મર્મર/આઘાં આઘાં
Jump to navigation
Jump to search
આઘાં આઘાં–
આઘાં આઘાં રે જેનાં આલયો
આઘાં દિશ ને દિગન્ત;
ઝાંખી પડે રે જોતાં આંખડી
એ અનાદિ અનંત;
કોણ રે જોયો ને કોણે ઓળખ્યો?
આઘાં આઘાં રે એનાં આલયો
આઘાં કેરી રે આશ;
આઘાંની ઝંખાનો આજ જાગિયો
હૈડે ભડ ભડ હુતાશ;
કોણ રે વાદળ એને ઠારશે?
ભાળ્યું જેણે તે ભાખે જોગીડા
કોઈ સાધુ ને સંત;
પ્હોંચ્યા જે કાળને વીંટતા
કાચા હૈયાને તંત;
ત્યાં રે વરસે છે પ્રેમમેહુલા.
ચલોજી આતમરામ કાપતા
કપરા મૃત્યુના પંથ;
કાળના ડુંગર ફાળે કૂદતા
મૂકી માયાના ફંદ;
તરસ્યા બનીને એના તેજના.