો / મારાથી એવો ટેવાયો/ હું જઈશ તો પડછાયા, તું શું કરીશ?’ – વયોવૃદ્ધ દંપતીમાંથી પત્ની પતિની ચિંતા કરે છે? પતિ પત્નીની? અને આ કરુણ-મધુર ધ્વનિકાવ્યની છેલ્લી પંક્તિ સાંભળો : ‘કૈંક કહીશ? તો પડછાયા, હું સુખે જઈશ.’ – ગુજરાતી કવિતાના આખા પટમાં સ્વ-મૃત્યુની સમીપે પોતાની નહીં, એકલો/લી પડી જવાનો/ની છે એવા જીવનસાથીની ચિંતા કરતાં આવાં વ્યંજનાસુંદર અને મરોડદાર કાવ્ય બીજાં કેટલાં? આવાં, બીજાં ઘણાં તાઝ.બ.તાઝ ઉત્તમ કાવ્યો ‘કાલવેગ’માં વાંચવા મળે છે; એમાંનાં કેટલાંકની વાત અહીં થશે. પણ એ પહેલાં ‘કાલવેગ’ના બીજા આંતરિક અનુબંધની વાત કરી લઈએ. ૧૯૭૫ની સાલ પહેલાંના દશકોના આ સમયખંડને એમના પોરબંદરી દસકાઓ એવું નામ આપી શકાય (જેમાં મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજનાં વિદ્યાર્થી-વર્ષો સામેલ હોય.) ગાંધીયુગના કેટલાક ગૌણ કવિઓના પ્રભાવ હેઠળ લખાયેલી આ કવિની રચનાઓ ૧૯૬૨માં ‘મહેરામણ’માં સંગ્રહિત થઈ. પછી તો ‘પક્ષીતીર્થ’ અને ‘બ્લૅક ફોરેસ્ટ’ના કવિ એનાથી ઘણા દૂર, આગળ નીકળી ગયા, એટલે હવે એ રચનાઓને યાદ કરવાની ન હોય. પણ ‘કાલવેગ’ની અનુત્તમ રચનોમાં એ પોરબંદરી અનુબંધો દેખા દે છે, એ તરફ ધ્યાન દોરવું જરૂરી બને છે.. ‘સેતુભંગ’ સૉનેટ, મોરબીની મચ્છુ નદી પરનો પૂલ તૂટ્યે લખાયેલા સૉનેટની છેલ્લી બે પંક્તિઓ જુઓ : ‘તૂટ્યો ઝૂલો તો શું? નવ કદીય કો શોક કરશો/ ચલો માનો કે સૌ કુદરતકૃપાએ પાર ન તર્યા.’ (પૃ. ૩૭.) ‘કુદરતકૃપાએ’ના છેલ્લા ‘ગા’-માં ચન્દ્રકાન્તની રચનાઓમાં કદી ન લથડે એવો છંદ લથડ્યો છે. ‘ચન્દ્રગ્રહણ’ નામે રચનાને અહીં ‘વિસ્તીર્ણ સૉનેટ’ તરીકે ઓળખાવી છે. પહેલી જ પંક્તિ ‘ન તો વાદળો છે, અતિસ્વચ્છ છે બધું’-માં જ મિશ્રોપજાતિ છંદ તૂટે છે. પછી એ રચના રવીન્દ્રનાથના પૃથ્વીપ્રેમના અનુકરણે પૃથ્વીવંદનામાં પૂરી થાય છે. ‘હાલ હરિ હાલ્ય’માં ‘તારો બચાવ તારે ખુદને કરવાનો છે’ જેવી પંક્તિ આ કવિની કલમે ચડી એ નવી નવાઈની વાત પેલી જૂની આંતરકૃતિતાને સમજ્યે સમજાય. ‘રસોઈઘર (સપ્તક)’, ‘છટ, ખટરસ’, ‘જૂઠું યે નથી’-નાં સાત હાઈકુ, ‘છૂટક મતા’ જેવી રચનાઓ સવાલ એ ઊભા કરે કે સાચી કાવ્યક્રીડા ક્યારેક આત્મરતિજન્ય નવયૌવન સુલભ રમતિયાળપણામાં અને પછી બાલિશ બકવાસમાં સરી પડે, એનું કાવ્યશાસ્ત્ર કેવું હોય? ‘ધરી દે તું હવેલીને’, ‘રજાનો દહાડો છે’, ‘સેતુભંગ’ જેવી રચનાઓ જુદા સવાલો ઊભા કરે : સૉનેટ સ્વરૂપ ગુજરાતીમાં આવ્યું ને વિકસ્યું, ઉત્કૃષ્ટતા પામ્યું, એણે ગાંધીયુગ-અનુગાંધીયુગના ઢગલાબંધ છંદકારોનાં ઢગલાબંધ ‘સૉનેટો’-માં દમ તોડ્યો. એને સાચે જ પુનર્જીવિત કરવાનો ચમત્કાર ન કરવો હોય તો પછી શા માટે એ કાવ્યબંધના ઢગલામાં આજના કવિએ વધારો કરવો? હા, ‘વિયુક્ત’ અને ‘કાલવેગ’ જેવાં શક્તિભર્યાં અને સુંદર સૉનેટ અહીં મળે છે એટલે આ પુસ્તકની બીજી કેટલીક કાવ્યાભાસી રચનાઓ માફ!

