મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મૂળદાસ પદ ૪
મૂળદાસ
ગિરિધર વહેલા આવજો
સરસ્વતી શારદાને વિનવું, ગુરુવા ગણપત લાગું પાય,
સાધુ સંતની રે સેવા કરું, મારી કાંઈ જીભલડીએ જશ થાય;
ગિરિધર ગોપીના વર વેહેલા આવજો. ૧
કારતક મહિનાના રે કાહાનજી, વસિયા દેશ ને પરદેશ,
હું નારી નાનડી હરિ નાનડી, જોબન મારું બાલુડે વેશ;
ગિરિધર ગોપીના વર વેહેલા આવજો. ૨
માગશર મહિનાના રે માવજી, હજી શું નાવ્યા પ્રાણ-આધાર,
વનમાં મેલી ગયા મારો નાથજી, રમિયે કોની રે સંઘાથ;
ગિરિધર ગોપીના વર વેહેલા આવજો. ૩
પોષે કાંઈ સુકાણી મારી દેહડી, સોેસે કાંઈ સુકાણું રે શરીર,
પ્રેમ આતુરતા થઈ પ્રેમદા, વ્હાલા વિના ઘડી નવ રહેવાય;
ગિરિધર ગોપીના વર વેહેલા આવજો. ૪
મહા કાંઈ મહિનાની રે સેજડી, બીજી કાંઈ વેરણ રાત,
રાતે કાંઈ નાવે હરિ વિના નિદરા, દિએ કાંઈ ન ભાવે રે અનાજ;
ગિરિધર ગોપીના વર વેહેલા આવજો. ૫
ફાગણ ફુલ્યો રે હરિ ફુલડે! વનમાં કેસુડાંનાં ઝાડ,
તેના કાંઈ નાખું હરિને છાંટડાં, ઉડાડું અબીલ ગુલાલ;
ગિરિધર ગોપીના વર વેહેલા આવજો. ૬
ચઈતરે ચંપો મોરીઓ, મોરી કાંઈ દાડમ ને બીજી દ્રાક્ષ,
કોયલડીરે ટહુકા કરે, ભમરા કરે છે ગુંજાર;
ગિરિધર ગોપીના વર વેહેલા આવજો. ૭
વૈશાખે જોઉ રે વ્હાલાની વાટડી જોયા કાંઈ ચારૂ દેશ,
પગના પડછંદા રે વાગિયા, આવતા ઉરને પર લૈશ;
ગિરિધર ગોપીના વર વેહેલા આવજો. ૮
જેઠે કાંઈ જાણ્યું જીવન આવશે, હજી શું નાવ્યા પ્રાણ-આધાર,
ચંદન ગોરી રે સોહામણી, વીંઝણે ઢોળતાં વાય;
ગિરિધર ગોપીના વર વેહેલા આવજો. ૯
અષાડ મહિનો ભલે આવિયો, માથે કાંઈ મંડેલા છે મેઘ,
તોએ નાવ્યો ગોપી કેરો નાવલો, હરિ કાંઈ બળભદ્રજીનો વીર;
ગિરિધર ગોપીના વર વેહેલા આવજો. ૧૦
શ્રાવણ વરસે હ રિ સરવડે, નદીએ ખળક્યાં છે નીર,
સોણે સ્વપ્ને હરિ દીઠડા, ભીંજે મારાં નવરંગાં ર ચીર;
ગિરિધર ગોપીના વર વેહેલા આવજો. ૧૧
ભાદરવો ભલી પેરે ગાજીયો, ગાજ્યા કાંઈ વરસ્યા છે મેઘ,
મોહન મથુરામાં મોહી રહ્યા, કુબજાએ દીધાં છે ઘણાં માન;
ગિરિધર ગોપીના વર વેહેલા આવજો. ૧૨
આસુ માસે હરિ ઘેર આવિયા, પૂરી મારા મનડાની આશ,
બેઉ કર જોડી તુજને વિનવું, તારા કાંઈ મહિના ગાએ મૂળદાસ;
ગિરિધર ગોપીના વર વેહેલા આવજો. ૧૩