મારી લોકયાત્રા/૧૯. નવજી સાધુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૧૯.

નવજી સાધુ

પાંચમહુડા ગામથી ત્રણ કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલી અરવલ્લી પહાડની ટેકરીઓ વીંધીને પંથાલ ગામે મારા વિદ્યાર્થી પ્રવીણ ખાંટના ઘેર બીજમાર્ગી (મહામાર્ગી) પાટોત્સવ જોવા ગયો હતો. ભાદ્રપદ (ભાદરવો)માસ ચાલતો હતો. પહાડી પ્રદેશમાં પ્રકૃતિ અનરાધાર વરસી રહી હતી. પગપાળા પંથાલ પહોંચ્યો ત્યારે સેમેરા પહાડ પરથી અંધારું ઊતરી રહ્યું હતું. પ્રવીણના આંગણે સાધુમેળો જામ્યો હતો. મંત્રોચ્ચાર વચ્ચે પ્રવીણની મા હરમાંબહેન અને બાપા દેવાભાઈ કથરોટમાં પાણી લઈ ભીલ સાધુ-સાધવીઓના ચરણ પખાળી એવા ભાવ સાથે ચરણામૃત લેતાં હતાં કે સાધુ હૃદયમાં ભગવાન વસાવીને અમારા આંગણે આવ્યા છે. એમનાં ‘પાવિતર પગલાં' અમારા કુટુંબનું ભલું કરશે. તેઓ ભગવાનને પણ ‘ઓરાઝ’ (આરાધના) કરતાં હતાં, “સાધુનો મેળો ભરાંણો હેં. અમારી મંડલીમા રમણા આવઝે ભગવૉન !” આડા દિવસે બેત્રણ વાર બીજની માહિતી મેળવવા પંથાલ આવેલો. આથી પ્રવીણનો પરિવાર મારાથી પરિચિત હતો. આમ તો આ પવિત્ર અનુષ્ઠાનમાં બીજમાર્ગમાં દીક્ષિત વ્યક્તિ સિવાય અન્યના પ્રવેશ પર પ્રતિબંધ પણ મારા તરફના સ્નેહને લીધે મને અનુમતિ આપેલી. મને જોઈને પરિવારની આંખોમાં ચમક આવેલી અને મુખ ૫૨ આનંદ પ્રસરેલો. હરમાંબહેને મારી પીઠ પસવારી આવકારતાં કહેલું, “પૉમણો (મહેમાન)તો એંદર(ઇંદ્ર-મેઘ)નો પસેરો (પછેડો-ચાદર) કેંવાય. ટૂકો નં ટસ. આવેં એતણ ઝેંણા-ઝેંણા એતે (હેતે-સ્નેહે) વરહેં નં આપુનો હરદો (હૃદય) ખુશીહો ખલ્લાટા મારેં. પૉણ ટૂંકું વાદળું કેતરું વરહેં? ઝાય એતણ ડૂઝા ઓઝ (વાવાઝોડાની જેમ) ઝાતો રેં નં આપુ (આપણે) દ:ખી થાઈએ.” એમની સાથેની વાતચીતથી ખ્યાલ આવ્યો હતો કે એમનું માનસ મૌખિક શબ્દસંપદાથી ભર્યું-ભર્યું હતું. ભોજનથી પરવારીને દેવાભાઈએ સાધુમંડળીને ઘરમાં આમંત્રી. ભીંતની મધ્યમાં ધૂળાના ઠાકોરનું પરંપરિત થાનક હતું. ભીંત પર ટિંગાડેલી લાલ ઝોળીમાં શંખ, ઝાલર, ચીપિયો (કોટવાળ) વગેરે મહામાર્ગી સાધુનો ધાર્મિક સરંજામ હતો. ધૂળાના ઠાકોરને પ્રાર્થીને દેવાભાઈએ શંખઘોષ કરી સાધુમંડળીને આહ્વાન કર્યું, “તમે આઝની રાત ભગવૉન લેઈન અમાર કેં૨ (ઘેર) આવા હાં. તમારી ભક્તિ અમાંન તારહેં (તારશે). ગત(સભા)ન તારહેં. ઑં (અહીં) ધૂળાના ઠાકોર કને ધરમની ખરી કમાઈ (ધર્મની સાચી કમાણી) કરાં."

