બે હજાર ચોવીસ સમક્ષ/પરકીયા – સંપા. શરીફા વીજળીવાળા

From Ekatra Foundation
Jump to navigation Jump to search

વાર્તા-સંપાદન

‘પરકીયા (લગ્નેતર સંબંધની ગુજરાતી વારતાઓ)’ : સંપા. શરીફા વીજળીવાળા

ડંકેશ ઓઝા

વાર્તારસ અને વાર્તેતર રસનો અનોખો આનંદ

ટૂંકી વાર્તાનાં વિષયવાર વિવિધ સંપાદનો ભલે થતાં રહેતાં હોય, પરંતુ તેને કારણે જ લગ્નેતર સંબંધની વાર્તાઓનું સંપાદન પણ થવું જોઈએ કે કેમ એ પ્રશ્ન મનમાં ઊઠ્યા વિના રહેતો નથી. લગ્નેતર સંબંધની વાર્તાઓ પણ ગુજરાતીમાં લખાઈ છે એ વાત સાચી. પરંતુ એવી વાર્તાઓને શોધીને બે પૂંઠાં વચ્ચે મૂકવી જોઈએ કે કેમ એ પ્રશ્ન તો થવાનો. પ્રશ્ન લગ્નસંસ્થા, તેની સંકડાશ, મર્યાદા અને ગૂંગળામણનો આવીને ઊભો રહે છે. બીજા છેડે જઈને લગ્નસંસ્થા અકુદરતી છે એવું પણ કહેવાયું છે. સંસ્થાઓ કોઈપણ હોય, એ પ્રાકૃતિક નથી જ. મુશ્કેલી ત્યારે ઊભી થાય છે જ્યારે સમસ્યાના ઉકેલરૂપે સંસ્થાનો વિચાર કર્યો હોય અને એ ઉકેલ વળી પાછો સમસ્યાનું રૂપ ધારણ કરે! માણસની પ્રકૃતિ કંઈક એવી છે કે જેને વિવિધ રીતે નિયંત્રણમાં તો રાખવી પડે છે! પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ભેદ આ જ છે. લગ્ન ભલે સ્ત્રી અને પુરુષ એમ બે વ્યક્તિ વચ્ચેનું હોય પરંતુ તે કૌટુંબિક અને સામાજિક પણ છે. આ પરિણામ દ્વારા આપણે બેને બાંધી રાખવા માંગીએ છીએ એમ પણ કહી શકાય. માણસની પ્રકૃતિ સ્વતંત્રતા તરફની હોય છે લગ્ન એની મર્યાદા બાંધે છે, સાથેસાથે એને સ્વચ્છંદી થતો અટકાવે છે. સંબંધને કારણે પેદા થતાં બાળકોનો પ્રશ્ન વિકરાળ બનીને સામો આવતો હોય છે. પરિણામે નૈતિક દૃષ્ટિનો પ્રવેશ થાય છે. લગ્નબાહ્ય સંબંધને તેથી અનૈતિકતાની દૃષ્ટિએ પણ જોવાય છે. ‘પરકીયા’ સંપાદનમાં પાંત્રીસ વાર્તાઓ લાંબી મથામણને અંતે એક સાથે મૂકવામાં આવી છે. વર્ષો પૂર્વે વિનોદ ભટ્ટે ‘શ્લીલ-અશ્લીલ’ નામનું સંપાદન તૈયાર કરેલું એેમાં ઓગણત્રીસ વાર્તાઓ હતી. વાર્તાકાર સુંદરમ્‌નાં દીકરી સુધાબેને તે વખતે સુંદરમ્‌ની ‘ખોલકી’ વાર્તા સંપાદનમાં સમાવવાની મંજૂરી નહોતી આપી. અરવિંદના સાધક વાર્તાકારની વાર્તા કંઈક ખોટી રીતે જોવાય એવો વિચાર એ પાછળ હશે જ. હાસ્યલેખક જ્યોતીન્દ્ર દવેએ ‘શ્લીલ-અશ્લીલ’ એ સંપાદનની પ્રસ્તાવના લખેલી. જેમાંનો એક અંશ આપણી ચર્ચામાં પણ ઉપયોગી છે : “સાહિત્યની કૃતિ સાહિત્યસૃષ્ટિમાંથી સમાજની સૃષ્ટિમાં દાખલ થાય છે ત્યારે સાહિત્યિક પ્રવૃત્તિ ઉપરાંત સામાજિક પ્રવૃત્તિ પણ બની જાય છે. તે તે દેશકાળના સામાજિક યમનિયમો ને ધારાધોરણો પ્રમાણે તેની વિચારણા થાય છે. અને સમાજના તત્કાલીન નીતિનિયમો કે વ્યવહારની વિરુદ્ધ એમાં આલેખન કરવામાં આવ્યું હોય છે તો તે સામે વિરોધનો પોકાર ઊઠે છે. પરંતુ પાંચ કે પચ્ચાસ નહીં પણ પાંચ હજાર માણસો કોઈક સાહિત્યકૃતિ વિરુદ્ધ એ અશ્લીલ છે એમ સભા આદિ ભરીને જાહેરમાં ઠરાવ કરે તો યે કંઈ વળે નહીં. સમાજના સ્વાસ્થ્ય માટે કાયદા ઘડવામાં આવ્યા છે. એ કાયદાનું યોગ્ય રીતે પરિપાલન કરવામાં આવે તે માટે ન્યાયાલયોની સ્થાપના કરવામાં આવી છે.” ૦ શરીફા વીજળીવાળાના આ સંપાદનનું ‘અર્પણ’ નોંધવાપાત્ર છે : “લગ્નેતર સંબંધને નૈતિકતાના ત્રાજવે ન તોલનારાં તમામને.” સમાજ જ્યારે તોલ કરવા માંડે છે ત્યારે એવાં ત્રાજવાંના બેથી વધુ પલ્લાં પણ હોઈ શકે છે. શ્વેત-અશ્વેત એ બે રંગોની વચ્ચે આખી રંગસૃષ્ટિ હોય છે તેમ. એમાંનું એક ત્રાજવું નૈતિકતાનું પણ હોઈ શકે છે. સમજવાનું એ પણ છે કે ત્રાજવું કદી એક પલ્લાનું હોતું નથી!