૩. અને હવે બાહ્ય અનુબંધ : આ સંગ્રહ ‘કાલવેગ’નું એ બીજું આંતરકૃતિત્વ ગુજરાતી કવિતાના ઇતિહાસને પટે અવલોકીએ : સમયની દુદાન્ત ગતિને અને મૃત્યુને આલેખતી સમગ્ર ગુજરાતી કવિતાની પરંપરા ખૂબ લાંબી અને લવચિક છે. ‘ઘડપણ કોણે મોકલ્યું?’ એવી ફરિયાદ અને ‘મારે અંત સમે, અલબેલા, અવસર ચૂકશો મા!’ એવી વીનવણી એમાં છે. ‘બહારે તાકી રહી બિલાડી’ અને ‘જેમ ખેરીને ખાટકી’ જેવી રચનાઓમાં કાળની ખંધી હિંસકતા રૂપકો વડે સૂચવાઈ છે. એવાં રૂપકોને બાજુએ મૂકી, દેવાનંદ સ્વામી તો અંતિમ માંદગીમાં થનારી દુર્દશાની વીગતવાર યાદી આપે છે : ‘ટાઢા ઊના રે તુંને તાવ જ આવશે ને વસમું થઈને વિતાશે’ અને ‘દાતણ પાણી ને નાહ્યા વિના તારી દેહ બધી ગંધાશે’ વગેરે, એ તો હજી એની શરૂઆત. એ જ્ઞાની કવિ શ્રોતાને ડરાવીને ચેતવે છે કે એના મર્યા પછી ‘દશ દિવસ તારું સૂતક પળાશે... ને પછી બારમાનાં સુખડાં ખવાશે રે’. એવી એવી હતી મધ્યકાલીન કાલ-કવિતા. અર્વાચીન કવિતાની ‘કેડેથી નમેલી ડોશી’ જરા ટીખળી છે, પણ એ યે ચેતવે તો છે જ. ‘અવસાનસંદેશ’-નો યે મુખ્ય સૂર વૈરાગ્યનો છે. મુખ્ય સૂર કવિતાનો હોય, ઉપદેશનો નહીં, એવાં સ્વાતંત્ર્ય પૂર્વેનાં ગુજરાતી કાવ્યોમાં પહેલ પાડનારું કાવ્ય બ.ક.ઠાકોરનું. એમણે ઉચ્ચારી હતી એવી વાણી, ‘તું છેક થાકી ગયો?’ એમ પોતાના વૃદ્ધ દેહને લાડ કરી, ‘જરી ઉચલ ડોક’ એમ ઉત્સાહિત કરતી કાવ્યબાની ગુજરાતી કવિતામાં ક્યારેક જ સંભળાય છે. ‘દિનાંતે આજે તો...’ એવી સાચાં ફૂલોની અભીપ્સા વ્યક્ત કરતી પ્રહ્‌લાદ પારેખની સુંદર રચનામાં પણ ઉપદેશ ડોકાયા વગર રહેતો નથી. ‘મરણ આગમે જે ભરે મુઠ્ઠી’ એવા મધ્યકાલીન (મૃત્યંજયી ભક્ત કવિ નરસિંહ અને મીરાંના સશક્ત અનુગામી) પ્રીતમના કાવ્યરણકતા ભક્ત-સ્વરની જુદી રીતે બરાબરી કરી શકે એવા બળકટ આધુનિક સ્વર ઓછા. એવો એક સ્વર નવલ-નવલિકાકાર ચુનીલાલ મડિયાની મરવા વિશેની ગુજરાતી કવિતામાં સંભળાય છે : ‘મને ન મરવું ગમે છૂટક ટૂંક હફતા વડે’, એમ કહી દેણદાર કાળ પાસે પોતે વ્યાજે મૂકેલી મૂડી એક ઉપાડે હકથી પાછી માગતા હોય એમ કહે છે : ‘ગણું મરણ માહરું જનમસિદ્ધ શું માગણું’ ‘તામ્ર પતરે લખેલી જીવાઈ સમું’. એટલે જ એ કવિ કાળને લેણદારની કડકાઈથી કહી શકે છે : ‘ચહું જ ઉઘરાવવા મરણ એક હપ્તા વડે/ બિડાય ભવચોપડો, કરજમાં ન કાંધાં ખપે.’ છે ને વટ કે સાથ કવિતાનો પોતાનો અને ગુજરાતી હિસાબકિતાબનો અવાજ! ‘વૃદ્ધ શતક’-નો કવિ કમલ વોરા તો એ કાલાવસ્થાનાં ચિત્રોની એક નજર ખસે નહીં એવી ચિત્રપોથી પ્રેક્ષકને આપી પોતે ખસી જાય છે. અને પેલા અનન્ય લા.ઠા.! એમના દીર્ઘ કાવ્ય ‘કાલગ્રન્થિ’નું ૧૯૮૯માં પુસ્તક રૂપે પ્રકાશન થયું. કેન્સરના રોગમાં ‘હ્યુમરના પ્રાસમાં’ જ્યારે ‘ટ્યૂમર’ આવે, ત્યારે પણ એક માણસ (અંત)કાળને કહે છે કે ‘હું આવી પહોંચ્યો છું/ ખખડ ખખડ ભ્રાન્ત સ્ટ્રેચરમાં/ તું ગ્રસી લે નિઃશેષ/ તે પહેલાં તને તાકતો અ-નિમેષ.’ બીજા કયા કવિના બળૂકા અવાજમાં આ વાત આ રીતે કહેવાય? – સમયના અપ્રતિરોધ્ય સપાટા સામે પણ પોતાની અપલક નજર કદી ન નમાવતો કવિ તો લા.ઠા.! – તો, આ અનેકસૂરીલી પરંપરામાં આવતી ‘કાલવેગ’ની કવિતા કાલના વેગ વિશે શું કહે છે? કઈ રીતે કહે છે? આ નિર્ભય કવિની બળૂકી બાની તો ખોંખારીને સીધું જ કહે છે : ‘ખબરદાર!” (જુઓ, ‘કાલવેગ’, પૃ. ૫) કવિ કોને ખદરદારી રાખવા કહે છે? દારૂ પીધેલ ઉંદરડાને નહીં, બહારે તાકી રહી બિલાડીને આ નવો કવિ પડકારે છે. મરનારને નહીં, મારનારને એ પડકારે છે. કવિનો કડક અને ક્રુદ્ધ અવાજ એ કાવ્યમાં કોનોકાર્પસ જાતિનાં વૃક્ષના મુખમાં મુકાયો છે. કોનોકાર્પસ વૃક્ષો માણસના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એટલે એમને કાપી કાઢવાં જોઈએ, એવી હિલચાલ થોડાં વર્ષો પહેલાં થઈ હતી, એનો સંદર્ભ આ રચનામાં છે. ‘તને તો મારી પરાગરજમાત્રથી/ શરદી ખાંસે અસ્થમા થાય છે/ પણ તારે કારણે તો કરોડોનાં મોત થાય છે/ ભલા માણસ, અમારા ઝેરની નહીં/ પણ તું તારા ઝેરની ફિકર કર./ વનવિભાગે તને શું ચેતવ્યો/ હું કોપર્નિકસ આજે/ તને ચેતવું છું : / ખબરદાર.’ (પૃ. ૬). આખું કાવ્ય તો ૪૩ પંક્તિનું છે. એવા લાંબા એકાલાપી કાવ્યનો કથનકાર નાયક, કવિ પોતે કે કોઈ બીજું માનવ-પાત્ર નથી, કોપર્નિકસનું એક વૃક્ષ છે, એ વાત ૪૦ પંક્તિઓ પછી પહેલી વાર છેક છેલ્લી કડીની યે છેક છેલ્લી ત્રણ નાની પંક્તિઓમાં સાત જ શબ્દોમાં કહેવાય છે! પણ કેવા પુણ્યપ્રકોપી સાત શબ્દો! ‘હું કોપર્નિકસ આજે/ તને ચેતવું છું : ખબરદાર.’ એ અંતિમ શબ્દ એ કાવ્યના શીર્ષક સાથે જોડાય છે ને સજગ વાચકનું એ કાવ્યનું બીજું વાચન શરૂ થાય છે. એ વાણી આ કાવ્યસંગ્રહના મહદંશ કાવ્યોની કાવ્યબાની છે, એવી વાણીના આ કવિ-મિજાજમાંથી આવેલું આ પુસ્તક છે.

૪. એ કવિ-મિજાજ, એ કાવ્ય-વિભાવના અને એ રચના-કૌશલ્ય, ત્રણે ‘કાલવેગ’ની રચનાઓને અંદરથી આલોકિત કરે છે. એવી એક રચના ‘ગતિસ્થિતિ’માં એક પતંગિયું કહે છે : ‘બહુ બહુ બહુ પાંખો ફરકાવી ફરકાવી ફરકાવીને . . . સુગંધો પી પી પીને/ આકંઠ ધરાઈ ધરાઈ ધરાઈને’ હવે ‘બહુ થયું/ હું હવે ઊફરો માર્ગ લેવા ધારું છું/ હું ફરી કોશેટો બનવા ચાહું છું.’ અને પાછે પગલે કોશેટાની પૂર્વાવસ્થામાં જઈ ત્યાં અટક્યા વગર ફરી ઈયળ બની, ફરી ઈંડું બની ફૂટી જવા ચાહે છે. વિગ્રથન તો નવગ્રથનની એક પૂર્વશરત હોઈ શકે, એ શક્યતા અહીં આ કલ્પન-લીલા વડે કવિ તપાસે છે. અવસાન અસ્તિત્વની અણગમતી અનિવાર્યતા નથી, એ તો જીવનની ભરપૂરતાએ સરજેલી શક્યતા છે. ‘હું ગતિ નહીં, હવે સ્થિતિની શોધમાં છું’ એ સશક્ત વિધાન કાવ્યાંતે આવે છે. તો, ‘કાલવેગ’નાં અન્ય કાવ્યોમાં યે આ કવિ કેવું કેવું ઊફરું ચાલ્યા છે? ‘અસંખ્ય તારાઓ ઝળહળ ઝળહળ’ એ ઝળહળતી પંક્તિથી શરૂ થતું, ‘ચિ. પર્વણીને’ એ પિતૃવાત્સલ્યનું આ કવિનું અપૂર્વ કાવ્ય છે. દીકરીની સાઠમી વર્ષગાંઠે આ કવિએ એને આ કાવ્યની ગિફ્ટ આપી છે. અડધી સદી પહેલાં ત્યારે તો નાનકડી હતી એ દીકરી, માતા-પિતા સાથેના કાશ્મીરના પ્રવાસ દરમ્યાન પોતાના જન્મદિવસની કેક આ રીતે કાપે છે : ‘ચીડ ચિનાર અને દેવદારની તાળીઓ વચ્ચે/ તેં ઉપાડી છરી/ તેં કાપ્યો આકાશનો એક ખંડ/ તે મૂક્યો મોંમાં ઝળહળ.’ સાઠે પહોંચેલી પર્વણી આ કાવ્યબળે સાત વરસની કન્યકા ફરી બની ગઈ હશે! પિતાનું વાત્સલ્ય અને કવિની સર્જકતા ઝળહળ ઝળહળ.

