માટીનો મહેકતો સાદ/પ્રકરણ ૪
યાદવો આવા હતા. આખાબોલા, ટંટાખોર, કોલાહલિયા અને ભુલકણા. એક વખત મનની વરાળ નીકળી જતાં તેઓ કશું બાંધી ન રાખતા. બોલાચાલી ને મારામારી તેમનામાં રોજનો બનાવ હતો અને થોડી વાર પછી નાચગાન, હાસ્યઠઠ્ઠા પણ તેમને માટે સ્વાભાવિક હતાં. દ્વારિકામાં આવતા પરદેશીઓને એક અચરજ જોવા મળતું. ગઈ કાલે એકબીજાનું ગળું કાપવા તૈયાર થઈ ગયેલા યાદવો બીજે દિવસે મદ્યશાળામાં એકબીજાના ગળાના સમ દઈ પ્યાલીઓ પાતા કે પીતા દેખાતા. પણ દ્વારિકાની સમૃદ્ધિ વધવા માંડી અને યાદવોનો પ્રતાપ વિસ્તરતો ગયો તેમ આવાં દૃશ્યો ઓછાં થવા માંડ્યાં. કજિયો જમાવવા માટે અને પછી તેને ઠારવા માટે સમય જોઈએ છે. યાદવોને નિરાંતે બાઝવાનો અને સમાધાન કરવાનો હવે સમય નહોતો. ઘરેલુ ઝઘડાઓ ઓછા થવા માંડ્યા, કારણ કે બધા સાથે મળી હવે મહાયુદ્ધોની તૈયારીમાં પડ્યા હતા. યાદવોની એક બળવાન સત્તા ઊભી થઈ હતી. વરુઓનાં ટોળાંને પણ ખબર પડે છે કે તેમની તાકાત જૂથને અંગે છે, એટલે પરસ્પર તે ફાડી ખાતાં નથી. યાદવો જ્યારે કતારબંધ રણે ચડવા નીકળતા ત્યારે બળરામને વરુની ટોળી યાદ આવી જતી. પણ અહીં તો તેમના આગેવાન હતા કૃષ્ણ. કૃષ્ણ? બળરામને અચાનક જ ખ્યાલ આવ્યો કે પોતાનો માર્ગ કૃષ્ણ સામે જ ટકરાતો નથી ને? એ કંપી ઊઠ્યા. કૃષ્ણની નારાયણી સેના તો યાદવોના મેરુદંડ સમી હતી; અને તેના જ એક એક મણકા બળરામ છૂટા કરવા નહોતા માગતા? તો તો કૃષ્ણના જ હાથ હેઠા ન પડે? આજે ચક્રવર્તી સમ્રાટો કૃષ્ણના નામથી થરથરે છે તે શાના વડે? આજે તો કૃષ્ણનો યાદવસેના પર પૂરો કાબૂ છે. યાદવોના માનસને ઘડવા પણ તેણે કેટકેટલા પ્રયત્નો કર્યા છે? ગિરનાર, શત્રુંજય, બરડાના ડુંગરામાં તેણે ક્યાં ક્યાંથી ઋષિમુનિઓને બોલાવી વસાવ્યા છે! આ ઋષિકુળો, આ આચાર્યકુળો, આ તપોધન સાધકો યાદવોના સત્તાથી ચકચૂર થતા માનસને સાચી દિશામાં વાળી શકશે? કે પછી એ લોકો જ સત્તાધારીની ખુશામત કરવા લાગી જશે? કોણ જાણે, બળરામને જીવનની ઊંચી ઊંચી તત્ત્વચર્ચામાં રસ નહોતો. જે માણસ શાસ્ત્રોની ઝીણી ઝીણી ચર્ચા ચલાવી શકે તેનામાં ને સારી રીતે શસ્ત્ર ચલાવી જાણે તેનામાં તેમને બહુ ફરક નહોતો લાગતો. એક વાર કૃષ્ણ તેમને એક યજ્ઞાચાર્ય પાસે લઈ ગયા. જતાવેંત ઝઘડો થઈ ગયો. કૃષ્ણ-બળરામના સ્વાગત માટે યજ્ઞાચાર્ય દોડતા આવ્યા. ત્યાં આશ્રમના પ્રવેશદ્વાર પાસે જ એક ભીલ ને તેની પત્નીનો બળરામને ભેટો થઈ ગયો. ભીલ બબડતો જતો હતો, તેની પત્ની આંસુ લૂછતી હતી. બન્નેને ઊભાં રાખી હકીકત પૂછી તો ખબર પડી કે આશ્રમના વિદ્યાર્થીઓએ તેમનાં ફળઝાડને નુકસાન પહોંચાડ્યું છે, અને આચાર્ય પાસે ફરિયાદે આવતાં