મેઘાણીની સમગ્ર નવલિકા/કેદીનું કલ્પાંત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કેદીનું કલ્પાંત

ઊંચી ઊંચી ડાળના લીંબડા, હો ભાઈ!
ઊંચી ઊંચી ડાળના હો લીંબડા!
મારે તું વિના ન કોઈની સગાઈ રે,
જેલનાં જીવન એવાં રે.

લાખ લાખ પાંદ તારી આંખડી, હો ભાઈ!
લાખ લાખ પાંદ તારી આંખડી;
મારા ગામ તણી સીમડી કળાય રે? — જેલનાં.

મહીસાગર તીર મારાં ખોરડાં, હો ભાઈ!
મહીસાગર તીર મારાં ખોરડાં;
એની ઓસરીએ ચાંદની ચળાય રે — જેલનાં.

ઘરની ધણિયાણી મારી ફાતમા, હો ભાઈ!
ઘરની ધણિયાણી બીબી ફાતમા;
જોજે, ખેતર ગઈ છે કે કૂબા માંય રે — જેલનાં.

કાસદ કરી મેલ્ય એક કાગડો, હો ભાઈ!
કાસદ દઈ મેલ્ય કાળો કાગડો;
મને એક વાર હળીમળી જાય રે — જેલનાં.

ત્રણ ત્રણ મહિનાની મુલાકાત છે, હો ભાઈ!
ત્રણ ત્રણ મહિનાની મુલાકાત છે;
ઝીણી જાળીઓ આડેથી વાતો થાય રે — જેલનાં.

કે’જે સીવડાવે નવાં પગરખાં, રે ભાઈ!
કે’જે સીવડાવે નવાં પગરખાં;
એના તળિયામાં રૂપૈયા રખાય રે — જેલનાં.

રૂપિયો દેવો પડે સપાઈને, રે ભાઈ!
રૂપિયો દેવો પડે સપાઈને;
નથી દેતા તો ચામડાં ચિરાય રે — જેલનાં.

પંદર મીલેટના મેળાપ છે, રે ભાઈ!
પંદર મીલેટના મેળાપ છે;
ભૂંડી! જાળવજે, રોઈ ના જવાય રે — જેલનાં.

રોશું તો પડશે મને ધોકલાં રે ભાઈ!
રોશું તો પડશે ધીંગા ધોકલા;
તારી નજરું સામે એ નૈ સહાય રે — જેલનાં.

મરિયમ નાની છે મારી દીકરી, રે ભાઈ!
મરિયમ નામે છે ડાહી દીકરી;
એને કે’જે જાળીને ન અડકાય રે — જેલનાં.

મરિયમની કૂણી કૂણી આંગળી, રે ભાઈ!
મરિયમની કૂણી કૂણી આંગળી;
એને ટેરવે અડું તો સજા થાય રે — જેલનાં.

મરિયમને દૂરથી બકા કરું, રે ભાઈ!
મરિયમને દૂરથી બકા કરું,
તો તો જેલર ખારો થઈ ખિજાય રે — જેલનાં.

પૂછીશ ના સુખદુ:ખની વાતડી, રે ભાઈ!
પૂછીશ ના ભીતરની વાતડી;
મારાં માફી તણાં દનૈયાં કપાય રે — જેલનાં.

બરધિયાને કાંધ હવે કેમ છે, રે ભાઈ!
(મારા) બરધિયાને કાંધ હવે કેમ છે?
રે’તા ભૂખ્યા કે રાતના ધરાય રે — જેલનાં.

અરધાં ભૂખ્યાં તમે ભલે રહો, રે ભાઈ!
અરધાં ભૂખ્યાં તમે ભલે રહો
મારા બરધિયાની સાર લ્યો સવાઈ રે — જેલનાં.

વેચો વળીઓ ને વેચો વાંસડા, હો ભાઈ!
વેચો વળીઓ ને વેચો વાંસડા
મારા બરધિયાને વરસ બે જિવાડ્ય રે — જેલનાં.

ફટકા ફાંસીનું શીખું કામ જો હું ભાઈ!
ફટકા ફાંસીનું બૂરું કામ જો;
વધે માફી વળી રૂપૈયા રળાય રે — જેલનાં.

બદનામી થાય આખી જેલમાં, હો ભાઈ!
બદનામી થાય આખી જેલમાં;
પીર દાવલશા સોણલે ભળાય રે — જેલનાં.

ઘોળી માફી ને ઘોળ્યા રૂપિયા, હો ભાઈ!
ઘોળી માફી ને ઘોળ્યા રૂપિયા;
વરસ બે તો વહી જાશે પલક માંય રે — જેલનાં.