મારી લોકયાત્રા/૬. લોકમાં પુનર્જન્મ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૬.

લોકમાં પુનર્જન્મ

૧૯૮૩માં ‘લીલા મોરિયા' પ્રસિદ્ધ થયું એના પાંચ વર્ષ પહેલાં અષાઢની એક મેઘમેદુર સાંજે ખેડબ્રહ્માના હૃદય જેવી હરણાવ નદીના પુલ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. ચિત્ત પ્રકૃતિના હરિયાળા દરિયા વચ્ચે છલકાતું હતું. પાછળ ભીલ આદિવાસી તરુણ-તરુણીઓનો એક નાનકડો સમૂહ લોકનૃત્યની મુદ્રામાં ઝડપથી ચાલતો અને ગીતો ગાતો આવી રહ્યો હતો. બોલી સમજાતી ન હોવા છતાં વરસાદથી ભીંજાયેલા લોકગીતના સ્વરો હૃદયમાં અકથ્ય અનુભૂતિ જન્માવતા હતા. વરસાદ અને આનંદથી ભીંજાયેલો આ લોકસમુદાય નજીક આવ્યો. ગીતનો આરંભ સૌથી પહેલાં તરુણો કરતા હતા અને દેહના એક લાક્ષણિક લય સાથે શામળી તરુણીઓ ગીતના આ બોલ ઝીલતી હતી. કન્યાઓ ગીતને ઝીલતી હતી ત્યારે કેટલાક જુવાનિયા મુખ પર હાથ ધરી અવાજને વારંવાર અવરોધીને આનંદની કિલકારિયો (કિલ્લાટી) કરતા હતા. હૃદયમાં નરદમ ભાવો ભરેલું વનવાસી વૃંદ ખેડબ્રહ્માના એસ.ટી.બસ સ્ટેન્ડ ભણી જઈ રહ્યું હતું. કૌતુકથી પ્રેરાયેલો હું પણ તેમની પાછળ જવા લાગ્યો. મનમાં થયા કરતું હતું કે “આ ન સમજાતાં ગીતોમાં એવું તો કયું આંતરિક સત્ત્વ છે કે આટલો બધો લોકસમુદાય યંત્રયુગની વિષમતાની વિરુદ્ધ જઈ આનંદમાં રસલીન બને છે.” ગીતો તેઓ ઝડપથી બદલતાં હતાં. એક તરુણે પગના વિશિષ્ટ ઠેકા સાથે ગીત ઉપાડ્યું. આવર્તન પામતા ગીતના કેટલાક બોલ ચિત્તમાં સંગ્રહી લીધા. એ પંક્તિઓ આ પ્રમાણે હતીઃ માંય પરણાવી દૂરા દેસ, ઝબૂકો મેલી દેઝે'લા. એંણ ઝળૂકે ન ઝળૂકે પાસી આવું'લા! આવાસે આવીને સ્મૃતિમાં સંગ્રહી રાખેલી ગીતપંક્તિઓ કાગળ ઉપર લખી લીધી. બીજા દિવસે મારા એક ભીલ આદિવાસી વિદ્યાર્થી પારઘી જુમાભાઈ ગલજીને આ પંક્તિઓ વંચાવી. તે આ પંક્તિઓ વાંચીને આશ્ચર્ય અને આનંદથી હસી પડ્યો; પછી લજવાતો બોલ્યો, “સાયેબ, આ ગીત તો ગોઠિયાનું હેં!' મેં કહ્યું, “જેનું હોય તેનું પણ મને તેનો અર્થ સમજાવ." તેણે ગીતનો અર્થ સમજાવ્યો, “હે ગોઠિયા! (પ્રેમી) મને દૂર દેશ પરણાવી દીધી પરંતુ (તારા વિના) ત્યાં ફાવતું નથી. તું દર્પણ મૂકી દેજે કે જેથી દર્પણ ૫૨થી પરાવર્તિત થતા સૂર્યપ્રકાશની સાથે પાછી આવું અને તને મળું!” સૂર્યપ્રકાશની તીવ્ર ગતિએ પાછા આવવાની કલ્પના ચિરનૂતન! સાદી બોલીમાં સમૂહનર્તન સાથે વિયોગની કેવી તીવ્રતા વ્યક્ત થયેલી છે! મન પ્રસન્ન થઈ ઊઠ્યું. અને મારા ચિત્તમાં વર્ષોથી સંગ્રહી રાખેલી સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી શિષ્ટ લિખિત કવિતાના સંસ્કારો પર નાગફેણની જેમ પ્રશ્નાર્થો ઊભા થવા લાગ્યા. વૈયક્તિક અનુભૂતિઓમાંથી જન્મતી અને વાંચવાથી એકલદોકલ સમાનધર્માને આનંદ આપતી કવિતા સાચી કે ‘લોક'માંથી ઊભી થતી અને ‘સમૂહ’ – પૂરી જાતિને ગીત-નૃત્યસંગીત અને ઋતુનો આનંદ આપતી તથા રોજિંદા જીવન સાથે અવિનાભાવે જોડાયેલી કવિતા સાચી? કૉલેજના અભ્યાસકાળમાં શિષ્ટ સાહિત્યના વાંચનના પ્રભાવતળે મારા ચિત્તના સાતમા પાતાળમાં ઢબૂરાઈ ગયેલા લોકસંસ્કાર પુનઃ સળવળવા લાગ્યા. ડુંગરની તળેટીમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલું મારું જામળા ગામ, ગાંદરું અને મારા ખેતર યાદ આવવા લાગ્યાં. તારામઢી હૂંફાળી રાતોમાં મારા ખેડુ દીપસીના ખોળામાં સૂતાં-સૂતાં પીધેલી ‘ગજરા-મારુ’ અને ‘સદેવંત-સાવંળિગા’ની વાતો યાદ આવવા લાગી. ચણોઠી, કરેણ અને બીલીનાં પાનથી શણગારેલી ગૉર્યને જળાશયમાં પધરાવવા જતાં- ‘ખોળે ઘાલી કાસલીઓ, ખાતાં-ખાતાં ઝૉય રે ગૉર્યમા' ગાતી કન્યાઓની સ્મૃતિઓ તાજી થવા લાગી. ગાંદરેથી વિદાય લેતી કન્યાનાં છેલ્લાં ડૂસકાં વચ્ચે સ્ત્રીઓના વલવલતા હોઠોમાંથી જન્મતી ‘હોલામાંની ઊડણ સેંકલી (ચકલી) ઊડી ઝાહેં’ પંક્તિઓની સાથે ખોબોખોબો આંસુડે રડતું આખું ગામ યાદ આવવા લાગ્યું. મનમાં ફરીને પ્રશ્નો ઊઠવા લાગ્યા. આ તો મારી બાલ્યાવસ્થાના સમયના ‘લોક’નું રૂપ હતું. અત્યારે ગામના લોકોની જીવનરીતિમાં ધરમૂળથી પરિવર્તન આવ્યું હતું. હવે ગામ ભણી ‘લોક' અને તેના ‘સાહિત્ય’ના સંશોધન માટે જવાય તેમ હતું નહીં. બીજી બાજુ આદિવાસી બોલીથી અજાણ હતો. પેલી પંક્તિઓ મનમાં પ્રગાઢ બનીને આકર્ષતી હતી ‘ઝળૂકો મેલી દેઝે’લા’. લોકે મૂકેલા દર્પણના ઉજ્જ્વળ પ્રકાશના સ્રોતને પામવા મનોમન દૃઢ નિર્ણય કર્યો અને બોલીને સમજવા ઉજળિયાતોનો મહોલ્લો છોડી હરણાવ નદીના કિનારે આવેલા આદિવાસી-આશ્રમ ‘સેવાનિકેતન”માં રહેવા ચાલ્યો ગયો. આદિવાસી વિદ્યાર્થીઓ પાસેથી ભીલી બોલી શીખવાની શરૂઆત કરી. બાળકો અંદર-અંદર વાતો કરે તે કાન દઈને સાંભળવા લાગ્યો. સમય મળ્યે દિવસ દરમ્યાન આદિવાસી વિસ્તારોમાં ફરવા લાગ્યો અને ભાંગીતૂટી ભીલી બોલીમાં જ વાતો કરીને ભીલો સાથે પરિચય કેળવવા લાગ્યો. પણ ત્યાં તો થોડા જ સમયમાં આજુબાજુ વસતા ઉજળિયાત કર્મચારીઓ અને તેઓની સ્ત્રીઓની શંકાની સોય મારા ભણી તકાવા લાગી. અંદર-અંદર કાલ્પનિક ચર્ચા થવા લાગી, “એ તો દારૂ પીવા આદિવાસી વિસ્તારમાં જાય છે. એકલો રહે છે માટે ભીલોનાં ઝૂપડાંમાં જાય છે! આદિવાસીઓ ભેગો રહીને વટલાઈ ગયો