આપણી ચર્ચા વધુ વ્યાપક બની જાય તે પહેલાં આપણે સંપાદન તરફ પાછા વળીએ. સંપાદકનો દાવો છે કે આવા સંપાદનનો હેતુ શૈક્ષણિક કાર્ય માટે ઉપયોગી થવાનો હોઈ શકે. લાંબા સમયની મથામણ પછી એમણે આ સંપાદનકાર્ય પૂરું કર્યું છે. પ્રકાશક પણ શરૂઆતમાં ‘જરાક ખચકાટ’ અનુભવતા હતા. પણ પછી સંપાદન છાપવા તૈયાર થયા. લગ્નેતર સંબંધ  સંકુલ છે એના કરતાં આપણું મન આપણી કુતૂહલવૃત્તિ ઘણી વધારે સંકુલ છે તેથી સંપાદકને ખાતરી છે કે ‘આ પુસ્તક ચોક્કસ જ વંચાશે.’ આ મુદ્દો પણ ચર્ચાસ્પદ છે. કાનાફૂસી અને એ બાબતે વધુમાં વધુ જાણવાની વૃત્તિ માનવમનમાં પડી છે ત્યારે આવી વાર્તાઓ વાંચવાથી એને હવા મળશે કે લગ્નેતર સમસ્યાની એ દવા બનશે તે કહેવું અઘરું છે. 