તો તેમને જ ધમકાવીને કાઢી મૂકવામાં આવ્યાં છે. કૃષ્ણ-બળરામે આ વાત સાંભળી કુલપતિ સામે જોયું. મહાયાજ્ઞિક આચાર્યે કહ્યું : “રાજન, યજ્ઞકાર્ય નિમિત્તે વિદ્યાર્થીઓ એ ફળો લાવ્યા છે. હા, આ લોકોની અનુમતિ લેવી જોઈતી હતી. પણ આવા શુભકાર્ય માટે વિદ્યાર્થીઓનો અપરાધ ગણીએ તો અપરાધ ક્ષમ્ય છે. આ વનવાસી જીવો ઉદાત્ત યજ્ઞભાવનાને શું સમજે? ક્ષમા, ક્ષમા. મેં તેમના અપમાનજનક ઉદ્ગારોને ક્ષમા આપી છે. આપ પણ ક્ષમા આપશો." કૃષ્ણના મુખ પર વિલક્ષણ હાસ્ય ફરકી ગયું, પણ બળરામનો તો પિત્તો ગયો. તેમણે કઠોર વાણીમાં પૂછ્યું : “આચાર્ય, તમારા વિદ્યાર્થીઓ ફળઝાડ રોપે છે?” આચાર્ય હડબડી ગયા. બળરામની આંખનો અગ્નિ તેમને દઝાડતો હતો, એ બોલ્યાઃ “ના જી, મારા વિદ્યાર્થી તો દીક્ષિત તાપસો છે. તેમનું કાર્ય અધ્યયન, વ્રતચર્યા, યજ્ઞકાર્ય અને તપસ્યા છે. વૃક્ષો ઉગાડવાના ક્ષુદ્ર કાર્યમાં તે પડતા નથી." “તેથી જ બીજાનાં વૃક્ષોને ઉખેડી નાખવાનું શીખ્યા છે.” કૃષ્ણે વાત વધી જાય તે પહેલાં દોર પોતાના હાથમાં લઈ લીધો. ગુનેગાર વિદ્યાર્થીઓને બોલાવ્યા, પેલા ભીલ-દંપતીની માફી મંગાવી, અને હવે પછી આવું કોઈ પણ પગલું ભર્યું છે તો આકરી શિક્ષા કરવામાં આવશે — એવી ચેતવણી આપી. ભીલ-દંપતીને આચાર્ય પાસેથી વળતર અપાવ્યું. પણ બળરામનો રોષ ઠંડો નહોતો પડ્યો. તેમણે ગુનેગાર વિદ્યાર્થીઓને કહ્યું : “દીકરાઓ, તમે એટલામાં છટકી નહીં શકો. આ ભીલને ત્યાં છ મહિના સુધી ક્યારા ખોદજો. આટલા પ્રાયશ્ચિત્ત વિના હું તમને છોડીશ નહીં." “પણ તેમનું યજ્ઞકાર્ય?” આચાર્ય વચ્ચે બોલી ઊઠ્યા. “તો એને બદલે તમે જજો.” બળરામે કહ્યું. પછી પોતાના આંટણ પડેલા હાથ બતાવી કહ્યું : “મહર્ષિ સાંદીપનિને ત્યાં રહીને આ હાથમાં આ વિદ્યાની રેખાઓ પડી છે. આવું ન ભણી શકો ને ન ભણાવી શકો તો તમારે માટે યજ્ઞકુંડ ક્યાં આઘો છે? બળી મરજો.” આચાર્ય અને વિદ્યાર્થીઓ બળરામના હાથનો માર ખાધા વિના ન રહેત. પણ કૃષ્ણે તેમને સમજાવી લીધા અને બન્ને સવેળા રથે ચડી રવાના થઈ ગયા. રસ્તામાં બળરામે કહ્યું : “નાનકા, મને તો આજ ગોકુળ યાદ આવી ગયું.” "કેમ?" “યાદ છે? તું માખણ ચોરીને ખાતો. અમને સાથે ખવરાવતો એ તો ઠીક, પણ તું વાંદરાઓનેય ભેળા કરતો ને ખવરાવતો. યાદ છે ને?” કૃષ્ણ હસી પડ્યા. બોલ્યા : “હા, યાદ છે.” “તેં અહીં એવી જ ભામ ભેળી કરી લાગે છે." બન્ને ભાઈ વગડો ગજાવી મૂકતું હાસ્ય કરી ઊઠ્યા. બળરામ મનોમન બોલ્યા : “આવાના યજ્ઞમાં વનચરો હાડકાં ન નાખે તો શું કરે?” થોડી વારે કૃષ્ણે કહ્યું : “ગોકુળમાં નવાં ધાનનાં ગાડાં ભરાઈને આવતાં એ તમને યાદ છે ને, મોટા! ત્યારે યશોદા