બીજમાર્ગી પાટના પ્રમુખ સાધુની જવાબદારી બીજમંત્રોના માહેર દેવાભાઈના દીકરા નવજી ખાંટને સોંપવામાં આવી. આસન આપી, મંત્ર બોલી પ્રમુખ સાધુએ ચાર ખૂંટ(સાધુ)ની સ્થાપના કરી. આ સાધુ ચાર ખૂંટા; ખીલા. અચલાચલ પર્વત જેવા અડગ. આખી રાત મુખ્ય સાધુ સાથે બીજની ધાર્મિક વિધિ સંભાળે અને ભક્તિ કરે. નિયુક્ત બે કોટવાળ હાથમાં ચીપિયા ધારણ કરી ગતની(સભાની) રક્ષા કરે. પવિત્ર અનુષ્ઠાનમાં કોઈ નૂગરુ (ગુરુ વિનાનું) કે રજસ્વલા સ્ત્રી પ્રવેશે નહીં તથા કોઈ માંસ-મદિરાનું સેવન કે વ્યભિચાર ના કરે તેનું ધ્યાન રાખે. નિયુક્ત બે ભંડારી મંત્ર-મંડિત ૨દ(લોટ)-ગોળ-ઘીના ચૂરમાનો પ્રસાદ બનાવવાની જવાબદારી સંભાળે. એકઠો થયેલો લોકસમુદાય ગતગંગા (સભા ગંગા) કહેવાય અને આસન લીધા પછી સ્થાન છોડી શકે નહીં. રાતે આઠ વાગે ભગવાનના નામનો દીવો પ્રગટાવી ભજનમંડળી પૂરવામાં આવે. અહીંથી આરંભી બ્રાહ્મમુહૂર્તમાં મંડળની રચના પછી સ્વયંભૂ સિતરી જ્યોત પ્રાગટ્ય સુધી ભજનનો દોર ચાલુ રહે. આ પછી ગુરુ-ચેલા બનાવવાની વિધિ ક૨વામાં આવે. આ પવિત્ર બંધન જીવનપર્યંત નિભાવવામાં આવે. બીજની વિધિ સંપન્ન થયા પછી પૂરી રાતનું ગંભીર ધાર્મિક વાતાવરણ હળવું કરવા વણજારો-વણજારીનું કામુક લોકનાટ્ય અને વાનરાનો હાસ્યરસ-પ્રધાન વેશ કાઢવામાં આવે. પૂરી રાતનું ધાર્મિક અનુષ્ઠાન પવિત્ર રહ્યું છે કે નહીં તેનું ‘નીરવાણ’ જોવા જળ ભરેલા કળશમાં મોતી (મકાઈના કણ) નાખવામાં આવે. મોતી જળ ૫૨ તરે તો ગતગંગા તરી ગઈ; અનુષ્ઠાન પવિત્ર રહ્યું; જગન ફળ્યો. અંતે ચૂરમાનો પ્રસાદ આરોગી ગતગંગા વીખરાયઃ પંઝા સૂટા, સાધ હુઆ નિરમળા! સૂર્યનાં કિ૨ણો છૂટ્યાં પ્રાતઃકાળ થયો) અને સાધુ નિર્મળ બન્યા. બીજમાર્ગી(5) આ પંથાલ ગામના પાટોત્સવમાં મને મુખ-પરંપરાના મહાન સાધુ નવજીભાઈ ખાંટનો પરિચય થયો હતો અને આગળ જતાં આ પરિચય પૂરા પરિવારમાં ઘનિષ્ઠ સ્નેહ-સંબંધમાં પરિણમ્યો હતો. હરમાંઆઈ તો મને ધર્મનો દીકરો માનતાં હતાં. મુખ પર દાઢી-મૂછ ધરાવતા મધ્યમ કદ દેહ- બાંધાવાળા નવજીભાઈની જીભ પર મહામાર્ગી અનુષ્ઠાનના બીજમંત્રો દૈવી ધાર્મિક વાતાવરણ સર્જતા સહજ વિલસતા હતા. અંકમાં વિરાજેલા તંબૂરના તાર સાથે સંધાન કરતા સાધુની નાભિમાંથી ફૂટતા સૂરો દિવ્ય વાતાવરણ સર્જતા. ‘પૃથ્વીની ઉત્પત્તિકથા'નાં ભગવાન, શિવ અને ઉમિયાદેવી, ‘રૉમ-સીતમાની વારતા’નાં રામ-સીતા, હનુમાન, લક્ષ્મણ, રૂપારાણી, તોળીરાણી જેવાં ધાર્મિક ચરિત્રો સંગીતમંડિત શબ્દબ્રહ્મ દ્વારા સાક્ષાત્ થતાં હતાં અને લોકઢાળોને સહજતાથી રમાડતી એમની વાણીના અદ્ભુત માધુર્યમાં ગતગંગા (લોકસમુદાય) પૂરી રાત ત૨તી-ડૂબતી રહેતી હતી. 