૫. એ કવિ-મિજાજ, એ કાવ્ય-વિભાવના અને એ રચના-કૌશલ્ય, ત્રણે અલગઅલગ નહીં પણ એકસાથે, સમુદિતપણે, ‘કાલવેગ’-નાં કેટલાંક કાવ્યોમાં એકત્ર થયાં છે. એવા એકનું તો શીર્ષક જ છે : ‘ધોધ’. (‘કાલવેગ’, પૃ. ૮) અષ્ટકલ સંધિના માત્રામેળ લયમાં વહેતું (વચ્ચે સહેતુક ખંચકાતું અને ફરી અષ્ટકલ સંધિમાં વહેતું) આ કાવ્ય, કોઈ કાવ્યબધિર વાચકને ‘અછાંદસ કાવ્ય’ જેવું લાગે. પણ આ રચનાનો લય કાન દઈને માણવા જેવો છે. એમાં જ આ કવિ કાલવેગને કાવ્યવેગમાં કેવા સહજ સામર્થ્યથી પરિવર્તિત કરી શકે છે, એનું સાક્ષ્ય પડેલું છે. ‘હું પ્રતિપળ ધાર ઉપરથી ધસતા ધોધ સમો!’ – એ આ કાવ્યની પહેલી પંક્તિ : ‘હું’ એ શબ્દ પછી વિરામ લઈ. ‘પ્રતિપળ ધાર ઉ’ ‘પરથી ધસતા’ – એવા આ કાવ્યના લયને સાંભળો તો અષ્ટકલ સંધિમાં ધસમસ ધસતો એનો માત્રામેળ છંદ પામી શકો. પછી સાંભળો ‘ઉપર’ શબ્દમાં આવતો, ધ્વન્યાર્થ સભર એવો એ માત્રામેળ છંદનો ‘યતિભંગ’! બાલાવબોધની રીતે કહી શકાય કે જીવનનદી જ્યારે સમથળ વહેણને છેડે અંતિમ/પ્રથમ સમયની ધાર ઉપર આવી, જરીક થંભી, નીચેની, મોતની ઊંડી ખાઈમાં ખાબકે છે અને રૂપાંતરે ધોધ બની જાય છે, ત્યારે જે થાય છે એની અદ્‌ભુત કવિતા અહીં રચાઈ છે! હવે બીજું કાવ્ય : આ કવિ અને વ્યક્તિની ટાઢી તાકાત તે કોઈ બ્રવાડો કે બડાશ નથી, પણ બળકટ માણસની સમય સાથેના એના મુકાબલાની પૂરી સમજદારી સાથેની અનનમતા છે, એ સૂચવતું કાવ્ય જોઈએ. તે આ સંગ્રહને શીર્ષક સંપડાવનાર કાવ્ય ‘કાલવેગ’. ‘દીસે હાર્યો યોદ્ધો’ એવું ‘કબીર વડ’નું કલ્પન નર્મદે બને કે ૧૮૫૭ના તાત્યા ટોપે જેવા કોઈ યોદ્ધાના અંતિમ અજ્ઞાતવાસના સંન્યાસી સ્વરૂપની અર્થચ્છાયા સાથે રચ્યું હોય. મને એ કાવ્ય આ ‘કાલવેગ’ સૉનેટને પેલિમ્પેસ્ટ રૂપે વાંચતાં મનની નજરે વંચાયું છે. બન્ને કાવ્યો તુલ્યશોભાએ અને તુલ્યબળે મનમાં ને લોચનમાં વસી ગયાં છે. ‘કાલવેગ’ એ કાવ્યમાં કવિ જાણે એકીટશે, નિર્વેદથી, સમયની પૂરછલકતી નદીને કાંઠે કે મોટી ઓટ વખતે દરિયાકાંઠે ઊભા રહી બધું જ તણાઈ જતું કે આઘું જતું જોતા રહે છે. જાણે સ્વગત કહે છે : ‘ગયું બસ ગયું જ છે, ન ખપનું, ગયું તે ગયું/ ગયું જ ગયુંનો [છાપભૂલ હશે, જોઈએ ગયુંના] બધે બધ અપાર કોલહલો/ ઊઠે, ફરી ગયું, ગયું ગયું