માટીનો મહેકતો સાદ/પ્રકરણ ૨૬

૨૬

સોમનાથના મંદિરમાં વર્ષામંગલનો ઉત્સવ શરૂ થયો. જયેષ્ઠ માસની પૂર્ણિમાનો દિવસ મગ પુરોહિતોએ જ્યોતિષની ગણના અનુસાર નક્કી કર્યો હતો. અનુરાધા નક્ષત્રમાં અમૃતસિદ્ધિનો વિરલ યોગ જોઈ તેમણે મુહૂર્ત માટે કહ્યું હતું : શેષની ફણા ઉપર આ મંગલવિધિનું મંડાણ થાય છે. બળરામના જીવનકાર્યની સિદ્ધિ જરૂર થશે, પણ એ કોઈ મહાપ્રાણની આહુતિ માગી લેશે. આ વાત સાંભળી ઉષા જરા ગભરાઈ ઊઠી. કૃષ્ણને તેણે પૂછી જોયું : “દાદા, વર્ષામંગલનો પ્રારંભ કરું ને?” “સર્વ આરંભ ધૂમ્રથી આચ્છાદિત અગ્નિ જેવો જ હોય છે, ઉષા! તેથી કાંઈ આપણે આપણા યજ્ઞનો આરંભ જ ન કરીએ એવું હોય? તું તારે આગળ વધ, યજ્ઞના અવશિષ્ટમાં અમૃત જ મળે છે. તું અમૃતભોજી થા અને સહુને અમૃતભોજી બનાવ. ભલે મૃત્યુના ગોટેગોટ વચ્ચે ઊડે પણ યજ્ઞરહિત જીવન કરતાં આ માર્ગ સારો છે.” કૃષ્ણ વાસુદેવની પૌત્રવધૂ હોવાથી ઉષા જાણતી હતી કે તેમના સ્નેહ, વાત્સલ્યમાં કશી ઊણપ નથી. પણ આ સંબંધને કારણે તે એટલુંયે સમજી ગઈ હતી કે તેમાં મમત્વનો કશો અંશ નથી. અને આનંદનો મહોત્સવ કે યુદ્ધનો કોલાહલ - એ બંને વચ્ચે તેમના સ્મિતને અટકાવતી કોઈ સીમારેખા નહોતી. વર્ષામંગલ એ યાદવ ગણરાજ્યનો રાજસમારોહ હતો. બીજાં રાજ્યોના અધિપતિઓને આ પ્રસંગે આમંત્રણ પાઠવવામાં આવ્યાં હતાં. પણ આ દિવસોમાં કેન્દ્રસ્થાને હળ હતું અને હળપતિ હતા. સોમનાથના વિશાળ ચોગાનમાં પૂજન માટે અર્ધચન્દ્રાકારે રાખેલાં એક હજાર ને એકસો આઠ હળ જોઈ આની પ્રતીતિ થઈ જતી. શિવના વાહન જેવાં નંદીની જોડ આ ઉત્સવને કૃષિજીવનનો મંગળ માર્ગ દર્શાવતી હતી. આચાર્ય ભદ્રંકર તો સહુ રાજમાન્ય વ્યક્તિઓ વચ્ચે કહેતા હતા : “રાજ્ઞાં સત્વે અસત્વે વા વિશેષો નોપલક્ષ્યતે, કૃષીવલ વિનાશે તુ જાયતે જગતો વિપત્.” “રાજાઓ તો આવે ને જાય. તેથી કાંઈ ખાસ બગડી જતું નથી. પણ કૃષિકાર નાશ પામ્યો તો જગતમાં ઘોર વિપત્તિ આવી પડે.” કૌરવપક્ષમાં અસંખ્ય માથાં રોળી નાખનાર સાત્યકિ જેવો વીર કે પાંડવપક્ષમાં હાહાકાર મચાવી મૂકનાર કૃતવર્મા આવાં વચન સાંભળી હસી ઊઠતા. તેમનું વક્ર હાસ્ય આ ઉત્સવમાં ખભેખભો મિલાવી ભાગ લેતા ખેડૂતોને તુચ્છકારતું હવામાં મળી જતું. કોઈ દુર્મદ યાદવ યોદ્ધો ખેડૂતને હડસેલી આગળ વધતો ત્યારે ખેડુ બોલી ઊઠતો : “અથરો થા મા, ભાઈ, જરા હળવે હાલ્ય. અમે તો રગશિયું હાંક્યે રાખશું. પણ તું બહુ જોર કરીશ તો વહેલો ગુડાઈ જઈશ.” આ ખેડૂતોનાં ટોળાં વચ્ચે બળરામ ઘૂમતા હતા, રેવતીની યાદ તેમને ઘેરી વળતી. રેવતીનો આનંદ હૈયામાંથી પુકારી ઊઠતો : “રામ, આ મંગલ પર્વે પ્રાર્થના કરો! પ્રાર્થના કરો!” ‘નહિ માતા પુત્રં હિનસ્તિ, ન પુત્રો માતરમ્.’ “મા પુત્રનો વધ નથી કરતી, પુત્ર માતાને ન હણે.” બળરામના સૂરમાં રેવતીનો સૂર ભળી જતો. આ બંનેની પ્રાર્થનાને ચોખંડ ધરતી પર વહેતી કરવા ઉષા દિશાઓ અજવાળતી આવી પહોંચી હતી. સોમનાથનો મહાભિષેક થયો. મગ પુરોહિતોએ સૂર્યપૂજન કર્યું. સોમનાથના પટાંગણમાં હળ અને બળદજોડી પર અભિસિંચિત જળનો છંટકાવ કરવામાં આવ્યો. અબીલગુલાલ ઉછાળવામાં આવ્યું. મંગળવાદ્યોના ધ્વનિ સાથે હળ-બળદનું પૂજન થયું. હળને કંકુના ચાંદલા કરવામાં આવ્યા. રંગબેરંગી ઝૂલ, મોતીઓની માળા અને સુવર્ણશિંગથી બળદોને શણગારવામાં આવ્યા હતા. બળરામની સાથે પૂજનવિધિમાં રાજપુત્રો, શ્રેષ્ઠીઓ, વિવિધ જ્ઞાતિસંઘના અગ્રણીઓ તથા ખેડૂતોએ ભાગ લીધો. આખું દૃશ્ય ધરતીની સમૂહ-આરાધના સમું બની ગયું. મંત્રોનો ઉચ્ચાર, સ્તવનોનું ગાન અને વાદ્યોના ધ્વનિએ પૃથ્વીને આકાશ સાથે જોડી આપતું એક વાતાવરણ સર્જી આપ્યું. આચાર્ય ભદ્રંકરે મહેશ્વરની ઉપાસનાનું રહસ્ય સમજાવ્યું. મહાદેવના મસ્તક પર રહેલા ચન્દ્રની અને વાહન નંદીની મહત્તા સમજાવી. ચન્દ્ર જો પૃથ્વીને અમૃતથી રસી દે છે તો નંદી આ અમૃતને વિવિધ ધાન્યમાં પલટાવી નાખવા માટે મનુષ્યને સહાય કરે છે. નંદીની સંભાળ અને સંવર્ધન એ મહાદેવને પ્રસન્ન કરવાની સાધના છે. હળની અણી જ્યારે ધરતીને ખેડતી આગળ વધે છે ત્યારે બીજના ચન્દ્રની દ્યુતિ પૃથ્વી પર અંકાય છે. સોમતીર્થમાં હળપૂજન એ તો ઉત્સવની પૂર્વભૂમિકા સમું હતું. ખરો ઉત્સવ તો અહીંથી બે કોશ દૂર આવેલા બળરામના ખેતરમાં ઊજવવામાં આવ્યો. બીજે દિવસે સવારે સોમતીર્થથી બળરામના હળને મધ્યમાં રાખી શોભાયાત્રા શરૂ થઈ. ઉત્સવ માટે તૈયાર કરવામાં આવેલા સુવિશાળ ખેતરમાં આ શોભાયાત્રાનું સ્વાગત કરવા બળરામ હળપૂજન પૂરું થતાં જ ખેતરે પહોંચી ગયા. રાજ્યના મહેમાનો