યુગવંદના/ક્રંદનો કેટલાં બાકી!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ક્રંદનો કેટલાં બાકી!


પુત્રોને ઝેરના પ્યાલા પિવાડીને સુવારજો;
બંદૂકો ઝાલતાં પૅ’લાં બાવડાં છેદી નાખજો!
વિશ્વની કોટિ માતાઓ! સંઘરા ક્રંદનો તણા
ખારાં વારિ તણાં ટાંકાં, હજુ શું રહિયાં ઊણાં?
મોં વાળ્યાં, માથડાં ઢાંક્યાં, ધડૂસ્યાં છાતી-છાજિયાં;
હજુ યે કેટલાં બાકી, ઉલેચણ આંસુનાં રહ્યાં!
બેટડા જન્મતી કાં તો, માવડી બંધ થા હવે;
કાં તો આંસુ જલાવી દૈ, હુતાશન પ્રગટાવ હે!
કારમા લોહ-થંભાઓ ગાળી અગ્નિરસો પીઓ!
કોટિકોટાન અંબાઓ! આંકડા ભીડી નીસરો.
હીંચોળી પારણાં લીધાં: ઝંઝા-જૂથ બનો હવે.
ઝંઝેડો તખ્ત ને તાજો: પ્રલયંકર ચંડી હે!
૧૯૩૮