મારું ચોક્કસ માનવું છે કે આવી વાર્તાઓ ભલે છૂટકછૂટક લખાતી હોય અને છપાતી હોય પણ આવા વિષયવસ્તુને એકસાથે મૂકવાની ઇચ્છા ટાળવા જેવી હતી. મારે સમીક્ષાનિમિત્તે આ વાંચવાનું ન આવ્યું હોત તો મને આ પ્રકારની આટલી બધી વાર્તાઓ એક સાથે વાંચવાનું મન ન થયું હોત અને એમ કરવું ગમ્યું પણ ન હોત. જે મજા રસના ચટકામાં છે તે રસના કૂંડામાં નથી. સંપાદનના પ્રારંભમાં રશ્મિ ભારદ્વાજની જે હિન્દી કવિતા મૂકવામાં આવી છે તે લગ્નેતર સમસ્યાનો ખૂબ સરસ ઉઘાડ કરનારી પણ છે. લગ્નેતર સંબંધનો જે ત્રિકોણ છે, એને એક છેડે પુરુષ છે અને બીજે બે છેડે સ્ત્રીઓ છે. પણ પત્ની પતિની પ્રેમિકાને સંબોધીને આ કાવ્યમાં ઘણુંઘણું લખે છે. અત્યંત સ્વસ્થ મનોવલણ જે કવિતામાં પ્રગટ થયું છે એ વ્યવહારમાં લાવવું મુશ્કેલ જ હોય છે. કંઈ કેટલાક પ્રકારની મજબૂરી અને બીજી તરફનું સ્વચ્છંદીપણું આવા સંબંધોના પાયામાં હોય છે. વેઠવાનું સ્ત્રીના ભાગે આવે છે તેથી કાવ્યમાં કહેવાયું છે કે ‘પણ આપણે તો આપણું ભવિષ્ય બીજા કોઈના હાથમાં સોંપી દીધું છે. અહીં વાર્તાકારોમાં આઠ તો સ્ત્રી-વાર્તાકારો છે. ‘ઈવા ડેવ’ એ મહિલા નથી પુરુષ છે એમ કદાચ ઘણાંબધાંને કહેવું પડે તેમ છે. વાર્તાકાર પ્રફુલ્લ દવેનું એ ઉપનામ છે. એમની ‘તહોમતદાર’ વાર્તા એની અદ્‌ભુત ગતિને કારણે તરત સ્મૃતિમાંથી ખસે તેમ નથી. એ સાથે મારે કહેવું જોઈએ કે વિજય સોનીની વાર્તા ‘અનારકલી અને સ્કોચ’ એમાં વપરાયેલા શબ્દો અને એમાંનાં વર્ણનોને કારણે ન ગમે તેવી છે. બાકીની બધી વાર્તાઓ ભલે એ જ વિષયવસ્તુને લઈને છે છતાં કશું અમર્યાદપણે કહેવાયું નથી ત્યારે વિજય સોનીની વાર્તા સુરુચિપૂર્ણ ભાષા અને વર્ણનની સ્વીકૃત સીમાનું ઉલ્લંઘન કરનારી છે. આ વાર્તાનો સમાવેશ વિનોદ ભટ્ટના સંપાદનમાં હોઈ શકે એમ કહેવું પર્યાપ્ત થશે. વસુબેન ભટ્ટની વાર્તા ‘બંધાણી’નો નાયક નરેન પિતા જદુકાંતને પત્ની સાથે પોતાને શો વાંધો છે એનો જવાબ આપતો નથી. એના મનમાં થાય છે કે ‘ઠરેલ, ઠાવકી અને ઠંડા સ્વભાવની કહી બધાં એના ગુણ ગાય ત્યારે મારે એ ગુણોને કારણે ગૂંગળાવાનું, એ આચરણને કારણે આપઘાત કરવાનો...’ પત્ની સાથે એને તૃપ્તિ મળતી નથી, જ્યારે રંજના સાથે તૃપ્તિને બદલે ભૂખ ઊઘડે છે. લગ્નેતર સંબંધમાં ઘણી બધી વખત મૂળ વાત કામની તૃપ્તિ અને અતૃપ્તિની હોઈ શકે છે. પછી કામી વ્યક્તિ એ પુરુષ હોય કે સ્ત્રી, ગમે તે માર્ગે વળી જાય છે. સંસ્કૃત સુભાષિત આ વાતને આબાદ વ્યક્ત કરતાં કહે છે : કામાતુરાણામ્‌ ન ભયમ્‌ ન લજ્જા. એને પછી કોઈ ડર કે શરમ અવરોધક બનતાં નથી. ભગવતીકુમાર શર્માની વાર્તા દર્શાવે છે કે પ્રતાપરાય ઘરડા થયા છે, આંખે મોતિયા આવી ગયા છે, ટ્રાફિકમાંથી કેમ પસાર થશે એ પ્રશ્ન છે