માટે આ ખેતરમાં વાંસનાં કામચલાઉ આરામગૃહો ઊભાં કરવામાં આવ્યાં હતાં. પ્રેક્ષકો સારી રીતે કૃષિઉત્સવને નિહાળી શકે એ માટે ઊંચી પાટલીઓ પર બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અલ્પાહાર અને જળપાન રાજ્ય તરફથી પૂરાં પાડવામાં આવ્યાં હતાં. સોમનાથના મંદિરના પ્રાંગણમાંથી શોભાયાત્રા શરૂ થઈ. અધિકાર અને સંપત્તિના ગર્વથી સભાન યાદવ નાયકો, પરરાજ્યના પ્રતિનિધિઓ અને ઉત્સવઘેલાં નરનારીઓ આ યાત્રામાં જોડાયાં. પુરોહિતો મંત્રોચ્ચાર કરતા આગળ ચાલતા હતા. શણગારેલાં ગાડાંઓમાં લાલ કપડાં પર હળને ગોઠવવામાં આવ્યાં હતાં. ઉષાને મન આ ઉત્સવ માત્ર રાજ્યના ઊંચા વર્ગનો કે ખેડૂતોનો જ નહોતો. માત્ર મનુષ્યોનોયે નહોતો. પણ મનુષ્ય સાથે પશુ, પક્ષી, વૃક્ષ, વનસ્પતિ સર્વનો આ સહિયારો ઉત્સવ હતો. સમગ્ર ધરતી જ્યારે મેઘને વધાવવા માટે થનગની ઊઠે ત્યારે ધરતીનો પ્રાણ આ ઉત્સવમાં પ્રતિબિંબિત થઈ ઊઠવો જોઈએ. આ શોભાયાત્રા અને ઉત્સવ-પ્રસંગે ઉષાએ ખાસ વાદ્યો અને સંગીતનું સંયોજન કર્યું હતું. કુશળ બજવૈયા અને ગાયકો દૂર ગગનમાં રહેલા મેઘને પૃથ્વીને તોરણદ્વારે ઝૂકતો કરી મૂકતા હતા. આ વાદ્યસંગીત અને ગાનમાં ધરતીનો પુકાર હતો. મેઘનો પ્રતિઘોષ હતો. લોકોની આશા અને આનંદનો ઝંકાર હતો. શરૂઆતમાં મન્દ્ર અને મધુર સંગીત મધ્યમ લયમાં આરોહિત થતું. ધીમે ધીમે પ્રલંબિત અને તાર સ્વરોમાં અનેક વાદ્યો એકીસાથે ગુંજાર કરી ઊઠતાં. કોઈ મેઘમદીલો કંઠ વચ્ચે મયૂરની કેકાનું આબેહૂબ અનુકરણ કરતો. થોડી વાર સ્તબ્ધ શાંતિ છવાઈ જતી. પછી આ વાદ્યગુંજાર અને કંઠધ્વનિને જવાબ આપતી હોય એમ મૃદંગની થાપી સંભળાતી. આ જવાબના પડઘા દિશાઓમાં પડતા. સ્નિગ્ધ અને ગંભીર ઘોષ આગળ વધતો, વચ્ચે એકાદ તીવ્ર સ્વર આ ઘનઘટાને ભેદી નાખતો. વીજળીનો ચમકારો અનુભવાતો અને ફરી સમૂહ-મૃદંગવાદનથી વાતાવરણ કંપી ઊઠતું. ઉષાની સંગીત-આયોજનાનો મર્મ પકડી લઈ કૃષ્ણે તેને કહ્યું : “ઉષા, મનુષ્યના સ્વરમાં પ્રકૃતિની સાહજિકતા નથી, એટલે તેનો સ્વર સમય જતાં જુનવાણી બની જાય છે. તું મનુષ્યના સ્વરમાં, જીવનમાં જે ઉતારવા મથે છે તે જાણું છું. તું આ સ્વરોને ક્યાં સુધી જીવતા રાખી શકીશ?” “ખબર નથી દાદા, પણ લોકો મેઘને વધાવે