5. બીજમાર્ગી પાટ(ધૂળાનો પાટ)ની વધુ વિગત માટે જુઓ મારું પુસ્તક, ‘ભીલ લોકાખ્યાન: સતિયો ખાતુ અને હાલો હૂરો', પૃ. ૬૬ થી પૃ. ૧૦૪

એમની આ વાણી પ્રથમ આદિવાસી કલામહોત્સવ સમયે તત્કાલીન આદિજાતિ નાયબ કમિશનર એન. એ. વહોરા(નેક મુસલમાન)ને ભીંજવી ગઈ હતી. તેઓ ‘રૉમ-સીતમાની વારતા' અને અન્ય લોકાખ્યાનો ધ્વનિમુદ્રિત કરવાનો પ્રોજેક્ટ આપવા છેક પંથાલ આવ્યા હતા ત્યારે પૂરું ગામ તેમના સ્વાગત માટે ભજનનૃત્યો, ઢોલનૃત્યો અને ગીતોથી હિલ્લોળે ચડયું હતું. પણ અમારો આ આનંદ દીર્ઘ કાળ ટક્યો નહોતો. એન.એ. વહોરા પછી તેમના સ્થાને આવેલા અન્ય અધિકારી જોશી સાહેબે આ પ્રોજેક્ટ નકામો ગણી બંધ કર્યો હતો અને મેં મારા કાળજાના કો૨ જેવું બાપુકું ખેતર વેચી પાંચ વર્ષના અંતે આ કાર્ય સંપન્ન કર્યું હતું. પરંપરિત લોકકલા અને લોકસ્વરોની અનન્ય સિદ્ધિના લીધે આ વાહક સાધુનું વિશ્વ-સંદર્ભે પણ યોગદાન રહ્યું છે. ૧૯૮૫માં રંગબહાર સંસ્થા સાથે મને, હરેન્દ્ર ભટ્ટ (તંત્રી, વીરડો), રોહિત મિસ્ત્રી (ચિત્રકાર), એન. એ. વહોરા અને નવજી ખાંટને ફ્રાન્સના ‘ડીઝાં’ શહેરમાં વિશ્વ લોકનૃત્ય સમારોહમાં સહભાગી. થવાનું આમંત્રણ મળ્યું હતું. આ પ્રસંગે નવજી સાધુના તંબૂરના વિવિધ સ્વરો અને નૃત્ય સાથે ઢોલના વિવિધ તાલ વગાડવાની સિદ્ધહસ્તકળા પર ફ્રાન્સની પ્રજા ઘેલી થઈ હતી. પેરિસના એફિલ ટાવર ૫૨ ચડીને નવજી ખાંટે ભજન સાથે તંબૂર-નૃત્ય અને ગીત સાથે ઢોલ-નૃત્ય કરીને વિશ્વમાં ભારતની આદિવાસી લોકકલાનો વિજય-ડંકો વગાડ્યો હતો! નવજીભાઈ ખાંટનો પૂરો પરિવાર મૌખિક સંપત્તિથી સમૃદ્ધ હતો. પિતા દેવાભાઈ પાસેથી ‘ભારથ'ની આરંભની પાંખડીઓ (પ્રસંગો) અને નવજીભાઈ પાસેથી પૂરી ‘રૉમ-સીતમાની વારતા' ધ્વનિમુદ્રિત કરેલી. બરાબર ૧૨ વર્ષના વનવાસ પછી આ આદિવાસી રામાયણ ગુજરાત સાહિત્ય અકાદમીના તત્કાલીન દૃષ્ટિવંતા મહામાત્ર હસુ યાજ્ઞિકના પ્રયત્નોથી પ્રસિદ્ધ થયેલી ત્યારે મને ‘અહલ્યા ઉદ્ધાર' જેટલો આનંદ થયેલો. નવજીનાં માતા હરમાંબહેન લગ્ન સમયે ગવાતી ગીતકથાઓની ખાણ હતાં. મેં એમની પાસેથી લગ્નગીતો ઉપરાંત ‘ખૂતાંનો રાઝવી અને દેવોલ ગુઝરણ' ગીતકથા ધ્વનિમુદ્રિત કરેલી. પંથાલ જવામાં કેટલાક દિવસોનો મારાથી