છત્તાં એમને એમની ‘વ્હાલી માલિની’ને મળવા જવું છે. વાર્તાની શરૂઆત પત્ની આશાબેનના સવાલથી થાય છે : ‘આજ તમે ન જાવ તો? છેલ્લે પ્રતાપરાયને પરિચિત, મીઠો સ્વર સંભળાય છે “ચાલો હું તમને રસ્તો ક્રોસ કરાવી આપું. આમ તો તમે ક્યાંક અથડાઈ પડશો...” પત્નીએ અન્ય સંબંધને માત્ર સ્વીકારી નથી લીધો, મનમાં સાચું સમાધાન પણ કરી લીધું છે. કોઈ એને મજબૂરી કહી શકે. પણ અહીં પત્નીનું પુખ્ત વલણ પ્રગટ થઈ રહે છે. સમાજમાં બે વ્યક્તિને બરાબર મેળ પડવો એ જ અઘરું હોય છે. કુટુંબમાં પણ નથી પડતો, મિત્રોમાં કે કચેરીમાં પણ નથી પડતો. સમાજનો આગ્રહ છે કે પતિ-પત્નીનામાં મેળ પડવો જ જોઈએ. એમાં પણ પડે કે ન પણ પડે. ગૃહસ્થીમાં લડાઈ-ઝઘડા છે. વ્હાલી વ્યક્તિને મર્યાદિત સમય માટે મળવામાં આનંદ છે. આ મર્યાદિત સમય જેવો અમર્યાદિત બને છે ત્યારે સંબંધમાં કેવી અવદશા પેદા થાય છે એનું સરસ આલેખન કોશા રાવલની વાર્તા ‘લોકડાઉન’માં છે. પ્રિયતમા અને પ્રેમી બંનેનો પ્રેમસંબંધ બાષ્પીભૂત થઈ જાય છે, બન્ને એકબીજા પ્રત્યે ફૂટપાથી ભાષામાં ગુસ્સો વ્યક્ત કરે છે. વાચકનેય આઘાત પામવાવારો આવે છે. ચંદ્રકાન્ત બક્ષીની ‘એક સાંજની મુલાકાત’ વાર્તા સરસ ચાલે છે. પુરુષ અને સ્ત્રી બંનેનાં માનસ કેવાં જુદાં છે એ એમાં બખૂબી પ્રગટ થાય છે. પત્નીની ગેરહાજરીમાં શોભા જ્યારે નાયકને ‘અંદર આવો’ કરીને તદ્દન નજીક આવીને ઊભી રહે છે ત્યારે પુરુષને કંઈક સફળતાએ પહોંચ્યાની લાગણી થાય છે. સ્ત્રીને તો ‘એક માણસ રોજ સાંજે છ વાગે તમારી પત્નીને મળવા આવે છે’ એમ કહેવું છે. અકલ્પ્ય એવા વળાંકની મજા આ વાર્તામાં છે. પતિ-પત્નીના સંબંધમાં જે માલિકીભાવનું તત્ત્વ નખાયું છે તેને કારણે પણ પ્રશ્નો પેદા થતા જ રહે છે. પછી સીમાઓ અને સરહદો ઓળંગવાના પ્રશ્નો થાય છે. કોઈ પણ ભાગ પડાવી જાય છે અથવા પડાવી જશે એની આશંકા અસૂયામાં પરિણમે છે. એક રીતે જોઈએ તો માનવસંબંધમાં કેટકેટલા નાજુક વળાંકો અને પરિણામો આપણી વાર્તાઓમાં પ્રગટ થાય છે એનો એક અદ્‌ભુત છાક આ વાર્તાઓમાંથી અનુભવાય તો છે, એ દૃષ્ટિએ પ્રત્યેક વાર્તા શબ્દકલાનો આનંદ પમાડનારી છે. આવો સંગ્રહ ઉમાશંકર જોશી અને સુરેશ જોષી જેવા ઉત્તમ સર્જકોની વાર્તાઓ ધરાવતો હોય એ એનું જમા પાસું છે. વિષય નાખી દેવા જેવો નથી વિષયી સમસ્યાને મનના ઊંડાણમાં જઈને તાગવાનો પ્રયત્ન આ સર્જકો કરે છે. એ દૃષ્ટિએ ‘ગૃહપ્રવેશ’ વાર્તાનો નાયક ઘરમાં જ પડછાયો બની ગયો છે. અંતે પણ એનો ભાઈબંધ પેલા ત્રીજા પડછાયાને પછાડવાનું કામ કરે છે. અંતે વાર્તાનો નાયક અનુભવે છે કે “એ બહાર રહી ગયો હતો ને એનો પડછાયો અંદર પ્રવેશ્યો હતો.” પ્રત્યેક વાર્તા વિશે અલગ રીતે આસ્વાદમૂલક લખવાનું અહીં શક્ય નથી પણ ‘પરકીયા’નાં