છે.” ફક્ત ચર્ચા જ નહીં, મારી સાથે આભડછેટ પળાવા લાગી. મન પાછું મૂંઝાયું. આવા દુર્દિનોમાં ધોળે દિવસે ખેડબ્રહ્માના ભરબજારમાં ગોત્રીય વેરના કારણે બહેડિયા ગામના ભીખા ગમારને દિગ્થળી ગામના દેવા ડાભીએ કડીવાળી ડાંગથી વધેરી નાખ્યો. જેમની સાથે મીઠો સંબંધ બંધાયો હતો એવા, આશ્રમના ત્રણ કર્મચારી રાત્રે મારી પાસે આવ્યા. દિવસે બનેલા બનાવથી તેઓ મારા માટે ચિંતિત હતા. એક વડીલે (જે આશ્રમના સ્થાપક નંદુભાઈ પટેલ હતા) સીધો પ્રશ્ન કર્યો, “તું આદિવાસી વિસ્તારમાં વારંવાર શા માટે જાય છે?” મેં કહ્યું, “લોકસાહિત્ય શોધવા.” તેમના મુખ ૫૨ આવેશ પ્રગટ્યો, “શાનું લોકસાહિત્ય? મૂઠીમાં સમાય એટલાં તો તારાં હાડકાં છે. આજે બપોરે બહેડિયાનો ભીખો વધેરાઈ ગયો તેમ તું વધેરાઈ જઈશ!” થોડાક શાંત પડીને મને ફરી સમજાવવા લાગ્યા, “તું તો કાલે આવ્યો છે પણ હું વર્ષોથી અહીં રહ્યું છું. ભીલોનો વિશ્વાસ નહીં. કયા સમયે વિફરે કંઈ કહેવાય નહીં. તારા બાપને સાત ખોટનો તું એકનો એક દીકરો છે. તારા લોકસાહિત્યમાં મૂક પૂળો! ભીલોને વળી સાહિત્ય કેવું?” તેઓનો વાક્પ્રવાહ વહેતો રહ્યો અને હું મૂક બની ગયો. આમની સામે દલીલ કરવાનો કોઈ અર્થ નહોતો. ફળશ્રુતિ રૂપે છેલ્લે થોડીક ઔપચારિક વાતો થઈ અને મારા હિતની ચિંતા કરીને તેઓ ચાલ્યા ગયા. ચિત્ત ગ્લાનિથી ભરાઈ ગયું, “ઉજળિયાત લોકો વિચારે છે, કહે છે, તેવા આદિવાસીઓ હશે કે પછી તેમના તરફનો પૂર્વગ્રહ અને તેમાંથી જન્મેલો તિરસ્કાર પરંપરામાંથી આવ્યાં હશે?” આવા ગડમથલના દિવસોમાં તા. ૨૫-૬-૧૯૮૦ની સવારે ભીલ વિદ્યાર્થી ડાહ્યાભાઈ રણમોલ ખોખરિયા લગ્નનો સંદેશો લઈને આવ્યો, “સાયેબ, આઝ હૉટોઈ ગામ્મા (સાંઢુસી ગામમાં) લગન હેં; ઝોવા ઝાવું હેં?” આ પહેલા મેં આદિવાસી લગ્ન જોયું નહોતું અને આવા લગ્ન જેવા સામાજિક પ્રસંગે વનમાં રાતવાસોયે નહોતો કર્યો. તેના સંદેશાથી ચિત્તમાં તીવ્ર અભિનિવેશ પ્રવેશ્યો. કહ્યું, “અત્યારે જ જઈએ.” ખેડબ્રહ્મા કેન્દ્રથી ઉત્તરે ૧૬ કિ.મી. દૂર આવેલા સેબલિયા ગામથી ૭ કિ.મી. દૂર પશ્ચિમ દિશા તરફ આવેલી સાબરમતીના પશ્ચિમ કિનારે સાંઢુસી ગામ આવેલું છે. આ ગામમાં ડાભી કેવળાભાઈ માધાભાઈની બે દીકરીઓનાં લગ્ન હતાં. બસમાંથી સેબલિયા ગામ ઊતરી પગદંડીએ અમે સાંઢુસી ગામ ભણી ચાલ્યા. નજીક અને દૂર અરવલ્લી ડુંગરની નાની-મોટી અનેક ટેકરીઓ પથરાયેલી હતી. વરસાદ આવવાથી હર્ષિત થયેલી અને ગંધવતી બનેલી ધરતીના રોમાંચ જેવા તૃણાંકુરો ફૂટતા હતા. જેવા નદીના પૂર્વ કિનારે આવ્યા કે અમારાં નેત્રો આશ્વર્યથી