મા ને ગોપીઓ મોટા મોટા ચાળણા લઈ પરસાળમાં બેસી જતી. અનાજના ઢગલેઢગલા ચળાવા લાગતા. હું પણ એવો જ ચાળણો લઈ આજે બેઠો છું. ગમે તે ઢગલામાંથી માનવીઓ ઉપાડું છું અને ચાળું છું. આ એવો ચાળણો છે, મોટા, કે તેમાં દિગ્ગજો પણ ચળાઈ જશે. મને એની ફિકર નથી. માનવીની અસલ ઓલાદનું એકાદ સાચું બીજ તારવી કાઢીશ ને, તોયે બસ છે.” બળરામને ભાગે કૃષ્ણની સાથે સાથે કદમ મિલાવવાનું આવ્યું હતું. તે સહેલાઈથી હારી જાય એવા જણ નહોતા. પણ કોઈ વાર કૃષ્ણની જીવનફાળ જોઈ તે ડઘાઈ જતા. પહેલેથી જ આવી જંગી ધજા ફરકાવી ન હોય તો ન ચાલે? આવડો મોટો ચાળણો હાથમાં લેવાની શી જરૂર? દિગ્ગજોને આ દિશામાંથી તે દિશામાં હલાવવા કરતાં કોઈ શાંત જગ્યાએ પલાંઠી વાળી બેસી જઈએ તો? એક નાની ચાળણી બસ ન થાય? કેટલાક નમૂનેદાર દાણાઓ તારવી કાઢીએ તો? એક આગવી વસાહત ઊભી કરીએ, મુઠ્ઠીભર ચુનંદા નરવીર નીપજે એવું વાતાવરણ પહેલાં સર્જીએ, પછી ભલે તેને ફેલાવું હોય એટલું ફેલાય. યુદ્ધની ઘેલછા આટલી ઝડપથી ફેલાય છે તો આ શાંતિની ખુશબો નહીં ફેલાય? પણ એને માટે ક્યાંયે અવકાશ છે? આજે તો મહાનગરીના સુવર્ણકળશો જોઈને લોકો અંજાઈ જાય છે. ફૂદાંની જેમ એ અંધ આવેગે ધસે છે અને ધનપતિઓની ભૂખના ભોગ થઈ પડે છે. આને કોણ અટકાવી શકશે? કોણ તેમને સમજાવશે કે વધતી જતી સમૃદ્ધિ તો મનુષ્યના અંતઃકરણને લાગી જતો લકવો છે? તમે કેટલી વસ્તુઓ ધરાવો છો ને કેટલા ભોગ ભોગવો છો તેના કરતાં તમે કેટલી વસ્તુઓ વિના ચલાવી શકો છો એમાં તમારું આત્મગૌરવ છે. પણ આ દ્વારિકા, હસ્તિનાપુર, ઇન્દ્રપ્રસ્થ, ગિરિવ્રજ ભણી ધસી જતી વણજારને કોણ રોકી શકશે? કેવી રીતે રોકી શકશે? કે પછી આ આકર્ષણમાં જ ક્યાંય સત્ય રહ્યું છે? મનુષ્યના પોતાનામાં જ એક ફૂદું રહ્યું છે અને ચળકાટ ભણી ખેંચાઈ જવું એ જ તેનું જીવન છે? કૃષ્ણ તો ઘણી વાર કહે છે કે આ આખુંયે વિશ્વ મહારુદ્રની કરાલ દ્રંષ્ટ્રામાં જ પડ્યું છે. રુદ્ર તેનો ગ્રાસ કરી રહ્યા છે. મહારુદ્રને જેટલા કોળિયા ભરવા હોય તેટલા ભલે ભરે, પણ માણસોને હાથે માણસોનો આ ઘોર હત્યાકાંડ? માણસોને હાથે માણસોનાં જ લોહીનાં આ ખપ્પર? કે એ પણ રુદ્રની દ્રંષ્ટાનો જ એક પ્રકાર હશે? કાંઈ ખબર નથી પડતી. કૃષ્ણને પૂછવું પડશે. બળરામનું હૃદય અચાનક મૂળમાંથી હચમચી ઊઠ્યું. તેમને વિચાર આવ્યો. એ કરાળ દ્રંષ્ટ્રા કૃષ્ણરૂપે જ સામે હોય તો? બળરામને ભય લાગ્યો. કૃષ્ણમાં કાંઈક એવું હતું, જેનો ભય લાગે. એ ઘૂંટણિયાભર ચાલતો ત્યારે પણ મા જશોદા તેનાથી કોઈ વાર ભયભીત બની જતી. પેલા ખાંડણિયા સાથે તેને બાંધ્યો હતો ત્યારે તેણે કેવી રીતે એ ખેંચી જઈ યમલાર્જુન વૃક્ષોને પાડી