વિલંબ થતો તો હરમાંબહેનનું હૃદય અધીરું બની ‘કૂરઝી'(કૂરજ પક્ષી)ની માફક પાંખો ફફડાવી ખેડબ્રહ્મા ભણી ઊડવા લાગતું અને પંથાલમાં મારા આગમનની સાથે વરસાદથી સંતૃપ્ત થયેલાં સામાં ‘દેવતીહા’ (દેવતરસ્યાં-ચાતક પક્ષી) આ ગીતકથા ગાવા માટે એમના હોઠ પર બેસતાં. સંશોધક અને લોકસાહિત્યના વાહકનો સંબંધ કેવો હોવો જોઈએ તે આ ગીતકથાની ગાયિકાને આ સંશોધકે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાંથી મળી રહે છે. ‘ખૂતાંનો રાઝવીઃ દેવોલ ગુઝરણ' બેઠોરગીતની સમાપ્તિ પછી મેં ગાયિકાને પ્રશ્ન કર્યો હતો, “આઈ ! તમે ઑણું ગીત હદા (દ૨રોજ) નહીં ગાતાં?” હ૨માંઆઈ ભાવુક બનીને બોલ્યાં હતાં, “હદા ગાઈએ તો ગીતાંમા આવતાં દેવતઈ લોકો (કથાનાં ચરિત્રો) દ:ખી થાય; એંણાંન (તેમને) દ:ખ પરેં એ આપુહી (આપણાથી) પૉણ ઝોયું નેં ઝાય એતણ આપુ પૉણ દ:ખી થાઈએ નં હૉપળવાવાળા (શ્રોતા) પૉણ દ:ખી થાય. ગાધા પેસ (ગાયા પછી) બત્તો મૉનવીઓનો મેળો હઉ હઉઆંના (સૌ સૌના) કેંર ઝાય. ઉં એખલી પરું એતણ મનં દેવતઈ લોકોની સેત (યાદ) આવેં નં મારી આઁખોમાહી વરસારો (વરસાદ) વરહેં !” આ પછી હ૨માંઆઈ વધુ ભાવસબળ બનીને મોકળા મને બોલવા લાગ્યાં હતાં, “મા૨ (મારે) પૉસ સૈયા હૈં પૉણ બત્તા પાપીલા હૈં. માર પાપમાહી પેંદા થા હૈં. એક થું હેં ઝો માર ધરમનો દીકરો હેં નં મા૨ મનં સતનો સૈયો હેં. ખેર(ખેડબ્રહ્મા)હો આવે નં આઈ! આઈ! કરતો માર કને (પાસે) બેહે. થું આવે એતણં વૈઈરો (વાયરો-પવન) વાર્ઝે નં વરસારામા (વરસાદમાં) લીલું ખૉર (ઘાસ) ખલ્લાટા (પવનથી ડોલે) મારે એંમ મારો હરદો (હૃદય) પૉણ ખુસ્સીહો ખલ્લાટા મારે! થેં કઉં એતણ મેં પરું (પૂરું) ગીત ગાધું (ગાયું) નકર (નહીંત૨) પરું ગાતી સ નહીં ને!” વાહક સાથેના આ વિરલ સંબંધના પર્વ ટાણે મને મારી ‘ધરમ’ની મહામના ‘મા’નાં દર્શન થયાં હતાં અને હું અકથ્ય આનંદથી ભાવવિભોર બની ગયો હતો. એક સવારે પંથાલ ગામે દેવાભાઈ સાધુના ઘેર પહોંચ્યો ત્યારે તેમના હાથમાં ભરેલી બંદૂક હતી અને એમની પત્ની હ૨માંબહેન ઝૂંટવવાનો પ્રયત્ન કરી રહી હતી. અત્યાર સુધી મેં ‘રૉમસીતમાની વારતા’ ગાતા સાધુ દેવાભાઈ ખાંટનું સૌમ્ય મુખ જ દીઠું હતું. આજે એમણે રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું. આંખોમાં લોહી ધસી આવ્યું હતું અને આવેશમાં બરાડી ઊઠ્યા હતા, “નેં સોરું (છોડું), નવઝીરાન નેં સોરું.” હરમાં તેને વાળતાં બોલતી હતી, “થાર (તારે) મારવા એં (હોય) તો મારા પેટના તેંણ (ત્રણ) સૈયા (દીકરા) માર. મેં એંણીન ઝોઈય નહીં પૉણ મારી હૉક(શૉક)ના સૈયા નવઝીરાન નેં મારવા દેઉં. માર (મારે) તો હૉકના સૈયા પેલા નં પેસ (પછી) મારા.” દેવાકાકા ગુસ્સામાં પગ પછાડતા બોલતા હતા, “કેંર (ઘેર)પૉસ સૈયાં તો હેં નં નવઝીરાએ ગમારાની સોરી (છોકરી)ન ગોઠણ (પ્રેમિકા) કિમ કરી? પાસો બાયલી (બાયડી) બણાવવાની વાત કરે. ઑણો માર આબરૂ પર બેઠો. ઑમ તો પુરાણી (પૂરો) સાધ (સાધુ) થઈન ફિરેં (ફરે)ન પાસો ગોઠણો નં બાયલીઓ એરતો (શોધતો) ફિરેં” દેવાકાકાના બરાડા સાંભળીને પાસેના ખેતરમાં કામે ગયેલા કુટુંબીજનો દોડી આવ્યા. મોટો દીકરો પાબુ બાપના હાથમાંથી બંદૂક આંચકી લેતો બોલ્યો, “નવઝીરો પૉણ માર તો પાઈ (ભાઈ) હેં, આઈ (મા) ઝુદી અતી તો હું થેઈ ગઉં?” મેં પાણિયારેથી લોટો ભરી લાવીને દેવાકાકાને પાણી પાયું. શાંત થયા. મને જોઈને લજવાયા. દેવાકાકાને નવજીના વર્તનથી આઘાત લાગ્યો હતો અને ગુસ્સો આવ્યો હતો એવો જ ગુસ્સો મને મારી જાત પર આવ્યો. હું છેલ્લાં પાંચ વર્ષથી પંથાલમાં દેવાકાકાના ઘેર ‘રૉમ-સીતમાની વારતા’, ‘ભારથ’ની કેટલીક પાંખડીઓ અને અન્ય ભજનો ધ્વનિમુદ્રિત કરવા આવતો હતો. નવજી મુખ-પરંપરાનો મોટો વાહક-ગાયક હતો. હ૨માંબહેન ભજનમાં સહભાગી બાણિયો (રાગિયો) હતી. તે વાત્સલ્યથી ઓળઘોળ થઈને ભજનમાં રાગ પુરાવતી હતી પણ આજે પાંચ વર્ષે ભાંડો ફૂટ્યો હતો કે એ એની સગી નહીં પણ ઓરમાન મા હતી. હરમાંબહેનને એના પેટના કરતાં શૉકનાં છોકરાં અદકેરાં વહાલાં હતાં. હું આ મહામના માતાના હૃદયને ઓળખવામાં ભૂલ-થાપ ખાઈ ગયો હતો! શાંત થયેલા દેવાકાકાને હ૨માંબહેન સમજાવવા લાગી, “નવઝીરાનો હેંણો દોહ (શાનો દોષ)? થાર (તારે) એક બાયલી (પત્ની) અતીન મનં નહીં લાવો? આપુની નાતમા તો થાતું આવું હેં! થેં બે બાયલી નહીં કરી? નવઝીરોય એંણા બા (બાપ) પર પરો હેં (તેના બાપને સોઈ ગયો છે).” દેવાકાકા હ૨માંબહેનના આ અકાટ્ય તર્કનો જવાબ વાળી શક્યા નહીં. નવજીને એક મોટો ભાઈ હતો; વિ૨મો. હ૨માંબહેનને પેટના ત્રણ દીકરા હતા; પાબુ, પાંગતો અને પ્રવીણ. મેં સગા ભાઈઓને અંદર-અંદ૨ ઝઘડતા જોયા હતા. ઓરમાન ભાઈઓને તો ક્યારેય ઊંચા સાદે બોલતા જોયા નહોતા. મને દશરથ રાજાનો પરિવાર યાદ આવ્યો. દેવાકાકાના પૂરા પરિવારના હૃદયમાં ‘રૉમ-સીતમાની વારતા' વસતી હતી. ફક્ત ગાવામાં જ નહીં પણ જીવનના વ્યવહારમાં પણ એ પ્રગટતી હતી.

***