ત્યારે આ સ્વરોને ન ભૂલે એવી ઝંખના છે.” “તો આ સ્વરોને વધુ સરળ કરીએ, ઉષા, તેને જટિલતાનાં જાળાંમાંથી બહાર લાવીએ. તારી રાસમંડળી, ધૂનમંડળી, ગરબામંડળી આમાં કેમ દેખાતી નથી?” “એ તો કૃષિઉત્સવના સમાપન વખતે રમઝટ જમાવશે.” કૃષ્ણ હસી પડ્યા. કહ્યું : “ત્યારે આ તો તેં શિવની જટા બાંધી આપી. એ જટા ખૂલવા દે, ગંગાને છૂટી વહેવા દે.” થોડી વાર અટકી કહ્યું : ‘અને તુંયે ગાન ગાતી વહી જા! દરેક વર્ષે ઘેરાતો ને વરસી પડતો મેઘ તારા સ્વરોને તાજા તરબોળ કરી દેશે. સાંજે જેને જવું હોય તે ભલે જાય. મને તારી રાસમંડળીમાં ગમે ત્યાં હોઉં ત્યાંથી ખેંચી જજે.” વૃદ્ધ કૃષ્ણના શરીરમાં આ વાત કરતાં કિશોરની સ્ફૂર્તિ આવી ગઈ. ઉષાને માટે આ નવું દર્શન હતું. ક્યાંક અસાધારણ કુશળતાની સાથે સાથે છાને પગલે કૃત્રિમતા તો નહીં ચાલી આવતી હોય ને! આ ઘટાટોપ બંધાતી અને વિખેરાતી મેઘલીલાને કેવી રીતે ઝીલી શકાય? આ શ્યામલ ધરતીની જેમ હૃદય બિછાવી દેવું પડશે. સ્વરોની જાળ વણી ઝીલવા બેસીશું તો કાંઈ હાથ નહીં આવે. અને માત્ર સંગીત જ શા માટે? કૃષ્ણનું કથન આ સમગ્ર કૃષિ-મહોત્સવને પણ લાગુ નથી પડતું? કેવા ઠાઠમાઠથી આ મેઘમંડપ ઊભો કર્યો છે? એમાંનું કાંઈ નહીં રહે? ભર્યા ભરપૂર આનંદ વચ્ચે ઉષાના મનમાં વેદનાની ઝાળ લાગી ગઈ. પણ એને વળી થયું : કૃષિ-મહોત્સવનો આ વૃથા આડંબર તૂટી પડવાનો હો તો ભલે તૂટી પડે. પણ બળરામ જ્યારે ધરતી પર હળની રેખા દોરશે અને કૃષ્ણ હવામાં બંસીની તાન લહેરાવશે ત્યારે આ સમારંભમાંથી કાંઈક ઊગી નીકળશે, જે ચિરકાળ સુંદર હશે.. વિશાળ ખેતરના સુશોભિત પ્રવેશદ્વારે ઊભા રહી બળરામે યાત્રાનું સ્વાગત કર્યું. બળરામના જીવનનો આ ધન્ય પ્રસંગ હતો. કોઈ વિશ્વવિજેતાનું સ્વાગત કરતાં પણ તેમને આટલો આનંદ ન આવત. અને શોભાયાત્રાની આગલી હરોળમાં કોણ હતું? કોનું સ્વાગત બળરામ સર્વ પ્રથમ કરતા હતા? એ મહર્ષિ, મનીષી કે મહારથી નહોતા. એ તો સાત કન્યાઓ હતી. ચારે વર્ણની કન્યાઓ સાથે ભીલ, નાગ અને દસ્યુ કન્યાઓ પણ બળરામ માટે અભિસિંચિત જળનો કળશ લાવી હતી. ફૂલોથી સજ્જ અને હાસ્યથી પ્રફુલ્લ આ કન્યાઓનો સત્કાર કરી બળરામે ગૌરીપૂજન કર્યું. અને પછી મુખ્ય કૃષિ-ઉત્સવ શરૂ થયો. એકીસાથે એક હજાર એકસો