વિસ્ફારિત થઈ ગયાં. માટીવાળું પાણી વિશાળ પટ ભરીને વહી રહ્યું હતું. પૂર આવવાની એંધાણી વર્તાતી હતી. પશ્ચિમ કિનારેથી આવતા ઢોલ અને શરણાઈના સૂરો રોમાંચિત કરતા હતા અને અમારા ચિત્તમાં સામા કિનારે જવાનો તલસાટ વધતો હતો. આવા સમયે ડાહ્યાના ચિત્તમાં એક વિચાર ઝબક્યો, “સાયેબ, ઑણે ઢોકે માર ફૂઈનું કેંર હેં. માર પાઈ નં બોલાવી લાવું. આપુન ગોળીહા નઈમા ઉતારહેં”. (“સાહેબ, આ કિનારે મારી ફોઈનું ઘર છે. મારા ભાઈને બોલાવી લાવું. આપણને ગોળીની મદદથી નદી પાર કરાવશે.”) ડાહ્યો બાજુના પાથેરા ગામમાંથી ફોઈના દીકરા બુબડિયા બધાભાઈ ભેમાભાઈને બોલાવી લાવ્યો. બધાના ખભે પહોળા મુખનો માટીનો મોટો ગોળો હતો અને છૂટા હાથમાં વાંસનો દંડો હતો. નજીક આવીને તેમના સામાજિક રિવાજ પ્રમાણે અમને ‘રામ-રામ’ કર્યા. અમારી સાથે પાંચમહુડા ગામના પરમાર ધનાભાઈ મોતીભાઈ પણ હતા. લગ્નની ‘નૂતર’ (આમંત્રણ) મૂકવા સાંઢુંસી આવવાનું હતું. કપડાં, નોંધપોથી અને ટેપરેકર્ડર ગોળામાં મૂક્યાં. બધાએ વાંસનો દંડો ગોળામાં મૂકીને ગોળાને તરતો મૂક્યો. આવતા પૂરે ગોળાના કાના પકડીને નદીમાં ઊતરવાનો આ મારો પહેલો અનુભવ હતો. પાણીમાં તણાઈ આવતી કોઈ વસ્તુ સ્પર્શતી તો ચિત્ત ભયથી ભરી જતું. અત્યારે તો બધો જ અમારું ‘બધું’ હતો. ધીમે-ધીમે અમારી જીવનનૈયા સમો માટીનો ગોળો આગળ ધપવા લાગ્યો. જળમાં અડધે રસ્તે ગયા હોઈશું ને ડાહ્યાના ઉઘાડા શરીરને પાણીમાં વહી આવેલી કશીક મોટી વસ્તુ સ્પર્શી અને ભયભીત તેણે ઊછળીને ગોળા તરફ તરાપ મારી. આજુબાજુ મોત ગીધની માફક ભમવા લાગ્યું અને અમ-ચારને ભરડો લેવા લાગ્યું. ધનાકાકાને સમયસૂચકતા સૂઝી. ગોળામાંથી દંડો લઈ ડાહ્યાના ખભા પર ફટકાર્યો અને ડાહ્યો પાછો પડી ગયો. હાલકડોલક થતી અમારી જીવનનૈયાને ‘બધા’એ માંડ-માંડ સંભાળી લીધી. સામા કિનારે ઊભો એક જુવાન અમારા પર થઈ રહેલી મૃત્યુલીલાને જોઈ રહ્યો હતો. તેને લાગ્યું કે મધ્યજળમાં અમે ગભરાઈ ગયા છીએ. બચાવી લેવાના શુભ આશયથી તેણે પાણીમાં ઝંપલાવ્યું. જળમાં અર્ધવર્તુળાકારે ઘેરતો અમારા ભણી આવવા લાગ્યો. જેમ કિનારો પાસે આવવા લાગ્યો તેમ મૃત્યુની કરાલ દાઢમાંથી મુક્ત થતા હોઈએ એવી અનુભૂતિ થવા લાગી. કિનારે આવ્યા પછી વિના સ્વાર્થે જળમાં ઝંપલાવનાર સાંઢુસી ગામના ડાભી લુકાભાઈને બધાભાઈ અને ધનાભાઈએ ‘રામ-રામ' કર્યા. કાકા બોલ્યા, “ઝોરદાર આદમી હેં હાં! હાગી આદમી!” પ્રકૃતિના કોમલકરાલ પ્રાંગણમાં લુકાભાઈના જ નહીં પણ ‘લોક’- ભીલ આદિવાસી ‘લોક'ના ઉમદા મુખને ઘડીભર જોઈ રહ્યો. તેને સાચા સ્નેહથી ધન્યવાદ આપ્યા. નદીમાં પાણી વધી રહ્યું હતું. બધો સામા કિનારે જવાની ઉતાવળમાં હતો. મારાથી ચેષ્ટા થઈ ગઈ. ઋણ ચૂકવવાના આશયથી પાંચની નોટ બધા સામે ધરી. તેના મુખ પર રોષની ટશરો ફૂટી. બોલ્યો, “રૂપિયા કમાવા વાસ્તે નઈમાહી નહીં ઉતારા!' (રૂપિયા કમાવા માટે નદીમાંથી નથી ઉતાર્યા ) વળી પાછો સૌમ્ય બનીને બોલ્યો, “ઝાઝે'લા સાયેબ” (આવજો સાહેબ!) ગોળો લઈને જતા તેના હોઠ પર જીવતું હાસ્ય રમી રહ્યું હતું. આજે મને જીવનમાં પહેલી વાર ‘લોક'ના અંતઃસત્ત્વનાં દર્શન થયાં હતાં. વરસતા મેઘલ અંધાર વચ્ચે ગામમાં પહોંચ્યા. ભડક રંગોમાં સજ્જ વરપક્ષ અને કન્યાપક્ષની સ્ત્રીઓનાં મુખમાંથી નૃત્યની મુદ્રામાં વછૂટતાં ફટાણાંના ધોધ વચ્ચે લગ્નની સામાજિક વિધિઓ ચાલતી હતી.(2) 2. આ અંગેની તલસ્પર્શી માહિતી માર્ચ, ૧૯૮૩માં પ્રસિદ્ધ થયેલાં ભીલોનાં લગ્નગીતોના સંપાદન ‘ફૂલરાંની લાડી’માં વિગતે આપી છે. રાતે ડાહ્યાના દૂરના સગા નાથાભાઈ ડાભી અમને જમવા માટે તેમના “ખોલરે” લઈ ગયા. તેમના જીવનની મોંઘી સંપત્તિ જેવી એકની એક નવી રજાઈ તૂટેલા ખાટલા પર પાથરી મને બેસાડ્યો. (બાકી તો ઘ૨માં ગોદડાંના નામે તૂટેલાં ગાભાં જ હતાં) રાતે આઠ વાગે તેમની પત્ની અમારા માટે દળવા બેઠી. ઘંટીનો અવાજ પીતો વિચારવા લાગ્યો, ‘સેવાનિકેતન આશ્રમમાં વડીલ વર્ણન કરતા હતા એવા ક્યાં છે આ લોક? ઉજળિયાતોથી મૂઠી જ નહીં; હાથ ઊંચા છે!’ જીવનમાં પહેલી વા૨ લોકના નિર્વ્યાજ સ્નેહ અને નરદમ મમતાનો અનુભવ થયો. વાળુ કર્યું ન કર્યું ત્યાં પવન અને વરસાદ એકબીજાની સ્પર્ધામાં ઊતર્યા. નળિયાંથી આચ્છાદિત ઝૂંપડું સ્થળે-સ્થળે ચૂવા માંડ્યું. પવનના એક જ જોરદાર સપાટે કોડિયું હોલવાઈ ગયું અને ઘર અંધારાથી લીંપાઈ ગયું. ભીંજાયેલાં બકરાં અને કૂકડાંનાં શરીરમાંથી છૂટતી આદિમ ગંધ ઘરમાં વ્યાપી ગઈ. મને વરસાદથી પડતી મુશ્કેલીથી નાથાભાઈ દુઃખથી અડધા થઈ જતા હતા અને હું તેમને સાંત્વન આપતો બેઠો હતો. બહાર વીજળીઓ ઝબૂકતી હતી તેમ મારા મનમાં પણ વીજળીઓ ઝબૂકા લેતી હતી. મનમાં વ્યાપેલા આ આંતર તેજમાં બપોરે જીવન સાથે ભજવાયેલો પ્રસંગ ચોખ્ખો દેખાઈ રહ્યો હતો. મારી જીવનહોડી સાબરમતીના મધ્યજળમાં જ ફૂલ હતી.. લોકસાહિત્યનું સંશોધન કરવા આવેલા મને લોકે જ ઉગારી લીધો. મનમાં ગ્રંથિ બંધાવા લાગી કે મારા શેષ જીવનનો સાચો અધિકારી આ ‘લોક' જ છે. સંશોધનમાં જેમ-જેમ મુશ્કેલીઓ આવતી ગઈ તેમ-તેમ આ ગ્રંથિ બળવાન બનવા લાગી. સાબરમતીના કિનારે મને શેષ જીવનનું કર્મક્ષેત્ર લાધ્યું અને આમ ‘લોક’માં મારો પુનર્જન્મ થયો.

***