નાખ્યાં હતાં? એ ખાંડણિયે બંધાય ન બંધાય, તો પ્રેમની દોરીએ પણ ક્યાં બંધાય એવો છે? કૃષ્ણમાં ક્યાંક ભારે મોટી નિર્મમતા છે. ભારે મોટી નિર્દયતા છે. પણ એના જેવો પ્રેમ વળી કોનામાં છે? બળરામનાં નેત્રો સામે રેવતીનું મુખ તરવરી રહ્યું. માનવપ્રેમ આટલો મધુર હોઈ શકે? આટલો ઉજ્જ્વળ હોઈ શકે? બળરામને રેવતીનાં વચનો યાદ આવી ગયાં. “માનવની પ્રીતિ દુર્લભ છે, બળરામ, પણ તેને વણસી જતાં વાર લાગતી નથી.” “એને સદાયે તાજી, સદાયે નરવી કેમ રાખી શકાય? એમાં ભય ન પેસે, શંકા ન પેસે, ધિક્કાર ન પેસે એવું કદી બની શકે?” બળરામે પૂછ્યું હતું. “મને બહુ ખબર નથી પડતી.” રેવતીએ કહ્યું હતું : “પણ રૈવતક ગિરિએ મને કેટલુંક શીખવ્યું છે, અને તે હું કદી ભૂલી નથી. પેલો ભૈરવજપનો પથ્થર તો તમે જોયો છે ને! જાણે હમણાં જ તૂટી પડશે એમ તોળાઈ રહ્યો છે. અમે નાની વયથી તેને નીરખતાં આવતાં ને ભય પામતાં, પણ એક દિવસ તેની પાસેથી પસાર થતાં મારામાંથી કોઈ બોલ્યું : “તું ભય ન પામીશ. ભૈરવજપ પર ચડી શકાય.” “ભૈરવજપ પર? મારાથી?” “હા, તારાથી.” "કેવી રીતે?" “નીચે ઊતર, જરા વધુ નીચે, જરા વધુ.” “પછી?" “ભૂસકો માર.” "ભૂસકો?" “પણ કોઈ આધાર? કોઈ ટેકો?” “ભૂસકો મારે છે, તેને મળી રહે છે.” મારું અંગેઅંગ ધ્રૂજી ઊઠ્યું. પણ મારામાંથી આવતા અવાજને હું દાબી ન શકી. હું નીચે ઊતરી અને કછોટો મારીને મેં ભૂસકો માર્યો. આજે હું જે કાંઈ છું તે એ દિવસના ભૂસકાને કારણે. “રેવતી, તને ક્યારેય ભય નથી લાગતો?” “ભય લાગવાનો તો સવાલ જ નથી. ભય છે જ ક્યાં? આપણે તેને ઊભો કરીએ છીએ એટલે તે ઊભો થાય છે અને મોટો કરીએ તેટલો મોટો બને છે.” બળરામનું મન ઊંડા ચિંતનમાં સરી પડ્યું. તો પછી મને કોઈ કોઈ વાર કૃષ્ણનો ભય લાગે છે તે મારામાં જ સૂતેલા કોઈ ભયનો પડછાયો હશે? હું ક્યાંક મારાથી જ ડરું છું? તો એ ડર કઈ જાતનો છે? કૃષ્ણે એક વાર વિચિત્ર વાત કરી હતી કે પોતાને કોઈ અત્યંત પ્રિય હોય, પણ જો એ પ્રિયમાં વિશ્વનું સત્ય પ્રકાશવા માંડે તો તેનો ભય લાગે છે. કારણ કે એ સત્યને સર્વત્ર પ્રેમ છે, ક્યાંયે મમતા નથી. કોઈ માનવપ્રીતિ પછી તેને ખેંચી રાખતી નથી. તેને ખેંચી જાય છે એકમાત્ર સત્યનો પ્રેમ અને પ્રેમનું સત્ય. અને એ તો મારે માટે, બીજા માટે, દરેક માટે એકસરખું સત્ય છે. બળરામના મનમાં ઝબકારો થયો : પણ જો મારી માનવપ્રીતિ સત્યમાં પ્રતિષ્ઠિત થતી આવે તો? મારું મમત્વ ઓગળી જાય તો? તો પછી ભય ઠેલાતો જાય ને? પણ તો પછી એ સત્ય કયું? તેનું સ્વરૂપ કયું? માનવ-સંબંધોમાં એ પ્રગટ કેવી રીતે થાય? બળરામે મનોમન હસીને કહ્યું : એ પણ કૃષ્ણને જ પૂછવું પડશે.