આઠ હળ ધરતી ખેડતાં જતાં હોય એ દૃશ્ય અપૂર્વ હતું. બળરામે હળચાલન શરૂ કર્યું અને તેમની પાછળ બીજાં હળ પણ ચાલતાં થયાં. ઉષાએ એક નવો પ્રયોગ કર્યો હતો. હળચાલકની સાથે કુળવધૂઓ ધાન્યના ટોપલા ભરીને ચાલતી હતી. એમાં રાજરાણી અને ખેડૂતસ્ત્રીઓનો ભેદ નહોતો. બળરામના હળ પાસે આવી, ટોપલો ઉપાડી ઉષાએ કહ્યું : “દાદા, હું તો મા રેવતીની પ્રતિનિધિ છું ને! તમને દાણા હું આપતી જઈશ.” એ પળે ઉષાને લાગ્યું કે એક ધવલ આકૃતિ તેના પર નમી, ભાલને મૃદુપણે ચૂમી અદૃશ્ય થઈ ગઈ. ઉષાનું હૃદય પુલકિત થઈ ઊઠ્યું. એક પાંખડી વિનાના ફૂલની સુગંધ તેના પર રહી રહી વરસવા લાગી. બળરામે આ જોયું. કહ્યું : “તારા પર રેવતીની પ્રસન્નતા વરસે જ છે, ઉષા, મારે કહેવાની જરૂર નથી." ખેતરના એક છેડાથી બીજા છેડા સુધી ત્રણ વાર હળ ચલાવવામાં આવ્યું. હળચાલનની વિધિ પૂરી થઈ. બળદોને છોડી નાખવામાં આવ્યા, અને હળપતિ પોતપોતાને સ્થાને બેઠા કે લોકો ખેતરમાં દોડી આવ્યા. જે દાણાઓ વેરવામાં આવ્યા હતા તે ધૂળ સાથે મુઠ્ઠી ભરી ભરીને લેવા લાગ્યા. હવે ઝોળી ભરીને આ દાણા તેઓ લઈ જશે. વાવણી-જોગ વરસાદ થતાં પોતાનાં ખેતરમાં જે બીજ વાવશે તેની સાથે આ બીજ ભેળવી દેશે. કૃષિમંગલમાં મંત્રોચ્ચાર સાથે વેરાયેલાં આ બીજ માત્ર સામાન્ય દાણા નહોતા રહ્યા. એમાં દેવતાના આશીર્વાદનું તત્ત્વ હતું, ધરતીના અભિવાદનનું સત્ત્વ હતું. આ બીજ વિપુલ પાક ઉતારવામાં સહાય તો કરશે જ, પણ એથીયે વધુ, જે પાક ઊતરશે તેથી સહુનું કલ્યાણ થશે. લોકોની આ ભાવનાને ઉષાએ પહેલેથી પુષ્ટ કરી રાખી હતી. કૃષિમંગલને એક ધાર્મિક વિધિમાંથી લોકઉત્સવમાં પલટી નાખતું આ મહત્ત્વનું પાસું હતું. ખેતરમાં મુઠ્ઠીભર દાણા માટે ધમાચકડી મચી ગઈ. હાસવિનોદ અને ગમ્મતનું વાતાવરણ જામી ગયું. બપોરે રાજ્ય તરફથી સુખડી અને ચણા વહેંચવામાં આવ્યાં. લોકો નોખનોખાં વૃન્દમાં ગુલતાન કરવા લાગ્યાં. સાંજ પડતાં તો રમતગમત અને રાસગરબાની હોડ ચાલી. વહેલી સવારથી હળે જૂતેલા રાજપુરુષો વિદાય લેવા ઉતાવળા થતા હતા ત્યારે કૃષ્ણે ઉત્સવનો દોર હાથમાં લઈ લીધો. બળરામ પણ ફરી વાર વૃન્દાવનના ગોપ બની ગયા. કૃષ્ણ, ઉષા, બળરામ જુદાં જુદાં રાસમંડળમાં ઘૂમવા લાગ્યાં અને ત્રિલોકને વશ કરતી