ગયું આ ગયું [છાપભૂલ હશે, જોઈએ ‘ગયું ગયું ગયું ગયું આ ગયું’ – એમ ચાર વાર ગયું; પૃથ્વી છંદમાં]/ ગયું ગયું કશું ટકે નહીં, ગયું ગયું આ ગયું’ (પૃ. ૪૧), એ શબ્દો કેવી નિર્વેદભરી અનમનતા અને બધું ખોયાની સમજદારીભરી દૃઢતાથી બોલાયા છે! અને આ કાવ્યની અંતિમ પંક્તિ એક વાર સાંભળોઃ ‘જતું, જતું, જતું, જતું સકલ ચાલી વેગે જતું.’ (પૃ. ૪૧.) બ.ક.ઠા. સાંભળે તો એના પૃથ્વી છંદની પ્રવાહિતા પર વારી જાય, બિલીવ મી! ‘સતત કળાતો કાળવેગ હવે વધુ નજીકથી કળાય છે ત્યારે અશેષ થવાની ઇચ્છા સાથે’ (જુઓ : કવિની પ્રસ્તાવના) આ કાવ્યસંગ્રહ બહાર મુકાયો છે. કવિ-ઇચ્છા અશેષ થવાની હશે પણ આ કવિ-કર્મ એમને ચિરંજીવ કરે એવું છે. આવી સાહસિક કોમળ કવિતાનું પુસ્તક સમજદારીથી, કાળજીપૂર્વક, શોભીતી મુદ્રણસજ્જા સાથે, કવિના મરોડદાર હસ્તાક્ષરમાં કેટલીક કૃતિઓ મૂકીને પ્રકાશિત કરનાર ઝેન ઓપસ પ્રકાશનને અભિનંદન અને કવિને એ માટે મનાવવા બદલ કવિના અભ્યાસી ચાહક, કાવ્યજ્ઞ કવિ-વિવેચક-સંપાદક રાજેન્દ્ર પટેલને.

૬. ૧૯૬૦ના દશકથી જેનું સાન્નિધ્ય, ગાઢ મૈત્રી દ્વારા તેમ જ ઉત્તમ કવિ-વિવેચક રૂપે, અખંડ લહરીએ માણવા મને મળ્યું છે એના ૨૦૨૪ના કાવ્યસંગ્રહમાં ‘દેવળ જૂનું તો થયું’ એ હકીકત તો પંક્તિએપંક્તિમાં, ક્યાંક મુખરતાથી પણ, કહેવાઈ છે. પણ પંક્તિઓ વચ્ચેની જે જાદુઈ જગ્યા, જે ધ્વનિસમૃદ્ધ અવકાશ આ સમર્થ કવિએ સર્જ્યો છે, અઢળક, એ અનુભવીને મારો પહેલો પ્રતિભાવ તો ઉમળકાભેર એ આવે છે કે ‘મારો હંસલો નાનો’! ‘દેવળ’ કેવું છે, ક્યાંક હંસોપસ્થિતિથી કાવ્યોજ્જ્વલ, ક્યાંક શિલ્પ-સુંદર, ક્યાંક ચમકદાર ડિસ્ટેમ્પર લગાડેલુ, ક્યાંક ભગ્ન, એની વાત પણ આ અવલોકનમાં યથાવકાશ કરી છે. હવે ગ્રંથાવલોકન ત્યજી, ભૂગોળની છેક સામી બાજુએથી મનની આંખે સુહૃદાવલોકન કરી, કહેવાનું આટલું જ કે – પ્રિય કવિ! શતાયુ ભવ. હજી તો ૮૮ થયાં છે, આખો દશક સામે પડ્યો છે, ને બીજાં કમસે કમ બે વરસ! પ્રત્યક્ષ મળીએ ત્યારે થાય છે કે દેવળ (બન્નેનાં) થોડાંક જૂનાં થયાં હશે, ભલે. પણ તારાં નવાં કાવ્યો વાંચીને થાય કે મારો આ હંસલો, મુંબઈગરો અને દાહોદી, હજી તો તાજોતર્રાર નાનો જ છે! તો, કાલવેગનું અને ‘કાલવેગ’-નું સ્વાગત.

[ઝેન ઓપસ, અમદાવાદ]