સંપાદક શરીફા વીજળીવાળાએ અત્યંત પ્રસ્તારી પ્રસ્તાવનામાં એ કામ સુપેરે કર્યું છે. હિમાંશી શેલતની વાર્તા ‘અગિયારમો પત્ર’ ત્રિકોણી સંબંધ બની રહેવાને બદલે ચતુષ્કોણીયની સંબંધ બની જાય છે. કોઈ સંબંધને ઘસરકો નથી પડતો પણ કેટલી બધી નાજુક હકીકતોથી, એકબીજાને અજાણ રહેલાં એની વાત એમાં પ્રગટ થઈ છે. એક અર્થગહન વાક્ય એવું છે કે “આપણા પત્રો પ્રસિદ્ધ થવા માટે નહીં, રાખ થવા માટે જ લખાયેલા. તે આપણેય ક્યાં નહોતાં જાણતાં?” બે સ્ત્રીઓ (વર્ષા અડાલજા) વાર્તામાં થનાર સાસુ પોતે પણ લગ્નેતર સંબંધને કારણે છૂટી પડેલી છે, હવે એવા જ સંસ્કાર પુત્રના ડીએનએમાં જોતાં થનાર પુત્રવધૂના પક્ષે રહીને જીવનમાં આગળ વધવાનું પસંદ કરે છે અત્યંત હકારાત્મક સંકેતની વાર્તા છે. સંજોગોને કારણે પ્રગટેલું વિધાયક વલણ વાર્તાના અંતમાં આ શબ્દોમાં પ્રગટ્યું છે : “સુમતિએ ચંદ્રાબેનનો હાથ પકડ્યો. બન્ને સ્ત્રીઓ ધીમે-ધીમે અંદર જવા લાગી.” પન્ના નાયકની કદાચ આ સંગ્રહની સૌથી ટૂંકી વાર્તા – ‘નોટ ગિલ્ટી’માં નવી વાર્તાનો પ્રયોગ છે સર્જનાત્મક લેખનના પ્રાધ્યાપક ડૉ. જોષી ફાલ્ગુનીની વાર્તામાં વિચાર પ્રગટે છે, સચ્ચાઈ ખૂટે છે, એમ કહી વાર્તા બને એવો વળાંક લાવવા સૂચવે છે. એ માટે અદ્‌ભુત સૂચન છે : “તમે સ્ત્રીની જગ્યાએ પુરુષપાત્રને મૂકી જુઓ, સ્ત્રી સિંગલ હોય અને પુરુષ પરિણીત...” હવે ચમકવાનું ફાલ્ગુનીને હતું કારણ ડૉ. જોષી બધું સમજી ચૂક્યા હતા! લાંબી પ્રસ્તાવનામાં સંગ્રહની વાર્તાઓ સાથે એવી બીજી વાર્તાઓની વાત પણ વણી લેવાઈ છે જે પુસ્તકના પરિશિષ્ટમાં પણ નથી. વિદ્યાર્થીએ તૈયાર કરેલું પરિશિષ્ટ કદાચ સંપાદક ધ્યાનથી તપાસી શક્યાં નથી. સંપાદનમાં લેવાઈ ગયેલી વાર્તાઓ પરિશિષ્ટમાં મૂકવાની જરૂર ન હતી. તો વળી અંતે નોંધ એવી મુકાઈ છે કે “મારા વાંચવામાં આટલી વાર્તાઓ આવી છે. આ સિવાયની પણ હોઈ શકે.” શરીફાબેન આ સિવાયની પોતે વાંચેલી કેટલી બધી વાર્તાઓની ચર્ચા પ્રસ્તાવનામાં કરી ચૂક્યાં છે ત્યારે આવી નોંધ નિરર્થક બની જાય છે. ૧૩૭ વાર્તાઓમાં મીતા ગોરની ‘ઊંબરો’ વાર્તા ૧૨૨મા ક્રમે મુકાઈ છે. સુંદર વાર્તા છે. આશ્ચર્ય તો એ છે કે મારા વાચનના સમય દરમ્યાન ‘ઊંબરો’ વાર્તા મને એપ્રિલ-૨૦૨૫ના ટપાલમાં મળેલા ‘નવનીત’ સામયિકમાં વાંચવા મળી! મુખપૃષ્ઠ પરનું શેખસાહેબનું ચિત્ર ડાબી તરફ પત્ની અને જમણી તરફ ઇતર સ્ત્રી, વચ્ચે કદાચ બારગર્લ જેવી ત્રણ સ્ત્રીઓ રજૂ કરીને ઘણુંઘણું સૂચવી જાય છે. એક સાથે ટૂંકાગાળામાં આટલી બધી વાર્તાઓ વાંચવાનો અને માણવાનો જે આનંદ ઉપલબ્ધ થયો તે બદલ ગ્રંથસંપાદક અને સમીક્ષા-સંપાદક બન્ને પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરું છું.

[ગૂર્જર, અમદાવાદ]