મોહિની લોકસમુદાયને હેલે ચડાવવા લાગી. કૃષિમંગલમાં વેરાયેલા બીજને રાજ્યભરમાં પહોંચાડી દેવાની ઉષાને હોંશ હતી. એ રીતે રાજ્ય સાથે ગામેગામનાં ખેતરનો નાતો જોડવાની તેની ઇચ્છા હતી. પણ રાજ્ય કોઈ કાર્ય માથે લે ત્યારે તેમાં કોઈ ને કોઈ ભય રહેલો જ છે. ક્યાંક સત્તા અને પદનાં લોખંડી પગરખાં પડે, ક્યાંક લોકોને પરાણે ભેગા કરતાં અદીઠ દોરડાં વણાય, ક્યાંક અનાયાસ ઉત્સવ પર ઔપચારિક છાપ લાગી જાય. આ ભય અને શંકાને કૃષ્ણ-બળરામે મૂળમાંથી ઉખેડી નાખ્યાં. આ કૃષિમંગલનો ઉત્સવ ધાન્યનાં બીજ ભેળાં કરી લઈ જવાનો જ ઉત્સવ ન રહ્યો. રાજ્યની આજ્ઞાને માથે ચડાવી લેતી ભીરુ અને રાંક પ્રજાનો ઉત્સવ ન રહ્યો. આ ખેતરમાંથી જે બીજ ભેળાં કરવામાં આવ્યાં એ તો હવે ઊગશે. પણ કૃષ્ણની બંસી અને બળરામના મૃદંગે આ વિશાળ ખેતરમાં જે વાવણી કરી તેમાંથી આનંદનો મોલ ઘુઘવાટા કરવા લાગ્યો. લોકોનાં હૈયાંમાંથી જ આ મોલ એવો તો હિલોળા લેવા માંડ્યો કે અક્કડ ઊભેલા ઊંચા કર્મચારીઓ પણ તેની સાથે ઝૂલવા લાગ્યા. ઉષાની ચકોર નજરથી આ અછતું ન રહ્યું. આરામગૃહમાં પાછા ફરતાં તે બોલી ઊઠી : “કૃષિમંગલ માટે રાજ્યના કોઠારમાંથી અનાજ તો ઘણા કાઢી આપશે, પણ લોકોને ઘેલું લગાડે એવું હૈયું ક્યાં લેવા જઈશું?” કૃષ્ણ અને બળરામ જોડાજોડ ચાલ્યા આવ્યા હતા. પહેલાં તો આ વાક્ય કોને સંબોધી કહેવામાં આવ્યું છે તે એ સમજી ન શક્યા. કદાચ ઉષાની આ સ્વગત ઉક્તિ હતી. કદાચ તેમને બંનેને આ પ્રશ્ન તેણે એકીસાથે પૂછ્યો હતો. કૃષ્ણે બળરામને કહ્યું : “મોટા, ઉષાના પ્રશ્નનો જવાબ આપો.” બળરામ ક્યાંય સુધી ખેતર ખૂંદતા મૂંગા મૂંગા ચાલતા રહ્યા. પછી નીચા નમી મુઠ્ઠીમાં માટી લઈ કહ્યું : “ઉષા, જેઓ રાજ્યની ધુરા વહન કરે છે તેઓ આ ખેતરમાં આવી હળે જૂતશે તો આ ધૂળનાં ઢેફાં તેમને હૈયું આપશે. આ વગડાની હવા તેમને હૈયું આપશે.” બળરામે માટી ખેતરમાં વેરી દીધી. કૃષ્ણે ઉષા તરફ જરા તોફાની નજરે જોઈ કહ્યું : “તું સમજી ને બેટા! મોટા ભાઈએ હળની જેમ એનું નામ નથી લીધું, પણ અહીં હવાનો અર્થ બંસી થાય છે." બળરામે માથું ધુણાવી કહ્યું : ‘“એ હા બાપા, હા, નવું ન ગોતી કાઢે તો નાનકો નહીં.” ઉષાને થયું : ‘આ બંને વૃદ્ધો કદી વૃદ્ધ જ નહીં થાય?